
રાજ ગોસ્વામી
દેવ આનંદ અને વહીદા રહેમાનની 1960ની ક્લાસિક ફિલ્મ ‘કાલા બજાર’થી લઈને શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની 2013ની ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ સુધી, બોલિવૂડ ફિલ્મોની વાર્તાને આગળ વધારવામાં ટ્રેનોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કિશોર કુમારે ગાયેલું શક્તિ સામંતાની 1969ની ફિલ્મ ‘આરાધના’નું સુપરહિટ ગીત ‘મેરે સપનો કી રાની કબ આયેગી તું’ 70ના દાયકાની પેઢી માટે રોમેન્ટિક-આદર્શ ગીત બની ગયું હતું. મણિરત્નમ્ની ફિલ્મ ‘દિલ સે’ 1998માં રિલીઝ થઈ ત્યારે શાહરૂખ ખાન અને મલાઈકા અરોરા ખાને ચાલતી ટ્રેન પર નૃત્ય કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.
શાહરૂખ ખાનથી પહેલાં, ઋષિ કપૂરને નાસિર હુસૈનની 1981ની ફિલ્મ ‘જમાને કો દિખાના હૈ “માં પદ્મિની કોલ્હાપુરેને આકર્ષવા માટે ચાલતી ટ્રેનની ટોચ પર ‘હોગા તુમસે પ્યાર કૌન’ ગાયું હતું.
શક્તિ સામંતાની 1974ની ફિલ્મ ‘અજનબી’માં ચાર મિનિટ લાંબુ ‘હમ દોનો દો પ્રેમી’ ગીત સંપૂર્ણ રીતે ટ્રેન પર ફિલ્માવવામાં આવેલું પ્રથમ હિન્દી ફિલ્મનું ગીત છે. જે. ઓમપ્રકાશની 1974ની હિટ ફિલ્મ ‘આપ કી કસમ”ના સદાબહાર પ્રવાસ ગીત ‘જિંદગી કે સફર મેં’માં, નિરાશ રાજેશ ખન્નાની આખી જિંદગીની સફર બતાવવામાં આવી હતી.
આ બધાં ગીતો તો અતિ જાણીતાં છે, પરંતુ એક ટ્રેન ગીત એવું છે જેની બહુ નોંધ લેવાતી નથી, અને જે શુદ્ધ રૂપે ટ્રેન ગીત છે. મતલબ કે, બીજાં બધાં ગીતોમાં કાં તો હીરો-હિરોઈનની પ્રેમ કહાની આકાર લેતી હતી અથવા ફિલ્મની વાર્તાનો કોઈ છેડો એમાં જોડાયેલો હતો, પરંતુ એક ગીત એવું છે જે આખે આખું ટ્રેન પર છે, અને જેમાં માત્ર ટ્રેનનો જ વિષય છે, અથવા એમ કહો કે ટ્રેન એક પ્રતિકરૂપે છે અને તે પોતાની સફર મારફતે માનવ જીવનની યાત્રાની વાત કરે છે.
ટ્રેન ગીતોના શોખીન વાચકોને આમ તો તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે ક્યા ગીતનો ઈશારો થઇ રહ્યો છે. યેસ, 1974માં આવેલી દુલાલ ગુહા નિર્દેશિત ‘દોસ્ત’ ફિલ્મમાં ‘ગાડી બુલા રહી હૈ’ એક ક્લાસિક ટ્રેન ગીત છે. ફિલ્મ સાધારણ હતી, પણ તેનું આ ગીત અત્યંત ખૂબસૂરત હતું. બીજી બધી ફિલ્મોનાં ટ્રેન ગીતોની સરખામણીમાં, આ ગીતમાં કે તેના ફિલ્માંકનમાં કોઈ ડ્રામા નહોતો. એટલે તે ઝટ કોઈને યાદ નથી આવતું, પરંતુ ટ્રેનની યાત્રા સાથે નાના-મોટા સૌ લોકોનો જે રોમાંચ અને રોમાન્સ જોડાયેલો છે, તે આ ગીતમાં બખૂબી ઝીલાયો હતો.
આ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ બેહદ રૂપાળો ધર્મેન્દ્ર અને ડ્રીમગર્લ હેમા માલિનીની હિટ જોડી હતી. બંને 11 ફિલ્મોમાં સાથે આવી ચૂક્યાં હતાં, અને નિર્માતા પ્રેમજી અને ‘ધરતી કહે પુકાર કે’ અને ‘દુ:શ્મન’ જેવી ફિલ્મોના નિર્દેશક દુલાલ ગુહાએ જોડીની લોકપ્રિયતાનો લાભ લેવા જ આ ફિલ્મ બનાવી હતી. અને બોક્સ ઓફીસ પર તેનો લાભ મળ્યો પણ ખરો.
ફિલ્મમાં ત્રીજી મહત્ત્વની ભૂમિકા શત્રુઘ્ન સિન્હાની હતી. એક દમદાર એક્ટર તરીકે શત્રુને આ ફિલ્મથી નામના મળી હતી. “દોસ્ત ફિલ્મ કર્યા પછી એક કલાકાર તરીકે મને બહુ સંતોષ મળ્યો હતો,” એમ એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું. મૂળમાં આ ભૂમિકા સંજીવ કુમારને ઓફર થઇ હતી, પરંતુ હેમા માલિની (દેખીતાં કારણોસર) તેમની સાથે કામ કરવા માંગતાં નહોતાં એટલે શત્રુની પસંદગી થઇ હતી.
ફિલ્મમાં માનવ (ધર્મેન્દ્ર) એક અનાથ છે. તેનો ઉછેર ઈસાઈ પાદરી ફાધર ફ્રાન્સિસ કરે છે. માનવ અભ્યાસ પૂરો કરીને ઘરે પરત ફરે છે, ત્યારે તેને ખબર પડે છે કે તેના પિતા સમાન ગુરુનું અવસાન થયું છે. તે પછી માનવ રોજગારી માટે ટ્રેન દ્વારા મુંબઈ આવે છે અને તે જ ટ્રેનમાં ગોપીચંદ શર્મા (શત્રુઘ્ન સિંહા) નામનો ચોર માનવના સામાનની ચોરી કરીને ચાલતી ટ્રેનમાંથી કૂદી પડે છે.
તેની પાછળ માનવ પણ કૂદી પડે છે અને ગોપીનો પીછો કરીને સામાન પાછો મેળવે છે. તેમાં બંને વચ્ચે દોસ્તી થાય છે. માનવ પ્રમાણિક જીવન જીવવા માંગે છે. ગોપી પણ ચોરી ચપાટી છોડવા તૈયાર થાય છે, પણ તેના બોસ મોંટો સરદાર(અનવર હુસેન)ને નારાજ કરે છે અને એક હાથ ગુમાવી દે છે.
માનવ તેને એક દૂધ ફેક્ટરીમાં નોકરી અપાવે છે. માનવ ત્યાં ફેકટરી માલિકની પુત્રી કાજલ (હેમા)ના પ્રેમમાં પડે છે. દરમિયાનમાં, દૂધમાં ભેળસેળ અને બાળકોનાં મોત બદલ ગોપીની ધરપકડ થાય છે અને માનવ તેને બચાવવા માટે વ્હારે ધાય છે.
ફિલ્મમાં, અમિતાભ બચ્ચનનો પણ એક ગેસ્ટ રોલ હતો. મુંબઈમાં માનવના એક જૂના મિત્ર આનંદ તરીકે તે માત્ર બે જ મિનિટના એક દૃશ્યમાં તે આવે છે. ફિલ્મનાં ઘણાં પોસ્ટરો પર અમિતાભનું નામ પ્રમુખતાથી લખાતું હતું અને અમિતાભના ચાહકો તેને હીરો સમજીને ફિલ્મ જોવા આવતા હતા.
ફિલ્મ જીવનના ઉતાર-ચડાવ પર હતી અને તેનું થીમ સોંગ ‘ગાડી બુલા રહી હૈ’ એ વાતને પ્રતિબિંબિત કરતું હતું. ગીતમાં એક પ્રકારનો નોસ્તેલ્જિયા છે અને એટલે જ લોકોની સ્પર્શી ગયું હતું. ફિલ્મમાં ક્રેડિટ શરૂ થાય છે, ત્યારે કેમરા નાયક માનવ પર ફોકસ થાય છે.
તે ભણીને પાછો આવી રહ્યો હોય છે અને તેના હાથમાં ફાધર ફ્રાન્સિસનો પત્ર છે. પત્રમાં ફાધર લખે કે તેઓ તેનું માઉથ ઓર્ગન સાંભળવા બેચેન છે. ફાધર તેને પૂછે છે કે તે સંગીત ભૂલી તો નથી ગયોને? અને ‘નહીં ફાધર’ બોલીને ગળગળો થઇ ગયેલો માનવ ટ્રેનની બારી બહાર જુવે છે. તે સાથે જ લક્ષ્મીકાંત-પ્યારેલાલના અફલાતૂન ઓર્કેસ્ટ્રેશન સાથે કિશોર કુમારના દમદાર અવાજમાં ગીત શરૂ થાય છે, ‘ગાડી બુલા રહી હૈ, સીટી બજા રહી હૈ.’
કિશોર કુમાર બહુમુખી ગાયક અમથો નથી કહેવાયો. એ એક સારો એક્ટર પણ હતો એટલે તે તેનાં ગીતોમાં ‘એક્ટિંગ’ કરતો હતો ચાહે પ્રેમનું ગીત હોય, ખુશીનું ગીત હોય કે ગમનું ગીત હોય, કિશોર અવાજ મારફતે એ પ્રકારના મૂડ ગાયનમાં લાવી શકતો હતો. ‘ગાડી બુલા રહી હૈ’માં જીવનની ફિલોસોફી હતી અને કિશોરની કમાલ એ છે કે તે ખુશી અને ગમના ભાવથી નિસ્પૃહ રહીને સ્થિર પણ પ્રફુલ્લિત અવાજ સાથે આ ગીત ગાય છે.
આ ગીત 121 વર્ષ જૂના કાલકા-શિમલા રેલવે માર્ગ પર ફિલ્માવાયું હતું. તેના શબ્દોમાં ટ્રેન છે અને તેના ફિલ્માંકનમાં પણ (વરાળ વાળી) ટ્રેન છે તે હકીકત આ ગીતને અનોખું બનાવે છે. આનંદ બક્ષીએ ટ્રેનને પ્રતીક રીતે લઈને અદ્ભુત પંક્તિઓ લખી હતી. જેમ કે –
દેખો યે રેલ, બચ્ચો કા ખેલ, સીખો સબક જવાનો
સર પે હૈ બોજ, સીને મેં આગ, લબ પર ધૂઆં હૈ જાનોં
ફિર ભી યે જા રહી હૈ, નગમે સુના રહી હૈ
ગાડી બુલા રહી હૈ, સીટી બજા રહી હૈ
(પ્રગટ : ‘સુપરહિટ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ” 13 ડિસેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર