કોલમ લેખનની દુનિયામાં જનહિતના ઘણા વિષયો અને મુદ્દાઓ એવા હોય છે, જે દાયકો સુધી પ્રસંગોપાત ચર્ચાતા રહેતા હોય છે, કારણ કે એ મુદ્દાઓ સામાજિક હોય છે, અને સામાજિક બાબતો બદલાતાં વર્ષો લાગે છે, પરંતુ એવું જવ્વલેજ બને કે એક જ વિષયને એક જ વર્ષમાં ફરીથી ચર્ચવો પડે, જેથી લોકોમાં તેનો દ્રષ્ટિકોણ તાજો થાય. એક વર્ષ પહેલાં, ફેબ્રુઆરી ૨૦૨૦માં, જ્યારે ભારતમાં કોરોના વાઈરસના ગણ્યાંગાંઠ્યા કેસો હતા (અને તેનું નામ હજુ કોવિડ-૧૯ પડ્યું ન હતું), ત્યારે અમેરિકન ગુપ્તચર સંસ્થાઓએ ખતરાની ઘંટી વગાડી હતી કે વિશ્વમાં ફેલાઈ રહેલી મહામારીમાં સૌથી મોટી ચિંતા ભારતની છે. તે વખતે પ્રગટ થયેલા સમાચારો પ્રમાણે, સંસ્થાઓને એ ફિકર હતી કે મહામારીના સંકટને પહોંચી વળવાના ટાંચા સંશાધનોને જોતાં ભારત જેવા ગીચ દેશમાં મહામારી ફેલાઈ જશે તો દેશની અને કોરોના સામે દુનિયાની લડાઈની શી હાલત થશે?
લગભગ તે જ અરસામાં આપણે આ સ્થાનેથી લંડન, ન્યૂયોર્ક અને બેજિંગથી પ્રગટ થતા પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’નો હવાલો આપીને લખ્યું હતું કે ભારતની સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થા કાયમ ચિંતાનો વિષય રહી છે. ભારતને વસ્તી જે સ્ફોટક રીતે વધી છે, તેની સરખામણીમાં તેના સ્વાસ્થ્ય માળખામાં સુધારો નથી આવ્યો. સામાન્ય સંજોગોમાં પણ આ વિશાળ દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગુણવત્તાભરી સ્વાસ્થ્ય સારવાર મળતી નથી, તો કોરોના જેવો મહાકાય રોગચાળો અહી ત્રાટકે, તો દરદીઓ, ડોકટરો અને દવાઓની શી વલે થાય?
એક વર્ષ પછી, એ ચિંતા સાચી પડી. ભારતે રોજ નોંધાતા કોરોનાના કેસોના વિશ્વના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. અસંખ્ય લોકો સારવાર વગર મરી ગયા. હજારો દરદીઓ હોસ્પિટલોમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં થઇ ગયાં. દુનિયામાં ક્યાં ય ન હોય તેવું દવાઓનું, હોસ્પિટલ બેડ્સનું, વેન્ટીલેટર્સનું, ઓક્સિજનનું અભૂતપૂર્વ સંકટ સરજાયું. કોઈએ કોઈ વાર્તા કે ફિલ્મમાં પણ જોયું નહીં હોય કે સ્મશાનમાં ચિતાઓ સળગાવવા માટે જગ્યા અને લાકડાં ખૂટી પડ્યાં હોય. ‘નિવાર્ય ટ્રેજેડી,’ ‘ભારતનો ખોટો આત્મવિશ્વાસ,’ ‘ગાફેલિયત અને ગલતીઓ,’ ‘માફ ન કરી શકાય તેવી ગફલતો’ જેવા શબ્દો ભારત માટે આંતરરાષ્ટ્રીય મીડિયામાં લખાયા હતા.
કોરોનાની મહામારી પૂરી દુનિયામાં યથાવત છે, એટલે એવું નથી કે ભારતમાં તેનો નવો પ્રકોપ આવ્યો છે. આખી દુનિયા તેનાં આંખ-કાન-નાક ખુલ્લાં રાખીને વાઈરસ સામે સાવધાની રાખી રહી હતી, ત્યારે ભારતે તેની ઢાલ હેઠે મૂકી દીધી હતી અને કોરોનાને હરાવી દીધાનો વિજયોત્સવ મનાવવાનો શરૂ કરી દીધો હતો. એ બેદરકારીમાં કોરોનાના વાઇરસે એવો ભરડો લીધો કે દેશની આખી સ્વાસ્થ્ય વ્યવસ્થા તૂટી પડી.
‘ધ લાન્સેટ’ જર્નલે એક વર્ષ પહેલાં લખ્યું હતું, “ભારતમાં તેની નબળી સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે પૂરતા પૈસા ખર્ચાતા નથી. દેશનાં અલગ-અલગ રાજ્યો વચ્ચે એટલી ભિન્નતા છે કે રોગચાળાને કાબૂમાં લેવાની દેશની વ્યૂહરચના માટે એ એક પડકાર છે. એવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, જેમાં દરદીઓ સરકારી હોસ્પિટલોના વિશેષ અઈસોલેશન વોર્ડમાંથી ભાગી છૂટ્યા હોય અથવા તેમની વિદેશ યાત્રાની માહિતી છુપાવી હોય.”
