અમદાવાદમાં જજીસ બંગલો નામનો વિસ્તાર છે. ત્યાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સહિત જજસાહેબોના બંગલાઓ છે. ઘણા સમય અગાઉ એ રસ્તા પર એક બંગલાની આગળ એક બમ્પ યાને કે સ્પીડબ્રેકર મુકવામાં આવેલું. મજાની વાત એ હતી કે ટ્રાફિકથી ભરચક જજીસ બંગલો ચાર રસ્તા ફક્ત ૧૦૦-૨૦૦ ફૂટ જ દૂર પણ બમ્પ જજસાહેબના બંગલા આગળ. હું મજાકમાં એને ઘણીવાર જસ્ટીસ બમ્પ કહેતો.
માન સહિત મારે એ કહેવું પડે છે કે અનુસૂચિત જાતિ –જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમમાં સુપ્રિમના માનનીય જજસાહેબોએ કરેલો સુધારો મને પેલા જસ્ટીસ બમ્પની યાદ અપાવે છે. અલબત્ત એ બમ્પ તો પાકી સડક પર હતો, પણ અહીં તો ન્યાયના સાવ ધીમા ગાડાચીલા પર જાણે ખોટા કેસોની મર્સિડીઝ પૂર ઝડપે રોજે દોડ્યા કરતી હોય, એમ ધારીને સેફગાર્ડને નામે ખોટો બમ્પ ઠોકાઈ રહ્યો છે.
સૌરાષ્ટના લોકોને ગામોમાં રજવાડી ઘરો આગળ “આયાંથી કોઈ સડસડાટ નો જાવું જોયે” એનો ખોંખારો ખાતા બાપુબમ્પોનો પણ અનુભવ હશે જ!
ખેર, એમાં નથી પડતો પણ આ કેસમાં અદાલતનો ડ્રામા પણ રસપ્રદ લાગ્યો મને. રીવ્યુ પીટીશનમાં એટર્ની જનરલે કહ્યું “ દલિતો નારાજ છે, ૧૦ લોકોના મોત થયા છે, સ્ટે આપો”. મારી સા.બુ. મુજબ એટર્ની જનરલ સ્તરની વ્યક્તિ આ દલીલ કરે છે, તે સાબિત કરે છે કે પટકથા મુજબ નાટક ચાલુ છે, કેમ કે જગતની કોઈપણ અદાલત પબ્લિક પ્રેશર છે, એવું કહો તો સ્ટે ન જ આપે. એમની પ્રથમ દલીલ જ બંધારણીય હોવી જોઈએ અને કેવી રીતે કાયદાનો મૂળ હેતુ માર્યો જાય છે તે હોવી જોઈએ.
એમની બીજી દલીલ કાયદામાં માર્ગદર્શિકાની જરૂર જ નથી, એ પણ એટલી જ વાહિયાત છે. માર્ગદર્શિકા અદાલત આપી ચૂકી છે, ત્યારે ફોકસ કાયદાના હાર્દ પર અને તેને લીધે શું શું થઇ શકે છે તેના પર જ હોવું જોઈએ. વળતરની દલીલ પણ બિનજરૂરી હતી એવું મને લાગે છે. નોંધ લેવી કે હું વકીલ નથી. ઠીક છે આપણે કદાચ એમ માનીએ કે બંધના એલાન પછી લાંબી નીંદર લઈને જાગી, એટલે તૈયારી કરવાનો વખત નહિ મળ્યો હોય, સરકારને.
માનનીય અદાલત વ્યક્તિ સ્વાતંત્ર્યને શિરમોર ગણાવે છે અને તે છે જ એનો ઇનકાર થઇ શકે નહિ. પણ અહીં સવાલ એ છે કે સંવિધાન અને ન્યાયના સિદ્ધાંતને લક્ષમાં રાખીને કોના વ્યક્તિ સ્વાતંત્ર્યનું રક્ષણ વધુ મહત્ત્વનું ગણાય ? જાતિ આધારિત હિંસા અને અત્યાચારનો ભોગ બનનારા દલિતો/આદિવાસીઓનું કે જેમના પર હિંસા/અત્યાચારનો આરોપ છે તેમનું ? ધારો કે દલીલ ખાતર માની લઈએ કે કાનૂન આંધળો હોય છે અને જજને મન સૌ સરખા તો જજ સાહેબ સાત દિવસની તપાસને નામે પોલીસ આરોપીઓ સાથે મળીને કેસની કેસની પત્તર ફાડી નાખશે એ અટકાવવા કેમ બમ્પ નથી મુક્યો માર્ગદર્શિકામાં ?
