એક વિશાળ કારખાનામાં જન્મેલો હું એક સ્માર્ટફોન.
હાથ મોજાં પહેરેલાં અને ખાલી આંખો જ દેખાય એવા કારીગરોએ અમોને બનાવેલા. હૂબહૂ જુડવા જ લાગતાં અમે બધા જુદા જુદા બોક્સમાં પેક થયા. ખૂબ જ આરામદાયક સ્થળ હતું. એવી શાતા વળતી જેવી માતાનાં ગર્ભમાં કોઈ બાળકને. પણ ધીમે ધીમે આરામમાં અંતરાયો ઊભા થવા લાગ્યા. ઘણીવાર તો મન થતું કે બહાર જોઈ લઉં ડોકું કાઢીને કે શું કોલાહલ થઇ રહ્યો છે. પણ અમોને બહાર નીકળવાની પરવાનગી નહોતી. ખૂબ જ જિજ્ઞાસા અને તાલાવેલી હતી, બહાર નીકળવાની.
આખરે એ દિવસ આવ્યો. પેકિંગ ખૂલ્યું અને દર્શન કર્યા મારા માલિક, મારા જોડીદારના. તેના મુખ પર ઉમળતું મલકતું સ્મિત જોઈ ને હું તો પેલી નજરે જ તેમના પ્રેમમાં પડી ગયો. લાગણીમાં વહી ગયો.
જેમ કોઈ બાળક જન્મીને પહેલો શ્વાસ લે અને રુદન કરે એવો જ અનુભવ, જ્યારે મારી અંદર બેટરી ચડાવવાંમાં આવી ત્યારે થયો. જેમ કોઈ માતા બાળકને દૂધ પીવડાવે તેવી જ રીતે મારી અંદર ચાર્જિંગની પિન ભોંકવામાં આવી. પણ બધી તકલીફો મારા માલિકનાં સ્મિતે ભૂલવી દીધી. મને કામ ચીંધવા લાગ્યાં અને હું કરવા લાગ્યો. સવારનાં ઊઠતાં વેંત જ મારા દર્શન કરે અને નવાજૂની મને પૂછીને પછી જમીન પર પગ મૂકે. ઘણીવાર તો હું જ માલિકને ઊઠાડતો. મને બધું જ યાદ રહી જતું, ક્યારે ય કશું ભૂલતો નહીં. કારણ કે હું હતો જ સ્માર્ટ.
મેં સેંકડો કોલ કરી ને વહેવારો સાંચવ્યા, વોટ્સએપ પર મિત્રોને નજીક આણ્યા, ફેસબુક પર અજાણ્યાંને મિત્રો બનાવ્યા, ગૂગલ દ્વારા દુનિયાથી જોડ્યા, લાખો ફોટાઓ-સેલ્ફિઓ-વીડિયાઓ દ્વારા સ્મૃિતઓ સાચવી, કંટાળો આવતા તો સંગીત રેલાવ્યું, મનોરંજન માટે કલાકો સુધી રમતો રમાડી … આ બધું જ મારા માલિક માટેની જવાબદારી અને લાગણીને કારણે. ક્યારેક તો કોઈનો ફોન કે મેસેજ ના આવે તો મારા માલિક કરતાં વધુ હું વાટ જોતો. કેમ કે મારા માલિકની આંગળીઓનો સ્પર્શ મને જિવાડતો, મારામાં ચેતના પૂરતો.
મારા માલિક પણ મને બહુ ચાહતા. ક્યારે ય મને ભૂલતા નહીં. સૂતી વખતે તેના ઓશિકા નીચે મને મુક્તા, ત્યારે હું ઘડીભર તો તેમને જોતો જ રહેતો. મને બધે જ સાથે રાખતા. તેમનો ફેમિલી મેમ્બર જ ગણી લો. ક્યારેક પોકેટમાં તો ક્યારેક હાથમાં રાખે, પણ મને પોતાનાથી અળગો ના કરે. પણ મને જ્યારે શર્ટનાં ખિસ્સામાં મૂકતા, ત્યારે માલિકનાં હૃદયનાં ધબકારા મારામાં નવી જ ઊર્જાનો સંચાર કરતા.
એક ને એક કામ કરવામાં સહુને કંટાળો આવે, તેથી એક વાર લોડીંગ વધતાં જાણીજોઈને હું હેંગ થયો. મારા માલિક તો ગુસ્સે થયા. પણ વાંક મારો નહોતો, મારે થોડા આરામની જરૂર હતી. બસ. થોડા દિવસ પછી હું તેમના પેન્ટનાં ખિસ્સામાં પડ્યો હતો. મારા માલિકે મને વેંચવાની વાત કરી તે હું સાંભળી ગયો. સાંભળતા વેંત જ એક ધ્રાસ્કો અંતરની આરપાર પડ્યો. એટલું રાખવા છતાં ય માલિક મને વેંચવાની વાત કરે છે ?
છેવટે મને વેંચી નાખ્યો; અને હવે મારે ફરીથી બીજા ચહેરા સાથે રમત માંડવાની હતી. બનતી કોશિશ અવશ્ય કરી પણ મારા જૂના માલિકને બહુ યાદ કરતો હતો. મારા નવા માલિક પણ મને સાચવતા પણ હવે હું થોડો ઘરડો થયો હતો. પહેલાં જેવું કામ હવે થતું નહીં. મારી આસપાસ જુવાનિયાઓ (નવા મોડેલો) મને જોઈને હસતા. મારાથી પણ યુવાનીમાં બધું જ થતું પણ હવે તો આંખે પણ મોતિયો આવ્યો છે. એક વાર મારા નવા માલિક દ્વારા ભૂલથી ફંગોળાઈ ગયો. સ્ક્રીન ફૂટી, બેટરી નીકળી, અંદરની નસો તૂટી. જુવાનીમાં આવું થયું હોત તો કદાચ વાંધો ના આવ્યો હોંત. પણ પડ્યા પછી બીજી વાર શ્વાસ ના લેવાયો. મને ડોક્ટરો(કારીગરો) પાસે લઈ જવામાં આવ્યો. બધાં જ મને ફરી જગાડવાના પ્રયત્નો કરવા લાગ્યા. મારામાં થોડીઘણી તાકાત હતી જાગવાની, પણ હવે મૂડ નહોતો.
બસ, એક અંધારા ખૂણામાં બાસ્કેટમાં પડ્યો પડ્યો વાટ જોવા લાગ્યો. મારા બાળપણની અને સાથે જન્મેલા મિત્રોની વાતો સંભારતો રહ્યો. કારણ કે વાતો કરવી હતી અમારે બધાને ભેગા મળીને આ સ્વાર્થી માણસોની.