‘ફાર્બસ ગુજરાતી સભા’ની સ્થાપના(૧૮૬૫)ને, તેમ જ ‘રાસમાળા’ના સંશોધક,‘ગુજરાતી સભા’ના તેમ જ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’, ‘ગુજરાત વિદ્યાસભા’ના સ્થાપક એવા ઍલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બ્ઝના એ જ વર્ષે થયેલા નિધનને દોઢસો વર્ષ થયાં, એ નિમિત્તે એક અનોખો કાર્યક્રમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી-દિલ્હી, ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ, ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ અને બળવંત પારેખ સેન્ટર-વડોદરાના સંયુક્ત ઉપક્રમે, તા. ૨ ને ૩ એપ્રિલે અમદાવાદની વિખ્યાત હ. કા. આટ્ર્સ કોલેજમાં યોજાઈ ગયો.
‘ઓગણીસમી સદીના મુંબઈ ઈલાકામાં સાહિત્ય અને બીજી કલાઓની ગતિવિધિ અને એનો બૃહદ્સાહિત્યિક સંદર્ભ’ એ વિશેની સંભાષામાં ગુજરાતી સાહિત્ય, સંશોધન, ઇતિહાસવિદ્યા, સ્થાપત્યવિજ્ઞાન, તેમ જ અન્ય માનવવિદ્યા ક્ષેત્રોમાં ઊંડાં ખેડાણ કરનારાં સર્જકો, સંશોધકો, વિવેચકો અને અન્ય ક્રિયાશીલો તથા મુંબઈથી વડોદરા, લુણાવાડા, મહેસાણા, ઈડર, રાજકોટ, ભાવનગર આદિ સુધીના વિવિધ વિસ્તારમાંથી સ્વયમેવ આવેલાં સહૃદયો જોડાયાં હતાં. તત્કાલીન મુંબઈ ઇલાકામાં સમાવિષ્ટ પ્રદેશોમાં બોલાતી-લખાતી ગુજરાતી ઉપરાંતની મરાઠી, સિંધી અને (મુંબઈ ઉપરાન્ત મુખ્યત્વે પોર્ટુગીઝ શાસન હેઠળના ગોવા પ્રદેશની) કોંકણી ભાષાના સાહિત્ય અને બૃહદ્સંદર્ભ અંગે પણ એક ખાસ બેઠક આ કાર્યક્રમની એક વિશેષતા હતી.
આરંભ એચ. કે. આટ્ર્સ કૉલેજના આચાર્ય સુભાષ બ્રહ્મભટ્ટના ઉષ્માસભર સ્વાગતથી થયો. ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ, ઉદ્યોગપતિ નવીનભાઈએ આવા જ્ઞાનના ઉપક્રમને સાંભળવામાં વિશેષ રસ હોવાનું વ્યક્ત કરી પોતાની લાગણી સંક્ષિપ્તમાં રજૂ કરી હતી. આ પરિસંવાદના મૂળભૂત હેતુની માંડણી કરતાં સિતાંશુ યશશ્ચન્દ્રએ આજના સંદર્ભમાં મહાભારતની, અજગર રૂપી શાપિત નહુષ અને યુધિષ્ઠિરની પ્રશ્નોત્તરીના મરમને ખોલતા જઈ, ઇન્દ્રાણી પાસે એટલે કે સત્તાની રાણી પાસે પહોંચવા ઉતાવળા થતા આજના ઉત્સુકોને વિચારશીલતા અને નિર્ભયતાને કોરાણે મેલવાની વૃત્તિને તિલાંજલિ આપવાની, આત્મરતિથી વેગળા થવાની અને ભૂતકાળને સમજવાની આવી પરિસંવાદની પ્રક્રિયાની મહત્તા પર ભાર મૂકતાં નિરંજન ભગતના બીજરૂપ વક્તવ્યની રજૂઆત માટે ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ એવા ભારતના વિખ્યાત સ્થપતિ ડૉ. બાલકૃષ્ણ દોશીના અધ્યક્ષપણા હેઠળ પરિસંવાદને ખુલ્લો મૂક્યો હતો. અધ્યક્ષ તરીકે ટૂંકી રજૂઆતમાં ડૉ. બાલકૃષ્ણ દોશીએ ઍલેક્ઝાંડર ફૉર્બ્ઝને ભાવાંજલિ આપવા સાથે વિષય પરત્વેની એમની નિસબત દાખવી, બીજરૂપ વક્તવ્યને નિમંત્રણ પાઠવ્યું હતું.
કુમારપાળ દેસાઈએ નિરંજન ભગતના બીજરૂપ વક્તવ્ય ૧૯મી સદીના ગુજરાતની સાંસ્કૃિતક અને સાહિત્યિક આબોહવા’નું સુસ્પષ્ટ વાચન કર્યું હતું. ૧૯મી સદીના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના સ્થાનિક પરિબળો અને અંગ્રેજ શાસન તેમ જ શિક્ષણથી થયેલાં પરિવર્તનો અને સુધારા એમ બે વિભાજકરેખા સાથે એમણે પોતાની વાતની માંડણી કરવા સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે ૧૯ મી સદીના ગુજરાતની સાંસ્કૃિતક અને સાહિત્યિક આબોહવાનું સર્જન અંગ્રેજી શાસકો, સજ્જનો, ગુજરાતી સાક્ષરો અને શિક્ષિતોના લઘુમતી વર્ગ દ્વારા થયું છે અને સમાજના અશિક્ષિતો અને નિરક્ષરો એનાથી વંચિત જ રહ્યા હતા. આ બીજરૂપ વક્તવ્યે શ્રોતાઓની ચેતના ઉપર સદીના અન્ય લીંપણની પૃષ્ઠભૂમિકા જાણે તૈયાર કરી દીધી. આ જ બેઠકમાં અતિથિવિશેષ રૂપે ઉપસ્થિત ભારતની સર્વોચ્ચ અદાલતના (નિવૃત્ત) ન્યાયમૂર્તિ સી. કે. ઠક્કરે અને મુંબઈ હાઈકોર્ટના (નિવૃત્ત) મુખ્ય ન્યાયમૂર્તિ મોહિતભાઈ શાહે પોતપોતાના પ્રાસંગિક ટૂંકા વક્તવ્યમાં એમની સાહિત્યપ્રીતિ અને કાનૂન સાથેના એના સંબંધની વાતો કરી, ન્યાય સાથે સંકળાયેલા જસ્ટિસ ફાર્બસની ગુજરાતી ભાષાની નિસબતને ભાવાંજલિ આપી હતી.
સમગ્ર બેઠકનું સુચારુ સંચાલન સંશોધક અને વિવેચક આચાર્ય હસિત મહેતાએ કર્યું હતું. આ બેઠકમાં સભાખંડમાં એની ક્ષમતા કરતાં પણ વધુ ફૉર્બ્ઝના અને ગુજરાતી ભાષા અને સંસ્કૃિતના ચાહકોએ, અગવડ વેઠીને પણ, ઉપસ્થિત રહેવાનું પસંદ કર્યું હતું. આ બેઠકનું સમાપન કરતાં ડૉ. દોશીએ એમ સૂચવ્યું કે આપણું ઘર જાળવવું હોય તો એનો પાયો પોતાનો અને મજબૂત હોવો જોઈએ, પછી ભલેને ગાંધીજી કહે છે તેમ દુનિયાની ચોતરફથી હવા આવે, ઘર સાબૂત રહે એ ધરોહર છે અને આ પરિસંવાદ એનો નિર્દેશ આપે છે.
આ સંભાષામાં કુલ પાંચ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૯મી સદીના મુંબઈ ઇલાકાનાં ગુજરાતી સમાજ, ઇતિહાસ, સંસ્કૃિત, સાહિત્ય, મુદ્રણવ્યવસ્થા, પુસ્તકો, સામયિકો, શિક્ષણ, અર્થકારણ, જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. પ્રથમ બેઠકનું પ્રથમ વક્તવ્ય વિરલ-પ્રતિભાવન્ત યુવા અભ્યાસી હેમન્ત દવેએ ૧૯મી સદી વિશે આપ્યું હતું, જેમાં આધુનિકતાનો વિભાવ માત્ર પાશ્ચાત્ય પ્રભાવે જ આવ્યો, એવા પ્રચલિત ખ્યાલનું ખંડન કરી સ્વામિનારાયણ અને પ્રણામી સંપ્રદાય જેવા ધર્મ અને સમાજસુધારણાનાં પરિબળો ગુજરાતમાં બહુહિતવાદી વિચારણા (યુટિલિટેરિયન ફિલૉસૉફી) આવી એ પહેલાં કાર્યરત હતાં એમ દર્શાવ્યું. ૧૯મી સદી દરમિયાન અંગ્રેજી શિક્ષણ પહેલાં અને વિના કેટલાયે ગુજરાતી વિદ્વાનો રોજનીશી રાખતા હતા, એ બાબતે પણ એમણે ખાસ ધ્યાન દોર્યું, કારણ કે આત્મકથા, રોજનીશી, ઇ. સ્વરૂપો આધુનિકતામાં સ્વ-નિરીક્ષણ અને સ્વ-ઘડતરનાં અગત્યનાં સાધનો મનાયાં છે. પોતાના સમયની બૉમ્બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરપદે વિરાજમાન હતા એવા ફાર્બસસાહેબ અંગેના એ પછીના વક્તા, સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના પૂર્વકુલપતિ અને વિખ્યાત સમાજશાસ્ત્રી પ્રવીણચંદ્ર પટેલ હતા. એમણે ૧૯મી સદીના સુધારા અંગે પોતાનું વિદ્વત્તાપૂર્ણ વક્તવ્ય આપતાં જણાવ્યું કે આપણે ત્યાં સુધારો એક ‘અપૂર્ણ પ્રકલ્પ’ રહ્યો અને પરિણામે આધુનિકતાની પ્રક્રિયા સંપૂર્ણ થઈ શકી નહીં અને એનું સ્થાન દેશહિતની ચળવળે લીધું. એમણે ૧૯મી સદીના મુંબઈ ઇલાકાને પણ એકાશ્મ, એકરંગી જોવા સામે લાલ બત્તી ધરતાં સ્પષ્ટ કર્યું કે ૧૯મી સદી અને મુંબઈ ઇલાકો બન્ને બહુરંગી, તરલ અને કોઈ મુશ્કેટાટ શ્રેણીમાં ન બાંધી શકાય તેવાં છે. આ બેઠકના અધ્યક્ષ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, અગ્રણી કવિ-વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાએ ૧૯મી સદીના પૂર્વાર્ધને, પ્રાગ્અર્વાચીન કાળને નવેસરથી તપાસવાની જિકર કરતાં જણાવ્યું કે નવી પેઢીના અભ્યાસીઓએ આ કરવાની ખાસ જરૂર છે. એમણે નિર્મમ રીતે કહ્યું કે કે. કા. શાસ્ત્રીના ‘કવિચરિત’ પછી ગુજરાતી સાહિત્ય લખવાનો, મૂળ સાધનો જોઈ, તપાસીને, કોઈ સન્નિષ્ઠ પ્રયત્ન થયો નથી.
બીજી બેઠકમાં વિદ્વાન ઇતિહાસકાર મકરંદ મહેતાએ ૧૯મી સદીના અર્થકારણની વાત કરતાં ટી. કે. ગજ્જર અને એમણે વડોદરામાં સ્થાપેલા કલાભવનની, ૨૦મી સદીમાં ફળીભૂત થયેલી સિદ્ધિઓ પરત્વે ધ્યાન આકૃષ્ટ કર્યું હતું. આદિવાસી ઇતિહાસમાં પાયાનું કામ કરનાર ઇતિહાસકાર અરુણ વાઘેલાએ ઓગણીસમી સદીના મુંબઈ ઇલાકાના આદિવાસીઓનાં ઇતિહાસ લખવા માટેનાં સાધનો અંગે, મુખ્યત્વે દફતરભંડારમાંની સામગ્રી વિશે, ખૂબ વિગતે વાત કરી હતી. આ સાધનો ટાંચાં છે, એ બાબત ઉપર ભાર મૂકીને એમણે આદિવાસી ઇતિહાસલેખન માટે મૌખિક ઇતિહાસનો સમુચિત ઉપયોગ કરવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. વિખ્યાત સંસ્કૃિત મીમાંસક અચ્યુત યાજ્ઞિકે ૧૯મી સદીના સુધારાનું વિવેચન કરતાં જણાવ્યું કે ૧૯મી સદીનાં નવ્યપરિબળોનો લાભ સમાજના ઉપલા વર્ગ પૂરતો જ મર્યાદિત રહ્યો હતો. મુસ્લિમો, દલિતો, આદિવાસીઓ અને સમાજના પરિઘ ઉપર રહેલા અન્ય સમાજો એના દૂરગામી લાભથી વંચિત જ રહ્યો હતો.
ગુજરાતી સાહિત્યને લગતી બેઠકમાં ગુજરાતી કવિતાની સિદ્ધિઓ વિશે કવયિત્રી ઉષા ઉપાધ્યાયે ચર્ચા કરતાં વાજબી રીતે જ ૧૯મી સદીની ધર્મસંપ્રદાયોની કાવ્યરિદ્ધિ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે મધ્યકાલીન કવિતાના દાબને કારણે ગદ્યમાં જેવો ઝડપી ઉત્કર્ષ જોઈ શકાય છે તેવો કવિતામાં નથી જોઈ શકાતો. કવિ-વિવેચક રાજેશ પંડ્યાએ ગુજરાતી ગદ્યના વિકાસને એકાધિક તરેહના-શાસ્ત્રીય, લલિત, જાહેરખબરના, અનુવાદના – ગુજરાતી ગદ્યના નમૂનાઓ લઈને આલેખ્યો હતો. લબ્ધપ્રતિષ્ઠ વિવેચક-વાર્તાકાર શિરીષ પંચાલે એમના વક્તવ્યમાં ૧૯મી સદીના ગુજરાતી સાહિત્યની સિદ્ધિઓ અને અનાવધાનો વિશેની વાત વ્યાપક રીતે, બૃહદ્સંદર્ભમાં, મૂકી.
ચોથી બેઠકમાં ગોવર્ધન-સાહિત્યના ઊંડા અભ્યાસી અને સંશોધક હસિત મહેતાએ ઓગણીસમી સદીનાં ગુજરાતી સામયિકો અને વર્તમાનપત્રો વિશે, ખાસ કરીને ૧૯મી સદીનાં સાહિત્યિક સામયિકો વિશે, પોતાનું વક્તવ્ય આપ્યું. જ્યારે ૧૯મી સદીનાં પુસ્તકો વિશે સતત લખતા વિવેચક દીપક મહેતાએ ૧૯મી સદીમાં ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણના વિકાસની રૂપરેખા આપી. સિનેમા અને પુરાતત્ત્વના ઊંડા અભ્યાસી વીરચંદ ધરમશીએ મુંબઈ ઇલાકામાં સિનેમાનાં પગરણ થયાં, એ પૂર્વે મનોરંજનનાં સાધનો કયાં હતાં, તે વિશે અને આ સાધનોએ સિનેમાને કેવી રીતે ૨૦મી સદીમાં પ્રભાવિત કર્યું, એ વિશે વ્યાખ્યાન આપ્યું. વિક્ટોરિયન યુગના પ્રભાવમાં ગુજરાતીમાં અશ્લીલતાનો અભિવાદ કેવી રીતે આકાર પામ્યો એ વિશે પણ એમણે ધ્યાન ખેંચ્યું. કવિ-વિવેચક ચંદ્રકાન્ત શેઠે આ બેઠકના અધ્યક્ષ તરીકે ઓગણીસમી સદી વિશે તાકીદે કરવાનાં કામો વિશે ચર્ચા કરી.
આ સિવાય ગુજરાતી સિવાયની ભાષાઓ અને એમના સાહિત્યની ચર્ચા પણ આ સંભાષામાં કરવામાં આવી. બહુભાષાવિદ અને સંનિષ્ઠ સંશોધક મુરલી રંગનાથને પોતાના વક્તવ્યમાં સાંસ્થાનિક મુંબઈમાં ગુજરાતી, મરાઠી, ઉર્દૂ, ફારસી મુદ્રણવ્યવસ્થાના પ્રારંભ વિશે અને એ ભાષાઓ અને લિપિઓમાં પહેલવહેલાં પ્રકાશિત અખબારો વિશે, અત્યાર સુધી મનાતી આવેલી સાલવારીને ખારીજ કરતી, ચર્ચા કરી. ગોવાથી પધારેલા ભારત-પ્રતિષ્ઠ કવિ અને વિવેચક દામોદર માવજોએ પોર્ચ્યુગીઝ તાબા હેઠળના ગોવામાં સાહિત્યિક ગતિવિધિઓ વિશે, ખાસ કરીને કોંકણી સાહિત્ય વિશે પોતાની વાત મૂકી. ગોવામાં ફિરંગીઓના આધિપત્ય સાથે જ, ૧૬મી સદીથી જ, પરિવર્તન આવવું શરૂ થયું હતું અને એ રીતે આ સાહિત્ય મુંબઈ ઇલાકાના અન્ય ભાષાના સાહિત્ય કરતાં જુદું પડે છે. મરાઠી વિદૂષી વિવેચક પુષ્પા રાજાપુરેએ એમના શોધપત્રમાં ૧૯મી સદીનાં મરાઠી નાટકો મારફતે સુધારક પરિબળો અને સંરક્ષક પરિબળો કેવી રીતે કાર્યરત હતાં એ દર્શાવ્યું. વિધવાવિવાહ, બાળલગ્ન, સ્ત્રીશિક્ષણ, વગેરે મુદ્દાઓની એમણે સોદાહરણ ચર્ચા કરી હતી. સિંધી સ્થળાંતર વિશે તાજેતરમાં ઉત્તમ કામ કરનારાં નંદિતા ભાવનાણી આ સંભાષામાં ઉપસ્થિત રહી શક્યાં નહોતાં. એમનું શોધપત્ર ૧૯મી સદીના સિંધમાં સાહિત્ય અને સુધારા વચ્ચેના આંતરસંબંધો વિશે હતું, જેનું વાચન દીપિકા કેવલાણીએ કર્યું હતું.
આ ઉપરાંત પ્રથમ દિવસે સાંજે વિખ્યાત ગાયક સંગીતકાર અમર ભટ્ટે ૧૯મી સદીના ગુજરાતી કવિઓનાં કેટલાંક સુંદર ગીતો અને કાવ્યોને મધુર સ્વરે ગાઈ શ્રોતાઓને બે કલાક સુધી જકડી રાખ્યા હતા. ૧૯મી સદીના કવિઓ વિશે અને કાવ્યો વિશે અભ્યાસપૂર્ણ છતાં રસપ્રદ નુક્તેચીની કરી આ ગીતોને તેમણે ઉત્તમ રીતે સાંકળી આપ્યાં. બીજા દિવસે સાંજે મુંબઈના યુવાન પારસી સ્થાપત્યવિદ કૈવાન મહેતાએ ૧૯મી સદીના મુંબઈના સ્થાપત્યને એ સમયના સમાજ, અર્થકારણ, સાહિત્ય વગેરે સાથે સાંકળી અધુનાતન વિચારણાથી પુષ્ટ કરી સ્લાઇડ-શો રજૂ કર્યો હતો. સ્થાપત્ય જેવો, કોઈને શુષ્ક લાગતો, વિષય કેવી અને કેટલી રીતે આપણી સંસ્કૃિત અને સાહિત્ય સાથે પણ અભિન્ન રીતે જોડાયેલો છે, એ તેમણે બતાવ્યું, જેની દર્શકોએ ઘણી સરાહના કરી.
સમગ્ર રીતે જોતાં, ફાર્બસસાહેબના નિધનના અને ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપનાનાં દોઢસો વર્ષને સ્મૃિતસ્થ કરવાના હેતુથી યોજાયેલી આ સંભાષામાં મુંબઈ ઇલાકાનાં સાહિત્યોના સમાજ, અર્થકારણ, રાજકારણ, શિક્ષણ, સંસ્કૃિત જેવાં વિવિધ પરિબળો સાથેના સંબંધો ઉપર વ્યાપક પ્રકાશ પાડવામાં આવ્યો. સુધારાનાં તત્ત્વો અને એની સામે સંરક્ષક પરિબળો, અંગ્રેજી મૂલ્યવ્યવસ્થા અને એનું સ્થાનિક સ્તરે થયેલું અર્થઘટન, નવાં સાહિત્યસ્વરૂપોની શરૂઆત, મુદ્રણ અને વર્તમાનપત્રો, ઇત્યાદિ વિશે બૃહદ્પરિપ્રેક્ષ્યથી વાત મુકાવાને કારણે અનેક પ્રશ્નોના ઉત્તરો મેળવી શકાયા તો અનેક નવા પ્રશ્નો પણ, એક નવી સંભાષાની આશા સાથે, મુકાયા, અને એ આ સંભાષાની ફલશ્રુતિ!
હેમંત દવે : e.mail : nasatya@gmail.com
બારીન મહેતા : e.mail : barinmehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 14-15