આગોતરા જામીન લઈને છૂટેલો આરોપી મોંઘા વકીલ સાથે મળી સામ-દામ-દંડ-ભેદ કરીને બળાત્કાર/હત્યા જેવા ગંભીર ગુનાઓનો કેસ પણ ફીંડલું વાળી દેશે એના માટે એક નાનકડો બમ્પ કેમ નહિ? કે પછી માનનીય જજસાહેબોને ખાતરી છે કે સાત દિવસના સેફગાર્ડમાં તપાસ કરનારા અને આગોતરા જામીન મેળવનારા તમામ આરોપીઓ સત્યવાદી જ હોય અને દેશની ચોથા ભાગની વસ્તી કાયમ જૂઠી જ હોય ? કાયદા-કાનૂનની આછી સમજ છતાં ૧૫ વર્ષના જાહેરજીવનમાં મેં એવું જોયું છે કે આ કાયદા હેઠળ અત્યાચારના કેસોમાં કર્મશીલોની પોણી જિંદગી પોલીસ ફરિયાદ લેવડાવવામાં વીતે છે, પોણી આરોપીઓની ધરપકડ થાય એમાં વીતે છે. ને જો એ થાય તો પોણી ખાઈબદેલા કાળાકોટ સરકારી વકીલોને સંવેદનશીલ બનાવી કેસ યોગ્ય રીતે ચાલે એમાં જ વીતે છે ને છેક ત્યારે બે-ચાર માંડ ન્યાય પામે છે; બાકીના અન્યાયની હતાશામાં જીવતેજીવત અધુમુઆ જ રહે છે.
જજસાહેબો વિદ્વાન હોય છે એટલે એ સમજતા જ હશે કે ન્યાયની લડાઈમાં સામ-દામ-દંડ-ભેદ થકી પરાજિત થયેલો સગો બાપ પોતાના સગા દીકરાની હત્યા થઇ હોય તો પણ અદાલતમાં ફરી જતો હોય છે! જીવ કોને વહાલો ન હોય ? વ્યક્તિ સ્વાતંત્ર્યની માનનીય અદાલતની વાત સાચી છે પણ મને તો એટલું સમજાય છે કે આ દેશનું સંવિધાન નબળાનાં રક્ષણને પ્રાધાન્ય આપે છે અથવા કહો કે તે એના માટે જ સર્જાયું છે. ધારો કે ખોટા કેસની વાત કબૂલ કરીએ તો એની સામેની હકીકત એ પણ છે કે અદાલત સુધી પહોંચતા અત્યાચારના કેસ એ તો જાતિવાદી હિમશીલાની ફક્ત ટોચ માત્ર છે કેમ કે ન્યાયની સાયબી ભોગવી શકવાની તાકાત અને તે માટે જોઈતી હિંમત હજી દલિતો/આદિવાસીઓના છેવાડાનાં ફળિયા સુધી પૂરી પહોંચી જ નથી, પણ તો ય લોહીનાં છાંટણાં હોય એના કૂંડા ન ભરાય, એમ આ સાવ ધીમા ગાડાચીલા પર ન્યાયની હડફેટે આવતા કોઈ નિર્દોષને બચાવવા એક કાંકરી જ કાફી હોય, ત્યાં આખું ગાડું ઉથલી પડે એવા મસમોટા બમ્પ ન મુકાય, કેમ કે એમ કરવામાં આખો ન્યાય જ ઉથલી પડે.
આશા છે કે ભલે ધીમું તો ધીમું પણ ન્યાયનું ગાડું આગળ ચાલશે અને આ કાયદો એના નામ મુજબ “અનુસુચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ” જ રહેશે “ઉમેરણ” અધિનિયમ નહિ બને.
e.mail : makmehul@gmail.com