Opinion Magazine
Number of visits: 9504425
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ગુજરાતી, દેશ અનેક

કેતન રુપેરા|Opinion - Opinion|15 April 2021

’ડાહ્યાભાઈને તો જ્ઞાનનું કોઈ પણ ક્ષેત્ર ચરવા-વિચરવાપાત્ર લાગે છે. જે ગમ્યું હોય અથવા જે માહિતી આપનારું હોય તેનું કતરણ ડાહ્યાભાઈ પાસેથી મળી આવે. કતરણ હાથમાં આવે ત્યાં સુધીનો સમય પણ ડાહ્યાભાઈ એળે જવા ન દે. એમની ટીકાટિપ્પણી ઘટનાના ચાલુ વિવરણની જેમ ચાલ્યા કરે. એમના લોહીમાં પડેલું મિસ્ત્રીપણું ઝીણું ઝીણું નકશીકામ કરતું જાય, ડાહ્યાભાઈ ઉત્સાહથી વાત કરતા જાય અને ખડખડાટ હાસ્યથી ઓરડાનું પેટ ભરતા જાય. સાહિત્ય, ઇતિહાસ, રાજકારણ બધાંમાં એમની ચાંચ ડૂબે. કોઈક વાર તો તમે કલ્પ્યો ન હોય એવો મુદ્દો ખોળી લાવે અને ચર્ચામાં રંગત જમાવતા જાય.’

પ્રાધ્યાપક જયન્ત મ. પંડ્યાએ દીધા ‘જ્ઞાનિપપાસુ ડાહ્યાભાઈ મિસ્ત્રી’ નામક ચરિત્રચિત્રણમાં આવી નોંધ છે. ‘સ્મરણો દરિયાપારના’ નામક લેખકના પુસ્તકમાં આ નોંધ સંગ્રહિત છે. આવા આ ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી જોડે ચાર દાયકાઓ ઉપરાંતનો દીર્ઘ પણ નિજી સંબંધ રહ્યો છે. મારી જિંદગીના ઉપવનમાં એ ખુદ એક એવું વૃક્ષ કે જેના છાંયડે બેસીને હાશકારો મળ્યો હોય, થાક ઉતાર્યો હોય, ગોઠડી માંડી હોય અને વળતાં તરબતર થઈ તાજાતર થઈ જવાય.

‘ઓપિનિયન’માં આરંભથી ડાહ્યાભાઈનું લખાણ પ્રગટ થતું રહ્યું. એમનું વાંચન અગાધ. તેનો વ્યાપ વિશાળ. મૂળે શિક્ષકનો જીવ તેથી તંતોતંત વિચારે, જીવે અને લેખનમાં ઉતારે પણ. આવા આ મસ્ત મિત્રના લેખોનું સંપાદનકામ કેતન રુપેરાએ સુપેરે પાર પાડ્યું છે. એક નિવડેલા પત્રકાર અને પ્રકાશનમાં નવા ચાસ પાડનાર  કેતનભાઈ વાટે આપણને આ જ્ઞાનમાળીનું ઉપવન સમું પુસ્તક સાંપડે છે. તેનું સ્વાગત કરીએ. તેને વસાવીએ અને તેને માણીએ.   

— દેશાવર તંત્રી

••••••••

લેખકને તેમના પુસ્તક અંગે સંપાદકનો પત્ર

સુખને ઓવારે અને

ટેમ નદીને કાંઠે વસતા ડાહ્યાભાઈ,

સાબરમતીના તટેથી કેતનના પ્રણામ.

ગુજરાતી ડાયસ્પોરાના વિચારપત્ર ‘ઓપિનિયન’ અને તેના તંત્રી વિપુલ કલ્યાણીનો પહેલવહેલો પરિચય ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના અભ્યાસકાળ (૨૦૦૩-૨૦૦૫) દરમિયાન થયો હતો. મારા ક્લાસની એક વિદ્યાર્થિની, નામે આશા વિહોલે ‘ઓપિનિયન’ પર અભ્યાસપૂર્ણ ડેઝર્ટેશન (માર્ગદર્શક : પ્રા. અશ્વિન ચૌહાણ) રજૂ કરીને ઘણી પ્રશંસા પ્રાપ્ત કરેલી. બસ, એ અરસામાં જ ‘ડાયસ્પોરા’ શબ્દ, એના અર્થ, એ સાહિત્યની જાણ થઈ હતી.

