અમેરિકાની મુસાફરીએ ગયેલા કોઈ ગુજરાતી લેખકે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધી હોય, તેની સાથે શેક હેન્ડ કરી હોય, તેની સામે ખુરસી પર બેસી વાતો કરી હોય, એવું બને ખરું? તમે કહેશો, આ તો શેખચલ્લીના વિચાર છે. ક્યાં રાજા ભોજ જેવા આપણા ગુજરાતી લેખકો, અને ક્યાં અમેરિકાનો પ્રમુખ! આપણા લેખકો કાંઈ અમેરિકન પ્રમુખનો ‘ઉધ્ધાર’ કરવા ત્યાં થોડા જ જાય છે? એમને માથે તો બીજી ઘણી વધુ મોટી, મહત્ત્વની, આર્થિક લાભવાળી જવાબદારી હોય છે – ત્યાં વસતા ગુજરાતી લેખકોનો ‘ઉધ્ધાર’ કરી નાખવાની! એમાંથી ટાઈમ મળે તો બચાડા પ્રમુખનો ઉધ્ધાર કરવા જાય ને!
પણ એક ગુજરાતી લેખક તો એવો પાક્યો છે જેણે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધેલી. તમે પૂછશો : કોણે? ક્યારે? બીજા સવાલનો જવાબ પહેલાં : ૧૮૬૨ના ઓગસ્ટની ૧૯મી તારીખે સવારે દસ વાગ્યે. ના, ‘૧૮૬૨’ એ છાપભૂલ નથી હોં! એ લેખકના પોતાના જ શબ્દોમાં એ મુલાકાતની વાત સાંભળીએ : (અહીં અને હવે પછી બધે અવતરણ ચિહ્નોમાં જોડણી મૂળ પ્રમાણે.) ‘શીઉઅરડ પોતાની આફિસમાંથી હમારી સંગાથે ચાલીને પરેસીડેનટના ઘરમાં (વાઇટ હાલ) હમોને લઇ ગયેલો. આ મકાનના દરવાજા આગળ નહિ સિપાઈની ચોકી કે નહિ ઘરમાં ચોકીદાર માણસો, માતરે દરવાજા આગલ એક આદમી ઊભેલું હતું જે ઘર જોવા આવનારા લોકોને સટેટ રૂમ કે જાહાં પરેસીડેનટ લેવી ભરી લોકોની મુલાકાત લિએ છે તે જાગો દેખાડતો હતો. તે સિવાએ બીજા દેશની પઠે અમસથા ચોકી પોહોરા રાખી પોતાના દેશને ફોકતના ખરચમાં નથી નાખતા. પછી મી. શીઉઅરડે હમોને દરવાજો ઉઘાડી અંદર બોલાવેઆ. હમોએ મી. શીઉઅરડને સેજ વાત કરતા ચેતવણી આપી હતી કે હમો હમારી પાઘડી પહેરી રાખેઆથી વધારે માન ભરેલું સમજીએ છે. તેણે જવાબ દીધો જે હમો જાણીએ છ તે છતાં પણ જે શખસની ધારણા સારી હોએ એટલું જ બસ છે. હમો અંદર પેથા તેવો જ પરેસીડેંટ ઊભો થાએઓ. હમો આગલ વધેઆ, અને મી. શીઉઅરડે હમારી સાથે એ ગરહસથની ઓલખાણ કરાવી. હમોને પરેસીડેનટે શેક હેનડ કરીને કુરસી આપી. અને પોતે પણ બેઠો. એ ગરહસથની લખવાની ટેબલ સાદી હતી, અને ઓરડો પણ સાધારણ નાહાનો હતો. હમારી જોડે એ ગરહસથે વાતચીત કીધી અને હમોને કહીંઉ કે આ દેશમાં નવાઈ જેવું જોવાને તો કાંઈ નથી. પછી હમોને પુછીઉં કે તમોએ તમારું વતન છોડેઆને કેટલી મુદત થાઈ. તેનો જવાબ આપી હમોએ કહેઉં કે તારો વધારે વખત રોકવાને હમો ચાહતા નથી હેવું કહી હમો એ જાગો પરથી ઊઠીઆ. આ વેલાએ પોતે બી ઊઠી હમોને શેકહેનડ કીધી. આએ વેલા હમારીથી આટલું તો બોલેઆ વગર રેહેવાઈ શકાઉં નહિ કે હું તારી સરવે વાતે ફતેહમંદી ચાહું છઉં. એટલું કહી હમોએ રૂખસદ લીધી.’
પ્રેસિડન્ટ લિંકન ૧૮૬૧માં લેવાયેલો ફોટોગ્રાફ
આ મુલાકાતની સાલ તમે નોંધી? સાલ હતી ૧૮૬૨. અને એ વખતે અમેરિકાના પ્રેસિડન્ટ હતા બીજું કોઈ નહિ, પણ અબ્રહામ લિંકન! આપણા આ લેખકે તેને વિષે એક જ વાક્ય લખ્યું છે : ‘એ પરેસીડેનટ લીનકન હારે ઊંચો, શરીરે પતલો તથા દેખાવમાં તથા પેહેરવાસમાં ઘણો સાદો હતો.’ તમે પૂછશો : પ્રેસિડન્ટનું નામ તો કહ્યું, પણ તેની મુલાકાત લેનાર એ ગુજરાતી લેખકનું નામ શું? ‘અમેરિકાની મુસાફરી’ નામનું જે પુસ્તક ૧૮૬૪માં પ્રગટ થયેલું તેમાં ક્યાં ય તેના લેખકનું નામ છાપ્યું જ નથી! પુસ્તકના ટાઈટલ પેજ પર માત્ર આટલું છાપ્યું છે : ‘એક પારશી ઘરહસથે સન ૧૮૬૨માં ઇંગલેંડથી અમેરિકાના ઈઉનાઈટેડસટેસ ખાતેની મુસાફરીમાં કીધેલી દરરોજની નોંધ.’
વ્હાઈટ હાઉસ, ૧૮૬૦માં
લેખકે ભલે પુસ્તક પર પોતાનું નામ ન છપાવ્યું હોય. આપણે તો તેનું નામ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ને? મુંબઈના અને ગુજરાતના પારસીઓ વિશેની માહિતી અંગે હીરાની ખાણોની ગરજ સારે એવાં પુસ્તકો તે ‘પારસી પ્રકાશ’નાં દફતરો. તેમાં જણાવ્યું છે કે ‘અમેરિકાની મુસાફરી’ પુસ્તક મુંબઈમાં ૧૮૬૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે પ્રગટ થયું હતું અને તેના લેખક હતા શેઠ પીરોજશાહ પેશતનજી મેહરહોમજી. શેઠ ડોશાભાઈ ફરામજી કામાજી પણ એ મુસાફરીમાં તેમની સાથે જોડાયા હતા અને તે બન્નેએ પહેલી જુલાઈથી દસમી સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુસાફરી કરી હતી. એ વખતે ‘રાક્ષસી કદ’ની ગણાતી અને ખૂબ વખણાયેલી ‘ગ્રેટ ઇસ્ટર્ન’ નામની સ્ટિમરમાં તેમણે લીવરપુલથી આ મુસાફરી શરૂ કરી હતી. ૧૮૫૯માં બંધાયેલી આ સ્ટીમર પૂરાં ૪૦ વરસ સુધી દુનિયાની મોટામાં મોટી સ્ટીમર હતી. તેમાં ૪,૦૦૦ મુસાફરો આરામથી પ્રવાસ કરી શકતા. જો કે ૧૮૬૦ના જૂનની ૧૭મીએ તેણે પહેલો પ્રવાસ શરૂ કર્યો ત્યારે તેમાં ૩૫ મુસાફરો અને ૪૧૮ સ્ટાફના માણસો હતા! ઇન્ગ્લન્ડથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી રસ્તામાં ક્યાં ય કોલસો લેવા રોકાયા વિના તે કરી શકતી.
