ગૃહ મંત્રી અમિત શાહ શનિવારથી ત્રણ દિવસના કાશ્મીર પ્રવાસે છે. 5 ઓગસ્ટ, 2019ને રોજ 370મી કલમ રદ્દ કરવામાં આવી, તે પછી 25 મહિને પહેલીવાર ગૃહ મંત્રી શાહ જમ્મુ-કાશ્મીરની યાત્રાએ છે. શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન કાશ્મીરની શાંતિમાં કોઈ અવરોધ સર્જી શકે નહીં ને 370ની નાબૂદી પછી ઘાટીમાં આતંકી પરિવારવાદનો અંત આવ્યો છે એવી જાહેરાત ગૃહ મંત્રીએ કરી છે, તો શાહે શહીદ ઈન્સ્પેકટર પરવેઝ અહેમદના ઘરે જઈ તેનાં કુટુંબીજનોને આશ્વસ્ત પણ કર્યાં છે ને શહીદની પત્નીને સરકારી નિમણૂક પણ આપી છે. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગૃહ મંત્રી કાશ્મીરી યુવકોને રમતગમતમાં જોડવાની વાત એટલે કરી રહ્યા છે કે તેઓ હિંસાથી પરત વળે ને દેશની રચનાત્મક પ્રવૃત્તિઓનો હિસ્સો બને.
ગૃહ મંત્રીએ કાશ્મીર પ્રવાસ દરમિયાન પૂર્વ મુખ્ય મંત્રી ફારૂખ અબ્દુલ્લાને મળવાની ઇચ્છા કરી ને તે અંગેનો સંદેશો પણ તેમણે ફારૂખને મોકલ્યો, પણ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રીએ શાહને મળવાની ના પાડી દીધી. ફારૂખનો આ નકાર એ રીતે પણ યોગ્ય છે કે 370ની નાબૂદી વખતે ફારૂખ અને મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવેલાં ને એની કડવાશ હજી રહી હોય એમ બને. જો નજરકેદ ન કરાયા હોત તો કાશ્મીરમાં હિંસા વકરી હોત અને અનેક નિર્દોષોનાં લોહી રેડાયાં હોત ! સ્વાભાવિક રીતે જ ફારૂખ અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી 370 નાબૂદીનાં પક્ષમાં ન હતાં. આજે પણ નથી. શાહે જ્યારે ફારૂખને મળવાની ઇચ્છા પ્રગટ કરી ત્યારે વધુ સારું તો એ ગણાયું હોત કે તેમણે સંમતિ આપી હોત ને મળવાનું સૌજન્ય દાખવ્યું હોત, પણ તેટલો વિવેક ન દાખવતા તેમણે એ જ જૂનો રાગ આલાપ્યો હતો કે 370 ફરી લાગુ કરવામાં આવે. કાશ્મીરને જે વિશેષ દરજ્જો મળ્યો હતો તે સ્થિતિ 370 નાબૂદ થતાં બદલાઈ હતી. એને લીધે જે તે સમયના મુખ્ય મંત્રીઓની સત્તા પર કાપ પડવા જેવું પણ થયું ને જે એકચક્રી શાસન ચાલતું હતું તેને બ્રેક લાગી. એવી પૂરી શક્યતા છે કે 370 નાબૂદીને પગલે કાશ્મીરમાં નવી આતંકી પ્રવૃત્તિઓ વિકસી છે. એવી ધારણા હોઈ શકે કે આતંકી હત્યાઓ વધતાં ભારત 370ને ફરી લાગુ કરે. જે ફારૂખની ઇચ્છા પણ છે જ !
એટલે જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓને છૂટો દોર મળ્યો છે એ સાચું, પણ જો ત્યાંની પ્રજા એમ માનતી હોય કે 370 પૂર્વવત થશે, તો તે ભીંત ભૂલે છે. પાકિસ્તાન પણ ઇચ્છે છે કે 370 પૂર્વવત લાગુ કરવામાં આવે. એવી ઇચ્છા મુર્ખાઈથી વિશેષ કૈં નથી. ભારતે તેના દેશમાં શું કરવું તે પાકિસ્તાન જેવું કંગાળ રાષ્ટ્ર ન સૂચવી શકે. પાકિસ્તાનની દખલ અને કાશ્મીરી શાસકોની ઉદાસીનતાએ ત્યાંની બિનમુસ્લિમી પ્રજાની ને કાશ્મીરી પંડિતોની સ્થિતિ કફોડી કરી છે ને હાલત એ થઈ છે કે અહીંની પ્રવાસી પ્રજા પણ હવે કાશ્મીર જતાં વિચાર કરે છે.
ભા.જ.પી. શાસન સામે અનેક ફરિયાદો છે, પણ તેણે 370 નાબૂદી જેવું મહત્ત્વનું પગલું ભરીને કાશ્મીરી અને ભારતીય પ્રજાનું તો હિત જ કર્યું છે. દાયકાઓનાં કાઁગ્રેસી શાસન છતાં આ શક્ય બન્યું નથી તે પણ એટલું જ સાચું છે. ફારૂખ અબ્દુલ્લા હજી પણ માને છે કે સરકાર કલમ 370 ફરી લાગુ નહીં કરે ત્યાં સુધી કાશ્મીરમાં શાંતિ સ્થપાવાની નથી. શાંતિ કેવી રીતે નહીં સ્થપાય તેનો કોઈ ફોડ ફારૂખ પાડતા નથી. માત્ર બોલ્યા કરે છે. 370 નાબૂદ થતાં આતંકવાદ ખતમ થઈ જશે એવું કહેનારાઓ આતંકી હુમલા રોકી શકતા નથી એવું ફારૂખને લાગે છે. ફારૂખનો બીજો આરોપ એવો પણ છે કે ભા.જ.પ. યુ.પી.માં ચૂંટણી જીતવા નફરત ફેલાવી રહી છે. આ સાચું હોય તો પણ તેનાથી કાશ્મીરનું કયું અહિત થાય છે તે તેઓ કહેતા નથી. એ સાથે જ કાશ્મીરમાં વધી રહેલી હત્યાઓ પ્રેરિત નથી, એવું ફારૂખ પ્રમાણિકતાથી કહી શકે એમ છે? કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વકરે એવું પાકિસ્તાન તો ઇચ્છે જ, પણ એમાં કાશ્મીરના પૂર્વ શાસકોનો કોઈ જ હાથ નથી, એમ કહેવાનું મુશ્કેલ છે.
370 નાબૂદી પછી, એટલે કે 5 ઓગસ્ટ, 2019 પછી કેન્દ્ર સરકારે જે ત્વરિત નિર્ણયો કાશ્મીરમાં શાંતિ સ્થાપવા કરવાના હતાં, તે ઉરીની સર્જિકલ સ્ટ્રાઈકને બાદ કરતાં ખાસ થયા નથી. ઉરીની સર્જિકલ સ્ટ્રાઈકને ત્રણ વર્ષ જેવો સમય થયો, તે પછીની શાંતિ જોખમી રહી છે. આ સમય દરમિયાન ઘાટીઓમાં આતંકી પ્રવૃત્તિઓ વિકસી હોવાનું લાગે છે. કદાચ આ ગાળો આતંકીઓએ તૈયારીનો મેળવ્યો છે. એવું ન હોત તો સરહદ પર અને ઘાટીઓમાં આતંકી પ્રવૃત્તિઓમાં ઉછાળ આવ્યો ન હોત. છેલ્લા થોડા મહિનાઓમાં નિર્દોષોની હત્યાનું પ્રમાણ વધ્યું છે. એ ખરું કે ભારતીય સૈનિકોએ આતંકવાદીઓને ઠાર માર્યા છે, પણ સામે આપણા જવાનો પણ હોમાયા છે એ પણ નોંધવું ઘટે. 370 નાબૂદી પછી પ્રાપ્તિ બહુ મોટી નથી.
ગૃહ મંત્રી ભલે કહેતા હોય કે આતંકીઓનો ને પરિવારવાદનો અંત થયો, પણ એવું ઓછું જ છે. ઘરેલુ આતંકી પ્રવૃત્તિઓ વિકસી છે. હુમલાખોર કોઈ સંગઠનમાંથી નહીં, પણ કોઈ કુટુંબમાંથી આવે છે ને નિર્દોષની હત્યા કરીને ફરી ઘરેલુ પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. આમ થવાને લીધે આતંકવાદીની ઓળખ કરવાનું અઘરું થઈ ગયું છે. આ મહિનાની જ વાત કરીએ તો 8 નિર્દોષોની હત્યા થઈ હોવાનું નોંધાયું છે. એમાં કોઈ વેપારી છે, કોઈ શિક્ષક છે, કોઈ મજૂર છે, કોઈ કાશ્મીરી પંડિત છે. 2021ની વાત કરીએ તો ત્રીસેક લોકોની હત્યા ટાર્ગેટ કિલિંગને નામે ચડી છે. 90નાં દાયકામાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટે પણ આમ જ નિર્દોષોની હત્યાઓ કરી હતી, એને પરિણામે કાશ્મીરી પંડિતોની હિજરત શરૂ થઈ હતી. એ સિલસિલો ફરી શરૂ થયો છે. પાકિસ્તાની એજન્સી આઇ.એસ.આઈ.એ પી.ઓ.કે.માં મીટિંગો કરીને હત્યાનો સિલસિલો વધારવાની વાત કરી છે એ જોતાં આવનારા દિવસોમાં હત્યાનું પ્રમાણ વધે તો નવાઈ નહીં. આની સામે સેના આતંકીઓનો સફાયો કરે જ છે. છેલ્લા પંદર દિવસમાં સેના સાથેની અથડામણમાં 17 આતંકવાદીઓ ઠાર મરાયા છે ને 9 ભારતીય જવાનોએ શહીદી વહોરી છે. કોણ જાણે કેમ પણ આ સામસામે મારવાની પ્રવૃત્તિથી આતંકીઓનો સફાયો થઈ જાય છે એ ખરું, પણ તે અટકતો નથી. એ સાથે જ નિર્દોષો પરનું જોખમ પણ ઓછું થતું નથી.
એમ પણ લાગે છે કે બાંગ્લાદેશમાં મંદિરોની તોડફોડ ને હિંસા દ્વારા ભારતીય સત્તાધીશોનું ને પ્રજાનું ધ્યાન બીજે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કાશ્મીર તરફ ભારતનું ધ્યાન ન રહે એ માટેના પ્રયત્નો પાકિસ્તાન અને ત્યાંનાં આતંકવાદી સંગઠનો કરતાં રહે તો આશ્ચર્ય ન થવું જોઈએ. કાશ્મીરમાં થઈ રહેલા લઘુમતી પરના હુમલાઓ ને સુરક્ષા એજન્સીઓ પહોંચી વળે એમ છે. તેની પાસે આવા હુમલાઓ રોકવાનો ત્રણેક દાયકાઓનો અનુભવ છે, પણ એક બાબત ભારતે સમજી લેવાની રહે કે પાકિસ્તાન સીધું યુદ્ધ નહીં કરે. તે આતંકી હુમલાઓ દ્વારા જ ભારતને રોકાયેલું રાખે એમ બને. એ પણ નોંધવું જોઈએ કે ખીણમાં નવા વિસ્તારો પર નવા આતંકીઓ સક્રિય થયા છે એટલે ભારતે નવી સ્ટ્રેટેજી અપનાવવાની રહે જ છે. આવું વારંવાર બન્યું છે ને બને એમ છે. 1996 અને 2001માં વધુ આતંકી હુમલાઓ થયા હતા. તે પછી સુરક્ષાતંત્ર વધુ સજ્જ થયું છે. સુરક્ષા અધિકારીઓ પણ સ્થિતિ મુજબ નિર્ણયો લઈ શકે એટલી સત્તા તેમને આપવામાં આવી છે. આમાં ધર્મગુરુઓ પણ મદદમાં આવી શકે. કેટલીક મસ્જિદોમાંથી બિનમુસ્લિમોને હિજરત ન કરવાની અપીલ કરવામાં આવી. આ સારી બાબત છે. એમાં પ્રજા-પ્રજા વચ્ચેનો વિશ્વાસ ને સમભાવ વધે એમ બને.
આમાં જરૂરી છે તે ફારૂખ અબ્દુલ્લા ને મહેબૂબા મુફ્તી જેવાં રાજનેતાઓ ભારત સરકારમાં વિશ્વાસ મૂકે તેની. માત્ર પોતાનું વર્ચસ્વ જાળવવાની વાતનો કોઈ અર્થ નથી. જો કાશ્મીર ભારતનું છે તો તેની પ્રજા ભારતનો હિસ્સો બને ને તે મુખ્ય પ્રવાહમાં ભળે તેવા પ્રયત્નો કરવાને બદલે કાશ્મીરી નેતાઓ પડોશી દેશ તરફની વફાદારીનો છૂપો રાગ આલાપે તો દેશભક્તિના પ્રશ્નો ઊઠે. કમસેકમ પૂર્વ મંત્રીઓએ ભારત પ્રત્યેની વફાદારી પ્રગટ કરવાની રહે જ છે. એ સાથે જ સરકારે એ પણ જોવાનું રહે છે કે 370 નાબૂદીથી જો ભારતીય નાગરિક કાશ્મીરમાં વસી શકે એ સ્થિતિનું નિર્માણ કરવાનું હોય તો એવું કેમ છે કે ત્યાંનાં મૂળ નિવાસીઓને જ ત્યાં જીવવાના ફાંફાં પડી રહ્યાં છે? વિચારીએ –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઑક્ટોબર 2021