મો.ક. ગાંધીના ‘ઇન્ડિયન ઓપીનિયન’માંથી ન માત્ર ‘ઓપિનિયન શબ્દ ઉછીનો લઈને’ પણ સાથે ‘આ દેશે [શું બ્રિટન કે શું ભારત, બધે ય] વિચારપત્રની સતત ખોટ રહી છે એ ખોટ પૂરવા’ ઓપિનિયને પગરણ માંડ્યાં તે સાલ ૧૯૯૫. વરસો વીતતાં ગયાં. ‘ઓપિનિયન’ મુદ્રિતમાંથી ડિજિટલ, ને ડિજિટલમાંથી ઑનલાઇન થયું. પ્રસંગોપાત ‘ઓપિનિયન’ના લેખો વાંચવાના થતા ગયા. ‘નિરીક્ષક’ના સંપાદનની જવાબદારી (૨૦૧૪-૨૦૨૦) દરમિયાન થોડા વિશેષ પ્રમાણમાં વાંચવાના થયા, પણ એ તો એટલાં વર્ષો પૂરતાં. ‘ઓપિનિયન’ની શરૂઆત, તેનો ઉદ્દેશ, તેના પ્રારંભિક લેખો, કોઈ વિશેષ મુદ્દાને સ્પર્શીને એકથી વધુ લેખકોના લેખો, કિશોરલાલ મશરૂવાળાના ‘હરિજનબંધુ’માંથી ઊંચકેલાં અવતરણ સાથેનું ‘એતાનશ્રી’ (વાચકોના પત્રો) … વગેરેમાંથી તો આપના લેખોની ચયનપ્રક્રિયા દરમિયાન જ પસાર થવાનું થયું. ૧૯૯૬માં ઈશ્વર પેટલીકરને ટાંકીને લખેલા ‘ન મળ્યો કોઈ ગુજરાતીને’ લેખથી ‘ઓપિનિયન’માં આપની લેખનયાત્રા શરૂ થઈ તે છેક ૨૦૧૭ સુધી અવિરત … એટલે કહો કે આપના લેખોએ જ ‘ઓપિનિયન’ની વધુ નજીક આવવાનું નિમિત્ત પૂરું પાડ્યું. ને તમે માનશો? આ લેખો વાંચીને મારે-આપના શબ્દોમાં કહું તો – ‘નર્મદ જેવો જોસ્સો’ ધરાવતા ‘ઓપિનિયન’તંત્રી અને આ પુસ્તકના પરામર્શક સાથે સહજપણે જ શૅર કરવાનું થયું કે ‘ઓપિનિયન’નાં આટલાં વર્ષોમાં અગ્રહરોળનાં ને નિયમિત લખતા પાંચ લેખકોનાં નામ આપવાનાં થાય તો એમાં ડાહ્યાભાઈનું નામ અવશ્ય આવે એટલું એમનું વિષયવૈવિધ્ય છે, એટલો જ એમનો અભ્યાસ દેખાય છે, ને એટલી જ એમની અભિવ્યક્તિની સરળતા ને સહજતા પણ છે. ફેસબુક-ટિ્‌વટર પેઢીની સ્ટાઇલમાં કહું તો OMG …. શું રૅન્જ છે આ માણસની!” અને એટલે જ પુસ્તકમાં આપના લેખોના આ સૌથી મોટા જમા પાસાને વિશેષ રીતે ઉપસાવવામાં આવ્યું છે. 

વિષય-વૈવિધ્ય પછી આલેખન ને અભિવ્યક્તિની વાત કરતાં, આપનું વ્યક્તિચિત્ર આપનાર જયન્ત પંડ્યા સહજપણે જ યાદ આવે : “સ્વતંત્ર રીતે વિચારવાની એમને ફાવટ છે. એ ધારે તો દૂધમાંથી ય પોરાં કાઢી આપી શકે પરંતુ એને અવગુણ બનાવવાની હદ સુધી ન લઈ જવાનો વિવેક એમણે કેળવ્યો છે.” આ લાગણી આપના લેખો વાંચતાં મને પણ વારંવાર થઈ છે. પૂર્વ આફ્રિકાના દેશોમાં હિંદીઓના પ્રદાનની અવગણના કે આરબ દેશોમાં ભારતીય મજૂરોના સંઘર્ષની વાત હોય, ગુજરાતી સમાજની મર્યાદા ને ગુજરાતી ડાયસ્પોરિક સર્જકોની વાત હોય કે પછી ભારતપ્રવાસની ડાયરી ‘વાપીથી તાપી’ (પૃ. ૩૧થી ૫૦ અને ૬૮થી ૭૪). … પોસ્ટવિભાગનો દાખલો આપીને તો આપે આ વાતને બખૂબી મૂકી આપી છે.

કેન્યા, યુગાન્ડા, ટાન્ગાનિકા ને ઝાંઝીબારમાં હિંદી વસાહતનાં વિવિધ ક્ષેત્રમાં સાહસ-સંઘર્ષ-સિદ્ધિની વાત માંડીને તો જાણે આ વસાહતનો અનૌપચારિક ઇતિહાસ આપી દીધો છે! ૧૮૬૦માં નાતાલ બંદરે પહેલી આગબોટ લાંગરી ત્યાંથી લઈને ૧૯૭૨ સુધી – ખાસ્સા ૧૧૨ વર્ષ-ના ઇતિહાસલેખનમાં અલીદીના વિસરામ, અલીભાઈ મુલ્લા જીવણજી, પ્રાણલાલ શેઠ, મણિલાલ દેસાઈથી લઈને રજત નિયોગી સુધીનાનાં પત્રકારત્વ – જાહેરજીવનનાં કાર્યો માટે આપના હૃદયમાં માનની સાથે અંગત લાગણી પણ જોડાયેલી છે, એ ‘બિટિ્‌વન ધ લાઇન્સ’ વાંચી શકાય છે, આપે એને પ્રત્યક્ષપણે વર્તાવા દીધી નથી. એ આપની કલમની સંયમશીલતા છે.

હા, એક જગ્યાએ અંગત ઝુકાવ સ્પષ્ટ વર્તાય છે. પણ એ અંગેનો મારો ઉલ્લેખ આપના હૃદયને ઠેસ નહિ પહોંચાડે. બલકે આપને ગૌરવ મહેસૂસ કરાવશે. એ ૧૯૯૭ના બ્રિટનના મજૂર પક્ષ અને તેના નેતા ટોની બ્લેયર માટેનો સૉફ્ટ કૉર્નર. ખરું ને?

લેખકશ્રી, જ્યારે આપ લેબર પાર્ટી ને ટૉની બ્લેયર – ગોર્ડન બ્રાઉનની જોડી, તેમની દીર્ઘદૃષ્ટિ, બુદ્ધિમત્તા, છટાદાર વક્તૃત્વ વગેરેની વાત માંડો છો ત્યારે આપના વ્યક્તિત્વમાં રહેલું Briticism (the aggregate of such qualities regarded as characteristic of a British person, www.collinsdictionary.com) અભિવ્યક્તિ રૂપે એવું ઝળકી ઊઠે છે કે તરત ઉમાશંકરની પેલી પંક્તિ યાદ આવે …. ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી’. કેવળ ગુજરાતી નહિ રહીને અને કેન્યા કે બ્રિટન, જ્યાં પણ રહ્યા ત્યાં ગુજરાતીપણું જાળવતાની સાથે ત્યાંની સંસ્કૃતિમાં ભળી જનાર નાગરિક તરીકે આપ ઊભરી આવો છો. ‘સહસ્રાબ્દીના આરે નૂતન બ્રિટનનાં સોણલાં’ આપે પણ ઓછાં નથી જોયાં ને ‘એકવીસમી સદીના ઉંબરે નૂતન બ્રિટનની ઝંખના’ આપે પણ ઓછી નથી કરી. અને એની પાછળનું કારણ પણ સમજાય છે. બહુ લાગણીસભર છે. ચાલો, તમારા જ શબ્દોમાં … “રૂઢિચુસ્ત પક્ષ એટલે કે કન્ઝર્વેટિવ પાર્ટી અને મજૂર પક્ષ એટલે કે લેબર પાર્ટી બાળપણમાં સાંભળેલાં નામો. એટલીના મજૂર પક્ષ અને ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષ વિશે એક ધૂળિયા ગામમાં ૧૯૪૭માં ૧૦ વર્ષના છોકરાને રાજકારણનું શિક્ષણ એક પિતા આપી રહ્યા છે. પિતા વાચનનો ગજબનો રસ ધરાવે છે. અખબારોના તો એ અઠંગ વાચક છે. બાળપણમાં મળેલું આ શિક્ષણ પુત્રના મનમાં ઘર કરી બેઠું છે અને પછી તો યુવાકાળમાં મોમ્બાસા(કેન્યા)માં દૂર રહીને પણ આ પક્ષોની અને તેમના નેતાઓની કારકિર્દી-કામગીરીમાં એટલો જ રસ રહ્યો છે. પિતાની વિચારધારાને અનુમોદન મળતું રહ્યું. એ વિચારધારા દૃઢ બનતી ગઈ. રાજકારણમાં આટલો રસ લેનાર પુત્ર આજે ૧૯૯૭ની ચૂંટણીના ઢંઢેરાઓ બહાર પાડ્યાના ત્રણચાર દિવસો પછી ગ્રેટ બાર(બર્મિંગમ)ના ટેકરાળી પરામાં ૨,૦૦૦ ઘરોમાં મજૂર પક્ષના કાર્યકર્તાઓ સાથે સમાચારપત્રકો પહોંચાડવામાં ઘૂમતો થઈ ગયો છે.” (પૃ. ૫૨)

હા, ઉંમરના છઠ્ઠા દાયકે પહોંચી ગયેલા ને છોકરો મટી ખરા અર્થમાં વૃદ્ધિ પામ્યા છે એવા વૃદ્ધ બનવા તરફ પ્રયાણ કરી રહેલા એ પુત્રને ટોરી પક્ષનો સંપૂર્ણ રકાસ થાય એવું સ્વપ્ન જોવામાં બેશક આનંદ આવે છે, પણ એનું મૂળભૂત વલણ લોકશાહીનું છે. સુશાસન અને વિકાસનું છે. એટલે કહે છે, “વાચકને તટસ્થભાવે એક જ સૂચન : ગમે તે પક્ષ માટે તમારો પક્ષપાત હોય તો ય, એ માટે આ સમય છે. તમારી સૂઝબુજથી સક્રિય બનજો ને મતદાન કરજો.” (પૃ. ૫૩)

આ તો થઈ એક પુત્રની વાત. પણ આ જ પુત્ર ભવિષ્યમાં પિતા બને ત્યારે પોતે પણ સંતાનોનું ઘડતર કેવું કર્યું છે, જોઈએ …. પોતાના સંતાનમાં ‘કંઈક કલ્યાણકાર્ય, માનવસેવા કરવાની ધગશ અને ઇચ્છા’ રહ્યા કરતી હોય એ કોઈ પણ પિતાને ગમે, પણ એ માટેનું સ્થળ યુદ્ધભૂમિ હોય તો? પિતાની અને બે ભાઈઓની વીનવણી અને સમજાવટ પછી પણ દીકરી યુદ્ધભૂમિ પર જવા અડગ રહે ત્યારે?! ‘યુદ્ધગ્રસ્ત બોસ્નિયા, દીકરીની દૃષ્ટિ અને પિતાનું હૃદય’(પૃ. ૧૪૪-૧પ૦)માં આ ‘સંવેદનો, સ્પંદનો અને આંતરવ્યથા’ દિલ દહેલાવી નાંખે એ હદે વ્યક્ત થયાં છે. દીકરી દીપિકા બોસ્નિયા માટે વ્યવસાયી ભરતી કરતી કોઈ ઍજન્સીમાં કામ કરતાં કરતાં પોતાની જ એ યુદ્ધભૂમિમાં જવા માટે ભરતી કરી નાંખે છે. ત્યાં પહોંચી કામમાં ગજબનો ઉત્સાહ દાખવે છે, ‘અમેરિકી લશ્કરી તંત્ર પુષ્કળ સુવિધાઓ અને સહુલિયતો આપે છે. સુરક્ષામાં ક્યાં ય કચાશ નથી.’ ને છતાં જે ‘મનોવિગ્રહ અને અશાંતિ’માંથી દીકરી પસાર થાય છે ને પિતાને લખે છે કે ‘આવા યુદ્ધગ્રસ્ત જગતમાં બાળકની મા બનવાની ઇચ્છા થતી નથી’. … દીકરીના જ શબ્દોમાં, “Last week I drove through the zone of separation at Brocko, one of the worst hit towns in Bosnia. I was stunned at the sheer devastation and could not help but cry. … I saw children playing in the fields, innocent and happy not realising that they could be playing on the minefield. My heart just wanted together them up and take them away. This was the first time in my life that I considered not having children, certainly not in a world still at war with itself.” આ વાંચીને બાપના હૃદયે શું વીતી હશે!

આ જ દીકરી આગળ જતાં દુબઈમાં પતિ સાથે એક ચર્ચ સંસ્થામાં જોડાય છે. શિક્ષણ સંબંધિત કામમાં વ્યાવસાયિક સેવા આપે છે. પછી તો આપ પણ વૅકેશન ગાળવા દુબઈ જાવ છો. ૭૫ વર્ષે પણ કોઈ વ્યક્તિ નવા દેશને જોવા-જાણવા-સમજવા આટલી હદે જિજ્ઞાસુ હોય એનો દાખલો આપની ‘દુબઈ ડાયરી’(પૃ. ૨૭૨-૨૯૪)માંથી મળી રહે છે. પ્રવાસ દરમિયાન આપે જોયેલા આરબ દેશોના વિકાસ અને નવજાગૃતિની વાતોને સાંપ્રત તથ્યો અને આંકડાને આધારે માત્ર ન મૂકતાં છેક એનાં મૂળિયાં સુધી પહોંચી સુમેરિયન સંસ્કૃતિની વાત પણ લઈ આવો છો. હું તો એમાં જ ન્યાલ થઈ ગયો, વાચકો પણ થશે જ.

ઉત્તર આફ્રિકાના દેશો હોય કે દક્ષિણ એશિયાના દેશો, તેમની સાથેના ભારતના સંબંધોની વાત કરતી વખતે દેશના પહેલા વડા પ્રધાન નેહરુને આપે અવારનવાર યાદ કર્યાં છે ને અવતરણો ટાંક્યાં છે – ન માત્ર નેહરુનાં, જગતભરના વિદ્વાન લેખકો-સાહિત્યકારો-રાજનેતાઓનાં – તે આપના વાચનવિશ્વની વિશાળતા દર્શાવી જાય છે. આ અંગ્રેજી અવતરણોની માત્રા એટલી મોટી છે કે અડધાં ઉપરાંતનાં પાનાં વિશ્વભરનાં ખેરખાંનાં જ્ઞાન અને અનુભવવાણીથી દીપી રહ્યાં છે. એટલે સ્વાભાવિક જ મને લાગ્યું કે આ અવતરણોનો ગુજરાતી અનુવાદ કરીને મૂકું? એક તબક્કાનો અનુવાદ કર્યો ય ખરો. પણ જેવા આ અનુવાદોને તેનાં મૂળ અંગ્રેજી અવતરણોની સાથે મૂકીએ કે ઠેરઠેર આ મતલબનું વાંચવા મળે ‘એનાં મૂળ અંગ્રેજીમાં જ આ માણીએ’. બસ, પછી તો શું; બંદાએ ‘હથિયાર’ હેઠાં મૂકી દીધાં. જ્યાં મૂળમાં ગુજરાતી અનુવાદ આપ્યો છે ત્યાંથી કાઢવો નહીં ને જ્યાં નથી ત્યાં ધરાર આપીને મૂળ અંગ્રેજીમાં વાચકો એ માણે એવી આપની મંછાને હાનિ પહોંચાડવી નહિ. કેમ કે આખરે, એ આપની અભિવ્યક્તિની તરાહનો જ એક ભાગ બની રહે છે. પરામર્શક પણ આ જ મતના હતા, અથવા કહો કે આ બધી બાબતો સાબૂત હોવા છતાં એ નિર્ણયની પહેલ તો એમના થકી જ થઈ. અમારા આ નિર્ણયથી ગુજરાતીની જેમ જ ‘અંગ્રેજી ભાષા-સાહિત્ય-પત્રકારત્વ’ની પણ એક આખી કૅટેગરી જન્મી – એ આડલાભ.

વારુ, સિંગાપોરનો આપનો પ્રવાસ તો કોઈ પણ ગુજરાતીને, નાગરિક સમાજ કોને કહેવાય એ જાણવાની ભૂખ હોય તો એ સંતોષવાનું ભાથું પૂરું પાડે એવો બની રહ્યો છે. હિમાલયના પ્રવાસનો અંગ્રેજી અનુવાદ The Himalaya : A Cultural Pilgrimage (અનુવાદક – અશોક મેઘાણી, પ્રકાશક : કેન્દ્રિય સાહિત્ય અકાદમી, દિલ્હી, ૨૦૧૪) પ્રકાશિત થયા ટાંકણે એને આવકારતા દીપક મહેતાના વાયા ‘ગુજરાતમિત્ર’ ઓપિનિયન ઓનલાઇનમાં ઉદ્ધૃત થયેલા લેખમાં તેઓ કહે છે, “કાકાસાહેબે પુસ્તકના નામમાં ભલે ‘પ્રવાસ’ શબ્દનો ઉપયોગ કર્યો. હકીકતમાં એ ‘પ્રવાસ’ કરતાં વધુ તો ‘યાત્રા’ હતી. અનુવાદકે પુસ્તકના નામમાં ઉચિત રીતે જ ‘પિલ્ગ્રિમેજ’ શબ્દ પ્રયોજ્યો છે. પણ આ યાત્રા કેવળ ધાર્મિક ઉદ્દેશથી નથી થઈ. તેની પાછળ ભારતની સંસ્કૃતિને જાણવાની નેમ પણ હતી.” આરબ દેશો અને સિંગાપોરના આપના પ્રવાસ પણ જાણે એ દેશોની સંસ્કૃતિને જાણવા માટેની નેમ હોય એમ બની ઊભરી આવે છે.

પુસ્તક અંગે લખવા જેવું બીજું ય ઘણું છે, ‘વ્યક્તિ વિશે – પુસ્તક વિશે’નો વિભાગ તો એક અલગ જ પ્રકરણ માગી લે, પણ પહેલી મુલાકાત કે પહેલા પત્રમાં બહુ ન બોલાય-લખાય, એવું વડીલો પાસેથી જ શીખવા મળ્યું છે, એટલે આટલેથી અટકું … ને પત્રના પ્રારંભે તો સ્વાભાવિક જ, પણ હવે ચહીને જયન્ત પંડ્યાને સંભારું. આપની સાથેના એક સંવાદને યાદ કરતાં એમણે લખ્યું છે : “‘જીવન ફરીથી જીવવા મળે તો તમે શું કરો?’ એવા પ્રશ્નના જવાબમાં એમણે મને (એટલે કે આપે એમને) કહેલું. ‘ફરી જીવવાનો વારો આવે તો વિદ્યાના પરિવેશમાં જીવવાનું પસંદ કરું.’” આપનું આ પુસ્તક વાચકોને પણ વિદ્યાના પરિવેશમાં લઈ જશે એવી ખાતરી છે ને વ્યક્તિગત વાચકો ઉપરાંત શૈક્ષણિક-સાહિત્યિક ને સાંસ્કૃતિક સંસ્થાઓ માટે પણ પોતાની આર્કાઇવ્ઝનો હિસ્સો બની રહેશે એવો વિશ્વાસ છે.

બસ, વધુ તો શું કહું … વિદેશ વસતી ગુજરાતી પેઢી માટે પોતાના દાદા-પરદાદાની વાત અને ભારતીય ગુજરાતીઓ માટે વિદેશ વસતા ગુજરાતી સમાજની વાત-પહેલા જ પ્રકરણમાં પેટલીકર, બ.ક. ઠાકોર વગેરેને ટાંકીને કહેવાઈ છે એ ‘એક પ્રજા તરીકે ગુજરાતી’ બની રહેવાની વાત – લઈને આવતું આ પુસ્તક સૌ ગુજરાતીઓને ‘વિશ્વ ગુજરાતી’ બનવા માટેની યાત્રાનું એક ‘આગે કદમ’ બની રહે એવી આશા સાથે …

Email: ketanrupera@gmail.com

એક ગુજરાતી, દેશ અનેક : લેખક – ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, સંપાદક : કેતન રુપેરા, પરામર્શન : વિપુલ કલ્યાણી પ્રકાશન : 3S, Publication, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ – 380 009, પ્રથમ આવૃત્તિ, માર્ચ 2021 પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”, પૃ. 352 (16+336), રૂ.500 • £ 15

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 08-10

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 08-10

Loading

15 April 2021 admin
← બાંગલા સુવર્ણ જયંતી અને આપણે
‘જાહેર બૌદ્ધિક’ કોને રે કહીશું? →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved