“હું તો સોળમા વરસથી ઘેરથી નીકળી ‘રાની પંખીડું’ થઈ ઊડી નીકળ્યો છું.” આ શબ્દો વાંચવા મળે છે ૧૯૩૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે લખાયેલા એક કાગળમાં. એ કાગળ લખાયો હતો ‘ઘણું વ્હાલા મેઘાણીભાઈ’ને. લખનાર: ‘તમારો જ જીતુ.’ આ ‘જીતુ’ એટલે જિતુભાઈ પ્રભાશંકર મહેતા. જન્મ ભાવનગરમાં, ૧૯૦૪ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે. ઉપનામ, ‘ચંડુલ.’ કહેવાય છે કે આ ચંડુલ પક્ષી જુદાં જુદાં ચોવીસ પક્ષીઓના અવાજ કાઢી શકે છે. અને છતાં એ પોતાનો અવાજ ક્યારે ય ભૂલતું નથી. પક્ષીજગતના જાણીતા અભ્યાસીઓ હસન ઉસ્તાદ, કંચનરાય દેસાઈ અને તેમના પુત્ર પ્રદ્યુમ્ન દેસાઈ સાથે રખડી રખડીને જિતુભાઈએ પંખીઓ વિષે જાત માહિતી એકઠી કરી. એ માટે ગીરનાં જંગલોમાં ફર્યા, નેપાળની સરહદ સુધીની સફર પગપાળા કરી. એટલે જાણે પોતાનાં કુટુંબીજન હોય તેટલી આત્મીયતાથી પંખીઓને અને તેમની બોલીને ઓળખે. પંખીઓનાં સ્વર-ગાન, ખાસિયતો, રહેણીકરણી, લાંબા અંતરની મુસાફરીઓ વગેરે વિષે જાતમાહિતી સાથે બોલી અને લખી શકે. ૮૩ વરસની જિંદગીમાં ઘણું જોયેલું-જાણેલું, માણેલું-વેઠેલું, પણ એ અંગે મનમાં નહિ ભાર કે નહિ કોઈ ઉપર ખાર. અલગારી જીવ. લખવા કરતાં વાંચવું વધારે ગમે અને વાંચવા કરતાં વાતોના તડાકા મારવાનું વધુ ગમે. એમની વાતો એટલે ઝરણું કે ધોધ નહિ, પણ અનેક ધારવાળો ઊછળતો-કૂદતો ફુવારો, અને તે ય પાછો રંગબેરંગી રોશનીથી ઝળહળ થતો. વાતોમાં બીજાને તો ભીંજવે જ, પણ પોતે ય ભીંજાય. તેમના વ્યક્તિત્વની ખરી ઓળખાણ આપવા માટે અંગ્રેજીના conversationalist શબ્દ કરતાં વધુ સારો શબ્દ મળવો મુશ્કેલ.

ખાધેપીધે સુખી કુટુંબ, એટલે બાળપણ મોજમાં વીત્યું. કવિ કાન્તની પડોશમાં જ પ્રભાશંકરભાઈનું કુટુંબ રહે, એટલે કાન્તને ત્યાં આવતા જતા કવિઓ, લેખકો, પત્રકારો વગેરેનાં નામ-કામ સાથે બાળપણથી જ જિતુભાઈને પરિચય. ૧૯૮૭ના ઓક્ટોબરની બીજી તારીખે મુંબઈમાં અવસાન થયું તે પહેલાં થોડા વખતે આ લખનારને આપેલી મુલાકાતમાં જિતુભાઈએ કહ્યું હતું કે હું જ્યાં રહેતો એ ભાદેવાણની શેરીમાં એ વખતે ઘરની બહાર તો લગભગ બારે માસ કીચડ રહેતો, પણ અમારે ઘરે જે લોકો આવતા તેમનાં દિલમાં તો કાયમ કલાનાં ગુલાબો ખીલેલાં રહેતાં. અલબત્ત, કવિ કાન્ત અને જિતુભાઈની ઉંમર વચ્ચે લગભગ પાંત્રીસ વરસનો તફાવત. પણ કાન્ત સાથેના ઘરોબાને કારણે જિતુભાઈને શબ્દનો સંગ અને રંગ લાગ્યો. ‘શરદપૂનમની રઢિયાળી સદા, મને સાંભરે આપણી રાત સખી,’ એ કવ્વાલી લખ્યા પછી કવિ કાન્તે પહેલવહેલી જિતુભાઈને સંભળાવેલી, અને એ જ વખતે જિતુભાઈએ તેની બંદિશ બનાવીને ગાઈ બતાવેલી. કવિ કાન્તના જીવન અને સર્જનના ઊંડા અને મર્મજ્ઞ અભ્યાસી રામનારાયણ પાઠકે ‘પ્રસ્થાન’ માટે ખાસ જિતુભાઈ પાસે લેખ લખાવેલો. જિતુભાઈનું એ પહેલું પ્રગટ થયેલું સાહિત્યિક લખાણ.
