તા. ૨૯-૦૩-૨૦
"હમ ભૂખે મર રહેં હૈં" ઐસા મેસેજ કરું? તો આપ કિસીકો ભેજોગે? આ સાંભળીને એકદમ હચમચી જવાયું … આ ફોન કરનાર સુધી મદદ પહોંચે તે માટે સગવડ કરવામાં મોડું થયું. પણ છેવટે થઈ ગયું. સવારથી સાંજ સુધી ફોન અને વોટ્સએપ ચાલુ જ રહ્યાં. હવે લોકો વિનંતી નહીં, પણ ગુસ્સો કરી રહ્યાં છે અને મદદ પહોંચાડનાર મંડળ, જૂથો, ગ્રુપોનો અવાજ પણ ક્યાંક થાકેલો લાગી રહ્યો છે.
રાજ્યભરમાં લાખો સ્થળાંતરિત લોકો સુધી ખાવાનું પહોંચાડવાનું અઘરું છે જ, પણ હવે અન્ન તેમ જ અનેક પ્રકારની અસલામતી ઊભી થઈ છે, એટલે લોકો રાહતસામગ્રી ઝુંટવી રહ્યા છે. ખાવાનું લઈ જનાર લોકો ગભરાઈ જાય તેવી સ્થિતિ સુરત જેવા શહેરમાં થઈ રહી છે. એક જગ્યાએ ભીડ કરી દે છે. સોશિયલ ડીસ્ટન્સિંગ નહીં, આ તો સોશિયલ ગેધરિંગ થવા જઈ રહ્યું છે. આજે કચ્છમાંથી મજૂર સમુદાયમાં બીમારી શરૂ થયાનો ફોન આવ્યો. પરિસ્થિતિ વણસે નહીં તેવી અપેક્ષા.
તા. ૦૧-૦૪-૨૦
સરકારના જી.આર. મુજબ અન્ન સુરક્ષા કાયદા (નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ- N.F.S.A.) હેઠળ અગ્રતાક્રમ હેઠળ નોંધાયેલ કાર્ડધારકોને ઘઉં-ચોખા મળશે. બાકી જેમનાં કાર્ડ પર અન્ન સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ અથવા અન્નપૂર્ણાં યોજના — એવો સિક્કો ન હોય તેમને નહીં મળે. આ કાયદો ૨૦૧૬માં અમલમાં આવ્યો ત્યારે જે યાદી બની, તેમાં ઘણા બી.પી.એલ. યાદીના ક્રમાંક ૦ થી ૧૬માં આવતા હોય, બી.પી.એલ. રાશનકાર્ડ ધરાવતાં હોય, તે ગરીબ હોય તો પણ અગ્રતાક્રમની યાદીમાં તેમનો સમાવેશ થયો નથી. આવાં હજારો લોકોએ પોતાને સામેલ કરવા રજૂઆતો-અરજીઓ કરી હતી, જેનો કાયદા મુજબ ૩૦ દિવસમાં નિકાલ કરવાનો હતો. પણ સરકારે તેમ કર્યું નથી. આજે હવે સરકાર અગ્રતાક્રમવાળાને અનાજ મળશે તેમ જણાવે છે ત્યારે ઘણા જરૂરિયાતમંદ પરિવારોને અન્યાય થશે
***
અનેક જિલ્લાઓમાંથી ફરિયાદો આવી રહી છે કે અનાજ ઓછું અપાઈ રહ્યું છે. આ મુશ્કેલીની વેળાએ પણ સસ્તા અનાજના દુકાનદારો કેમ આવું કરતા હશે? રાશનદુકાન દીઠ ત્રણ-ચાર લોકોને મોનિટરીંગની જવાબદારી આપી હતી. તે દુકાન પર નહોતા. લોકોએ જ્યારે ઓછા અનાજ અંગે ફરિયાદો કરી, ત્યારે દુકાનવાળા દુકાન બંધ કરીને જતા રહ્યા. એક બાજુ ભૂખ્યાને ભોજન આપવા માટે કેટલા ય દોડી રહ્યા છે, ત્યારે બીજી બાજુ દુકાનવાળા ભૂખ્યા લોકોનાં મોઢાંમાંથી તેમના હકનું અનાજ છીનવી રહ્યા છે.
તા. ૦૩-૦૪-૨૦
બનાસકાંઠા જિલાના દાંતા તાલુકાનાં ઘણાં ગામમાં રાશનદુકાન પર રૂબરૂ ગયાં. રાશન લઈને બહાર નીકળતાં લોકોના કાર્ડ અને મળતું અનાજ જોઈને ફરી તોલાવ્યું. દરેક દુકાન પર પચીસ ટકા ઓછું આપતા હતા. પકડાયા એટલે "ગણતરીમાં ભૂલ થઈ હતી" એમ માફી માગી ને પૂરું અનાજ આપ્યું.
અમે બહાર ઊભેલાં લોકોને ગણતરી સમજાવી અને પૂરું અનાજ લેવા લોકોએ જાતે મક્કમ થવું પડશે તે સમજાવ્યું. લોકોએ પણ ત્યાર બાદ ચોક્કસ ગણતરી કરી, જરૂર પડ્યે ઝઘડા કરીને રાશન લીધું. ઓછું આપ્યું હતું તેના ફોટા, વીડિયો મામલતદારને મોકલીને વાત કરી. તેમણે પણ અલગ અલગ દુકાને સરપ્રાઇઝ વિઝીટ કરી. સસ્તા અનાજની દુકાનના સંચાલક, દુકાન પર વજન કરનાર વ્યક્તિ અને ગામના સરપંચ સાથે વાત કરી. એમને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો કે કમાવાની લાલચ એમને ક્યા માર્ગે લઈ જઈ રહી છે. જરૂરિયાતવાળાનાં મોઢાંમાંથી, એમના હકનું છીનવીને પોતાની લાલચ પૂરી કરવી એ કેટલું હીન કૃત્ય છે વગેરે … અમારા આ લેકચરની કેટલી અસર થશે તેનો ખ્યાલ નથી, પણ કાયદો બતાવવાની સાથે સાથે તેમના અંદરના માણસને અને માણસાઈને જગાડવાની કોશિશ કરી.
તા. ૦૫-૦૪-૨૦
હાઈકોર્ટમાં સરકારે A.P.L.-1, A.P.L.-2ને પણ મફત રાશન આપવાની વાત કરી છે ને પરિપત્ર માત્ર B.P.L. નોન-N.F.S.A.નો કર્યો! ફરી એક વાર A.P.L.વાળા દુકાનોએ જઈ જઈને પાછા ફરશે. શું સરકાર A.P.L. માટે ત્રીજો પરિપત્ર કરશે? આનાથી લોકો એકથી વધુ વાર દુકાને જશે તેથી કોરોનાનો ખતરો વધશે. અધિકારીઓ આવું કેમ કરતા હશે? ખર્ચ તો થવાનો જ છે. તો એક સાથે પહેલાં જ કર્યું હોત તો?
તા. ૦૬-૦૪-૨૦
અન્ન બ્રહ્મ યોજના(રાશનકાર્ડ ન ધરાવતા તમામ ગરીબો અને સ્થળાંતરિતોને એક માસ મફત અનાજ આપવાની યોજના)નો ઠરાવ પહેલી એપ્રિલનો અને નોન-N.F.S.A. B.P.L.નો ચોથી એપ્રિલનો છે. આ બંને ઠરાવ મુજબ સિક્કો ન હોય અને B.P.L. હોય, અને રાશનકાર્ડ ન હોય તેવા લોકોને વ્યક્તિદીઠ ૫ કિલો રાશન આપવાનું હવે સરકારે નક્કી કર્યું છે. તે મુજબ રાશન મળવાનું શરૂ થઈ ગયું? તે હવે જોવાનું છે.
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 13 ઍપ્રિલ 2020