કેરાલાનો પલક્કડ જિલ્લો અત્યારે દેશ આખામાં ચર્ચામાં છે. તે એટલે કે એક હાથણીને કોઈકે પાઈનેપલ ખવડાવી દીધું. હવે પાઈનેપલ કોઈ ખવડાવે તેમાં આખો દેશ ચર્ચામાં શું કામ પડે? પણ પડ્યો. કારણ એટલું કે જેણે પણ પાઈનેપલ ખવડાવ્યું તેણે કરામત એ કરી કે પાઈનેપલમાં ફટાકડા ભર્યા. હવે હાથણીને શું ખબર કે તેણે પાઈનેપલમાં સંતાડેલા ફટાકડા ખાવાના છે? જેમ માણસમાં માણસ જ હોય એની ખાતરી નથી એમ જ પાઈનેપલમાં પાઈનેપલ જ હોય એની ખાતરી બિચારી હાથણીને નહીં ને એણે પાઈનેપલ ખાધું ને જે થવાનું હતું તે થયું. પાઈનેપલ ફૂટ્યું ને મોમાં જ ધડાકાભડાકા થયા. સમજી શકાય એવું છે કે મોઢું કાળઝાળ થઈ જાય. એને એટલી ઈજાઓ થઈ કે ખાવા-પીવાનું બંધ થઈ ગયું. આપણા મોમાં આવું થાય તો શું થાય એની કલ્પના જ કરવાની રહે છે. આપણે તો બોલી-બરાડી પણ શકીએ, જ્યારે આ તો પંદરેક વર્ષની હાથણી. એ શું બોલે? બહારના ભડકાથી તો ભાગી શકાય, આતો મોમાં જ ભડકો! ક્યાં ભાગવું? તો ય દોડી નદી તરફ ને મોમાં લાગેલી આગથી છૂટવા આખો દિવસ પલક્કડની વેલ્લીયાર નદીના પાણીમાં ઊભી રહી. આ સ્થિતિમાં તે કલાકો જીવી અથવા કહો કે મરી. બધાએ તેને બહાર લાવવાની બહુ કોશિશ કરી, પણ તે ન આવી. કદાચ બહાર આવીને બીજું કોઈ જોખમ ઉઠાવવા તે તૈયાર ન હોય એમ બને ને એમ છેવટે ૨૭ મે ને દિવસે તેણે જળસમાધિ લીધી. વધારે કરુણ વાત તો એ છે કે હાથણી મરી ત્યારે પ્રેગ્નન્ટ હતી.
દક્ષિણમાં હાથીનું વિશિષ્ટ સ્થાન છે. તે ઉમદા ને શાંત પ્રાણી છે, કોઈ કનડે નહીં તો તે કોઈને કનડતું નથી. ભારે ચીજ વસ્તુઓ ઉપાડવામાં તે માણસને બહુ ઉપયોગી છે, પણ માણસ ઘરમાં રહેવા છતાં જંગલી થઈ શકતો હોય છે. કોઈએ તેનું કંઈ બગડ્યું ન હોય તો પણ તે ઘણાનું ઘણું બગાડી શકતો હોય છે. હાથણીએ કોઈનું કંઈ બગાડ્યું ન હતું, છતાં હાથણીનો ને તેનાં ગર્ભનો ભોગ લેવાયો. આ કામ માણસનું છે. આમ કરનારને આવું કરવાથી શો લાભ હતો તે નથી સમજાતું. તેને કશું જ મળવાનું ન હતું, સિવાય કે પાશવી આનંદ! આ મજાક હોય તો પણ અક્ષમ્ય છે. કોઈ જ કારણ ન હોય તો પણ માણસ પોતાનું કે અન્યનું અહિત કરવામાં નાનમ નથી અનુભવતો. કારણ વગર જંગલો સાફ કરવાનું માણસ ચૂક્યો નથી ને તેમ કરીને તેણે પર્યાવરણીય સંતુલન ખોરવ્યું જ છે એ વિશે શંકા નથી. પ્રાણીઓને પોતાનો સ્વાર્થ સાધવા લોકો મારી નાખતા હોય છે. હાથીદાંત માટે હાથીને મારવાનું પણ ચાલે જ છે. બને કે આ હત્યા એને માટે પણ થઇ હોય.
હાથણીએ કોઈનું કંઈ બગાડ્યું હોવાનું બહાર આવ્યું નથી, પણ એટલું છે કે કોઈકની આપરાધિક વૃત્તિને કારણે બે જીવ ગયા છે. તંત્રોએ ગુનેગારને પકડવા લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. ત્રણેક જણા શંકાના ઘેરામાં છે ને એકાદ આજે જ પકડાયાની વાત પણ છે. બીજા પણ પકડાય તો નવાઈ નહીં. એ તો એની રીતે ચાલશે, પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ પર કેવી રીતે રમી શકે છે તે પણ જોવા જેવું છે.
આ ભારત છે. તેને ખુલાસાઓ વગર ચાલતું નથી ને ખુલાસો ગળે ન ઊતરે તેવો હોય તો તે વધુ ને વધુ ખુલાસાઓ કરીને વાતને એટલી ગૂંચવે છે કે કોઈ છેડો જ ન જડે. આ મામલે બધા રાજકારણીઓ ટ્વીટ ટ્વીટ પણ રમી ચૂક્યા છે. એમાં કેરાલાના મુખ્યમંત્રી પિનારાય વિજયનથી માંડીને જંગલ, હવામાનખાતાના યુનિયન મિનિસ્ટર પ્રકાશ જાવડેકર ને એમ.પી. મેનકા ગાંધી જેવા ઘણાંનો સમાવેશ થાય છે. આ બધાં જ રાબેતા મુજબનું-ગોખેલું બોલે છે. જેમ કે જવાબદારને છોડવામાં આવશે નહીં ને ન્યાય થઈને જ રહેશે … વગેરે. જાવડેકરે ખાસ ઉલ્લેખ પણ કર્યો કે ઘટના કેરાલાના મલ્લાપુરમમાં થઈ છે, તેમાં સૂર પુરાવતાં પૂર્વ કેન્દ્રીયમંત્રી મેનકા ગાંધીએ પણ ઉમેર્યું કે મલ્લાપુરમ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે નામચીન છે ને ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે કોઈ પગલાં લેવાતાં નથી એટલે આવું બધું બનતું રહે છે, તો એમ.પી. શશિ થરૂરે પણ ખુલાસો કર્યો કે એવી ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે કે આ ઘટના મુસ્લિમ મેજોરિટીવાળા મલ્લાપુરમ જિલ્લામાં ઘટી છે, પણ હકીકત એ છે કે તે પલક્કડમાં બની છે. કેરાલાના મુખ્યમંત્રી પણ કહેવા લાગ્યા છે કે કેરાલા અને મલ્લાપુરમને યુનિયન મિનિસ્ટર સહિતના લોકો ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યાં છે, તે યોગ્ય નથી ને સ્વીકાર્ય પણ નથી. આ અંગે સંબંધિતોનું ધ્યાન દોરવામાં આવ્યું છે, છતાં સુધારો આવ્યો નથી એ જ બતાવે છે કે આ બધું ઇરાદાપૂર્વક થઈ રહ્યું છે.
તો આ રમતો શરૂ થઈ ગઈ છે.
ઘટના ક્યાં બની એ મુદ્દો કેન્દ્રમાં આવી ગયો છે ને ઘટના શું બની એ વાત પડદા પાછળ ધકેલી દેવાઈ છે. રાજકીય અખાડાઓ ને મલ્લો સાથળ ઠોકી રહ્યા છે ને મતગણતરી ને મતવિભાજનના દાખલાઓ ગણતા હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ. આ ખેલ ચાલશે ને બીજી કોઈ ઘટના ઘટે નહીં ત્યાં સુધી ચાલ્યા જ કરશે. વાતને કેમ મચડવી ને બીજા પર કેમ ઢોળવી એ રાજકારણીઓનો ને એમના અધિકારીઓનો મૂળભૂત સ્વભાવ છે, ધંધો છે. મોટે ભાગે એમણે એ જ કરવાનું હોય છે, પણ મૂળ ને નક્કર વાત એ છે કે પોતાના કોઈ વાંક વગર એક ગર્ભવતી હાથણીએ માણસને પાપે જીવ ખોયો છે.
કેરાલાના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન સુરેન્દ્રકુમારે કહ્યું કે જંગલી પશુ તો ૨૫મીએ જંગલમાં પાછું ચાલી ગયેલું ને એમણે એ પણ કન્ફર્મ કર્યું કે હાથણી મરતાં પહેલાં આખો દિવસ નદીમાં ઊભી રહેલી. આને શું સમજવાનું? એમ જ ને કે ૨૫મીએ હાથણી જંગલ જવા નીકળી ને ૨૭મીએ ખાસ ડૂબવા માટે જ નદીએ પાછી આવી? સાહેબે એમ પણ કહ્યું કે કોઈએ ઈચ્છાથી પાઈનેપલ ખવડાવ્યું હોય એવું માન્યામાં આવતું નથી .કોઈ હાથી પાસે જવાની એકાએક હિંમત ના કરે. એ સાચું કે કોઈ ગાંડો જ હાથીને ગાંડો કરવાની કોશિશ કરે, પણ એ પણ નોંધવું જોઈએ કે માણસ કોઈ પણ જંગલી પ્રાણી કરતાં વધુ જંગલી થઈ શકે છે. એક વાત નક્કી છે કે પાઈનેપલ કોઈએ, કોઈ પણ રીતે હાથણી સુધી પહોંચાડ્યું છે. આ કંઈ હાથણીની આત્મહત્યા નથી. આ કોઈ નિર્દયી, શેતાની ભેજાની નિર્લજ્જ ચેષ્ટા છે. કોઈ પણ ગણતરીબાજ રાક્ષસનું એ ઈરાદાપૂર્વકનું ગુનાહિત કૃત્ય છે. એ કોઈ એકનું કે બીજા સાથે મળીને કરાયેલું પાપ છે ને કોઈને માટે એવું વિચારવાનું ન ગમે, પણ અહીં એવું તારસ્વરે કહેવાનું મન થાય કે ગુનેગાર કે ગુનેગારો પકડાય તો સજામાં ફટાકડા ભરેલું પાઈનેપલ તેમને ખવડાવવું જોઈએ ને ત્યાં સુધી ખવડાવવું જોઈએ કે બધા ફટાકડા ફૂટી ન જાય.
એમાં ધારો કે કોઈ સાહેબને ગળે વાત ન ઊતરે કે કોઈ આવું પણ કરી શકે તો એ એમનો પ્રોબ્લેમ છે. એ સાહેબને ગળે કદાચ એવું ઊતરી શકે કે એ તો હાથણીને જ એવું મન થયું કે લાવ જરા પાઈનેપલમાં ફટાકડા ભરીને ખાઉં ને એણે ખાધા ને એમ એણે જીવનનો અંત આણ્યો. નોનસેન્સ!
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જૂન 2020
૦
e.mail : ravindra21111946@gmail.com