કોઈ પદ કે ઈનામ મેળવવાની આકાંક્ષા હોવાને કારણે ચૂપ રહેવું કે ચાપલૂસી કરવી એમાં સર્જકધર્મ છે? એવા સાહિત્યકારોનું સર્જનમૂલ્ય કેટલું? સાહિત્ય માત્ર અર્થમૂલ્ય, રંજનમૂલ્યમાં જ બધી પ્રાપ્તિ અનુભવવાની છે?
સત્તા, તે ગમે તે સમયની હોય કે ગમે તે સ્વરૂપની, ગમે તે પ્રદેશની, દેશની હોય, પણ તેને એક અભિશાપ લાગેલો જ છે, એ સદાય શબ્દથી ડરતી, થરથરતી રહી છે. સત્તા શબ્દની તાકાતને સમજે છે. એટલે તો એ એનાથી ડરે છે. પછી તે શબ્દ કવિતામાં વપરાય કે વાર્તામાં; નિબંધમાં વપરાય કે પત્રકારત્વમાં. સત્તા સામે ઝૂકી જનારા સાહિત્યકારો માત્ર વેપારીઓ જ ગણાય. કોઈ પદ કે ઈનામ મેળવવાની આકાંક્ષા હોવાને કારણે ચૂપ રહેવું કે ચાપલૂસી કરવી એમાં સર્જકધર્મ છે ખરો? એવા સાહિત્યકારોના સાહિત્યનું સર્જનમૂલ્ય કેટલું? સાહિત્ય શું માત્ર અર્થમૂલ્ય, રંજનમૂલ્યમાં જ બધી પ્રાપ્તિ અનુભવવાની છે? માત્ર સૌન્દર્ય, માત્ર કલા, માત્ર સુષ્ઠુ સુષ્ઠુ જ સર્જન કરવાનું છે?
મોરારિદાસને ત્યાં આવકવેરાની રેઈડ થયા પછી એમની વિરુદ્ધ પત્રકારોએ લખ્યું. એથી મોરારિદાસે લેખકો, કવિઓ, છાપામાં લખતા હોય તેવા સર્જકોને પોતાને ત્યાં બોલાવી, આગતા સ્વાગતા કરી સર્જકોને ખરીદવા માગતા હોય એવી સ્થિતિ ઊભી કરી છે. મોરારિદાસ એવા સર્જકોને જ બોલાવે છે જેની પર સહેલાઈથી પ્રભાવ પાડી શકાય. એમણે ક્યારે ય રમણ પાઠકને બોલાવ્યા નથી, અહોભાવ સાહિત્યને બોદું કરે છે. કાં વ્યક્ત થવા દે, કાં તોડીફોડી નાખું – એમ કહેનારા સર્જકો મોરારિદાસના અસ્મિતા પર્વમાં જઈ ધન્ય બન્યાનું કહે ત્યારે ચક્કર આવી જાય છે. કમિટેડ ભક્તોની હાજરીમાં જ થતા સાહિત્યના આવા પરિસંવાદ કે કાવ્યસંમેલનથી સાહિત્યની કઈ સેવા થાય છે?
સાહિત્ય કદી પણ રાજ્ય, સમાજ, ધર્મ, સંઘ સાથે એકરૂપ નથી થઈ શકતું. તે આ બધી જ સંસ્થાઓને ઓળંગી જાય છે. એટલે તેની ઉત્તમત્તા માટે આવી સંસ્થાઓના આશ્રયની જરૂર નથી હોતી. આશ્રય સર્જકની અભિવ્યક્તિમાં અવરોધ ઊભા કરે છે. સાહિત્ય અકાદમીઓ એ પણ એક પ્રકારનો રાજયાશ્રય જ છે. પેન, તલવાર, સત્તા, અકાદમી ‘અસ્મિતા પર્વ’ કરતાં બળૂકી છે.
સશક્ત સાહિત્યકાર ક્યા રેય ભયભીત ન હોય, પણ એને ડર તો હોય છે, સત્તાનો નહીં, સીતમનો નહીં, અસ્તિત્વનો પણ નહીં, પણ પોતે જે કહેવા માગે છે તેને રુંધવાની શાસન પાસે અમર્યાદ સત્તાઓ અને સાધનો, યુક્તિઓ અને ઉપાયો હોય છે, એનો હોય છે. એના શબ્દ પર લોખંડી આવરણ ઢળી જ જાય છે. જે લોકો સુધી એનો અવાજ પહોંચવો જોઈએ ત્યાં સુધી એ ન પહોંચે, એનો જ ભય હોય છે; પણ કાળાંતરે એ લોખંડી આવરણ પણ પીગળી જતું હોય છે. સર્જકના વિલય પછી પણ શબ્દ તો ધબકતો હોય છે, વધુ બળુકો બનીને જીવતો હોય છે.
રમેશ સવાણી સમ્પાદિત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તિકા (સમ્પાદક–પ્રકાશક : 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર.
નવી દૃષ્ટિ, નવા વિચાર, નવું ચિન્તન ગમે છે? તેના પરિચયમાં રહેવા નિયમિત રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવિન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 24/12/2021