ચૂંટણી-સન્મુખ ઝારખંડની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નમોએ રાંચીથી રણટંકાર કર્યો છે કે ભલા ચમરબંધીની શેહમાં આવ્યા વગર કાયદો કાયદાનું કામ કરશે. કોઈ પણ વ્યક્તિ આ દેશમાં પોતાને કાયદાથી ઉપર માનતી હશે તો તે ચલાવી લેવામાં નહીં આવે. દેખીતી રીતે જ, એમના ચિત્તમાં ચિદમ્બરમ્ પ્રકરણ હશે. બીજું પણ હશે. આક્રમક આશ્વસ્તતાથી એમણે ઉમેર્યું છે કે આ તો ટ્રેલર છે. ફિલ્મ હજુ બાકી છે.
નાગરિક છેડેથી આ ટ્રેલરનો ખરો ને પૂરો અહેસાસ અલબત્ત પેલા રણટંકારની મૂર્છા ને મોહનીને અતિક્રમીને મેળવવો રહે છે. આ જ ઝારખંડમાં, આ જ દિવસોમાં તરબેઝ અનસારીના સંભવિત હત્યારાઓ સામેના આરોપો જે ખરું જોતાં કળી જેવા હતા અને પોલીસ તપાસે જેની પાંખડીઓ ખૂલવી અપેક્ષિત હતી તે બચાડા પાકટ પાન પેઠે ખરી (ખડી) પડ્યા છે. એને જીવતો છોડવાનો નથી, એવો ચોખ્ખો સાદ સંભળાતો હોવાનું સાક્ષીએ કહ્યું છે. માથા પરની પ્રાણઘાતક બની શકતી ઈજા પણ નોંધાયેલી છે, પણ … અને પહેલુખાન તો ચર્ચામાં છે જ. પોલીસે એના હત્યારાઓ પરની ગુનાકલમોમાં અને કારવાઈમાં એવી કમાલ કરી કે પૂર્વે જેસિકા કેસ પર આબાદ ટિપ્પણી જે ફિલ્મ-શીર્ષક રૂપે આવી હતી તે સાચી પડીને રહી કે નો બડી કિલ્ડ જેસિકા. નો બડી કિલ્ડ પહેલુખાન.
ટ્રેલર કદાચ ફિલ્મ કરતાં લાંબું છે. ઉમાશંકરની લગરીક બેઅદબી લાગે તો પણ ‘માઈલોના માઈલ મારી અંદર’ તેમ ‘ફિલ્મોની ફિલ્મો મારી અંદર’ એવું કવિત ક્યારેક કોઈ ટ્રેલર લલકારવા લાગે તો નવાઈ નહીં. રાજસ્થાનમાં ભા.જ.પ. સરકાર હસ્તક પોલીસે નોંધેલ પહલુ કેસનો ચુકાદો કૉંગ્રેસ સરકારના વારામાં આવ્યો. ફરી તપાસ, ધોરણસર ને નવેસર, અલબત્ત અઘરી હોય જ. યસ, નો બડી કિલ્ડ જેસિકા.
પર્સનને લગભગ અનપર્સન, વ્યક્તિ ને લગભગ નહીંવ્યક્તિ કરવાની હદે જઈ શકતી રાજ્યસંસ્થા સામે લડવું તે પરચક્રમાં જ નહીં સ્વચક્રમાં પણ અનિવાર્ય બની રહે છે. સ્વરાજના ગાદીપતિઓ પણ સાંસ્થાનિક માનસ ધરાવતા હોય છે. આ સામ્રાજ્યશાહી સાંસ્થાનિક માનસના પ્રતિકાર અને સંસ્કરણના પ્રયાસો ભા.જ..પપૂર્વ ભારતમાં પણ થતા રહ્યા છે. કથિત નવો વિમર્શ અને નવું શાસન આ પ્રતિકાર અને સંસ્કરણની વારસાઈ આગે બઢાવવા અને કાલવવાને બદલે સામ્રાજ્યશાહી સાંસ્થાનિક માનસના દૃઢીકરણ અને વાજબીપણાનો વ્યાયામ કરતાં માલૂમ પડે છે.
આસામ મોરચે એન.આર.સી. જુઓ. કેટલી બધી સ્ત્રીઓ, કેમ કે એમની પાસે પિતૃપરંપરાનો રેકર્ડ નથી, આજની તારીખે અનપરસન સરખી અનવસ્થામાં છે. ૧૯૫૧ના રજિસ્ટરમાં એમનાં માતાપિતા નોંધાયેલાં હોય તો પણ અપેક્ષિત દસ્તાવેજોને અભાવે ૨૦૧૮-૧૯માં એ બચાડી માતાપિતા વગરની અને એથી ચોપડા બહાર હોઈ શકતી નકો નકો જિંદગી બસર કરવાને બંધાયેલી છે. એક રીતે, આ કિસ્સો નાગરિક ધોરણે એમનાં વણમર્યા મૃત્યુનો છે.
તંત્રમાં, શીર્ષ નેતૃત્વની કૃપાએ, આ બાબતે ખાસી કશી સંવેદના બલકે સમસંવેદના છે કે કેમ તે મર્યાદામાં રહીને કહીએ તો આપણે જાણતા નથી. પતીજ જ પડતી નથી. બે આઈ.એ.એસ. અધિકારીઓનાં રાજીનામાં વિકર્ણ પેઠે પડ્યા તેની સાનંદ, સાભાર નોંધ લઈએ. પણ આ રાજીનામાં જે છે તે કરતાં જે નથી એની આકરી ને અકારી ચમચમાટી જગવે છે. અહીં આ પૂર્વે અરુણ શૌરિની એક તીખી ટિપ્પણી સંભારવાનું બન્યું છે. કટોકટીરાજ વિશે જે.સી. શાહ પંચે જે વિક્રમ હેવાલ આપ્યો તે પછી શૌરિએ કહ્યું હતું કે આપણા આઈ.એ.એસ. અધિકારીઓની ક્લબનુમા મંડળીઓને આની ચર્ચા કરવાનું (અને અધિકારી તરીકે આપણે કેવા ‘રુલ ઑફ લૉ’થી ચાતરી ગયા હતા તે અંગે આત્મનિરીક્ષણ કરવાનું) કેમ સૂઝતું નથી. ખરું પૂછો તો ખરીદવેચાણ ભેલાણને ધોરણે વિશ્વાસમત ગુમાવતી અગર વિશ્વાસમત મેળવતી એમ જતીઆવતી સરકારો કરતાં નાગરિકના અવાજને જ્યાં સ્થાન નથી એવા તંત્ર સામે બે અધિકારીઓએ અંતરાત્માના સ્વાતંત્ર્યપૂર્વક ધરી દીધેલાં રાજીનામાં વધુ ભરીબંદૂક છે.
જે સામ્રાજ્યશાહી સાંસ્થાનિક માનસિકતા, ક્યાં ક્યાં દેખાય છે એ! પોતે જેને કબજે કરવાજોગ માને છે એ જે.એન.યુ.માં સરકારનીમ્યા દંડનાયક જેવા ચીઠ્ઠીચાકર વીસી પેલાં રોમિલા થાપર ને પ્રભાત પટનાયકની હેડીના એમરિટસ પ્રાધ્યાપકો પાસે એમના સી.વી. (શૈક્ષણિક સિદ્ધિઓની વહી) માગે છે. નિવૃત્ત થયે વરસોનાં વરસો વીતી ગયાં છે, તમારા નોકરિયાત નથી, એથી શું. વાત સાચી કે રોમિલા થાપરનાં કે પ્રભાત પટનાયકનાં અભ્યાસયુક્તો નિરીક્ષણો ને તારણો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સોરવાતાં નથી. (એમણે અગાઉના સત્તા-પ્રતિષ્ઠાન સામે પ્રશ્નો ઉઠાવવામાં સંકોચ નહોતો કર્યો એ વિગતની વી.સી.ને અને એમની પાછળનાં પરિબળોને ખબર હોવી જરૂરી નથી.) ધારો કે આ આરૂઢ અભ્યાસીઓના કેટલાંક અવલોકન આપણને ગ્રાહ્ય નથી, કેટલાંક નવા અભ્યાસો પછી કાળગ્રસ્ત માલૂમ પડે છે તો એ તો વિદ્યાસમાજમાં ધોરણસરની ખુલ્લી બહસ વાટે બહાર આણી શકાય છે. પણ તમે રોમિલા કે પ્રભાતને અનપરસન ન કરી શકો ત્યારે પણ તેઓને પરસોના નોન ગ્રાટા કરીને શું સૂચવવા માંગો છો, એ સવાલ મિલિયન ડૉલરનો છે.
ગુજરાત હાઇકોર્ટમાંથી જસ્ટિસ કુરેશીને અન્ય રાજ્યમાં વડા ન્યાયમૂર્તિ તરીકે નહીં ખસેડવાની કે મદ્રાસ હાઇકોર્ટના વડા ન્યાયમૂર્તિ ટહેલરામાણીને મેઘાલયની નાની હાઈકોર્ટમાં ખસેડવાની ચેષ્ટાઓમાં કૉલેજિયમ ઉપરાંતનાં પરિબળો કામ નહીં કરતાં હોય એવું કહેવા માટેની નિશ્ચિંત પરિસ્થિતિ નથી તે નથી. આ ન્યાયમૂર્તિઓએ વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાનને નહીં સોરવાતા ચુકાદાઓ આપ્યા છે એ કટુ એટલું જ કમનસીબ સત્ય છે.
પરસનને અનપરસન કરતી વ્યવસ્થા વેળાએ જો ન્યાયતંત્ર પરત્વે આશાભરી મીંટ નહીં માંડીએ તો ક્યાં માંડીશું. એ અમૂઝણને અકબંધ રાખી એકંદર અનવસ્થા સબબ એક પાયાનું નિરીક્ષણ (ખરું પૂછો તો આ સ્થાનેથી દોહરાવીને) રજૂ કરવું અનિવાર્ય અનુભવાય છે. શાસકીય નેતૃત્વને, સત્તાપક્ષને અને ભક્ત ભીડ અગર ટોળાને આ બધી વાતે કોઈ ખટકો જ કદાચ નથી. ન કરવાનું કરતી સરકારો પૂર્વે પણ હતી, પણ ત્યારે એમની પાસે આજની પેઠે વિચારધારાનું સૅન્ક્શન નહોતું. ‘સૈંયા ભયે કોતવાલ’ એ કહેતી જતીઆવતી સરકારોને પ્રતાપે સદાબહાર છે. પણ એમાં જ્યારે વિચારધારાકીય સૅન્ક્શન થકી નવલાં ને અદકાં ખાતરપાણી સિંચાય ત્યારે આખો મામલો બાગેબહાર પરિમાણ ધારણ કરે છે. ફિલ્મગર્ભા, ‘ફિલ્મોની ફિલ્મો મારી અંદર’ એવી ટ્રેલરકહાણી વચાળે જ્યાં વ્યક્તિ નહીંવ્યક્તિ બની શકે ત્યાં નાગરિકનો તો ક્લાસ જ ક્યાંથી હોવાનો હતો.
સપ્ટેમ્બર ૧૨, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 01-02
પ્ર.ન. શાહનું આ રેખાંકન અશોક અદેપાળને નામે જમે બોલે છે.