Opinion Magazine
Number of visits: 9504409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દુનિયા રંગ રંગીલી – અમેરિકા

હરનિશ જાની|Opinion - Opinion|8 June 2018

સાલ હતી ૧૯૪૭, ત્યારે હું બીજા ધોરણમાં હતો. રાજપીપળાની પ્રયોગશાળામાં બીજા ધોરણમાં હતો. મારા તે વરસમાંથી મને કશું જ યાદ નથી. સાત વરસની તો મારી ઉંમર હતી! પરંતુ એક પ્રસંગ હજુ યાદ છે. સ્કૂલનો પહેલો દિવસ હતો. અમે બધા ક્લાસની બહાર ઊભા હતા. અને ત્યાં બાબુ આવ્યો. બધાં જાણતા હતા કે બાબુ તે જમાનામાં અસ્પૃશ્ય ગણાતા એક હરિજન–દલિતનો દીકરો હતો. સરસ ધોયેલાં કપડાં પહેર્યાં હતાં. તેનું માથું તેલ નાખીને સેંથા વિનાનું ઊભું ઓળેલું હતું. એક સામન્તસિંહ નામના રજપૂતના છોકરાએ એને ધક્કો મારી દૂર કર્યો અને બોલ્યો, ‘આને કાઢો.’

બાબુ મને ઓળખતો હતો. કારણ કે અમારા ઘરને અડીને જતો રસ્તો, દલિતવાસમાં જતો. ત્યાં હું બાબુને એના ભાઈ જોડે જતાં–આવતાં જોતો હતો. ક્લાસ ચાલુ થયો. શિક્ષક આવ્યા. બાબુને બહાર ઊભેલો જોઈ શિક્ષકે એને બેસી જવા કહ્યું. બાબુ કહે, ‘મને કોઈ બેસવા દેતું નથી. અને મારવાનું કહે છે.’ શિક્ષકે તેને કહ્યું, ‘પહેલાં એક કામ કરીએ. તું એકેએક છોકરાને જઈને ખભે અડક.’ બાબુ શરૂઆતમાં તો ગુંચવાયો. પછી બાબુએ વારાફરતી એકેએક જણને સ્પર્શ કર્યો. પછી સાહેબે કહ્યું, ‘હવે તારે જ્યાં બેસવું હોય ત્યાં બેસ.’ બાબુએ મારી સામું જોયું અને થોડા ગભરાટ સાથે મારી પાસે બેઠો. તો ય હું તેને ન અડક્યો. બાબુએ પણ મને અડકવાની ચેષ્ટા ન કરી. ઘેર જતાં જ મેં ઘરની બહારથી બૂમ પાડીને બધાંને જાહેર કર્યું કે, ‘મને હરિજન અડક્યો છે.’ મારાં દાદીમાએ અંદરથી ઠંડા પાણીની ડોલ લાવી મારા પર રેડી દીધી. સાથેસાથે ગાંધીજીને બેત્રણ ચોપડાવી દીધી.

મારા બાપુજીએ મને સમજાવ્યો કે, ‘તેં બાબુ માટે ‘હરિજન’ શબ્દ વાપર્યો તે આમ તો બરાબર છે; પણ હવે તેમને માટે ‘દલિત’ શબ્દ જ વાપરવો.’ અને ઠંડા પાણીથી બીને મેં બીજે દિવસે ‘દલીત’ને અડ્યાની વાત જ ન કરી. પછી તો આઝાદીનો પવન ફુંકાયો હતો. સ્કૂલ તરફથી હરિજનવાસમાં સાફસફાઈ કરવા પણ અમે જતા. બાબુ તો ખૂબ હોશિયાર નીકળ્યો ! તે હસમુખો હતો. ગણિતમાં પણ એક્કો હતો. તેને મેં હાઈ સ્કૂલમાં પણ જોયાનું યાદ છે.

આ બાબુ મને એકાએક ૧૯૭૦માં અમેરિકામાં વેસ્ટ ન્યુયોર્કમાં યાદ આવ્યો. કેમ? જ્યારે હું એપાર્ટમેન્ટ શોધવા નીકળ્યો ત્યારે, એપાર્ટમેન્ટ ખાલી હોય; પણ મને જુએ એટલે લેન્ડલોર્ડ કહે : ‘એપાર્ટમેન્ટ ખાલી નથી.’ પછી મારી કંપનીના બોસે મને સમજાવ્યું કે એ લોકો ફક્ત વ્હાઈટને જ ઘર આપશે. મને બાબુની વ્યથા આંખ સામે આવી. મારા જેવો ભારતનો ઔદિચ્ય બ્રાહ્મણ, અત્યારે બ્રાઉન છે એટલે નીચો – જાણે ‘અસ્પૃશ્ય’ ગણાય છે ! આયર્લેંડમાં તો આઇરિશ અને ઈંગ્લિશ એક જ કલરના છે. એમના ભગવાન જીસસ પણ એક છે; છતાં ધર્મના નામે એક બીજાને મારું–મરું પર છે. ઈરાક, ઈરાન અને પાકિસ્તાનમાં શિયા–સુન્ની એક મેકને ધિક્કારે છે. બન્ને પોતપોતાની જાતને ઊંચી ગણે છે. આખી માનવજાત આ રંગોથી રંગાયેલી છે. કોઈ ધર્મથી; તો કોઈ નાતજાતથી. કોઈ સામાજિક વ્યવસ્થાથી; તો કોઈ રંગદ્વેષથી. દેશેદેશમાં કોઈકને કોઈકથી તકલીફ હોય છે અને તેથી માનવજાતમાં એકમેક માટે ધિક્કાર ઘૂસી ગયો છે.

થોડા વખત ઉપર અલાબામા સ્ટેટમાં એક વૃદ્ધ ગુજરાતીને પોલીસે માર મારીને ફૂટપાથ પર પાડી નાખ્યા અને ઉપરથી વધુ માર પણ માર્યો. જે દૃશ્ય સૌએ ટીવી પર વારંવાર જોયું છે. હું એ વાત નથી કરવા માંગતો; પણ એ પ્રસંગ પર કૉમેન્ટ કરવા માંગું છું. અમેરિકામાં પોલીસો પર હમ્મેશાં આક્ષેપો થતા રહે છે કે તેઓ, ‘માઈનોરિટી’ તરફ કોઈ પણ જાતની સહાનુભૂતિ નથી રાખતા અને ગુનો સાબિત થાય તે પહેલાં મારપીટ ચાલુ કરી દે છે. આ વાતમાં તથ્ય છે. એ વાત વારંવાર પૂરવાર થતી રહી છે. કાળા આફ્રિકન સિટીઝનોએ તો પોલીસની આ નીતિ સામે રીતસરની ચળવળ ચાલુ કરી છે.

અમેરિકામાં ગોરા અમેરિકનો મેજોરિટીમાં ગણાય છે, અને બાકીના આફ્રિકન–અમેરિકન(કાળા), સ્પેનિશભાષી લાટિનો, અને દુનિયાની બીજી બધી ઇમિગ્રન્ટ્સ પ્રજા જેમાં આરબો, ઓરીએન્ટલ્સ, બીજા એશિયનો બધાં માયનોરિટીમાં આવી જાય. સૌને હમ્મેશાં લાગ્યું છે કે પોલીસો રંગદ્વેષી હોય છે. જરા બીજી રીતે જોઈએ તો અમેરિકાની જેલોમાં એંસી ટકા લોકો માઈનોરિટીના હોય છે. મારી દૃષ્ટિએ આ દેશનો મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો તે ગન (બંદુક) છે. મોટા ભાગના ક્રિમિનલ ગન રાખે છે અને તેમને ખબર છે કે પોલીસ પાસે પણ ગન છે. એટલે ‘પહેલો ઘા રાણાનો.’ પોલીસ જ્યારે કોઈની પણ કાર રોકે તો પોતાની કાર પેલી કારની પાછળ ઊભી રાખે છે. પછી ચાલીને ઊભેલી કારના ડ્રાયઈર પાસે જાય છે અને એનું લાયસન્સ વગેરે ચેક કરે છે. હવે જ્યારે તે પેલી કારના ડ્રાઈવર પાસે જાય, ત્યારે તેને ખબર નથી હોતી કે કારનો ડ્રાઈવર કોણ છે? એવું કેટલી ય વાર બન્યું છે અને બને છે કે અંદરનો ડ્રાઈવર ગન લઈને બેઠો હોય છે. એવી ગન કે તે એક વખતે ટ્રીગર દબાવે તો ૯ ગોળીઓ છૂટે. આ રીતે કેટલા ય પોલીસો મર્યા કરે છે. તેથી આ માટે તેઓ તૈયાર રહેતા હોય છે. એટલે કારનો ડ્રાઈવર જે હોય તે, એક છોકરી કે કોઈ પોલિટિશિયન કે ગમે તે; પોલીસ તે કાર પાસે જતાં પોતાની ગન કોઈપણ ક્ષણે ખેંચવા તૈયાર રહે છે.

મેં મારા દીકરાને ડ્રાઇવિંગ શીખવાડ્યું ત્યારે સૌથી પહેલી વાત શીખવાડી હતી કે જ્યારે પોલીસ તારી કાર પાસે આવે, ત્યારે તે તારા બન્ને હાથ જોઈ શકે તેમ, તેને ડેશ–બોર્ડ પર રાખવા. ગજવામાં હાથ કદી નહીં મૂકવા. ગજવામાં રખાયેલા હાથને કારણે પોલીસોએ કેટલાયના પર પહેલાં ગોળીઓ છોડી છે. પોલીસ સાથે વિવેકથી ગભરાયા વિના ‘ઓફિસર, સર’ના સમ્બોધનથી વાત કરો તો પોલીસ તમને શંકાની દૃષ્ટિએ ન જુએ.

ચોથી ચોપડી પાસ મારાં બા જ્યારે અમેરિકા આવ્યાં હતાં, ત્યારે મેં તેમને પ્લેનની જર્ની સરસ બને એટલે અમુક ઈંગ્લિશ શબ્દો ગોખાવડાવ્યા હતા. બીજું કાંઈ નહીં તો અમે ડ્રાઈવ પર જઈએ તો રસ્તામાં ‘પીઝા’નું સાઈનબોર્ડ તો તે શોધી જ કાઢે.

ન્યુ યોર્ક શહેરમાં છેલ્લાં દસ વરસના એવરેજ એક વરસમાં લગભગ ૫૦૦ મર્ડર થયાં છે. અને લંડનમાં ૧૦૦થી ઓછાં થાય છે. આ આંકડાબાજીની વાત છોડીએ તો એટલું ચોક્કસ છે કે અમેરિકામાં વરસનાં હજારો મર્ડર થાય છે. મારા હિસાબે અમેરિકન પોલીસો પિસ્તોલ રાખે છે; જ્યારે લંડનના બોબી–પોલીસ સાથે ડંડો રાખે છે.

ભારતની વાત કરું. ૧૯૯૦માં ભારત સરકારને નવી ટેકનોલૉજીવાળા ફાયરપ્રૂફ ટેલિફોનના વાયરની જરૂર પડી. ટેલિફોન કંપનીઓએ તે માટે ટેન્ડર ભરવાના હતા. તે કંપનીઓને માટે તાતાની વૉલ્ટાઝ કંપનીએ મારી અમેરિકન કંપનીની મદદ માંગી. મારી કંપનીમાં તે વાયરની ટેક્નોલૉજી પર હું રિસર્ચ કરતો હતો અને તેનો ઈન–ચાર્જ પણ હું હતો. એટલે મારી કંપની ‘એક્ઝો’એ મને બે મહિના માટે ભારત જઈને વૉલ્ટાઝના કસ્ટમર્સને માર્ગદર્શન–મદદ કરવાનું ગોઠવ્યું. આ કસ્ટમર્સ આખા ભારતમાં બાર મોટાં શહેરોમાં હતા. મારે તેમના એન્જિનિયરોને લેકચર્સ આપીને ટેકનોલૉજી શીખવવાની હતી અને ઓપરેટરોને મશિનો પર વાયરો બનાવવાનું શીખવાડવાનું હતું.

હવે મઝા જુઓ ! વોલ્ટાઝમાંથી પત્ર આવ્યો : ‘અમારે ઇન્ડિયન એક્સપર્ટ ન જોઈએ. અમારે અમેરિકન એક્સપર્ટ જોઈએ.’ હવે આ કઈ જાતનો રંગભેદ? મારા જ દેશમાં હું ‘અસ્પૃશ્ય–અસ્વીકાર્ય?’ અમેરિકનો આપણામાં માને અને આપણને આપણામાં જ વિશ્વાસ નહીં ! મારી કંપનીના પ્રેસિડન્ટે વોલ્ટાઝવાળાઓને સમજાવવા પડ્યા કે, ‘હરનિશ અમેરિકન સિટીઝન છે અને અમારો ‘વાયર ગુરુ’ છે.’ ત્યારે તેઓ માન્યા. પછી મોટી રામાયણ એ થઈ કે વોલ્ટાઝે એમના કસ્ટમર્સને કહ્યું હતું કે અમે અમેરિકાથી એક્સપર્ટ બોલાવ્યો છે. તે તમને શીખવશે. હવે જેવો હું વૉલ્ટાઝના સેલ્સમેન સાથે તેમના કસ્ટમર્સને ત્યાં જઉં કે મને જોઈને પેલા લોકોને ચક્કર ચઢે!

હવે આ વખતે મને બાબુ યાદ આવતો. હું ફક્ત મારી સેન્સ ઓફ હ્યુમરને લીધે જ ટકી શક્યો. કિર્લોસ્કરના સતનાના ગેસ્ટ હાઉસમાં તો મને પેસવા દેવાની ના પાડી. કહે : ‘યે તો ફોરેનર કે લિયે હૈ.’ મારે પાસપોર્ટ બતાવવો પડ્યો હતો.

કહેવાની જરૂર નથી કે મારા અમેરિકન ડ્રેસની કોઈ વેલ્યુ નહોતી. લોકો મારી ચામડી જોતા હતા. હવે આ રંગભેદની કોને ફરિયાદ કરું?

••••••••

(અમેરિકાના આ વિખ્યાત હાસ્યકાર એમની ‘તીરછી નજર’ માટે પ્રસિદ્ધ છે. સને ૨૦૧૪થી તેઓ સુરતના દૈનીક ‘ગુજરાતમીમિત્ર’ની બુધવારીય વાચનપૂર્તિ ‘દર્પણ’માં અમેરિકાની ભાતીગળ દુનિયાનો પરિચય આપે છે. એમની કૉલમ ખાસ્સી લોકપ્રિય થઈ છે. તેમાં અત્યાર સુધી પ્રકાશિત થઈ ચૂકેલા લેખોમાંથી વીણીવીણીને, હાસ્યકાર રતિલાલ બોરીસાગરે એક પુસ્તક કર્યું અને ‘ગુર્જરે’ તે પ્રકાશિત કર્યું. તેમાંનો તા. ૨૫ માર્ચ, ૨૦૧૫ના દિવસે ‘ગુજરાતમિત્ર’માં છપાયેલો અને આ પુસ્તકમાં સંઘરાયેલો આ લેખ, અહીં સાદર ..)

હરનિશ જાની લિખિત અમેરિકાની હળવી શૈલીની અનુભવયાત્રા ‘તીરછી નજરે – અમેરિકા’ – (પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-380 001 Phone : 079-2214 4663 eMail : goorjar@yahoo.com પાન : 8+128; નકલ : 750; મૂલ્ય: રૂપિયા – 125)

સર્જક–સમ્પર્ક : 4-Pleasant Drive, Yardville, NJ – 08620, U.S.A. Email : harnishjani5@gmail.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ‘ચૌદમું’ – અંકઃ 402 –June 10, 2018

બરાબર 29-05-2005થી શરૂ થયેલી આ ‘સન્ડે ઈ.મહેફીલ’ નામક ‘સુ–વાચનયાત્રા’, આજે તેર વર્ષ પૂરાં કરી, ‘ચૌદમા’ વર્ષમાં પ્રવેશે છે.. અમે, સૌ સર્જકોના, સમ્પાદનના કાર્યમાં સદાયના સહાયક સ્વજનોના અને દેશવિદેશે પથરાયેલા સૌ ગુજરાતીના રસિયા વાચકોના ઋણી છીએ ..

Loading

8 June 2018 admin
← ગાંઠિયાનો મહિમા : અમારું કાઠિયાવાડ
ભાષાને બરાબર વળગી રહીને સહજ બોલનારાં-સાંભળનારાંની આગલી પેઢી અસ્ત પામી છે →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved