એક દિવસ
અંધારાને પૂરતું ગૌરવ મળશે
અજવાળાનું ગૌરવ પ્રમાણસર બનશે
ધોળાનો ઘેરાવ ખૂલી જશે
કાળાશ થનગનાટ કરતી કૂદવા લાગશે
રમવા લાગશે દોડવા લાગશે
જે નથી થયું એ થશે
જે થવું જોઈએ એ થશે.
એક દિવસ
ન ગામમાં ફરતો ઘમંડ હશે
ન લાચારીનું ટૂંટિયું વળ્યું હશે
ન ગામ હશે
શહેર હશે
શહેરમાં વનની હવા હશે
છેક તળિયે ખૂંપી ગયેલામાં
બહારના ખુલ્લા અવકાશમાં
હાથ ફેલાવવાની હામ હશે
ના તારું હશે ના મારું હશે
જે હશે એની રીતે હશે.
ન ટોળું હશે
ન ટોળેદાર હશે
ઝઘડામાં ભરેલો પ્રેમ હશે
ન પ્રેમનો કોઈ પંથ હશે
વ્યક્તિ હશે
વ્યક્તિમાં પ્રકૃતિ હશે
પ્રકૃતિમાં
પાંદ હશે ડાળ હશે ઝાડ હશે
જ્યાં જુઓ ત્યાં ગમતું-ગમતું હશે
જીવન ક્યાંય ન કોઈને નડતું હશે
એક દિવસ.
લડ,
અંદર રાખી એક દિવસ.
e.mail : umlomjs@gmail.com