વોર્ડમાંથી ભાગી છૂટવું કે માહિતી છુપાવવી એ તો પાશેરામાં પહેલી પૂણી હતી. એક વર્ષ પછી તો રેમડેસિવિર ઈન્જેકશનોની ચોરી, સંગ્રહખોરી અને કાળાબજારી થતી હતી, ઓક્સિજન સિલીન્ડર માટે મારામારી થતી હતી, રાજ્યોએ ઓક્સિજન બનાવતી ફેકટરીઓ પર પોલીસ બેસાડી હતી, દિલ્હીની ૮ હોસ્પિટલો દરદીઓનાં જીવ બચાવવા માટે ઓક્સિજનની માંગણી લઈને હાઇકોર્ટ પહોંચી હતી.
લેટ્સ ફેસ ઈટ. ભારત કોવિડ-૧૯ જેવા સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવા તૈયાર ન હતું. એમાં તો બીજા કોઈ દેશની તૈયારી ન હતી, પણ બીજા લોકો આપણી જેમ કસમયે આત્મવિશ્વાસથી છલકાઈ ગયા ન હતા. આપણને ઘર ઠીક કરવા માટે એક વર્ષનો સમય મળ્યો હતો, પરંતુ આપણી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ, અને મહામારીની બીજી લહેર ઊઠી, ત્યારે આપણે હોસ્પિટલોમાં ઓકિસજન, વેન્ટીલેટર્સ, ઈન્જેકશન્સ અને પથારીઓ માટે આમતેમ દોડતા હતા.
આંતરરાષ્ટ્રીય આર્થિક મીડિયા બ્લૂમબર્ગનો અહેવાલ કહે છે કે ભારત તેના જી.ડી.પી.નો એક ટકો સાર્વજનિક સ્વાસ્થ્ય પાછળ ખર્ચે છે. સરકારી બજેટમાં સ્વાસ્થ્ય સેવાઓની જોગવાઈ કરતા ૧૮૯ દેશોમાં ભારતનો નંબર ૧૭૯ છે. વિદેશી ડોનેશન પર જીવતું સિયેરા લેઓને જેવું પછાત રાષ્ટ્રનું સ્વાસ્થ્ય બજેટ ભારત જેટલું છે. ભારતની સ્વાસ્થ્ય સેવા આંશિક રીતે જ સરકારના નિયંત્રણમાં છે. તેનો ૭૫ ટકા હિસ્સો ખાનગી કંપનીઓ અને પ્રેક્ટીસનર્સના હાથમાં છે, જે અતિ ખર્ચાળ છે, કારણ કે તે નફો કમાવા માટે કામ કરે છે, સ્વાસ્થ્ય કલ્યાણ માટે નહીં. મૂળભૂત રીતે, ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા સાધારણ જનતા વિરોધી છે, અને એનું જ પરિણામ છે કે આખી દુનિયા કરતાં ભારતમાં જ કોરોના આટલાં જીવ લઇ રહ્યો છે.
ગયાં વર્ષે આ જ સ્થાનેથી લખ્યું હતું, “૨૦૧૯ના વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા ઇન્ડેક્સ મુજબ, ભારત સહિતનાં મોટા ભાગના એશિયન દેશો મોટી મહામારીનો સામનો કરવા સક્ષમ નથી. બ્રિટિશ રાજની સમાપ્તિ પછી, સ્વતંત્ર ભારતની દરેક સરકારે સાર્વજનિક સ્વાસ્થ્યની ઉપેક્ષા કરી છે, અને ચેપી રોગો સામે સંરક્ષણને ક્યારે ય પ્રાથમિકતા આપી નથી. મેલેરિયા, ટી.બી., એઇડ્સ જેવા છૂટાછવાયા રોગો માટે આપણે પગલાં ભર્યાં છે, પણ એ તો આગ લાગે ત્યારે ખાડો ખોદવા જેવું છે. જ્યાં સુધી સર્વસમાવેશી, લાંબા ગાળાના સાર્વજનિક સ્વાસ્થ્ય માળખાનો સવાલ છે ત્યાં સુધી, આપણે હજુ ય ‘થર્ડ વર્લ્ડ’ (અથવા થર્ડ ક્લાસ) જ છીએ.”
ઉત્તમ સ્વાસ્થ્ય વ્યવસ્થા એને કહેવાય જે રોગનિરોધી હોય, રોગનિવારક નહીં. ચાઇનીઝ ઉપચાર પદ્ધતિમાં એક પ્રાચીન પરંપરા છે જેમાં ડોક્ટરને તમને તંદુરસ્ત રાખે તેના પૈસા મળે છે. તમે જો બીમાર પડો, તો ડોકટરને પૈસા ન મળે, કારણ કે તેણે તેનું કામ બરાબર નથી કર્યું. આધુનિક પદ્ધતિમાં તમે બીમાર પડો તેના પૈસા મળે છે, એટલે એ તો ડોક્ટરને ‘ભાવતું હતું ને વૈધે કહ્યું’ જેવો ઘાટ થયો! પાણી પહેલાં પાળ બાંધો તેને રોગનિરોધી વ્યવસ્થા કહેવાય, અને આગ લાગે ત્યારે ખાડો ખોદવો એ રોગનિવારક રીત છે. અત્યારે દેશ ખાડો જ ખોદી રહ્યો છે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 મે 2021