ગરમીના પ્રકોપથી ત્રસ્ત લોકો ફેસબુક પર મહત્તમ તાપમાનના સ્ક્રીનશોટ પોસ્ટ કરી અટકી જાય છે. પરંતુ પર્યાવરણને સુધારવાના કોઈ જ પ્રયાસ કરતા નથી, પણ ૭૦ વર્ષના રમેશભાઈ દવે કોઈની ય મદદ વગર એકલા હાથે ૬૫૦ વૃક્ષ વાવી અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બન્યા છે.
સાહિત્યપ્રેમી અને પર્યાવરણપ્રેમી રમેશભાઈને પ્રકૃત્તિ પ્રત્યે ખાસ લગાવ છે અને એમાંય વૃક્ષો રોપવાં, તેમની કાળજી લેવી તો તેમના અતિ રસનો વિષય છે. રિટાયર્ડ થયાના સાત વર્ષમાં તેમણે એકલા હાથે સેટલાઈટ વિસ્તારના રસ્તા ઉપર ૬૫૦ વૃક્ષ વાવ્યાં છે અને તેઓ વૃક્ષો વાવી દેવા માત્રથી જ અટકતા નથી પણ વૃક્ષોને સમયસર ખાતર-પાણી આપી તેમની કાળજી પણ લેતા રહે છે. આ સિવાય તેઓ દર વર્ષે બે હજાર જેટલા રોપાં તૈયાર કરીને લોકોને વિના મૂલ્યે વહેંચી દે છે. ઉંમર, ઠંડી, તડકો કે વરસાદ જેવું કોઈ પણ પરિબળ તેમને તેમના સેવાયજ્ઞમાં બાધકરૂપ બનતું નથી.
યૂઝ કર્યા પછી ફેંકી દેવાયેલા ચા-પાણીના ગ્લાસ, લોટની-મીઠાની-દૂધની-પાવડરની થેલીઓ, થર્મોકોલના વેસ્ટેજ બોક્સ જેવી ફેંકી દેવાયેલી વસ્તુઓને રમેશભાઈ સંગ્રહી રાખે. અને પછી તેને સાફ કરી તેમાં માટી ભરી તેમાં બીલી, કેસૂડો, ગરમાળો, ગુલમહોર, પારસ પીપળો અને વડલો જેવાં વૃક્ષોનાં બી નાંખે. અને એ રીતે રોપાં તૈયાર કરી લોકોને વહેંચી દે. એટલું જ નહીં પણ રોજ સવારે રમેશભાઈ અને તેમના પત્ની ઠંડાં પીણાંની બોટલોમાં પાણી ભરી પોતે વાવેલાં વૃક્ષોને પાણી પાવા પણ જાય. પોતાનાં વૃક્ષોની જાળવણી કરવાના પોતાના આ શોખને કારણે તેમણે પોતાને મદદરૂપ થઈ પડે તેવા સાધનો જેમ કે છોડવાં ભરી જવા માટે કેરેટ, ટ્રોલી અને બાગકામનાં સાધનો પણ તેમણે વસાવ્યાં છે.
બાળપણમાં મારી પ્રાથમિક શાળાના નવા મકાનનો બગીચો અમે વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરેલો. બસ ત્યારથી મને વૃક્ષો માટે ખાસ લગાવ છે. વૃક્ષોનો પૃથ્વી સાથેનો નાળછેદ કદી થતો નથી. પોતાનાં રક્ષણ માટે કે પોષણ માટે તે બીજા પર આધારિત છે એ જ વસ્તુ તેમને બીજા સજીવોથી અલગ પાડે છે. અને એટલે જ આપણે તેમની માવજત વધારે કાળજીપૂર્વક કરવી જોઈએ. વૃક્ષો ઉગાડીશું તો જ આપણે ઓક્સીજન પામીશું અને વાતાવરણમાં ઠંડક થશે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ekalahathe-gardener-planted-more-than-650-trees-to-preserve-their