[દલિત વિષયના વિશ્વવિખ્યાત યુવા અભ્યાસી સૂરજ યેન્ગડે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં Dalitality નામની પખવાડિક કૉલમનું સંકલન કરે છે. પ્રસ્તુત લેખ એમનો પોતાનો છે.]
 ભારતીય જનતા પક્ષ એક એવા બળદ જેવો છે ખુદને ખેતરનો માલિક ગણતો હોય. આ પક્ષ એ વાતથી લગભગ અજાણ છે કે જેના હાથમાં રાશ છે તે માલિક બળદને તાબામાં રાખે છે.
ભારતીય જનતા પક્ષ એક એવા બળદ જેવો છે ખુદને ખેતરનો માલિક ગણતો હોય. આ પક્ષ એ વાતથી લગભગ અજાણ છે કે જેના હાથમાં રાશ છે તે માલિક બળદને તાબામાં રાખે છે.
ભારતીય રાજકારણમાં લોકો માલિક છે – એવા લોકો કે જે બંધારણીય મૂલ્યો અને હકપરસ્ત લોકતંત્રની માવજત કરતા હોય. આ લોકો એવા લોકતંત્રમાં માને છે કે જેમાં ટીકા અને બિરાદરી આ સમવાયતંત્રી દેશના અસ્તિત્વનું અંગ હોય.
સરકાર કદાચ એમ માને છે કે લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે, એટલે જનતા ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિજ્ઞેશ મેવાણીને ભૂલી જશે. લોકો જિજ્ઞેશની જેમ ગેરકાયદે કેદમાં ધકેલવામાં આવેલા બીજાઓને પણ ભૂલી જશે અને કોઈ નવી સમસ્યા તરફ વળી જશે. જો કે સરકાર ભૂલી જાય છે કે તેના આવાં કામ લોકોના માનસમાં અંકાયેલા રહે છે, અને તેનાથી જનતાને દમન સામે લડવાનું બળ મળે છે.
ભા.જ.પ.શસિત રાજ્ય આસામની પોલીસે જિજ્ઞેશની કરેલી ધરપકડ ભા.જ.પ. દ્વારા દમન પર, અને એક દલિત માટેના તેના ડર પર પ્રકાશ ફેંકે છે. જિજ્ઞેશ એવી સામાન્ય જનતાની હાલતનું પ્રતિનિધિત્વ કરે છે કે જે જનતા માટે તેઓ અધિકારો માટે લડનાર હિરો હોય.
જિજ્ઞેશ અપક્ષ ધારાસભ્ય છે, પણ તેની પહોંચ આખા દેશમાં છે. અત્યારે હું ન્યુ યૉર્કથી આ કૉલમ લખી રહ્યો છું ત્યારે ડાયાસ્પોરા એટલે કે વિદેશસ્થિત ભારતીયો તેમ જ આંતરરાષ્ટ્રીય જૂથોમાં જિજ્ઞેશ માટેની ઝુંબેશની હલચલ ચાલુ થઈ ચૂકી છે.
જિજ્ઞેશને વધારે સારી રીતે ઓળખવા માટે તેના ભૂતકાળની કેટલીક વાતો જાણવાનું સારું રહેશે.
જિજ્ઞેશ નીચલા મધ્યમ વર્ગમાં કારકૂની કરતાં મા-બાપના કુટુંબનો છે. દબાયેલા લોકો બ્રાહ્મણવાદના ખોળે બેસી જાય તે માટેની ફળદ્રૂપ ભૂમિ સમા વિસ્તારમાં મોટો થયેલો જિજ્ઞેશ મુસ્લિમો સામે ત્રિશૂળ ઉગામતો દલિત સહજ રીતે બની શક્યો હોત. પણ એમ ન બન્યું, કેમ કે તે સમાજમાં ચલાવવામાં આવતા ભેદભાવને તરત જ પામી જનાર દલિત પરંપરાનું સંતાન છે.
જિજ્ઞેશ લોકશાહી વિરોધના ક્ષેત્રે તાલીમ પામ્યો છે. એ પાવરધો પત્રકાર હતો. આગળ વધીને તેણે ઇટાલીના માર્ક્સવાદી ચિંતક ગ્રામસીએ નિર્દેશેલી એવી પ્રણિત બૌદ્ધિક સમજ વિકસાવી જેના થકી વ્યક્તિ ઉપેક્ષિતો, દલિતો, ઉજળિયાત અને કચડાયેલાની સીમરેખાઓ પર સહજ વિહાર કરી શકે. જિજ્ઞેશે વિચારપૂર્ણ નિબંધો લખ્યા છે અને ઉજળા ભવિષ્ય માટેની વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પણ સમય આપ્યો છે. જિજ્ઞેશ ગુજરાતી ભાષા, કવિતા, ગઝલ, સંસ્કૃતિ અને તેના ગૌરવનો ચાહક છે.
આધુનિક ગુજરાત એટલે પબ્લિક રિલેશન અથવા લોક સંપર્ક દ્વારા ઊભાં કરવામાં આવેલ વાઇબ્રન્ટ ગુજરાત નહીં. આધુનિક ગુજરાત એટલે બાંધછોડ ન કરનાર દલિત દીપડાઓની ચળવળ, આદિવાસીઓએ પોતાની અભિવ્યકિત દ્વારા મેળવેલ સ્થાન, ભારત-પાકિસ્તાનની સરહદે કોમી રમખાણો ન થાય તેની તકેદારી રાખનાર શ્રમિક સંગઠનો. પણ બીજી બાજુ આ રાજ્ય ખૂબ પીડાદાયક હિંદુ-મુસ્લિમ ભાગલા, આભડછેટ અને જમીન અધિકારથી વંચિત આદિવાસીઓના નોંધારાપણાનું પણ સાક્ષી બનતું રહ્યું છે.
એકંદરે માયૂસ અને નિરાશાજનક ભારતમાં મેવાણી લોકશાહી માટે ગૌરવ લેવાનો અવસર પૂરો પાડે છે.
એની ધરપકડમાં ય એ વાતનો આનંદ હોઈ શકે કે આખા રાજ્યના તંત્રને તેનાથી અઢી હજાર કિલોમીટર દૂર રહેતા એક ધારાસભ્ય ખાતર બેવડ વળવું પડ્યું. સીધી વાત છે કે આમાં શાસકોની અગ્રતા અને તેમનો ડર દેખાય છે.
અત્યાર સુધીમાં એ સાફ થઈ ગયું છે કે ભા.જ.પ.ને મેવાણીનો ડર છે. મેવાણી અને એના સાથીઓને એની મજા આવે છે. દેશ વ્યાકુળતાથી જેની રાહ જોતો હોય એવા એક નિર્વિવાદ નેતા તરીકેનું એનું સ્થાન વધુ પાકું બન્યું છે.
મેવાણીના મેન્ટૉર્સ એટલે કે માર્ગદર્શકોમાં એવા લોકો છે કે જેમણે ગુજરાતમાં કામદારોનાં સંગઠન બનાવ્યાં છે. આ દેશમાં નાતજાતની હિંસાના જમીન સાથેના સંબંધને સમજીને કર્મશીલતામાંથી રાજકારણમાં જનારા આગેવાનોનું એક નોખું કુળ છે અને જિજ્ઞેશ તે કુળના છે.
જિજ્ઞેશ એમની લડતને દલિતોના જમીન અધિકાર માટે દેશવ્યાપી આંદોલન ચલાવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર અને દાદાસાહેબ ગાયકવાડના સંઘર્ષ સાથે જોડે છે. આ બંને આગેવાનોએ જે કર્યું તે જિજ્ઞેશે તેના રાજ્યમાં કર્યું. તેણે ગુજરાત જમીન ટોચ મર્યાદાના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને પાંચ એકર જમીન દલિતોને નહીં આપનાર રાજ્ય સરકારને પડકારી.
જિજ્ઞેશની ધરપકડમાં સરકારની ગણતરી ખોટી પડી. તેણે ભા.જ.પ.-વિરોધી જૂથમાં જિજ્ઞેશને આગળ પડતો ગણવામાં ભૂલ કરી. આ ધરપકડે જિજ્ઞેશની રાજકીય કારકિર્દીના આલેખને વધુ પ્રભાવશાળી બનાવવામાં મદદ કરી છે.
રાજકીય કેદી બનવું તે કૉન્ગ્રેસ જેવા પક્ષમાં ચડતી માટેનું પગથિયું છે. જિજ્ઞેશ પાર્ટીમાં વધુ ઊંચાઈએ પહોંચશે અને દેશમાં બહુમતી અને લઘુમતી, ધર્મ અને કોમના નામે ભાગલા પડાવનારની સામે હલ્લો બોલશે.
ચૂંટણીઓ નજીક છે ત્યારે જિજ્ઞેશ વિરોધ પક્ષનો ચહેરો બને એવું પણ થાય. શેરીમાં ઊતરીને સરકારની સામે લડવું એ જિજ્ઞેશ માટે નવું નથી. જિજ્ઞેશે દલિતો માટે સાચી નિસબત ધરાવનાર નેતા તરીકે રાહુલ ગાંધીમાં વિશ્વાસ મૂક્યો છે.
જિજ્ઞેશે ભા.જ.પ. અને કૉન્ગ્રેસ એમ બંનેના હુમલાની સામે ટકી રહેવાનું થશે. જો એમાં એ સફળ થાય તો ભારતને એક એવો નેતા મળશે કે જેની સાથે ઘણાં વર્ષો કામ કરી શકાય.
(સૌજન્ય , ધ ઇન્ડિયન એક્સપ્રેસ 1 મે 2022)
02 મે 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર
 

