Opinion Magazine
Number of visits: 9449159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એમને અને ડહાપણની દાઢને શું

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 October 2019

હજુ તો એ કૌતુક અને અચરજને બેચાર દા’ડા જ માંડ થયા હશે જ્યારે લાગેલું કે સત્તા-પ્રતિષ્ઠાનને સહસા ડહાપણની દાઢ ફૂટવામાં છે : મુઝફ્ફરપુર પોલીસે મણિ રત્નમ્‌, શ્યામ બેનેગલ, અનુરાગ કશ્યપ, અપર્ણા સેન, શુભા મુદ્‌ગલ અને રામચંદ્ર ગુહા આદિ પ્રતિભાવંત શખ્સિયતો પરથી રાજદ્રોહના આરોપસરની ફરિયાદ પડતી મૂકી; અને વધુમાં કહ્યું કે આ ફરિયાદ મૂળે કશીક મેલી મુરાદવશ અને તરકટી હતી. ખરું જોતાં, આ પ્રતિભાવંતોએ વડાપ્રધાન જોગ પત્રમાં કહી કહીને કહ્યું’તું તો એટલું જ કે ‘જયશ્રી રામ’નું સૂત્ર સહજ ધાર્મિકતાને વટીને મૉબ લિન્ચિંગના રાહે એક યુદ્ધોન્માદી નારો બની રહ્યું છે. જાહેર ટીકાટિપ્પણનાં લોકશાહી ધારાધોરણની ચોખૂટમાં રહીને લખાયેલો આ પત્ર હતો, અને એને ‘રાજદ્રોહ’માં ખતવવાનું કોઈ જ કારણ નહોતું.

પણ ડહાપણની દાઢ ફૂટી રહ્યાનું લાગે અને કશોક વિધાયક વ્યામોહ વ્યાપવા લાગે એ પહેલાં જ (નાગરિક સદ્‌ભાગ્યે) ભડાકાભેર એ સમાચાર બહાર આવ્યા કે વર્ધા સ્થિત આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયે ત્રણ દલિત અને ત્રણ ઓ.બી.સી. છાત્રોને ખાસ તારવીને ખારિજ કર્યા છે (આશરે સોએક છાત્રો ધરણા પર બેઠા હતા) એમની માગણી અને લાગણી સામાન્યપણે જેને લિન્ચિંગ-વિરોધી કહીએ તે પ્રકારની એટલે કે માનવીય ધારાધોરણો માટેની હતી. આ કેસમાં યુનિવર્સિટી સત્તાવાળાઓએ જાદુપેટીમાંથી કાઢેલો મુદ્દો એ છે કે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હોય ત્યારે અપેક્ષિત સંહિતાનો આ ભંગ છે. ભાઈ, તમે વિધિવત્‌ નોટિસ આપી શક્યા હોત, ન્યાયિક પ્રક્રિયા યથાક્રમ ચાલી હોત, ખરાઈને ધોરણે બેઉ પક્ષે ન્યાય કે અન્યાય પુરવાર થઈ શક્યા હોત … પણ છાત્રો પરબારા રદબાતલ ને ખારિજ ? (સંઘમાન્ય નવી નિમણૂકોનો જે દોર હવે સ્થાયી બનતો ચાલ્યો છે એને વાસ્તે પ્રોબેશન તબક્કેથી કન્ફર્મેશન તબક્કા સારુ આવી કોઈ વિશેષ જરૂરત હશે, ન જાને.)

પાછા ‘રાજદ્રોહ’ના મુદ્દા પર જઈશું જરી? આ પ્રકારના સાંસ્થાનિક કાયદાકાનૂન(અને એવી જ માનસિકતા)થી રાજવટને રોડવવાનું વલણ, જેઓ કટોકટી સામે લડ્યાનું ગૌરવ લે છે એમને કેમ ફાવતું આવતું હશે? ગાંધી સાર્ધ શતાબ્દીના સત્તાવાર શોરમાં ક્યાંયે ડૂબી જતું ગાંધીવિધાન તો એ છે કે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૪એ (રાજદ્રોહ) નાગરિકની સ્વાધીનતાને દાબવા સારુ થયેલી જોગવાઈઓમાં શિરમોર છે. બીજી પાસ, હજુ જુલાઈ ૨૦૧૯માં ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાવે રાજ્યસભામાં વિધિવત્‌ કહ્યું છે કે ૧૨૪ એને પડતી મૂકવા માટેની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી; કેમ કે રાષ્ટ્રવિરોધી, ભાગલાવાદી અને આતંકવાદી તત્ત્વો સામે અસરકારક કારવાઈ માટે આવી જોગવાઈ જરૂરી છે.

હશે, ભાઈ. મુઝફ્ફરપુર પંથકમાં સિરિયલ લિટિગન્ટ તરીકે સુપ્રતિષ્ઠ (ઉર્ફે નામીચા) – શતાયુ નગીનદાસ સંઘવીની તડફડ શૈલીએ કહેતાં ફાલતુ-ધારાશાસ્ત્રી સુધીર ઓઝાએ ફરિયાદ નોંધાવતા તો નોંધાવી, પણ પ્રતિભાવંતોના પત્રમાં કોઈ રાષ્ટ્રવિરોધી કે ભાગલાવાદી અગર તો આતંકવાદી હિમાયત નહોતી એ પાયાનો મુદ્દો પોલીસસ્તરે વિચારવા લાયક જણાયો જ નહીં એ કેવું. ઓઝા અને પોલીસનું તો ખેર સમજ્યા (માનો કે ઘૂંટડો કેમે કરી ગળે ઉતારીએ) પણ મુઝફ્ફરપુરના માનનીય મેજિસ્ટ્રેટ તિવારીજીએ એફ.આઈ.આર.ને પરબારી ગ્રાહ્ય રાખી, એને વિશે શું કહીશું. સર્વોચ્ચ અદાલતે ‘રાજદ્રોહ’ની આરોપશ્રેણી (સિવાય કે તે સીધી હિંસક સંડોવણી સાથે હોય) ગ્રાહ્ય નહીં રાખવાની અને લોકશાહી ધારાધોરણોની મર્યાદામાં એક ટિપ્પણી તરીકે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ખાનામાં ખતવવાની જે ભૂમિકા લીધી છે એની સન્માન્ય સ્થાનિક જજને લગરીકે સુધબુધ ન હોય એ ચોક્કસ જ ચિંતા જગવે છે.

આ પ્રક્રિયા એક લોકશાહી રાજવટ અને સમાજને નાતે આપણને કઈ દિશામાં, કિયે છેડે લઈ જઈ શકે છે એનાં ઓસાણ હોવા જરૂરી છે. સ્થાનિક પોલીસ અને સ્થાનિક ન્યાયાધીશીનો આ રવૈયો ચાલુ રહ્યો તો ક્રમે ક્રમે પ્રજામાનસમાંથી સમગ્ર તંત્ર અને એકંદર રાજવટ અંગેની સ્વીકૃતિ (લેજિટિમસી) ખડી પડશે. ૧૯૪૭ અને ૧૯૭૭(હા, ૧૯૭૭)ની કમાણી ખોઈ બેસીએ એવી આ પ્રક્રિયાને વળી જો વિચારધારાકીય વળ અને આમળો ચઢતાં રહેશે – અને એવું નથી થઈ રહ્યું એવું તો નથી – એ સંજોગોમાં જેને ‘કાયદાનું શાસન’ કહેવાય છે તે લુપ્તપ્રાય થઈ જશે.

તવલીન સિંહ જેવા, અન્યથા મોદી નેતૃત્વના ચાહક પણ જે વાતે ચિંતિત છે તે વિચારધારાકીય મૂઢગ્રાહવશ કાયદાના શાસન સાથેની હરકત અને એથી અમાનુષ અત્યાચારોને મળી રહેતી પનાહનો મુદ્દો છે.

સરસંઘચાલક મોહન ભાગવતે સંઘ પરિવારની સઘળી સંસ્થાઓ માટે માર્ગદર્શન રૂપ મનાતા વિજયાદશમી વ્યાખ્યાનમાં જે રીતે ‘મૉબ લિન્ચિંગ’ના મુદ્દાને જોયો ન જોયો કર્યો છે તે આ સંદર્ભમાં સૂચક છે. એમણે કહ્યું છે કે લિન્ચિંગ આપણી પરંપરામાં છે જ નહીં – ભારતીય ભાષામાં તમને એને માટે શબ્દ શોધ્યો નહીં જડે. લિન્ચિંગ વિશે થતી ફરિયાદો ભારતની આબરૂને હાણ પહોંચાડે છે એમ પણ એમણે કહ્યું છે. ભાઈ, આ હાણ ફરિયાદને કારણે છે કે લિન્ચિંગને કારણે, એ તો સ્પષ્ટ કરો. હકીકત એ છે કે મે ૨૦૧૪ પછી ગોરક્ષાને નામે ને બહાને આ પ્રકારની હિંસ્ર ચેષ્ટાનો એક નવો સિલસિલો દૃઢાયો છે. આ જ ભાગવતે ગયે વરસે એમનાં વિજ્ઞાન ભવન વ્યાખ્યાનોમાં કહ્યું હતું કે ગોળવલકરે હિટલરી અભિગમમાં આપણી ‘મુસ્લિમ સમસ્યા’નું નિરાકરણ જોયું હતું એ અમને અમાન્ય છે. તો, એ જ ફ્રિકવન્સી પરની લિન્ચિંગ કારવાઈનો શો બચાવ છે એમની કને.

સાર્ધ શતાબ્દીના શોર વચ્ચે ‘ન્યૂસવીક પાકિસ્તાન’ના કન્સલ્ટિંગ એડિટર ખાલેદ અહમદે એક મુદ્દો સરસ કીધો છે કે ભાગલાની જ્વરગ્રસ્ત માનસિકતામાંથી બહાર આવી રહેલા મુસ્લિમોનો એક મોટો વર્ગ ગાંધીને આજે એક શહીદરૂપે જોઈ રહ્યો છે – એક એવી શખ્સિયતરૂપે જોઈ રહ્યો જેને હજુ બાકી ઇનિંગ્ઝ રમવા મળી હોત તો આઝાદ હિંદને અત્યારે જે પાકિસ્તાન પ્રકારનાં ગોથાંનો અનુભવ થઈ રહ્યો છે એમાંથી ઉગારી ઉપખંડ આખામાં શાંતિ અને સૌહાર્દ(અને એથી સહભાગી સમૃદ્ધિ)નો પથ પ્રશસ્ત કરત.

વાત ગાંધીની જ નીકળી છે તો આપણને સમજાઈ રહેવું જોઈતું વાનું એ છે કે હાલ ‘ગાંધી ગાંધી’ એમ ગાઈવજાડીને બોલવા સિવાય કોઈ વિકલ્પ નથી એવી વ્યૂહાત્મક સમજ સાથે સત્તામંડળી આગળ વધી રહી છે. પણ એમણે જે ગાંધીને આગળ કર્યા છે તે એક પ્રકારના સાફસૂતરા (કહો કે સૂતકમાં રાખેલા) સેનિટાઇઝ્‌ડ ગાંધી છે. ધર્મકોમની સાંકડી સમજના દાયરામાંથી મુક્ત અને ઝુઝારુ ગાંધીનો એમને ખપ નથી. ઇસ્લામ, ખ્રિસ્તમત સૌનો સહૃદય સમીક્ષક અને ચાહક, એક શ્રદ્ધાળુ હિંદુ – પણ જીર્ણમતિ શાસ્ત્રોનો એવો જ ઉત્કટ ટીકાકાર.  આવી ન ભૂતો ન ભવિષ્યતિ શખ્સિયત અને ભા.જ.પ. બ્રાન્ડ રાષ્ટ્રવાદ વચ્ચે મેળ નથી તે નથી.

દરમ્યાન નીતીશ કુમારની પોલીસને સુધ્ધાં ભૂલસુધારમાં જે વિલંબ થયો તે લક્ષમાં લઈ એન.ડી.એ.ના બિનભાજપી સાથીઓએ કશોક પુનર્વિચાર કરવો જોઈએ એટલું ચોક્કસ કહેવું રહે છે.

ઑક્ટોબર ૧૩, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 01-02

Loading

15 October 2019 admin
← Gandhi Anniversary: An Occasion to Gain legitimacy for Some
પોલીસ શું વિચારે છે અને કેમ વર્તે છે ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved