હૈયાને દરબાર
એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું
વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું અમથું ભમરાવવું
પરંતુ રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું
વચ્ચે એક શમણાને, અમથું અમથું પંપાળવું
પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,
વચ્ચે એક હૈયાનું, અમથું અમથું નંદવાવવું
ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સંન્યાસયોગ,
વચ્ચે આ કમલ’નું અમથું અમથું અટવાવવું
• સ્વર : રૂપકુમાર રાઠોડ • સંગીત : પં. શિવકુમાર શર્મા • કવિ : કમલેશ સોનાવાલા
https://www.youtube.com/watch?v=pcvW4sSFTLo
————————–
ફોરમતો, હિલ્લોળતો, મદમાતો ફાગણ મહિનો બેસી ગયો છે. બાગ-બગીચામાં વનરાઈની લીલી મેદની જામી રહી છે. વેલીઓ પર ઝૂલતી લાલચટ્ટક સ્ટ્રોબેરીઝ, કેસરિયાળી પારિજાત, રંગબેરંગી બોગનવેલિયા અને આમ્રમંજરી વચ્ચેનો સત્સંગ નિરાંતની પળોમાં જોતાંવેંત જ તાજગી અનુભવાય છે. કોયલે ઋતુરાજ વસંતની છડી પોકારવા પંચમ સૂરે ટહુકવાનું શરૂ કરી દીધું છે. નવરાઈ અને વનરાઈ વચ્ચેની ગુફ્તેગોમાંથી સરકીને એક ગઝલ મનની કુંજગલીમાં રંગ જમાવે છે :
એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું
ખૂબ કર્ણપ્રિય અને સરળ સ્વરાંકન ધરાવતી આ ગઝલે મન ઉપર કબજો લઈ લીધો છે. વાસંતી વાયરા સાથે ગીત-સંગીતની તાજગી રોમાંચિત કરી રહી છે. આ ગઝલમાં ‘વચ્ચે’ શબ્દ આવે છે એ બહુ સૂચક અને અર્થસભર છે.
લહેરાતાં પુષ્પો અને કોયલની સરગમ વચ્ચે ભમરાની જેમ શાયરનું મંડરાવું, રૂપલે મઢેલી રાતે કોઈને યાદ કરી ઝીણું મલકાતાં વચ્ચે શમણાંને પંપાળવું, મહોબ્બતની મંઝિલમાં એકાદ હૈયાનું વચ્ચે જરાક નંદવાઈ જવું … જેવી નાજુક કલ્પનાઓમાં ‘વચ્ચે’ શબ્દથી ગઝલનો ભાવ આખો બદલાઈ જાય છે. છેલ્લે તો કવિએ ગીતાના ઉપદેશ, અર્જુનના વિષાદયોગ અને સંન્યસ્તયોગની વાત દ્વારા મનુષ્યજાતનું જગતની આ ભવાટવિમાં અટવાવવું કહીને રોમેન્ટિક ગઝલને આધ્યાત્મિક ઊંચાઈ આપી છે. સંગીત દ્વારા પણ એ ઊંચાઈ સરસ અભિવ્યક્ત થઈ છે. છેલ્લા શેરમાં વાંસળીના સૂરની મધુરતા સાથે ગઝલનો મૂડ અને ટ્યુન રાગ બૈરાગીના સૂર સાથે સાવ બદલાઈ જાય છે, જે આપણને એવી ગેબી દુનિયામાં લઈ જાય છે જ્યાં છે ફક્ત વિરક્તિનો ભાવ. વૈરાગ્યભાવ જગાવતા બૈરાગી રાગનો પ્રયોગ પણ સંગીતકારની સૂક્ષ્મ કલાદ્રષ્ટિ દર્શાવે છે.
ઉરનાં ઊંડાણમાં ગૂંથાઈ જાય એવી આ ગઝલ સાંભળ્યાં બાદ ખબર પડે છે કે આ ગઝલ બીજું કોઈ નહીં, પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીતના સુપ્રસિદ્ધ સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માએ સ્વરબદ્ધ કરી છે અને પાર્શ્વગાયનના અદના કલાકાર રૂપકુમાર રાઠોડે ગાઈ છે. પછી તો કાનને વધારે જલસો પડે. પંડિત શિવકુમાર શર્મા અને ગુજરાતી ગઝલ? આ વળી કેવું સંયોજન! રેલો હવે કવિ તરફ ફંટાય છે. આ વિખ્યાત સંતૂરવાદકે કોની ગઝલ કમ્પોઝ કરી હશે? છેવટે, ખબર પડે છે કે આ ગઝલ તો બિઝનેસ વર્લ્ડના જાણીતા ટેકનોક્રેટ કમલેશ સોનાવાલાએ લખી છે. વળી પાછું આશ્વર્ય!
બિનગુજરાતી કલાકાર પાસે ગુજરાતી ગીત ગવડાવવા માટે ગીતનો અર્થ, એનો ભાવ અને ઉચ્ચારો આ દરેક બાબતની ઝીણવટપૂર્વક કાળજી લેવી પડે. તો જ એ ભાવકના હૃદયને સ્પર્શી શકે. પંડિત શિવકુમાર શર્મા જેવા કાશ્મીરી વાદ્યકારે આ ગુજરાતી ગીત કેવી રીતે સ્વરબદ્ધ કર્યું એ સવાલનો જવાબ અહીં મળે છે.
“સપનામાં ય મેં વિચાર્યું નહોતું કે હું ગુજરાતી ભાષામાં ગીત કમ્પોઝ કરીશ. હું તો વાદ્યકાર છું અને વાદ્યમાં શબ્દ નથી હોતા. એટલે જ સંગીત એ વૈશ્વિક ભાષા કહેવાય છે, પરંતુ ગુજરાતી ભાષામાં હું ગીત કંપોઝ કરી શક્યો એનું તમામ શ્રેય કવિ કમલેશ સોનાવાલાને જાય છે. ખૂબસૂરતી અને અમીરીની કોઈ સીમા હોતી નથી, પરંતુ સાથે ઉચ્ચ કલા રુચિ હોવી એ બહુ મોટી વાત છે. ઈશ્વરના આશીર્વાદ હોય એ જ લોકો કલાના કદરદાન હોય છે. સંગીત એવી કલા છે જે તાલીમ દ્વારા, શાસ્ત્ર શીખીને, વારંવાર રિયાઝ કરીને શીખી શકાય છે, પરંતુ કવિતા તાલીમ લઈને ના શીખાય. એ તો ઇશ્વરીય દેન જ છે. ભગવાને દરેકને આંખ આપી છે, પરંતુ કવિ મહેસૂસ કરીને શબ્દો દ્વારા દ્રશ્યો કાગળ પર ઉતારે છે. સંગીતનો રિયાઝ થઈ શકે, કવિતાનો ન થાય. બિઝનેસમેન હોવા છતાં કમલેશભાઈએ કાવ્યક્ષેત્રે ઉત્તમ કામ કર્યું છે. તેમના જેવું જ બીજું ઉદાહરણ જાણીતા સિતારવાદક પંડિત અરવિંદ પરીખનું પણ આપી શકાય જેઓ બિઝનેસમેન હોવા છતાં આશ્ચર્ય થાય એવી લોકપ્રિયતા એમણે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે મેળવી છે. આ ગઝલ કમ્પોઝ કરતાં પહેલાં કમલેશભાઈ સાથે જુહુની એક હોટલમાં હું આખો દિવસ બેઠો હતો અને એમણે એકે એક શેરનો અર્થ બરાબર સમજાવ્યો. ભાષા સમજ્યા વિના તો સ્વરાંકન કેવી રીતે થાય? કવિતાનો અર્થ જાણ્યા પછી મને સ્વરબદ્ધ કરવાની ખૂબ મજા આવી હતી. જો કે, હું જે કોઈ કામ કરું એમાં મને કંઈક ક્ષતિ તો દેખાય જ. વાસ્તવમાં તો હું ભગવાનને પ્રાર્થના જ કરું કે ક્ષતિ મને દેખાયા કરે, જેથી ઉત્તરોત્તર મારી કલા સમૃદ્ધ થતી રહે, પંડિત શિવકુમાર શર્મા કહે છે.
સામાન્ય રીતે ઘણાનાં મનમાં એવી ગેરમાન્યતા હોય છે કે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ, વેપારી, રાજકારણી કે ઉદ્યોગપતિ કવિતા ન રચી શકે. કવિતાનો ઈજારો તો ભાષા-સાહિત્ય સાથે સંકળાયેલી વ્યક્તિનો જ હોય, પરંતુ હંમેશાં એવું હોવું જરૂરી નથી. એમ હોત તો અટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદી કે કલાપી, અખો અને પ્રિયકાન્ત મણિયાર કવિ ન હોત! કવિતા એ હૃદયની ભાષા છે જે કોઈ પણ વ્યક્તિના હૃદયમાં પાંગરી શકે. શિવજીએ કહ્યું એમ કવિતાના ક્લાસીઝ ના હોય કે ટ્યુશન લઈને કવિતા ન શીખી શકાય. એ તો ઉપરવાળાની કૃપાથી જ ઊતરી આવતી હોય છે. કમલેશ સોનાવાલા એવા જ એક કવિ છે જે હૃદયની લાગણીઓને સહજતાથી શબ્દ દેહ આપી શકે છે.
કમલેશ સોનાવાલા હાઈટેક કમ્પ્યુટર સોફ્ટવેર ક્ષેત્રે મુંબઈનું અને દેશનું અગ્રગણ્ય નામ છે. દેશમાં ઇન્ફર્મેશન ટૅકનોલૉજી દાખલ કરનારા પાયાના શિલ્પીઓમાંનાં એક છે. કમલેશભાઈએ ભારતની લશ્કરી શાખામાં તેમ જ સ્પેસ પ્રોગ્રામમાં રડાર સિસ્ટમ દાખલ કરી હતી. હવે આપણને વિચાર આવે જ કે ટૅક્નોલૉજીના આ નિષ્ણાતે કવિતાઓ કેવી રીતે લખી હશે?
"આ પ્રશ્ન કોઈને પણ થાય એ સ્વાભાવિક છે, પરંતુ તમે મારુ કૌટુંબિક બેકગ્રાઉન્ડ જાણશો તો તમને આ પ્રશ્ન નહીં રહે. મારાં માતા ઊર્મિલા સોનાવાલા આપણા લોકલાડીલા કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસનાં સૌથી પહેલાં વિદ્યાર્થિની. સંગીતની દરેક બેઠક અમારા ઘરે જ યોજાય. એમાં દર જન્માષ્ટમીએ તો ખૂબ મોટી ઉજવણી થાય જેમાં હંમેશાં સહકુટુંબ પરિવાર ભેગાં થઇ અમે રાસ-દુલારી ગાઈએ. જન્માષ્ટમીએ અમારે ઘરે અવિનાશ વ્યાસની હાજરી તો હોય જ. અવિનાશભાઈ આવે એટલે સાથે અન્ય કવિ, શાયરો અને કલાકારો પણ આવે. આમ, મારો પિંડ સાહિત્ય-સંગીતના વાતાવરણમાં જ ઘડાયો હતો. આ જ સંસ્કાર ન્યુ એરા હાઇસ્કૂલમાં ભણીને વધુ વિસ્તર્યા. શાળામાં બરકત વિરાણી ‘બેફામ’ સહિત અનેક કવિ-લેખકો આવે. બરકતભાઈને હું બહુ પ્રિય એટલે એ મને હંમેશાં કહેતા કે લખતાં શીખ. એ રીતે દસ-બાર વર્ષની વયથી જ મારી લેખન પ્રક્રિયા શરૂ થઈ હતી. બરકત વિરાણી ‘બેફામ’ને હું મારા ગુરુ માનું છું. અલબત્ત, સારું અને સાચું લખાણ કોને કહેવાય એ સમજ મોડી વિસ્તરી હતી.” કવિ કમલેશ સોનાવાલા ભૂતકાળની સ્મૃતિઓને સંકોરતા કહે છે.
આ ગઝલને પ્રચલિત કરવામાં સજ્જ કલાકાર રૂપકુમાર રાઠોડની ગાયકીને પણ દાદ દેવી પડે. શિવજીનું કમ્પોઝિશન ગાવાની તક મળી એ સંસ્મરણો વાગોળતા રૂપકુમારજી કહે છે, "શિવજી બહુ જ્ઞાની અને ગુણી. સ્વભાવે શાંત. ગાયક પાસે ધીરજપૂર્વક અને શાંતિથી સમજાવીને ગીત ગવડાવે. આમ તો પહેલાં હું એમની સાથે કામ કરી ચૂક્યો હતો એટલે એમની શૈલીથી હું વાકેફ હતો. યશ ચોપરા નિર્મિત સાહિર લુધિયાનવીની ૪૫ મિનિટની એક સળંગ નઝમ ગાવાની મને તક મળી હતી જેનું કમ્પોઝિશન પંડિત શિવકુમાર શર્માએ કર્યું હતું. યશજીનો એ બહુ મહત્ત્વનો પ્રોજેક્ટ હતો, પરંતુ શિવજી જેવા મહાન સંગીતકાર ગુજરાતી ગઝલ સ્વરબદ્ધ કરે અને એક ગુજરાતી તરીકે એ ગાવાનો મોકો મને મળે એ મારે માટે બહુ ગર્વની વાત છે. કમલેશ સોનાવાલા પોતે બહુ સુરીલું વ્યક્તિત્વ છે અને સરસ શાયર છે. માતૃભાષા માટે અને ખાસ તો, ગુજરાતી સુગમ સંગીતમાં ગુણવત્તાયુક્ત કામ થાય એ માટે પ્રતિબદ્ધ છે. આવા કમલેશ(વિષ્ણુ)ને શિવજીનો સાથ મળ્યો એ સોને પે સુહાગા! છેલ્લા અંતરાનો ગીતાસાર રાગ બૈરાગીના સટલ ચેન્જ દ્વારા યથોચિત વ્યક્ત થયો છે. કમલેશભાઈનું ઘર એટલે કલાકારોનું સાચું સરનામું.
સંગીતની સમજ કેળવાય એમાં ઘરનું અને આસપાસનું વાતાવરણ બહુ મોટો ભાગ ભજવે છે. જેમના ઘરની બેઠકોમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, રસૂલનબાઈ, અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય, રૂપકુમાર રાઠોડ જેવા દિગ્ગજ કલાકારોની આવનજાવન હોય ત્યાં કલા-સાહિત્ય ન પાંગરે તો જ નવાઈ! આપણા ઘણા કલાકારોમાંથી કેટલાયની કારકિર્દીની શરૂઆત કમલેશ સોનાવાલાના ઘરેથી થઈ છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. શંકર-જયકિશનના આસિસ્ટન્ટ રહી ચૂકેલા તથા અનેક હિન્દી ફિલ્મી ગીતોમાં જેમના મેંડોલિનના સૂરો રેલાયા છે એ સંગીતકાર કિશોર દેસાઈ કમલેશભાઈને ચોપાટીના બાંકડે બેસી ધૂનો સંભળાવે. આવી જ રીતે એક વખત ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં સાહેબને પણ એમણે ચોપાટીના બાંકડે બેસીને અત્યંત લોકપ્રિય બંદિશ યાદ પિયા કી આયે … ગાતાં પ્રત્યક્ષ સાંભળ્યા હતા. આ કિશોર દેસાઈએ કમલેશભાઈને તેમનાં ચુનંદા ગીતો શોધીને સ્વરબદ્ધ કરાવવાનું સૂચન કર્યું. ગુણવત્તાના ભોગે કશું જ ન કરવું એવું દ્રઢપણે માનતા કમલેશભાઈએ શરૂમાં તો આ વાતને બહુ મહત્ત્વ ન આપ્યું, પરંતુ થોડા વખત પછી એમને વિચાર આવ્યો કે કેટલીક કવિતાઓ સરસ બની છે તો શ્રેષ્ઠ કલાકારો પાસે એ શા માટે ન ગવડાવવી? બસ, પછી તો એમણે એ પ્રોજેક્ટ હાથમાં લીધો અને સૌથી પહેલું ‘સંમોહન’ આલ્બમ બહાર પાડ્યું જેનું સંગીત કિશોર દેસાઈએ આપ્યું હતું. એ પછી ઉદય મઝુમદારના સંગીત નિર્દેશનમાં ‘સંજીવન’, પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત નિયોજનમાં ’સંવેદન’ તથા છેક છેલ્લે ‘સંગઠન’ આલ્બમ બહાર પડ્યું. આ બધાં જ આલ્બમમાં જગજિત સિંહ, હરિહરન, પંકજ ઉધાસ, રૂપકુમાર રાઠોડ, અનુપ જલોટા, કૌમુદી મુનશી, અશ્વિની ભીડે-દેશપાંડે, અલકા યાજ્ઞિક, ધનાશ્રી પંડિત, ભૂપિન્દર-મિતાલી સહિત અનેક દિગ્ગજ કલાકારોએ કંઠ આપ્યો છે. આજની આ ગઝલ ‘સંગઠન’ની છે. ગીતોને સર્વોત્કૃષ્ટ બનાવવા દરેકે ખૂબ જહેમત ઉઠાવી છે.
આ બધાં ગીત-ગઝલ સાંભળીને ખરેખર વિચાર આવે કે ગુજરાતી યુવા વર્ગને આકર્ષી શકે, તેઓ ગાઈ શકે એવાં સરળ-સહજ સ્વરાંકનો એમાં છે. એરેન્જમેન્ટ, સંગીત નિયોજન, ધ્વનિમુદ્રણ આલા દરજ્જાના છે. ઉદય મઝુમદારે કમ્પોઝ કરેલી વહેલી પરોઢની તાજગી સમાન ગઝલ પ્રથમ આ ચુંબન … જગજિત સિંહે એટલી સરસ ગાઈ છે કે જેટ એરવેઝનાં ગુજરાતી ગીતોના લિસ્ટમાં સ્થાન પામી છે. એ જ રીતે ઉસ્તાદ શુજાતખાને પણ શબ્દોને શોધવા ગયા ને અર્થો ભૂલી ગયા … ગીત બહુ સુંદર સ્વરાંકિત કર્યું છે. કૌમુદી મુનશીએ રાગ પીલુમાં સ્વરબદ્ધ કરેલું ઠુમરી અંગનું ગીત અશ્વિની ભીડે-દેશપાંડેએ ગાયું છે. જય હો .. જેવું જગપ્રસિદ્ધ ગીત ગાનાર કલાકાર વિજય પ્રકાશે ગુજરાતી ગીત માટે પોતાનો કંઠ આપ્યો છે છતાં, આપણું ઉત્તમ ગુજરાતી સંગીત ઘર ઘરમાં નહીં તો એટલિસ્ટ સંગીત ચાહકોના ઘર સુધી તો પહોંચવું જ જોઈએ. ગુજરાતિયતનો જુવાળ છેલ્લા થોડાક સમયથી શરૂ થયો છે એ પોરસાવા જેવી વાત છે. એમાં આપણે પણ આપણા ગુજરાતીપણાને સન્માન આપી, માતૃભાષા-સાહિત્ય-સંગીતની જ્યોત જલતી રહેે એમાં યોગદાન આપીએ.
આ તમામ રચનાઓને કવિ માતૃભાષાના તર્પણ તરીકે જુએ છે. તો આપણી પણ જવાબદારી બને કે માતૃભાષાના યજ્ઞમાં આપણે ય થોડી આહુતિ આપીએ અને આવાં ગીતો સાંભળતા અને સંભળાવતા રહીએ.
——————————————
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 માર્ચ 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=471730