Opinion Magazine
Number of visits: 9446397
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અજાણ્યા ગાંધીની આત્મકથા : નટવર ગાંધી

બકુલા ઘાસવાલા|Opinion - Literature|8 December 2019

 

Soloman Grundy,
Born on a Monday,
Christened on a Tuesday,
Married on Wednesday,
Took ill on Thursday,
Grew worse on Friday,
Died on Saturday,
Buried on Sunday ,
That was the end,
Of Solomon Grundy.

                                  − James Orchard Halliwell

નટવર ગાંધીકૃત એક અજાણ્યા ગાંધીની આત્મકથાના પાન ૨૬ પરે આ કાવ્ય મુકાયું છે.

આ મુક્તક વાંચતાં મને યાદ આવ્યું –

‘पुनरपि जननम् ,पुनरपि मरणम्, पुनरपि जननी जठरे शयनम्।
कृपया, पारे, पाहि मुरारी …….

આ જગતમાં ગણ્યા ગણાય નહીં એટલા માનવો જનમ્યા,જીવ્યા, પોતાનું કાર્ય કર્યું અને વિદાય થયા. પોતપોતાના જીવનકાર્ય દરમિયાન કેવું જીવાયું, કેમ કેમ જવાયું, નામદામ કમાયા, સફળનિષ્ફળ થયા એનો હિસાબ કેટલાકે આત્મકથા દ્વારા આપ્યો. કેટલાકનું જીવન ચરિત્ર લખાયું. સરવાળે તો ઉપર લખ્યું તે જ પરિણામ દેખાયું એમ કહીએ તો ખોટું નથી, છતાં જેમને આત્મકથા વાંચવી ગમે તેમને માટે નટવર ગાંધીની એક અજાણ્યા ગાંધીની સંઘર્ષ અને સિદ્ધિની કથા રસપ્રદ તો લાગે.

ગુજરાતના સાવરકુંડલા નામે ગામમાં જન્મેલો એક બાળક બાળપણની મધુર સ્મૃતિઓ વગર બહોળા પરિવારમાં મોટો થઈ, ડાહ્યાડમરો વિદ્યાર્થી બની મુંબઈ પહોંચે, ત્યાં અથડાઈકુટાઈને આગળ કોલેજમાં ભણે, તક મળે તો આગળ વધવામાં પાછી પાની ન કરવી એ તકિયાકલામ સાથે જીવે, લગ્નની વય થઈ એટલે પરણે, અમેરિકા જઈને ત્યાં પણ ભણે, સંઘર્ષ કરે અને જેમ જેમ તક મળે તેમ આગળ ને આગળ વધે. આમાં નવું શું? અંતે એવો પ્રશ્ન થાય તેવી આ કથા નથી.

આ આત્મકથા આઝાદી આંદોલનના અંતિમ તબક્કામાં જન્મેલા, ગુલામી મુક્ત થયેલા દેશની શરૂઆતની પરિસ્થિતિમાં જીવનસંઘર્ષ કરતી પેઢીની વાસ્તવિકતા, ગાંધીવિચાર પ્રભાવમાં રહેવું અને એ પ્રભાવના ઓસરવાનો અનુભવ કરતા કરતા પણ એ શાશ્વત મૂલ્યો આત્મસાત્ કરી જીવનપથ પર આગળ વધનારા યુવાનની વૃદ્ધાવસ્થા સુધીની દડમજલની વાસ્તવિકતાનું નિરૂપણ કરે છે. બાળપણના એ સમયખંડમાં શાળામાં ગાંધીવિચારના પ્રભાવના કારણે પોતાનું સત્ય અને અનુભૂતિનું આકલન નટવરભાઈએ પૂરી ઈમાનદારીથી કર્યું છે. મને તો આ કથા વાંચવામાં એટલે જ રસ પડ્યો છે. એમણે ક્યાં ય પણ આભાસી ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન કર્યો નથી.

ભારતીય પરંપરામાં પરિવાર પ્રેમની દુહાઈ ખૂબ કરવામાં આવે. વતનવછોયાં અને વતનઝૂરાપાની બોલબાલા પણ ભારે. નટવરભાઈ તટસ્થ રહી પોતાની વાસ્તવિકતા વર્ણવે છે. એમને અમેરિકામાં થયેલા સારાનરસા બન્ને અનુભવોનું વર્ણન કરે છે તો દેશમાં હતા ત્યારની ખાટીમીઠી યાદો છે તે પણ વાગોળે છે. એમને માતાપિતા માટે એવો ધ્યાનાકર્ષક અહોભાવ નથી પરંતુ એમની વાસ્તવિકતા સમજ્યા પછી એમનું ગુણદર્શન કરી શકે છે. સંયુક્ત પરિવારની તેઓ દુહાઈ કરતા જ નથી છતાં જે ફરજ બજાવવાની છે તે એમણે યથા શક્તિ બજાવી છે તેનો અછડતો જ ખ્યાલ આપવા છતાં વાચક તરીકે સમજી શકાય છે કે જીવનસંગિની નલિનીબહેનના કારણે તેઓ એમાં સફળ થયા છે.

બાકી પોતાની કારકિર્દી બનાવવા પાછળ તનમન ને સમયથી પ્રતિબદ્ધ વ્યક્તિ એમાં તો સિદ્ધિ મેળવે જ છે તે આલેખ અહીં પૂરો મળે છે. અમેરિકાનું એમનું વાસ્તવ દર્શન, રંગભેદ, ભારતીય પરંપરામાં જાતિભેદ, ત્યાં મળતી તક, ત્યાં સફળનિષ્ફળ થતા ભારતીયો કે અન્ય વિદેશીઓ વિશે વિશ્લેષણ એવાં અનેક પાસાં પર એમણે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રકાશ પાડ્યો છે. જો કે એમણે પોતાની કારકિર્દીલક્ષી વાતો વિગતે દર્શાવી છે. શિક્ષણ કેન્દ્રિત મહેનત, કાર્યસ્થળના વહીવટી પડકારો, પોતાની મક્કમતા અને વખત આવે સંબંધિત વર્ગને કડવી દવા પાવાનો ઉદ્યમ જેવી વાતો એમણે લાંબી લેખણે કરી છે. અમેરિકાની પ્રજાલક્ષી સેવાઓ, વહીવટી ખૂબી ખામીઓ સાથે મળતો સહકાર, મુશ્કેલીની વાતો પણ કરી છે. તે રીતે મુંબઈના અનુભવોની વિશદ છણાવટ સાથે પોતે કેમ અમેરિકા જવા ઉત્સુક હતા તેનું વર્ણન પણ પારદર્શકતાથી કર્યું છે. પોતાની મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિ છતાં ‘હજી કંઈક બાકી રહે છે’ની અતૃપ્ત ઝંખના અને અજંપો તેઓ છુપાવતા નથી. પોતાની સાહિત્ય પ્રીતિ, પ્રવૃત્તિઓની વાત પણ કરી છે. જ્યાં રહો તેના થઈને રહો પછી દેશ હોય કે પરદેશ આ મુદ્દો એમણે સુપેરે સ્પષ્ટ કર્યો છે. દેશમાં એમનો સીધો પરિચય દર્શક, ઉમાશંકર જોષી અને સુરેશ દલાલ જેવા સાહિત્યકારો – કવિઓ સાથે છે. એમને વિશે એમણે લખ્યું છે. પન્નાબહેન નાયક સાથેની સાહિત્યિક પ્રવૃત્તિઓ અને સંબંધોની વાતો પણ કરી છે.

આ પ્રકારની વ્યક્તિઓ વિશે હું સારી રીતે કલ્પના કરી શકું છું અથવા સ્પષ્ટ કહી શકું કે મારી આસપાસ તો મેં મોટાભાગે આ પ્રકારની હસ્તિઓ જ જોઈ છે. પોતાનો કોશેટો તોડે જ નહીં, આમ સૌના અને પછી કોઈના નહીં, એમની દિશાથી બીજે ન હટે, અર્જુનની જેમ જ એક લક્ષ્ય. જનહિત સામે કુટુંબ કે પોતાની જાતની ઐસીતૈસી. નામકમાણીની સાથે આર્થિક રીતે સંપન્ન થયા પછી પણ સતત કર્મણ્યતા એ એમનો સ્વભાવ છે એટલે એમને ખાલીપો ન લાગે. આ સમગ્ર આત્મકથામાં નલિનીબહેન હાંસિયામાં રહી ગયાં છે. હાંસિયામાં રહી જવું એ સ્ત્રીઓની ખાસ કરીને પત્નીની નિયતિ હોઈ છે પછી એ કસ્તૂરબા હોઈ કે નલિનીબહેન. નટવરભાઈની જીવનયાત્રાના છેલ્લા પડાવે એમને પન્ના નાયકનો સહવાસ મળે છે અને એ સાહચર્ય માટે તેઓ ભારતીય સમાજની દ્રષ્ટિએ ક્રાન્તિકારી નિર્ણય લે છે તે પગલું મારા જેવાને ગમે એમાં નવાઈ નથી. અલબત્ત, એમાં પન્નાબહેનની હિંમતને સલામ કરીશ કારણ કે આ અવસ્થામાં કોઈ બાળકને સાચવવાની જવાબદારી લેવા જેવી જ વાત મને તો લાગી. જો કે અહીં કોણ કોને સાચવે છે તે ખબર નથી પરંતુ નટવરભાઈએ પારિવારિક જીવનના આ પાસાંનું દર્શન કરાવવું રહ્યું.

નટવરભાઈ જે સમયખંડમાંથી પસાર થયા તેમાં સ્ત્રી વિષયક અમુક ટીપ્પણી સહજ છે છતાં હું એવી બાબતો પ્રત્યે સજાગ છું એટલે એમણે બોડી બામણીનું ખેતર (પાનું;૧૦) કે પોતાની મૂલ્ય નિસબત દર્શાવવા કરેલી સરખામણીમાં વેશ્યાગીરી જેવો શબ્દપ્રયોગ કઠે છે. (પાનું:૩૦૧) પુરુષો દરેક સમયે પુરુષ જ રહે છે તેનો ચિતાર પણ એમની લેખિનીમાં મળે છે. ખાસ કરીને સ્ત્રીઓ પર થતી ગંદી કમેન્ટનો ઉલ્લેખ એમના ગામ વિશેના વર્ણનમાં છે (પાનું:૩૯). જો કે તેઓ સ્ત્રીઓની મૈત્રીમાં ઝાઝો રસ ધરાવતા હોય તેવું એમના લખાણમાં દેખાતું નથી કારણ સ્પષ્ટ છે એમનું લક્ષ્ય જ કારકિર્દી બનાવવાનું છે. એટલા વ્યસ્ત કે વિચારવાનો સમય જ ન મળે પછી તે બાબત કુટુંબ સાથે રહેવાની હોય કે અન્ય. એમણે પોતાના સંતાનોને રતન તરીકે ઓળખાવવાથી વિશેષ લખ્યું નથી એટલે એ પાસું પણ અજાણ્યું રહી જાઈ છે. એક રીતે જોઈએ તો એ આ પ્રકારની સરેરાશ ભારતીય સફળ વ્યક્તિઓની માનસિકતા અને લાક્ષણિકતા છે.

મહેશભાઈ દલાલે ભેટ આપ્યું એટલે આ પુસ્તક વાંચવા મળ્યું. પન્નાબહેનના સ્ત્રી કેન્દ્રિત કાવ્યો મને ગમે છે. નટવરભાઈનાં કાવ્યસર્જનથી હું પરિચિત નથી. જો કે એમણે પોતાની સાહિત્યયાત્રા વિશે અને ખાસ કરીને છંદોબદ્ધ કૃતિઓની સર્જન પ્રક્રિયાની વાત કરી છે એ પ્રભાવિત તો કરે છે. આ આત્મકથા વાચક તરીકે ૧૯૪૫-૨૦૧૬(એમનો જન્મ તો ૧૯૪૦માં)નો સમયખંડ જીવિત કરી આપે છે, ખાસ કરીને ગામ, મુંબઈ અને અમેરિકાના ફલક પર. થોડી મર્યાદાઓ છે પરંતુ નટવરભાઈની અભિવ્યક્તિ રસપ્રદ છે. મને તો વાચનક્ષમ લાગી.

પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા.લિ., ૧૯૯/૧,ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ:૪૦૦ ૦૦૨; ટેલિફોન : ૦૨૨ – ૨૨૦૦ ૨૬૯૧, ૦૨૨ – ૨૬૪૪ ૨૮૩૬; મૂલ્ય:₹ ૪૦૦/-; $15 એરમેલ સાથે.

૮/૧૨/૨૦૧૯

Loading

8 December 2019 admin
← ક્રાન્તદ્રષ્ટા ભાગ્ય વિધાતા
ચલ મન મુંબઈ નગરી — 21 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved