ફિલ્મોમાં એક પ્રવાહ ડોક્યુમેન્ટરી ફિલ્મોનો છે. આ ફિલ્મોનો અલગથી ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થાય છે અને જુદી-જુદી કેટેગરીમાં તેમાં એવોર્ડ્સ આપવામાં આવે છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં ‘હોટ ડોક્સ કેનેડીઅન ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલ’ ખાસ્સો જાણીતો છે અને નોર્થ અમેરિકાનો તે સૌથી મોટો ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ છે. આ વર્ષે હોટ ડોક્સ ફેસ્ટિવલમાં આપણા દેશના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગમાં મોખરાનું નામ ધરાવતાં આનંદ પટવર્ધનને સન્માનવામાં આવશે. તેઓને ‘આઉટસ્ટેડિંગ અચિવમેન્ટ એવોર્ડ’ એનાયત થશે. આ ઉપરાંત આ ફેસ્ટિવલમાં તેમની ચાર ફિલ્મોનું સ્ક્રિનિંગ પણ થશે.
આનંદ પટવર્ધનની ડોક્યુમેન્ટરી ફિલ્મની યાદી લાંબી છે પણ તેમાંથી કેટલીક પસંદીદા ફિલ્મોનું નામ લેવું હોય તો તેમાં ‘બોમ્બે : હમારા શહેર’, ‘રામ કે નામ’, ‘ફાધર, સન એન્ડ હોલીવોર’, ‘અ નર્મદા ડાયરી’, ‘વૉર એન્ડ પીસ’ અને ‘જય ભીમ કોમરેડ’ જેવી ફિલ્મો છે. તેમણે પોતાના કામનાં જોરે આંતરરાષ્ટ્રિય-રાષ્ટ્રિય સ્તરે ખૂબ નામના મેળવી છે અને એવોર્ડ્સ પણ એટલાં જ મેળવ્યા છે. આનંદ અત્યારે સિત્તેર વટાવી ચૂક્યા છે પણ હજુ ય તેમના તરફથી ફિલ્મો મળી રહી છે. છેલ્લે 2018માં તેમની ‘રીજન : વિવેક’ ફિલ્મે ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી. આનંદ પટવર્ધનની આ કાર્યસફર વિશે હાલમાં ‘સ્ક્રોલ’ ન્યૂઝ પોર્ટલ દ્વારા વિસ્તૃત મુલાકાત થઈ છે. તેમના પાંચ દાયકાના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ વિશે તેમણે ઘણી રસપ્રદ વાતો કરી છે.
આનંદની ફિલ્મો આંખ ઉઘાડનારી રહી છે અને એટલે જ તેઓનો પ્રયાસ એ રહ્યો છે કે વધુ ને વધુ દર્શકો તેમની ફિલ્મ જુએ. આ સંદર્ભે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે તમારા દૃષ્ટિકોણથી દર્શકો સહમત ન હોય તેમ છતાં તમે પબ્લિક સ્ક્રિનિંગ યોજો છો અને દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરો છો. આ વિશે આનંદ કહે છે : “મારા ફિલ્મનિર્માણનો આરંભ આપણાં દેશમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે તે દર્શાવવાનો, તેને દસ્તાવેજિત અને મૂલ્યાંકન કરવાનો છે. એટલે હું ઇચ્છું છું કે મારી ફિલ્મ વધુ દર્શકો જુએ ન કે માત્ર તે ફિલ્મ ફેસ્ટિવલ સુધી સિમિત રહે. જો તેમ ન થતું હોય તો ફિલ્મ નિર્માણ કરવાનો કોઈ અર્થ નથી. આ પૂરી પ્રક્રિયામાં ફિલ્મ દર્શાવવી અને દર્શકો સાથે તેની ચર્ચા કરવી અગત્યનો હિસ્સો છે. દરેક વખતે સ્ક્રિનિંગ કરવાનો એક વિશેષ ઉત્સાહ હોય છે. જુદાં જુદાં વર્ગોમાં ફિલ્મ દર્શાવવી તે તદ્દન વેગળો અનુભવ કરાવે છે. મને સંવાદ ગમે છે અને અમે સ્ક્રિનિંગ વખતે જ ચર્ચા કરીએ છીએ.”
આ પછી આનંદ તેમના ફિલ્મ સ્ક્રિનિંગ દરમિયાન થતાં હુમલા વિશે વાત કરે છે. આ માટે તેઓ જમણેરી વિચારધારા ધરાવનારાં અસમાજિક તત્ત્વોને જવાબદાર ઠેરવે છે. પરંતુ ઘણી વખત એવું ય બન્યું છે જે આનંદની ફિલ્મનો વિરોધ કરતાં હોય અને તેમની ફિલ્મ જોઈ હોય પછી તેઓ આનંદના દૃષ્ટિકોણથી સહમતી દર્શાવી હોય. આ અનુભવ ખુદ આનંદ ટાંકતાં કહે છે, “એકથી વધુ કારસેવક જેઓ બાબરી ધ્વંસમાં સામેલ રહ્યા હોય તેઓએ ‘રામ કે નામ’ ફિલ્મ જોઈને મારો સંપર્ક કર્યો છે અને તેમણે સ્વીકાર્યું છે કે દેશના હિત સંદર્ભે અમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.” જો કે આ અનુભવોને આનંદ ઉત્સાહથી નથી ટાંકતા બલકે તેમનો ઉદ્દેશ જણાવતાં કહે છે : “આવું સામાન્ય રીતે થતું નથી. લોકો એક ફિલ્મ સ્ક્રિનિંગથી પોતાના વિચાર બદલતાં પણ નથી. અને મારી ફિલ્મનો એ ઉદ્દેશ પણ નથી કે લોકો આ રીતે પોતાના વિચાર બદલે. અમારો પ્રયાસ સંવાદ શરૂ કરવાનો છે. ઘણી વાર આ સંવાદ અપશબ્દો સુધી પણ પહોંચે છે. જો કે તેમ છતાં ય જો વાતાવરણમાં હળવાશ હોય તો તેમાંથી સારું પરિણામ નિપજી શકે.”
આનંદ પટવર્ધનની ફિલ્મોના વિષય મહદંશે દેશમાં બનતી મસમોટી ઘટનાઓ રહી છે. જેમ તેમણે 1974ના અરસામાં બિહાર આંદોલનને વિષય બનાવીને ‘ક્રાંતિ કે તરંગે’ બનાવી હતી. એ રીતે કટોકટી દરમિયાનની તેમની ફિલ્મ ‘ઝમીર કે બંદી’ હતી. મુંબઈ જેવાં મોટા શહેરોમાં ચાલી-છાપરાંમાં રહેતાં લોકોને અસ્તિત્વ ટકાવવાના કેવાં પ્રશ્નો હોય છે તેને લઈને તેમણે ‘બોમ્બે : હમારા શહેર’ નિર્માણ કરી. બાબરી ધ્વંસ પર તેમની ફિલ્મ ‘રામ કે નામ’ છે. એ જ રીતે નર્મદા આંદોલન આધારિત પણ તેમની ‘અ નર્મદા ડાયરી’ નામની ફિલ્મ છે.
આમ આનંદની ફિલ્મી સફર જોઈએ તો દેશની અતિ મહત્ત્વના અને સંવેદનશીલ વિષયો પર તેમણે ફિલ્મ નિર્માણ કરી છે. આ વિષયોની પસંદગી કરવા બદલ તેમની છબિ ‘એક્ટિવિસ્ટ’ તરીકેની ઘડાઈ છે. અને એટલે તેઓ પોતે તેમનાં વલણને કેવી રીતે જુએ છે તે વિશે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું : “જે જોવું છું તેની જ પ્રતિક્રિયા હું આપું છું. હું સ્વકેન્દ્રિય ફિલ્મમેકર નથી. કોઈ પણ બાબત થિએરોટીકલી વિચારતો નથી અને પહેલાં હું તેને પ્રેક્ટિસમાં લાવું છું. હું સીધું કામ કરવામાં માનું છું અને થિયરી કહો કે અન્ય લેબલ તે પછી તેના પર લાગે છે. જે પ્રકારની ફિલ્મ મેં બનાવી છે તે સ્ક્રીપ્ટ પર આધારિત નથી. જે કોઈ ઘટના બને તે પહેલાં તે બનશે કે કેમ તે વિશે હું જાણતો નથી.” આ પૂરી પ્રક્રિયાને તેઓ ‘serendipity’થી વર્ણવે છે. આનો અર્થ છે કે કોઈ આકસ્મિક ઘટનાને અપ્રત્યક્ષ રીતે શોધવી. આવું તમે ક્યારે કરી શકો તે પણ આનંદ કહે છે : “તમને આ પ્રકારનું કન્ટેન્ટ ત્યારે જ મળે જ્યારે તમે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હો. જ્યારે ઘટના બનતી હોય ત્યારે ત્યાં હાજર હોવું તે તેની ચાવી છે.”
તેમની એક્ટિવિસ્ટ તરીકેની જે છબિ ઘડાઈ છે તે વિશે તેમનું કહેવું છે કે, “છેલ્લાં પચાસ વર્ષની કારકિર્દીમાં તેમને વેગવેગળા લેબલ લગાવવામાં આવ્યા છે. અગાઉ જ્યારે મારા રાજકીય વિચારથી લોકો સહમત નહોતા ત્યારે મારા માટે ‘પ્રોપાગેન્ડા’ આધારિત ફિલ્મમેકર એવું લેબલ લાગ્યું. જો કે હું તો હંમેશાં મારી રજૂ કરેલી વાત સંદર્ભે મહત્ત્વના આધાર મૂકતો આવ્યો છું.” પછી તેમની ફિલ્મોને ‘Agitprop’પણ કહેવામાં આવી. આ શબ્દ સોવિયત રશિયાના કાળમાં પોપ્યુલર મીડિયા માટે ઉપયોગમાં લેવામાં આવતો, જેમાં કોમ્યુનિઝમનો સંદેશ ફિલ્મ કે અન્ય મીડિયા દ્વારા પ્રસાર કરવાનો હેતુ હોય.
હાલના સમયમાં તેમની ફિલ્મોને નિબંધપ્રકારની ફિલ્મ તરીકે જોવાય છે. જે ખરેખર યોગ્ય છે. તે કેમ યોગ્ય છે તે વિશે આનંદ કહે છે : “હું એક વકીલ જેવો છું જે કોર્ટમાં પુરાવા સાથે મારી દલીલ મૂકું છું. અને મારી દલીલને હું વધુ વિસ્તૃત રીતે મૂકું છું. આનો ન્યાય મારા દર્શકો તોળે છે. તેઓ જ જણાવે છે કે મેં મારા પક્ષને યોગ્ય રીતે મૂક્યો છે કે નહીં.”
આનંદ પટવર્ધને કરેલું ગંજાવર કાર્ય દેશના ઇતિહાસ અને સામાજિક પૃષ્ઠભૂમિને સમજવા અર્થે ખૂબ ઉપયોગી છે અને તેમણે આ બધું ડોક્યુમેન્ટરી સ્વરૂપે મૂક્યું છતાં તે રસપ્રદ છે. લાંબા પટાનું આ કાર્ય આનંદ કરી શક્યા તેની પાછળ તેમની શૈક્ષણિક યાત્રાની પણ ભૂમિકા છે. તેઓ પહેલાં તો એ સ્પષ્ટતા કરે છે કે તેઓ ફિલ્મમેકર બનવા અર્થે ભણ્યા નથી. તેમણે મુંબઈમાં એલ્ફિસ્ટન કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ મેળવ્યું તે પછી અમેરિકાની બ્રૅન્ડીસ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અમેરિકામાં જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે વિયેતનામ યુદ્ધનો વિરોધ જોરશોરથી થઈ રહ્યો હતો. તેમણે યુનિવર્સિટી પાસેથી કેમેરા મેળવ્યો અને તે ઘટનાઓ કેદ કરી. આ રીતે તેઓ ફિલ્મમેકિંગમાં સંકળાયા. ભારત પાછા આવીને તેમણે બિહાર આંદોલન અને કટોકટી પર ફિલ્મ નિર્માણ કરી. તે પછી 1979માં તેઓ ફરી વાર માસ્ટર્સ ઇન કોમ્યુનિકેશનની ડિગ્રી માટે કેનેડા ગયા. આ રીતે તેમની શિક્ષણની સફર રહી.
તેઓ આ કામ કરી શક્યા તેનું એક કારણ આપતાં આનંદ કહે છે : “હું નસીબદાર છું. હું એક સમૃદ્ધ પરિવારમાંથી આવું છું. મારે મારા અસ્તિત્વ ટકાવવા અર્થે પૈસા કમાવવાના નહોતા. મારા પરિવાર અને મિત્રોએ મને હંમેશાં મદદ કરી છે. જો કે તે પછીથી ફિલ્મનો ખર્ચ તેનાં વેચાણ અને લેક્ચર સ્ક્રિનિંગ ટુર્સથી નીકળતો ગયો.” અંતે તેઓ મુલાકાતમાં કહે છે : “હું છેલ્લાં 51 વર્ષથી ફિલ્મ નિર્માણ કરું છું, પરંતુ મારી ફિલ્મનો હિસ્સો ઘણો નાનો છે. ફિલ્મનિર્માણની દરેક પ્રક્રિયાને હું માણતો હોવા છતાં હું કંઈ આ ફરિયાદના સૂરમાં નથી કહેતો. બલકે તે સત્ય છે.”
e.mail : kirankapure@gmail.com