કવિતાના સંસ્કારની જેમ સંગીતના સંસ્કાર પણ બાળપણથી જ મળ્યા. દલસુખરામ ભોજક અને મગનલાલ કાછિયા જેવા સંગીતના જાણકારો પાસેથી શાસ્ત્રીય સંગીતની જાણકારી અને તાલીમ મળી. મસ્ત કવિ ત્રિભુવન પ્રેમશંકરની એક પંક્તિમાંથી જીવનને જાણવા-પ્રમાણવાની દૃષ્ટિ મળી : ‘બળાપે અંગારો, આ તો સૃષ્ટિની શોભા રે!’ અંગારો બળતો ન હોય તો તો એ કોલસો છે. બળતો અંગારો એ જ વિદ્યા, એ જ કલા, એ જ ગતિ, અને એ જ સાચો અભિગમ.
આ પંક્તિ સાંભળતી વખતે જિતુભાઈને ખ્યાલ પણ નહોતો કે ટૂંક સમયમાં એમને પોતાને ભાગે અંગારાની જેમ બળવાનું આવવાનું છે. એક જ વરસમાં પિતા અને મોટા ભાઈનું અવસાન થયું. પૈસેટકે કુટુંબ પાયમાલ. મેટ્રિક પછીનો અભ્યાસ છોડીને સત્તર વરસની ઉંમરે નીરાવેલી શુગર ફેક્ટરીમાં નોકરીએ લાગી જવું પડ્યું. ત્યાં પહેલું કામ કર્યું તે કોટન વેસ્ટ ઘાસલેટમાં બોળીને મશીનો સાફ કરવાનું. પણ તેનો ય વસવસો નહિ. કહેતા : “મારા હાથ જે મેલા થયા તે મને કામ લાગ્યા. મગજમાં કોઈ જાતની રાઈ રહી જ નહિ! એ રીતે મારો વાસ્તવિકતા સાથે ઘરોબો બંધાયો.” વળી એ નોકરીને કારણે મજૂરો અને મજૂરનોનાં જીવન, તેમના પર થતા જુલમ અને અત્યાચાર, એમની વ્યથા અને વિટંબણાઓ, એ બધાંનો એમને પરિચય થયો. પછીથી તેમનાં લખાણોમાં શ્રમજીવીઓનાં જીવનનું ચિત્રણ અને તેમના માટેની હમદર્દી પ્રગટ્યાં તેનાં મૂળ એ જાત-અનુભવમાં. એટલે કેટલાક વખત માટે તેઓ ‘પ્રગતિવાદી’ (વાંચો સામ્યવાદી) લેખકોની મંડળીમાં પણ ભળેલા.
કેટલાંક વરસ શુગર ફેક્ટરીમાં નોકરી કર્યા પછી મુંબઈ આવી થોડો વખત ‘મૂવિંગ પિક્ચર’ નામના સામયિકમાં કામ કર્યા પછી રણછોડદાસ લોટવાળાના ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ અખબારમાં પત્રકાર તરીકે જોડાયા. લોટવાળાની લાઈબ્રેરી ખૂબ સમૃદ્ધ. કોલેજનો અભ્યાસ કરવાની મુરાદ અધૂરી રહી ગયેલી એનો ખંગ વાળવા જિતુભાઈના જ શબ્દોમાં કહીએ તો ‘એ લાઈબ્રેરી આખેઆખી હું પી ગયો.’ પછી શામળદાસ ગાંધીના વંદેમાતરમ્, અમૃતલાલ શેઠના જન્મભૂમિ, વજુ કોટકના ‘ચિત્રલેખા’ જેવાં દૈનિક-સાપ્તાહિક સાથે સંકળાયા. કેટલાક વખત સુધી દર અઠવાડિયે ‘જી’ સાપ્તાહિકનો આખેઆખો અંક જિતુભાઈ એકલે હાથે લખતા, અલબત્ત, જુદાં જુદાં નામે. ‘મુંબઈ સમાચાર’ અને ‘સંદેશ’ દૈનિકોમાં વરસો સુધી કટારો લખી. મૂંગી ફિલ્મોના જમાનામાં સાગર મૂવીટોન માટે મીઠી છૂરી’ (૧૯૩૧) ફિલ્મની, તો રણજિત મૂવીટોન માટે ‘ચાર ચક્રમ’(૧૯૩૨)ની પટકથા લખી. ઉપરાંત ‘ભૂતિયો મહેલ’ અને ‘પરદેશી પ્રીતમ’ જેવી ફિલ્મો માટે પણ પટકથા તૈયાર કરી.
જિતુભાઈએ અખબારો અને સામયિકો માટે લખ્યું, નાટક અને ફિલ્મ માટે અને વિષે લખ્યું, ગરબા અને ગીત લખ્યાં, સામાજિક નવલકથાઓ અને રહસ્યકથાઓ લખી, ટૂંકી વાર્તા અને નિબંધ લખ્યા. પણ અલગારી જીવ. પોતાની ધૂનમાં મસ્ત. કાયમ ‘આજ’માં જીવ્યા. ગઈ કાલને ભૂલી જવાની, આવતી કાલની ફિકર કરે એ બીજા. એટલે જેટલું લખ્યું એમાંથી ઘણું ઓછું ગ્રંથસ્થ કર્યું. સાહિત્ય વિશેની અને રાજકારણ વિશેની કોલમો લખી, પણ સાહિત્યના રાજકારણથી કાયમ ઉફરા રહ્યા.
શાસ્ત્રીય સંગીત, નાટ્ય સંગીત, ફિલ્મ સંગીત, લોક સંગીત, સુગમ સંગીત માટે લગાવ સાચકલો, અને જાણકારી ઊંડી. મુંબઈમાં વરસો સુધી નવરાત્રી ટાણે ભગિની સમાજ નામની સંસ્થા ગરબાના જાહેર સ્ટેજ પ્રયોગ કરે તેમાં વર્ષો સુધી પહેલો ગરબો જિતુભાઈનો લખેલો જ હોય, નવો નક્કોર. સુગમ સંગીતના સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયે રચેલી પહેલવહેલી બંદિશ જિતુભાઈના ગીતની : ‘ઓલ્યા માંડવાની જુઈ.’ રાસબિહારી દેસાઈ, પિનાકિન મહેતા, અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સહિયારા સ્વરોમાં આ ગીતની ગ્રામોફોન રેકર્ડ ૧૯૬૨માં બહાર પડી ત્યારથી આ ગીત સુગમ સંગીતના અનેક ગાયકો અને ચાહકો માટે એટલું જ ‘પોતીકું’ બની રહ્યું છે. તો બીજી બાજુ ચંદ્રવદન મહેતાના નાટક ‘આગગાડી’માં જિતુભાઈએ અભિનય પણ કરેલો.
જિતુભાઈનું પહેલું પુસ્તક ૧૯૪૫માં પ્રગટ થયું, ‘આપની સેવામાં.’ ‘વંદેમાતરમ્’ દૈનિકના સાહિત્યના પાના પર પ્રગટ થયેલા લેખોનો એ સંગ્રહ. એની પ્રસ્તાવનામાં જિતુભાઈ લખે છે : “અખબારનાં પાનાંમાં ઘણું ઘણું પ્રસિદ્ધ થાય છે. જનતાની પાસે એ સાહિત્ય જાય છે એટલે એનામાં જનતાને આકર્ષવાની શક્તિ હોવી જ જોઈએ. પુસ્તક કરતાં અખબારો વાંચનારો વર્ગ બહોળો છે. અખબારમાં લેખો લખનારો એના વાચકથી અતડો ન જ રહી શકે. એની અંદર કલમ પાથરનારને બગીચાની જેમ ખીલવું પડે છે.” જિતુભાઈએ વરસો સુધી અખબારો માટે ઢગલાબંધ લખ્યું, પણ એક આ ‘આપની સેવામાં’ પુસ્તકને બાદ કરતાં તેમાંનું કશું જ ગ્રંથસ્થ કર્યું નહિ. આ અંગે પૂછતાં તેમણે કહેલું : ‘એમાં વાંક મારો જ છે. મેં એ લખાણો સાચવ્યાં નહિ.’
વીજળીનાં અંધારાં (૧૯૫૪), સાપના લિસોટા (૧૯૫૫), ગુલાબી ડંખ (૧૯૫૬), જેવી રહસ્યકથાઓ પણ જિતુભાઈએ લખી છે. પણ ‘રહસ્યકથા’ એટલે કેવળ કથારસ, એવા ભ્રમમાં તેઓ નહોતા. વીજળીનાં અંધારાંની પ્રસ્તાવનામાં લખે છે : “રહસ્યકથાને પણ ભાષા અને શૈલીની ખાસ જરૂર પડે છે – સાહિત્યને રુચે તેવી ભાષા અને તેવી શૈલી. લેખક એના કલમસ્પર્શને આવી વાર્તામાં ય આઘો રહેવા ન દે. જિતુભાઈની કેટલીક ટૂંકી વાર્તા ‘ખરતા તારા (૧૯૬૦) અને સનકારો (૧૯૬૫) એ બે સંગ્રહોમાં સચવાઈ છે. જિતુભાઈ માને છે કે વાર્તામાં પ્રથમ ધબકાર જોઈએ, અને જિતુભાઈની ઘણી વાર્તાઓમાં આવો ધબકાર સંભળાય છે. એ ધબકાર હોય છે જીવનની નકરી વાસ્તવિકતાનો, અપ્તરંગી પાત્રોનાં વાણી વર્તનનો, સંગીતનાં પંખીઓનો, અને પંખીઓનાં સંગીતનો.
પણ જિતુભાઈની કલમ બગીચાની જેમ ખીલી છે અને ખૂલી છે તે તો નવલકથાના લેખનમાં. અજવાળી કેડી (૧૯૫૫), જોયું તખત પર જાગી (૧૯૬૧), પ્રીત કરી તે કેવી? (૧૯૬૧), જીવનની સરગમ, ભાગ ૧,૨ (૧૯૬૪), એ તેમની પુસ્તકાકારે પ્રગટ થયેલી નવલકથાઓ. તેમાંથી નવલકથાકાર જિતુભાઈનો ઉત્તમ પરિચય મળે છે તે તો અજવાળી કેડીમાં. વીસમી સદીની પહેલી વીસીના કાઠિયાવાડનાં રજવાડાંના રાજાઓ અને રાજકારણ, લોકો અને લોકબોલી તથા લોકજીવન, આપખુદ અમલદારો અને તેમનો ભોગ બનતી રૈયત, રાજ્યકર્તાઓથી દૂર રહીને સંગીત, નૃત્ય, અન્ય કલાઓ, પંખીઓનો અભ્યાસ વગેરે પાછળ જીવન ખર્ચી નાખનારા ઓલિયાઓ, આ બધાંનું ભાતીગળ, મનોરમ ચિત્ર લેખકે જાતમાહિતીને આધારે અહીં દોર્યું છે. જિતુભાઈની ફૂલગુલાબી શૈલીની સુવાસ પણ આખી કૃતિમાં ફેલાયેલી છે. અલબત્ત, જિતુભાઈની બીજી કૃતિઓની જેમ આ નવલકથાની ભાષા-શૈલી પણ કાઠિયાવાડી ચાની જેમ થોડી વધુ ગળચટ્ટી છે.
શબ્દોના ફુવારા જેવી જિતુભાઈની શૈલી અંગે ચુનીલાલ મડિયાએ કહ્યું હતું : “અ લેખન-શૈલી લેખકનાં મિજાજનો, તબિયતનો, સમગ્ર વ્યક્તિત્વનો, આવિષ્કાર છે. એકને અલગ પાડીને બીજાનો વિચાર થઈ જ ન શકે એવો અવિભાજ્ય એ સંબંધ છે. લેખકે કહ્યું છે તેમ નાનપણથી નિસર્ગ અને સંગીતના સંસ્કારો મળ્યા છે અને કાનના અસલી અનુભવોમાંથી એમને પોતાની શૈલી હાથ લાગી છે.” માત્ર ભાષા-શૈલીને કારણે જ નહિ, અત્યંત વૈવિધ્યસભર, અનેકરંગી, અનુભવો અને તેના ઘેરા રંગે થયેલા આલેખનને કારણે પણ જિતુભાઈને કિશનસિંહ ચાવડાના સગોત્ર લેખક ગણી શકાય. પણ સાહિત્યના અને તેના વિવેચનના મિનારા પર ચડવા માટે ચાવડાને જેવી સીડીઓ મળી, તેવી જિતુભાઈને કદાચ મળી નહિ.
“માણસનું પગલું અને ધરતીનો પટ. ધરતી રૂડી બને છે માણસનાં પગલાંને કારણે. માણસનું પગલું મંગલ બને છે, એની પાછળ જો એ અજવાળી કેડી મૂકતું જાય તો.” આ છે ‘અજવાળી કેડી’ના છેવટના ભાગમાં આવતા શબ્દો. સાહિત્યની ધરતીના પટ પર બીજા કોઈએ પાડેલા પગલામાં પગલું પાડનારા લેખકોમાંના એક જિતુભાઈ નથી. તેમણે ભલે નાનકડી, પણ પોતાની કેડી કોરી કાઢી, અને તેને પોતાના અનુભવ અને શબ્દના તેજ વડે અજવાળી. એ કેડીની ધારે આવેલા કોઈ વૃક્ષની ઘટામાં છૂપાયેલા ચંડુલના ટહુકા જેવી છે જિતુભાઈ મહેતાની કલમ વડે લખાયેલી કૃતિઓ.
XXX XXX XXX
Flat No. 3 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Road, Kala Nagar, Bandra (East), Mumbai 400 051
16 ફેબ્રુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com
![]()

