ગ્રંથયાત્રા – 12
ક્યુબામાં રહેતો એક બુઢ્ઢો માછીમાર. એનું નામ સાંતિઆગો. પહેલાં જુવાન હતો ત્યારની વાત જુદી, પણ હવે … છેલ્લા ૮૪ દિવસથી તે એક પણ માછલી પકડી શક્યો નથી. વસ્તીમાંના બીજા માછીઓ, કોઈ હસે છે તેને જોઇને, કોઈ દયા ખાય છે. પહેલાં મેનોલિન નામનો એક છોકરો મદદ માટે સાથે આવતો, જ્યારે બુઢ્ઢો માછલી પકડવા જતો ત્યારે. પણ હવે છોકરાના માબાપે તેને મનાઈ ફરમાવી છે. ખબરદાર છે, જો એવા કરમ બુંધિયાળ બુઢ્ઢા સાથે દરિયે ગયો છે તો. હા, રોજ સાંજે માછીમાર ખાલી હાથે પાછો આવે ત્યારે કિનારે આવી પેલો છોકરો તેને શઢ બાંધવામાં, જાળ વીંટાળવામાં, અને એવાં નાનાં મોટાં કામોમાં મદદ કરે છે. ખાવાનું લઈ આવે છે. અને અમેરિકન બેઝ બોલની મેચમાં આજે શું થયું તેનો અહેવાલ આપી બુઢ્ઢાનું મન બીજી વાતમાં વાળવા મથે છે. પણ વધુ મોટું કામ તો છોકરો કરે છે રોજ બુઢ્ઢા માછીમારને સધિયારો આપવાનું. રોજ કહે : “આજે માછલી ન પકડાઈ જાળમાં, તો શું થયું? આવતી કાલે ચોક્કસ મોટી બધી માછલી સપડાશે તારી જાળમાં.”
પણ રોજ સવારે તો દરિયો, હોડી, અને બુઢ્ઢો. માછીમાર થઈને માછલી પકડવા ન જાય એ તો કેમ બને? એટલે ૮૫મા દિવસની સવારે પોતાની હોડીમાં બેસી એકલો નીકળી પડે છે બુઢ્ઢો. મનમાં ગાંઠ વાળી છે આજે : ભલે ગમે તેટલા દૂર જવું પડે દરિયામાં. પણ આજે તો માછલી પકડીને જ ઘરે જવું છે. એટલે ટાપુનો કિનારો પાછળ છૂટી જાય છે, વધુ ને વધુ ઊંડાં પાણીમાં હોડી હંકારે છે. પછી દરિયામાં ગલ નાખે છે – સો ફેધમની ઊંડાઈએ. રાહ જોતો બેસે છે બુઢ્ઢો. સૂરજ માથે આવ્યો છે. ત્યાં તો મોટો ઝટકો લાગે છે. હા, લાગમાં આવી ગઈ છે માછલી. અને એ પણ કાંઈ જેવી તેવી નહિ, મોટી બધી માર્લિન માછલી છે આ તો. પણ તે માછલીને ખેંચી શકતો નથી. એને બદલે આ તો માછલી હોડીને અને તેમાં બેઠેલા બુઢ્ઢાને ખેંચવા લાગે છે. આખો દિવસ, આખી રાત માછલી બુઢ્ઢાને અને તેની હોડીને ખેંચ્યા કરે છે. બીજો દિવસ, બીજી રાત. હજી માછલી ખેંચે છે હોડીને. પહેલાં ઉત્તર-પશ્ચિમ દિશામાં ખેંચી રહી હતી, હવે દરિયાના પ્રવાહ સાથે તરીને પૂર્વ દિશામાં ખેંચે છે. ગલની દોરી પકડી પકડીને બુઢ્ઢાના હાથ તો ઘવાયા છે પણ ખભા, બાવડાં, અરે, પગ પણ ઘવાયા છે. પણ તેને ગુસ્સો નથી આવતો માછલી પર. ઊલટાની દયા આવે છે: જીવ બચાવવા, ભાગી છૂટવા, કેવાં વલખાં મારે છે બચાડો જીવ, કેવા ધમપછાડા મારે છે.
ત્રીજો દિવસ. માછલી થોડી થાકી છે, બુઢ્ઢો નહિ. બધું બળ એકઠું કરી હાર્પુનનો ઘા કરે છે. મરેલી માછલી દરિયાની સપાટી પર તરવા લાગે છે. અરે! આ તો અધધધ મોટી માછલી છે. આવી મોટી માછલી તો મેં મારી જિંદગીમાં જોઈ નથી. મહા મહેનતે માછલીને હોડીની બાજુ સાથે બાંધે છે અને પછી હોડીનો મોરો ફેરવે છે ઘર તરફ. વિચારે છે : આવી મોટી માછલીના તો કેટલા બધા પૈસા ઉપજશે. પણ જે ગામલોકો આ માછલી ખાશે તે તેને લાયક નથી. રોજ મારી કેવી હાંસી ઉડાવતા હતા, જ્યારે હું પાછો ફરું ત્યારે! હોડી અને તેની સાથે બંધાયેલી માછલી દરિયામાં આગળ વધે છે. પાછળ માછલીના લોહીની લાલ ધાર વહી રહી છે. લોહીની વાસથી શાર્ક માછલીઓ આકર્ષ્યાય છે. પહેલાં એક માકો શાર્ક હુમલો કરે છે. પોતાના હાર્પુનથી બુઢ્ઢો તેના તો રામ રમાડી દે છે. પણ પોતાનું હાર્પુન અને તેની સાથે બાંધેલું લાંબુ દોરડું ગુમાવે છે. અને બીજી શાર્ક માછલીઓ આવી પહોંચે છે. હલેસાં સાથે એક છરો બાંધીને કામચલાઉ ભાલો બનાવે છે અને તેના ઘા ઝીંકે છે. થોડી શાર્કને આ રીતે મારી શકે છે, પણ પછી વધુ ને વધુ શાર્ક માછલીઓ આવતી જાય છે. હવે બુઢ્ઢો નિરુપાય બન્યો છે. શાર્ક માછલીઓ તેણે પકડેલી માછલીને ફડફોલી ખાય છે. બાકી રહે છે માત્ર હાડપિંજર, માથું, અને પૂંછડી.
બુઢ્ઢો માછીમાર વિચારે છે : મારે એકલાએ આ સફર નહોતી ખેડવી જોઈતી. સાથે પેલો છોકરો હોત તો … સવારનું અજવાળું થાય તે પહેલાં જ તે કિનારે આવી જાય છે. લથડતી ચાલે પોતાની ઝૂંપડીમાં જાય છે. એક જૂનું છાપું પાથરી તેના પર સૂઈ જાય છે. સવાર પડે છે ને ગામ લોકો દરિયા કિનારે ટોળું વળે છે. બુઢ્ઢાની હોડી સાથે બાંધેલું હાડપિંજર જોઈ સૌ આશ્ચર્યમાં ગરક થઈ જાય છે. આવી મોટી માછલી! પણ મેનોલિનને તો ચિંતા છે માછીમારની. એ ક્યાં? શું થયું હશે એનું? ક્યાં ય પત્તો મળતો નથી. ત્યારે બુઢ્ઢાની ઝૂંપડીએ જાય છે. બુઢ્ઢો હજી ઊંઘે છે. એ હેમખેમ છે એ જોઈને છોકરાને ‘હાશ’ થાય છે. વિચારે છે : જાગશે ત્યારે એને કોફી જોઈશે, સવારનું છાપું જોઈશે. બહાર જઈ લઈ આવે છે. થોડી વારે માછીમાર જાગે છે. બન્ને નક્કી કરે છે કે હવે પહેલાંની જેમ ફરી સાથે જ દરિયો ખેડવા જશું. પણ માછીમાર સારું એવું થાક્યો છે એટલે ફરી સૂઈ જાય છે. જે સપનું એ અગાઉ પણ ઘણી વાર જોઈ ચૂક્યો છે તે જ સપનું ફરી એક વાર જુએ છે : આફ્રિકાના દરિયા કિનારે સિંહો રમી રહ્યા છે.
આ કથા છે અર્નેસ્ટ હેમિંગ્વેની વિખ્યાત નવલકથા ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ની. તેના કથાનકનું મૂળ ‘એસ્ક્વાયર’ નામના સામયિકના એપ્રિલ ૧૯૩૬ના અંકમાં પ્રગટ થયેલી હેમિંગ્વેની પોતાની માત્ર ૨૦૦ શબ્દની ‘ઓન ધ બ્લુ વોટર’ નામની લઘુકથામાં રહેલું છે. ૧૯૫૦ના દાયકામાં સચિત્ર સામયિક ‘લાઈફ’ની બોલબાલા હતી. છતાં ૧૯૫૨ના સપ્ટેમ્બરના તેના અંકની પચાસ લાખ – હા, ભૂલ નથી, પચાસ હજાર નહિ, પચાસ લાખ – નકલ વેચાઈ એ વાત તેના પ્રકાશકોની ધારણા બહારની વાત હતી. આ અંકની આટલી બધી નકલો ખપી તેનું કારણ એ હતું કે તેમાં ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ આખેઆખી પ્રગટ થઈ હતી. એ અંકની સાથોસાથ જ આઠમી સપ્ટેમ્બરે એ પુસ્તકાકારે પણ પ્રગટ થઈ અને પુસ્તકની પચાસ હજાર નકલ વેચાઈ ગઈ! આ નવલકથાની હસ્તપ્રત પ્રકાશકને મોકલતી વખતે સાથેના પત્રમાં હેમિંગ્વેએ લખ્યું હતું કે આ નવલકથા મારા લેખક તરીકેના જીવનની સર્વોત્તમ નીપજ છે એટલું જ નહિ, મારી બધી કૃતિઓ માટે તે ભરતવાક્ય – એપિલોગ – ની ગરજ સારે તેવી છે. માત્ર ૧૨૭ પાનાંની – પણ ઘણા વિવેચકોને મતે મહાકાવ્યની કક્ષાએ પહોંચતી – આ કૃતિએ ૧૯૫૨માં સાહિત્ય માટેનું પુલિત્ઝર પ્રાઈઝ મેળવી આપ્યું અને ૧૯૫૪નું સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ પણ હેમિંગ્વેને મળ્યું. વિદેશી નાગરિકને અપાતો સર્વોચ્ચ ખિતાબ પણ ક્યૂબાની સરકારે હેમિંગ્વેને આપ્યો તે પણ આ નવલકથા પ્રગટ થયા પછી.
રવીન્દ્ર ઠાકોરે કરેલો તેનો અનુવાદ ૧૯૭૫માં અને જયા મહેતાએ કરેલો અનુવાદ ૧૯૯૨માં પ્રગટ થયો હતો. આ નવલકથાનો અફલાતૂન મરાઠી અનુવાદ પ્રસિદ્ધ સારસ્વત પુ.લ. દેશપાંડેએ કર્યો હતો.
XXX XXX XXX
03 સપ્ટેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com