એક દેખાવ મારા સ્મરણમાં આબેહૂબ રહી ગયો છે. ગાંધીજી હાથમાં એક તાર લઈને બેઠા છે. મૂંઝાયેલા હોય એમ સ્પષ્ટ દેખાય છે, ને પોતાની મૂંઝવણથી એમને જરા રમૂજ પણ પડે છે. એમની આસપાસ એમના જવાબની રાહ જોતું મંત્રીમંડળ બેઠું છે. હું ઓરડામા પેસું છું ત્યાં મૌન તૂટે છે, ને શબ્દો મારે કાને પડે છે : “પણ એ તો માત્ર વિદૂષક છે. એને મળવામાં કશો અર્થ નથી.” એને ના લખી દેવા માટે ગાંધીજી એક મન્ત્રીના હાથમાં તાર આપતા હતા, ત્યાં મેં તાર મોકલનારનું નામ જોયું.
“પણ તમે આમને નથી ઓળખતા, બાપુ?” મેં પૂછ્યું. મને બહુ જ અચંબો થયો હતો.
“ના,” કહી ગાંધીજીએ તારનો ચોળાઈ ગયેલો કાગળ પાછો લીધો, ને જે જ્ઞાન મન્ત્રીઓ નહોતા આપી શક્યા તે મેળવવા મારી સામે નજર નાખી.
“ચાર્લી ચેપ્લીન! એના પર તો આખી દુનિયા વારી જાય છે. એને તો આપે મળવું જ જોઈએ. એની કળાનું મૂળ મજૂરવર્ગના જીવનમાં છે. ગરીબોને જેમ આપ સમજો છો તેમ એ પણ સમજે છે. એમના ચિત્રોમાં એ હંમેશાં ગરીબોને માન આપે છે.”
એટલે બીજે અઠવાડિયે, ‘બો’થી પણ પૂર્વ દિશામાં, કેનિંગ ટાઉનની એક પાછલી શેરીમાં આવેલા ડો. કતિયાલના ઘરમાં આ મુલાકાત ગોઠવાઈ, ને એ ભાગના લોકોને આ બંને પુરુષોને આવકાર આપવાનો બેવડો લહાવો મળ્યો. અમે સહુએ એ આગામી મુલાકાત વિષે મોઢું બીડેલું રાખવાની પ્રતિજ્ઞા લીધેલી. છતાં એ ભેદ ક્યાંકથી ફૂટી ગયો; ને મુલાકાત વખતે રસ્તા પર લોકોની મોટી ઠઠ જામી. લોકો એકબીજા સાથે તેમ જ પોલીસની સાથે હસાહસ કરતા હતા. મિ. ચેપ્લીન મોટરમાંથી કૂદકો મારીને ઊતર્યા, લોકોને નમન કરવા હૅટ ઊંચી કરી, ને પોતાના બે હાથ મિલાવીને હસ્તધૂનન કર્યું, એટલે લોકો હસી પડ્યા. છેવટે ગાંધીજી આવ્યા એટલે એમને જોઈને પણ લોકોએ હસાહસ કરી મૂકી. ગાંધીજીને જોઈ એમના આનંદની અવધિ આવી દેખાતી હતી.
ઘરમાં આ બે નાનકડા પુરુષો, અમે બાકીનાં જે માણસો હતાં. તેમનાથી સહેજ અળગા, એક કૉચ પર બેઠા; ને તેમણે લોકો, શ્રમજીવીઓ, પૂરું પોષણ ન મેળવી શકનારાંઓ, યંત્રના ગુલામ બનેલા મજૂરો, ને કેદખાનાના કેદીઓ એ બધાંને વિષે વાતો કરી. વાતમાં એક વખતે મિ. ચેપ્લીને કહ્યું: “સિંગસિંગ જેલના કેદીઓ સાથે મેં એક કલાક વાત કરેલી એ મારે સૌથી અઘરું, ખરાબમાં ખરાબ કામ કરવું પડેલું એમ માનું છું. એવી વાત હું બીજી વાર ન કરી શક્યો. વાત કરતી વખતે મારા મનમાં એક જ વિચાર રમી રહ્યો હતો : ઈશ્વરની કૃપા ન હોત તો તું પણ એમની જોડે જ હોત.”
પછી સાવ અણધાર્યો એક અશિષ્ટ ને અણછાજતો ધસારો થયો. ઘરની ટચુકડી આગલી પરસાળમાં, બધી સૂચનાઓનું ઉલ્લંઘન કરીને, છાપાંવાળા ફોટોગ્રાફરોનું એક સાવ નિરંકુશ ટોળું ધસી આવ્યું. એમણે પાછલી દીવાલ તોડી પાડી હતી, ને ગમે તેમ કરીને ઘરમાં ઘૂસ્યા હતા. ઘરધણીએ ગમે તેટલું કહ્યું તોયે જરા પણ ચસ્યા નહીં; અને ગાંધીજીની સામે, તેમની મરજી વિરુદ્ધ, કેમેરાની હાર મંડાઈ એ એમને સાંખી લેવું પડ્યું. આ સૂગ ઉપજાવે એવું તોફાન શમ્યું, ને ઓરડો પાછો ખાનગી બની ગયો, ત્યાં સાત વાગવા આવ્યા હતા. એટલે અમે સહુએ સાથે બેસીને પ્રાર્થના કરી.
[‘ગાંધીજીની યુરોપયાત્રા’]
•
ચાર્લી ચેપ્લીન મળવા માગે છે એમ ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે એમણે નિર્દોષભાવે પૂછ્યું કે એ પ્રસિદ્ધ પુરુષ કોણ છે ? આ વાત ભાગ્યે જ કોઈ સાચી માનશે. અનેક વર્ષોથી ગાંધીજીનું જીવન એવું થઈ ગયું છે કે એમણે પોતાને માટે જે કામ નક્કી કરી રાખ્યું છે તે કરતાં કરતાં આવી પડે તે ઉપરાંત બીજું કશું જોવાનો કે સાંભળવાનો એમને વખત જ રહેતો નથી પણ મિ. ચૅપ્લીન તો ઈસ્ટ ઍન્ડમાં જ રહેતા હતા, એ આમ લોકોમાંના જ એક છે, આમ લોકો માટે જ જીવે છે. એમણે લાખો લોકોને હસાવ્યા છે. એ દબાયેલા કચડાયેલા માણસોનો પક્ષ લે છે એમ જાણ્યું ત્યારે ગાંધીજીએ ડૉ. કતિયાલને ઘેર મિ. ચૅપ્લીનને મળવાનું કબૂલ કર્યું. (તા. ૨૨- ૯-૧૯૩૧)
ગાંધીજીએ એમને વિશે સાંભળ્યું નહોતું, પણ એમણે તો ગાંધીજીના રેંટિયા વિશે સાંભળ્યું હશે એમ લાગ્યું. એમણે પહેલો જ સવાલ એ કર્યો કે ગાંધીજી યંત્રનો વિરોધ શા માટે કરે છે ? ગાંધીજી એ પ્રશ્નથી રાજી થયા અને વિગતોમાં ઊતરીને સમજાવ્યું કે હિંદના તમામ ખેડૂતોની છ મહિનાની બેકારીને લીધે તેમનો પહેલાંનો આડધંધો ફરી સજીવન કર્યા વિના ચાલે એમ નથી. અન્નવસ્ત્ર તો દરેક પ્રજાએ પોતપોતાનાં પેદાં કરી લેવાં જોઈએ. અમે એ પેદા કરી લેતા, અને ફરી કરી લેવા માગીએ છીએ. ઇંગ્લેન્ડ મોટા પ્રમાણમાં માલ પેદા કરે છે એટલે તેને બહારનાં બજાર શોધવાં પડે છે. એને અમે લૂંટ કહીએ છીએ. અને લૂંટારુ ઇંગ્લેન્ડ દુનિયાને જોખમરૂપ છે.
[મહાદેવભાઈની ડાયરી, ભાગ – ૧૫]
29 ડિસેમ્બર 2024
સૌજન્ય : “નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક-195