એસ.એસ. ગ્રેટ ઇસ્ટર્ન
અગિયારમી જુલાઈએ રાતે આઠ વાગે સ્ટીમર ન્યૂ યોર્ક પહોંચેલી. એ જમાનામાં પાસપોર્ટ કે વિઝાનો તો સવાલ જ નહોતો. પણ ઉતારુઓના સામાનની ચકાસણી થતી. પણ એ કામ કસ્ટમના અધિકારીઓ સ્ટીમર પર જઈને જ કરતા! મુસાફરીમાં લેખક એક ‘ચાકર’ને પણ સાથે લઈ ગયેલા જે તેમને માટે અલાયદી રસોઈ બનાવતો. એક હોટેલે આ અંગે શરૂઆતમાં વાંધો લીધો, પણ પછી ‘હમારી ખુશી પરમાણે કરવા દીધું.’ એટલું જ નહિ, જતી વખતે એ હોટેલવાળાએ પોતાની નોંધપોથીમાં લેખક પાસે ગુજરાતીમાં તેમનું નામ પણ લખાવ્યું! તો એક રેલવે સ્ટેશન પર તેમને એક પાદરીનો ભેટો થયો. આ પાદરીએ લેખક અને તેના ‘ચાકર’ સાથે ગુજરાતી ભાષામાં વાત કરી. તેથી લેખક ‘તાજ્જુબ’ થઈ ગયા. જોવા જેવાં સ્થળોની મુલાકાત તો લીધેલી જ, પણ ખાસ પરવાનગી લઈને જેલ, સૈનિકોની છાવણી, સૈનિકો માટેની હોસ્પિટલ, તોપ બનાવવાનું કારખાનું, વગેરેની મુલાકાત પણ લીધેલી. લેખક વોશિન્ગ્ટન ડી.સી. ગયા ત્યારે હજી વોશિન્ગ્ટન મેમોરિયલનું બાંધકામ ચાલુ હતું, પણ તે જોવા ય ગયેલા. ફિલાડેલ્ફિયામાં મળેલો એક ભોમિયો પારસીઓના ધર્મગ્રંથોની ભાષા – ઝંદ અવસ્તા – જાણતો હતો અને સંસ્કૃત તો સારી રીતે લખી-બોલી શકતો હતો!
પુસ્તકના લેખક પીરોજશાહ બહુ મોટી હસ્તી નહિ. ડોસાભાઈની કંપનીમાં આસિસ્ટંટ તરીકે તેઓ કામ કરતા. ‘બોમ્બે ગેઝેટ’ નામના અખબારમાં જણાવ્યા પ્રમાણે ૧૮૫૮ના મે મહિનાની ૯મી તારીખે મેલ સ્ટીમર ‘ગેન્જીસ’ દ્વારા મુંબઈથી ઇન્ગ્લન્ડ જવા ચાર પારસીઓ નીકળ્યા : મંચેરજી હોરમજજી કામાજી, કાવસજી એદલજી ખંભાતા, અરદેશર કાવસજી મોદી, અને પીરોજશાહ. જો કે વખત જતાં ડોશાભાઈ અને પીરોજશાહ શેઠ અને નોકર કરતાં મિત્રો જેવા વધુ બન્યા. પીરોજશાહ જેવા નોકરિયાત માણસ માટે એ જમાનામાં અમેરિકાની મુસાફરી કરવાનું મુશ્કેલ. એટલે મુસાફરીનો ખર્ચ ડોશાભાઈએ જ ઉપાડ્યો હોય. આમ, અમેરિકાના પ્રવાસમાં મુખ્ય મુસાફર ડોશાભાઈ હતા, અને પીરોજશાહ હતા તેમના સાથી સફરી. પુસ્તકમાં અમેરિકાની મોંઘી હોટેલોમાં રહ્યાની વાત છે, અમેરિકાની વિસ્તૃત મુલાકાતની વાત છે, સરકારી, લશ્કરી, વૈદકીય, મોટી વેપારી સંસ્થાઓની મુલાકાતની વાત છે, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની મુલાકાતની વાત છે. આ બધું પીરોજશાહ જેવા એક નોકરિયાત માટે ગજા બહારની વાત ગણાય. એટલે ડોશાભાઈને કારણે જ એ બધું શક્ય બન્યું હોય. પણ પુસ્તક લખાયું છે એવી રીતે કે પીરોજશાહ મુખ્ય મુસાફર હોય, અને ડોશાભાઈ તેમની સાથે ગયા હોય એમ લાગે. ખરું જોતાં ડોશાભાઈની સાથે પીરોજશાહ ગયા હતા તેમ કહેવું વધારે વાજબી ગણાય.
પણ પીરોજશાહ અને ડોશાભાઈ વચ્ચેનો સંબંધ બહુ લાંબો નહિ ચાલ્યો હોય તેમ લાગે છે. કારણ ૧૮૬૩માં પીરોજશાહ મુંબઈ પાછા આવ્યા તે પછી ડોશાભાઈ સાથેના તેમના સંબંધ અંગે કશું જાણવા મળતું નથી. પણ ૧૮૭૨માં ધનજીભાઈ રતનાગર એન્ડ કંપનીમાં પીરોજશાહ એક ભાગીદાર બન્યા એમ જાણવા મળે છે. ૧૮૭૭ના માર્ચ મહિનાની ત્રીજી તારીખે પીરોજશાહે મુંબઈના દાદર વિસ્તારમાં ઈનેમલનાં વાસણો બનાવવાનું પોતાનું કારખાનું શરૂ કર્યું હતું, પીરોજશાહ પોટરી વર્કસ. તેમાં બીજા બે ભાગીદારો હતા ધનજીભાઈ ખરશેદજી રતનાગર અને બરજોરજી ખોદાદાદ ઈરાની. કચ્છના મહારાવના આમંત્રણથી પીરોજશાહ ૧૮૭૮માં માંડવી ગયા હતા અને ત્યાં પણ એનેમલનું કારખાનું શરૂ કરી આપ્યું હતું. ૧૯૦૪ના જૂન મહિનાની ૭મી તારીખે પીરોજશાહનું અવસાન થયું.
ડોશાભાઈ ફરાંમજી કામાજી ૬૯ વર્ષની ઉંમરે ૧૮૯૨ના જાન્યુઆરીની ૨૫મી તારીખે બેહસ્તનશીન થયા હતા. તેઓ મુંબઈના જાણીતા વેપારી તો હતા જ, પણ સાથોસાથ સુધારાની પ્રવૃત્તિના સબળ ટેકેદાર પણ હતા. સમાજ સુધારો, કેળવણી અને પારસી ધર્મને લગતી સંસ્થાઓને તેમણે વખતોવખત દાન આપ્યાં હતાં. ધીમે ધીમે તેમણે પોતાનો વેપાર કલકત્તા, કેન્ટોન, શાંઘાઈ સુધી વિસ્તાર્યો હતો. તે માટે તેમણે ચીન, યુરોપ અને અમેરિકાની મુસાફરી કરી હતી. ‘સ્ત્રીબોધ' માસિક શરૂ થયું ત્યારે પહેલાં બે વર્ષ તેમણે તેને દર વર્ષે ૧,૨૦૦ રૂપિયાની મદદ કરી હતી. તો દસ વર્ષ સુધી પોતાને ખર્ચે ‘રાસ્ત ગોફતાર’ સામયિક ચલાવી દસ હજાર રૂપિયાની ખોટ ખમી ખાધી હતી. જો કે ૧૮૬૫માં શેરબજાર ભાંગ્યું ત્યારે બીજા ઘણાની જેમ એવણ પણ મંદીમાં સપડાયા હતા.
આજે હવે ગુજરાતીઓ માટે અમેરિકાનો પ્રવાસ એ નવાઈની વાત રહી નથી. લેખકોએ તેમ જ અન્યોએ પણ પોતાની મુસાફરીનું વર્ણન કરતાં અનેક પુસ્તકો લખ્યાં છે, અને હજી લખાતાં રહે છે. પણ ૧૮૬૨માં બે પારસી સજ્જન લગભગ આખું અમેરિકા ખુંદી વળેલા. પુસ્તકને અંતે તેઓ કહે છે કે અમેરિકાનો કિનારો છોડતી વખતે અમોને ઘણી દિલગીરી થઈ, કેમ કે આ દેશના લોકોએ અમારી સાથે ઘણી જ મિત્રાચારી તથા દિલદારી બતાવી હતી.*
* મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પોતાના સંગ્રહમાંનાં ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં એક સો દુર્લભ પુસ્તકો સ્કેન કરીને સી.ડી. પર ઇ.બુક રૂપે સુલભ કર્યાં છે. તેમાં આ પુસ્તકનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરની ‘ગુજરાત સાહિત્ય અકાદમી’એ પણ આ પુસ્તક ફરી પ્રગટ કર્યું છે. તેનું સંપાદન અજયસિંહ ચવાણે કર્યું છે.
Flat no. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (East), Mumbai 400 051
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુર્જરી” ડાયજેસ્ટ, જુલાઈ 2021; પૃ. 44-46