જ્યારે વલસાડમાં ઉશનસ્ સર સાથે અમે સંસ્કાર મિલન નામની સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થામાં સક્રિય હતાં ત્યારે ફાધર વાલેસનો કાર્યક્રમ રાખેલો. મને ખબર હતી કે તે એ અરસામાં ફાધર જુદા જુદા પરિવારો સાથે રહેવા જતા અને સંસ્કારની અમીટ છાપ છોડતા. જો કે એ પ્રવૃત્તિ બંધ થઈ હતી, પરંતુ મારી એવી ઈચ્છા કે ફાધર જ્યારે વલસાડ આવે ત્યારે અમારે યજમાન બનવું અને મારી એ ઈચ્છા પૂરી થઈ. મારો દીકરો આનંદ નાનો હતો અને એને ગુજરાતી સાહિત્યકારો સાથે ઓળખાણ થાય, એમની બે સારી વાતોની એના પર અસર થાય અને એનો પુસ્તકપ્રેમ જળવાય આટલો મારો સ્વાર્થ.
આમ તો આ વાતને કદાચ પાંત્રીસ-સાડત્રીસ વર્ષ થયાં હશે. ફાધર આવ્યા અને દસપંદર મિનિટની વાતચીતમાં અમે એમનાં સંતાનો હોઈએ તે રીતે ભળી ગયા. આનંદના ઓરડામાં ફાધરના રહેવાની ગોઠવણ, હેતુ એ કે આનંદ વધારે સમય ફાધર સાથે પસાર કરે. ફાધર તો સવાયા ગુજરાતી એટલે તેઓ ગુજરાતી બોલ્યા, ગુજરાતી ખાણું ખાધું, ગુજરાતી થઈને હળ્યાભળ્યા. મારી સાથે બેસીને મારી અસ્તિત્વની પ્રવૃત્તિઓ જાણી, સ્ત્રીઓની સમસ્યા સમજવાનો પ્રયત્ન કર્યો. ઉશનસ્ સર સાથે અમે સાથે બપોરનું ભોજન લીધું. ગુજરાતી સાહિત્યનાં ભાવિની ફિકર કરી. સાંજે ફાધરે પ્રવચન આપ્યું. રાત્રે બંધુત્રિપુટીના આશ્રમમાં યોગાનુયોગે વલસાડમાં સ્વામી સચ્ચિદાનંદજી આવ્યા હતા એટલે ત્રણે સંતોનો સત્સંગ થયો, જેનો અમને અનાયાસ લાભ મળ્યો. બધું સરસ સરસ અને ગમતું થયું. હવે એ ચર્ચા પૂરેપૂરી યાદ રહી નથી અને નોંધેલું નહીં એટલે વધારે લખતી નથી, પરંતુ મુદ્દો એ હતો કે સમાજમાં સંવાદિતા વધારવા શું થઈ શકે?
એ દિવસે મુખ્ય સંવાદ એ થયેલો કે ફાધરે મારા ઘરનો સિનારિયો બરાબર જોઈ લીધેલો એટલે એમણે ઉશનસ્ સરની હાજરીમાં મને સવાલ કર્યો કે બકુલાબહેન, તમે નારીવાદી પ્રવૃત્તિઓ કરો છો તો અશોકનો સાથસહકાર મળે છે? હું તો વિચારીને સાચો જવાબ આપવા માંગતી હતી, પણ ઉશનસ્ સરને તો અશોક પર એટલો પ્રેમભાવ કે મારા વતી સરે જ જવાબ આપી દીધો કે અશોકનાં કારણે જ તો બકુલા આ બધી પ્રવૃત્તિ કરી શકે છે. એટલો સારો છોકરો છે કે આની બધી વાત ચલાવી લે! હવે વાત પર પૂર્ણવિરામ મુકાયું કે અલ્પવિરામ તે તો મને ન સમજાયું, પરંતુ પછી મને થયું કે હવે સરની જે છાપ છે તે મારે બદલવી નથી. બાકી આપણે તો નીરક્ષીર વિવેકમાં માનીએ એટલે કે તે સમયે મારો અશોક સાથેનો જેવો સંબંધ હશે તે વિશે બોલ્યા વગર હું તો રહેતે જ નહીં.
ફાધરને અમારી યજમાનગતિ પસંદ પડેલી અને અમે અરસપરસ રાજી થયેલાં તે તો યાદ છે. અમારો પત્રવ્યવહાર પણ થયેલો, પરંતુ એ કાંઈ સચવાયું નથી. સંસ્કાર મિલન પાસે કદાચ એ કાર્યક્રમના ફોટા હોય તો હોય. અમારી ઘરે તો પાડી શકાયેલા નહીં કારણ કે ત્યારે એવી કોઈ ગતામત તે સગવડ ન હતી. પ્રથા પણ ન હતી. પછી એકાદ વાર અમદાવાદ મળેલાં. સંપર્ક છૂટી ગયો. ફાધર સ્પેન ગયા ત્યારે ઈચ્છા હતી કે મળી આવું પણ મેળ ન પડ્યો. છેલ્લે અમદાવાદ આવ્યા ત્યારે તો એમ જ થયું કે મળવા જઈએ તો પણ હવે એમને અમે યાદ હોઈએ ન પણ હોઈએ.
જે આ સમાચારથી યાદો ઊભરાઈ તો થયું કે મિત્રો સાથે વહેંચું.
અલવિદા, ફાઘર.
“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.