Opinion Magazine
Number of visits: 9733787
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૈરફિલ્મી ગુલઝાર : કિતાબોં સે કભી ગુઝરો તો યું કિરદાર મિલતે હૈં

સોનલ પરીખ|Opinion - Opinion|16 September 2022

ફિલ્મસૃષ્ટિનું ગ્લૅમર ગુલઝારને હંમેશાં વીંટળાયેલું રહ્યું છે. ફિલ્મોએ તેમનામાં રહેલી સર્જકતાને એક ઓળખ આપી છે, ફિલ્મસૃષ્ટિએ તેમને બિરદાવવામાં બાકી નથી રાખ્યું અને તેમના ચાહકોની સંખ્યા પણ નાનીસૂની નથી; છતાં માધ્યમ તરીકે ફિલ્મોની જે એક મર્યાદા છે તે તેમની સર્જકતાને ક્યાંક નડી તો હશે. તેમણે કહ્યું પણ છે, ‘ફિલ્મ તો એક ઉપશાખા છે. એ સિવાય પણ મેં ઘણું લખ્યું છે અને ખરું જોતાં તેમાં હું વધારે મુક્ત હોઉં છું, વધારે વ્યક્ત થઈ શકું છું.’ તો મળીએ, ગૈરફિલ્મી ગુલઝારને?

દસેક વર્ષ પહેલાની વાત. ‘જય હો’ માટે ઑસ્કાર એનાયત થયો એ પછીની સવાર. ગુલઝારને ત્યાં ફૂલના ગુચ્છાઓનો ઢગલો થયો. એમણે શાંતિથી મિત્ર અરુણ શેવાટેને કહ્યું, ‘પ્લાસ્ટિક હટા દેના ભાઈ, યે ફૂલ સાંસ નહીં લે સકેંગે …’

આ ગુલઝાર. 18 ઑગસ્ટે તેમને 88 વર્ષ પૂરાં થયાં. એ પહેલા ત્રણ દિવસે આઝાદીના સુવર્ણમહોત્સવ સમો સ્વાતંત્ર્યદિન ગયો. અનેક શહેરોમાં ભાગલા અને સ્વાતંત્ર્યને લગતાં પુસ્તકોનાં વિમોચન અને પ્રદર્શન થયાં. તેમાં ગુલઝારનાં ભાગલાવિષયક કાવ્યોનું એક અંગ્રેજી પુસ્તક ધ્યાન ખેંચતું હતું : ‘ફૂટપ્રિન્ટ્સ ઑન ઝિરો લાઈન’. મૂળ ઉર્દૂ પુસ્તકનું અંગ્રેજી રક્ષંદા જલિલ નામની યુવાન લેખિકાએ કર્યું છે, પ્રકાશક હાર્પર કૉલિન્સ. તેનું વિમોચન અમૃતસરના પાર્ટિશન મ્યુઝિયમમાં થયું હતું. દેશભરનાં અખબારો અને અન્ય માધ્યમોએ તેની નોંધ લીધી હતી. પંદરેક વર્ષ પહેલા ગુલઝારનાં જ ગીતોની મહેફિલ રચી પ્રીતિબહેન કોઠીએ ગુલઝારના પુસ્તક ‘રાવી પાર’ના ગુજરાતી અનુવાદનું વિમોચન કર્યું હતું. પ્રકાશક એન.એમ. ઠક્કર. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે આવેલા ગુલઝાર કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી ઉપસ્થિત રહ્યા હતા. ગુલઝારની વાત કરીએ ત્યારે એક પ્રકારની ‘સીલન’નો અનુભવ થયા કરે. સીલન ગુલઝારનો પ્રિય શબ્દ છે જેનો અર્થ થાય છે ભીનાશ. તરબોળ કરતી નહીં, જરા જરા ઝમતી ઠંડી ભીનાશને સીલન કહે છે.

ફિલ્મસૃષ્ટિનું ગ્લૅમર ગુલઝારને હંમેશાં વીંટળાયેલું રહ્યું છે. સંવાદ, પટકથા, ગીતો કે દિગ્દર્શનના રૂપમાં તેમનામાં રહેલી સર્જકતાને ઓળખ મળી છે. ફિલ્મસૃષ્ટિએ તેમને બિરદાવવામાં બાકી નથી રાખ્યું અને તેમના ચાહકોની સંખ્યા પણ નાનીસૂની નથી, છતાં માધ્યમ તરીકે ફિલ્મોની જે એક મર્યાદા છે તે તેમની સર્જકતાને ક્યાંક નડી તો હશે. તેમણે કહ્યું પણ છે, ‘ફિલ્મ તો એક ઉપશાખા છે. એ સિવાય પણ મેં ઘણું લખ્યું છે અને ખરું જોતાં તેમાં હું વધારે મુક્ત હોઉં છું, વધારે વ્યક્ત થઈ શકું છું.’ ગુલઝારની ફિલ્મો અને એમનાં ગીતો વિશે આપણે ઘણું જાણીએ છીએ. ક્યારેક ગૈરફિલ્મી ગુલઝારને પણ મળીએ તો કેવું?

ગૈરફિલ્મી ગુલઝારની હસ્તી ફિલ્મી ગુલઝાર કરતાં ઘણી મોટી છે. પાંચ કાવ્યસંગ્રહ, બે વાર્તાસંગ્રહ અને સોળ બાળપુસ્તકો તેમના નામે બોલે છે. ઉપરાંત પણ તેમની અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે. માત્ર વિગત નોંધીએ તો પણ લેખનું ફલક નાનું પડી જાય. આજે વાત કરીશું એમની થોડી વાર્તાઓની. આ વાર્તાઓમાંની અમુક આપણે 1993થી 1995 સુધી પ્રગટ થતી ગુલઝાર દિગ્દર્શિત સિરિયલ ‘કિરદાર’માં જોઈ છે. કિરદાર એટલે પાત્ર. જિંદગીના રંગમંચ પર જીવતાં પાત્રો આ વાર્તાઓમાં સાકાર થયાં હતાં. તેનું શીર્ષકગીત જગજિત સિંહે ગાયું હતું. શબ્દો અલબત્ત, ગુલઝારના હતા: કિતાબોં સે કભી ગુઝરો તો યું કિરદાર મિલતે હૈં, ગયે વક્તોં કી ડ્યોઢી મેં ખડે કુછ યાર મિલતે હૈં; જિસે હમ દિલ કા વીરાના સમઝકર છોડ આયે થે, વહાં ઉજડે હુએ શહરોં કે કુછ આસાર મિલતે હૈં’ – ગુલઝારની વાર્તાઓમાં આ છે: ઉજ્જડ લાગતા હૃદયમાં છુપાયેલી એક સૃષ્ટિ અને એ સૃષ્ટિના અવશેષોમાં પોતાને શોધતાં પાત્રો ઉર્ફે આપણે સહુ.

કેવાં કેવાં પાત્રોની બનેલી છે આ સૃષ્ટિ? ‘રાવી પાર’ વાર્તામાં ભાગલાસમયની ઊથલપાથલનો શિકાર દર્શનસિંહ, સદ્યપ્રસૂતા પત્ની અને બે નવજાત બાળકોને લઈ રાવી નદી પાર કરી રહેલી ટ્રેનના છાપરા પર બેઠેલો છે. અચાનક ધ્યાન જાય છે, એક બાળક મરી ગયું છે. સાથી મુસાફર કહે છે, ‘એનું શબ લઈને ક્યાં ક્યાં ફરીશ, પધરાવી દે રાવીમાં.’ આઘાતોથી બાવરો બનેલો દર્શનસિંહ બાળકને નદીમાં ફેંકે છે અને એનું ઝીણું રુદન સાંભળી ચોંકી ઊઠે છે, ‘હું શું કરી બેઠો? જીવતા બાળકને ફેંકી દીધું?’ જુએ છે તો વિક્ષિપ્ત પત્ની મૃત બાળકને છાતીએ લગાડી નિર્વિકાર બેઠી છે.

‘સનસેટ બુલિવાર્ડ’માં અત્યારે જેનો કોઈ ભાવ નથી પૂછતું એ જૂના જમાનાની જાજરમાન હીરોઈન ભવ્ય ભૂતકાળ સાથે નાતો તોડવા તૈયાર નથી, પણ એથી કંઈ વાસ્તવિકતાને અવગણી તો શકાતી નથી. એનું શું થાય છે તે જોવું હોય તો યુ ટ્યુબ પર ‘કિરદાર’નો એ નામનો એપિસોડ જોજો. ‘કિરદાર’ની બીજી એક વાર્તા ‘હિસાબકિતાબ’માં માણસ અંગત સંબંધોમાં પણ કેવો ગણતરીબાજ હોઈ શકે તેનું સરસ ચિત્રણ છે. ‘હાથ પીલે કર દો’માં મુગ્ધ પ્રેમ અને કૌટુંબિક-સામાજિક મર્યાદાઓના પેઢી દર પેઢી ચાલ્યા આવતા સંઘર્ષનું માર્મિક આલેખન છે.

કિશોર માનસને કળવું અઘરું છે: પણ ગુલઝાર તેને બરાબર સમજે છે. ‘જીના યહાં’નો અગિયાર વર્ષનો સમીર છે તો રાજકુમાર પણ બીમારીઓથી ઘેરાયેલો. લોકોની હમદર્દીથી તેનો અહમ એટલો આળો બન્યો છે કે તેના પિતા જ્યારે લગ્ન કરીને નવી રાણી લાવે છે ત્યારે તેનું સૌના આકર્ષણ અને હમદર્દીનું કેન્દ્ર બની જવું તેનાથી સહેવાતું નથી. ‘દાદી ઔર દસ પૈસા’નો ગરીબ ચક્કુ દાદીના સંઘર્ષને સમજી શકતો નથી અને તેના પર ગુસ્સો કરી ભગવાનની વાટકીમાંથી દસ પૈસા ચોરી ઘરમાંથી ભાગી જાય છે. રાત્રે એક સ્ટેશને ઊતરે છે અને અભાનપણે દાદી જેવી દેખાતી એક ભિખારણની ચાદરમાં સૂઈ જાય છે. સવારે તેને ખબર પડે છે કે એ બાઈ તો ક્યારની મરી ગઈ છે.

‘મર્દ’ના કપિલને એ નાનો હતો ત્યારથી તેનાં માબાપે પોતાના નિષ્ફળ દાંપત્યથી બચાવવા હૉસ્ટેલમાં મૂકેલો છે. માબાપ છૂટાં પડે છે. પિતા બીજી સ્ત્રીને પરણી જાય છે અને મા એક પુરુષ સાથેની મૈત્રીના પરિણામે સગર્ભા બની છે. વેકેશનમાં આવતા પુત્રથી કંઈ છુપાવવું હવે શક્ય નથી – પણ મા કશું કહે એ પહેલા કપિલ રોષે ભરાઈને કહે છે, ‘તને એમ છે કે હું કશું સમજતો નથી? તારા પેટમાં રમણ અંકલનું છોકરું છે ને?’ ત્યારે માને લાગે છે કે આ તેનો પુત્ર નહીં, એક પુરુષ બોલે છે.

‘સીમા’ વાર્તાની પરિણીત સીમા અતિવ્યસ્ત પતિથી કંટાળી તેના એક મિત્રના પ્રેમમાં પડે છે અને તેની સાથે રહેવા ચાલી જાય છે. પણ સંબંધ એમ તોડવાથી તૂટી જાય ખરા? અને પછી પાછા ફરવું પણ સંભવ રહે ખરું? – આ સવાલો વાર્તાને અંતે વાચકના મનમાં રમતા રહી જાય છે. ‘અદ્ધા’માં એક અડધિયો એટલે કે ઠિંગુજી બધાને કામ આવીને, નિર્મળ પ્રેમ આપીને, પુરુષ તરીકે તેના મનમાં જાગતા પ્રેમનો પ્રતિસાદ ન મળ્યાનું દુ:ખ મનમાં જ સમાવીને અંતે એક બજારુ જેવી સ્ત્રીના બાળકને અપનાવીને શરીરે વામન હોવા છતાં નોર્મલ પુરુષ કરતાં ઊંચેરો પુરવાર થાય છે. ‘ગુડ્ડી’માં એક કિશોરીનો દિલીપકુમાર પ્રત્યેનો પ્રેમ દર્શાવાયો છે તો ‘લેકિન’માં છે એક ભટકતા આત્માની કરુણ સ્થિતિ અને તેને ઉગારતો એક મ્યુઝિયમ ક્યૂરેટર. વાર્તાની શરૂઆત જે વાક્યથી થાય તે જ વાક્યથી તેનો અંત લાવી ગુલઝાર સંવેદનાનું વર્તુળ પૂરું કરતા હોય છે. દરેક પાત્રની મનોભૂમિ જુદી માટી અને જુદા રંગથી બનેલી હોય છે.

ફિલ્મસર્જક, પટકથાકાર, વાર્તાકાર, કવિ, પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ સહિત અનેક સન્માનપ્રાપ્ત ગુલઝારને કઈ રીતે ઓળખાવું ગમતું હશે? જવાબ એમની જ એક પંક્તિ આપે છે, ‘હાં, વહી વો અજીબ સા શાયર, રાત મેં ઊઠ કે કોહનિયોં કે બલ, ચાંદ કી ઠોડી કો ચૂમા કરતા હૈ …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ઑગસ્ટ 2022

Loading

16 September 2022 Vipool Kalyani
← શિક્ષણની કચરાગાડી અને કચરાગાડીનું શિક્ષણ
‘નવા યુગનો નાંદી’ અને ‘પ્રાણવંતો પૂર્વજ’ વીર કવિ નર્મદ  →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved