Opinion Magazine
Number of visits: 9448974
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડી.એલ. શેઠ, બહાદરપુર યુનિવર્સિટીના વિદ્યાવાચસ્પતિ

બીરેન કોઠારી|Opinion - Opinion|17 May 2021

“બૌદ્ધિકો એટલે પોતાના એકદંડિયા મહેલમાં બેસીને ‘બૌદ્ધિકો દ્વારા, બૌદ્ધિકો માટે અને બૌદ્ધિકોનું’ સંશોધન કરતા લોકો.” ધીરુભાઈ શેઠને મળતાં, તેમની સાથે વાત કરતાં આ માન્યતાનો છેદ ઊડી જતો જણાતો. ૭ મે, ૨૦૨૧ના રોજ, ૮૫ વર્ષની વયે દિલ્હીમાં તેમનું અવસાન થયું, એ દેશના બૌદ્ધિક જગતને પડેલી મોટી ખોટ કહી શકાય.

તેમના પ્રદાનને શબ્દોમાં સમાવવું મુશ્કેલ પડે એટલું તે બહોળું હતું.

જાતિ અને અસ્પૃશ્યતા, વિકાસ, લઘુમતીના હકો જેવા વિવિધ વિષયો પરના ધીરુભાઈના અનેક લેખો વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદિત થયા. તેમની નિગેહબાની હેઠળ ‘વર્લ્ડ ઑર્ડર મૉડેલ્સ પ્રોજેક્ટ’ જેવો સમગ્ર વિશ્વનું સુચારુ ઢબે સંચાલન કરવાના ખ્યાલને કેન્દ્રસ્થાને રાખતો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સંપન્ન થયો હતો. તેમના ‘લોકાયન’ જેવા ભારતભરમાં નેટવર્ક ધરાવતા પ્રોજેક્ટને નોબેલ પારિતોષિક સમકક્ષ ગણાતો ‘રાઇટ લાઇવલીહૂડ ઍવૉર્ડ’ પ્રાપ્ત થયો હતો. પી.યુ.સી.એલ.(દિલ્હી)ના તેઓ ચૅરપર્સન રહી ચૂક્યા હતા અને છેલ્લા એકાદ દાયકામાં દક્ષિણ એશિયાના અનેક દેશોમાં અનેક રાજકીય તેમ જ સામાજિક સંશોધનોમાં તેમની સક્રિય સેવા લેવાઈ રહી હતી. નેશનલ કમિશન ફોર બેક્વર્ડ ક્લાસના સભ્ય તરીકે પણ તેમની સેવાઓ લેવામાં આવી. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ૨૦૦૪ના ભારત અંગેના ‘રિપોર્ટ ઑન ઇન્ક્લુઝિવ સોસાયટીઝ’માં તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું. સિમલાની ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ’ના તેઓ નેશનલ ફેલો રહી ચૂક્યા હતા અને તેઓ ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચ’ના નૅશનલ ફેલો પણ નિમાયા હતા. આ યાદી હજી લાંબી થઈ શકે.

રાજનીતિના અને સમાજના વિવિધ પ્રવાહો અંગે સંશોધન કરતી દેશની સાવ આરંભિક જૂજ સંસ્થાઓમાંની એક એવા દિલ્હીના ‘સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ (સી.એસ.ડી.એસ.) સાથે ધીરુભાઈ તેના આરંભથી જ સંકળાયેલા અને દિલ્હીમાં જ સ્થાયી થયેલા. આ કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં ‘લોકાયન’, ‘સરાઈ’, ‘લોકનીતિ’ જેવા અત્યંત પ્રતિષ્ઠિત અને અન્ય અનેક બાબતો અંગેના સંશોધન-પ્રોજેક્ટ સામેલ છે. તંદુરસ્ત લોકશાહી માટે આ પ્રકારનાં કેન્દ્રો અનિવાર્ય ગણવામાં આવે છે. હવે તો આ સંસ્થા પચાસ વર્ષ સંપન્ન કરી ચૂકી છે.

અત્યંત ઔપચારિક અભ્યાસની કે ડિગ્રીની રીતે જોઈએ તો ધીરુભાઈ નહોતા ડિગ્રીધારી સોશિયલ સાયન્ટિસ્ટ કે નહોતા પરંપરાગત અર્થમાં પોલિટિકલ સાયન્ટિસ્ટ. આથી જ તેઓ કહી શકતા, ‘સમાજવિજ્ઞાન જેવી ચીજ ખરેખર તો હોઈ જ ન શકે. સમાજ કંઈ નિર્જીવ અને જડ પદાર્થોનો સમૂહ નથી કે તેમાં વિજ્ઞાનની જેમ સાર્વત્રિક નિયમો લાગુ પાડી શકાય. હા, સમાજ વિષેનાં જ્ઞાન, જાણકારી કે માહિતી હોઈ શકે.’ ધીરુભાઈ પોતાનામાં ઊગેલી સમજણનો તમામ યશ પોતાની ગ્રામીણ પૃષ્ઠભૂમિને આપતા. એ દૃષ્ટિએ તેમના ઉછેરની અને ઔપચારિક અભ્યાસની વિગતો ખૂબ જ રસપ્રદ છે.

વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાનું બહાદરપુર (બાધરપુર) ગામ ધીરુભાઈનું વતન. ૧૭મી માર્ચ, ૧૯૩૬ના રોજ પિતા લલ્લુભાઈ અને માતા હીરાબહેનને ત્યાં તેઓ જન્મેલા. કુલ પાંચ સંતાનોમાં ધીરુભાઈ સૌથી મોટા. દસમા ધોરણ સુધીનું તેમનું શાળાકીય શિક્ષણ બહાદરપુરની શાળામાં જ થયું. નાનપણથી જ તેમને જેટલો રસ શાળાએ જવામાં પડતો, એટલો અભ્યાસમાં પડતો નહીં. તેમણે કહેલું, ‘તે વખતે વધુ ભણવા ઇચ્છનારની મહત્ત્વાકાંક્ષા એટલી જ રહેતી કે નૉનમૅટ્રિક થઈ જવાય એટલે બસ.’ ધીંગામસ્તી અને અવળચંડાઈ એ ગાળાની મુખ્ય પ્રવૃત્તિ અને પ્રવૃત્તિઓ કેવી-કેવી? નિશાળેથી છૂટ્યા પછી ઘેર બહુ મોડેથી પહોંચવાનું. અને મોટે ભાગે જમીનમાર્ગે નહીં, પણ છાપરાં કૂદતાં કૂદતાં ‘આકાશી માર્ગે’ જવાનું. મિત્રો સાથે મળીને જાતજાતની યોજનાઓ અને તેનું અમલીકરણ, જેમ કે – શેરીની કૂતરી વિયાઈ હોય તો તેનાં ગલૂડિયાંની સંભાળ લેવાની, કૂતરીને માટે શીરો બનાવવા ઘેરઘેરથી ઉઘરાણું કરવાનું, કોઈકની બકરી દોહીને દૂધ લઈ આવવાનું, વાંદરા પકડવાં, પતંગો લૂંટવી, મેળાઓમાં જવાનું અને ત્યાંથી વસ્તુઓ સેરવી લેવાની, ગામમાં આવેલા સરકસમાં પાછલે બારણે ઘૂસ મારવી, સરકસમાં જોયેલા કૂતરાના ખેલ ઘેર આવ્યા પછી પોતે રિંગમાસ્ટર બનીને શેરીના કૂતરા પાસે કરાવવા અને તેમાંથી કમાણી કરવી – આવાં તો કેટલાં ય ‘મહત્ત્વનાં કામો’ રહેતાં. વિવિધ જ્ઞાતિઓના મિત્રોના ઘરમાં હકપૂર્વક અવરજવર પણ થયા કરતી. આવામાં ભણવાનો સમય ક્યાંથી મળે ?

દરમિયાન, ગામમાં સેવાદળની પ્રવૃત્તિ શરૂ થઈ. ધીરુભાઈએ ત્યાં જવાનું પણ શરૂ કર્યું. સેવાદળમાં જોડાયા પછી સૌ પરેડ કરતાં અને તેનાં વાદ્યો વગાડતાં શીખ્યા. પોતાની આ આવડતનો ઉપયોગ તેમણે સામાજિક ઉત્કર્ષ માટે કર્યો. શી રીતે? પંદર-વીસ મિત્રોએ ભેગા થઈને એક બૅન્ડ બનાવ્યું, જેનું નામ રખાયું ‘બંસી બૅન્ડ’. પોતાનાં કે પડોશનાં ગામોમાં કોઈ શુભપ્રસંગે આ બૅન્ડને બોલાવવામાં આવતું. ધીરુભાઈ આ બૅન્ડમાં બંસરી વગાડતા. જો કે, તેમણે કહેલું, ‘મને વગાડતાં બરાબર ફાવતું નહીં, પણ આઠ-દસ બંસરીવાદકો વચ્ચે મારું નભી જતું.’ આ બૅન્ડ થકી જે આવક થતી તે કોઈને અભ્યાસ વગેરેમાં સહાય કરવામાં વપરાતી.

તેમને સપને ય ખ્યાલ નહોતો કે કિશોરાવસ્થાના આ અનુભવો તેમને સમાજશાસ્ત્રની જટિલતાઓને સરળતાથી સમજવામાં કેટલા કામ લાગવાના છે!

તોફાનોની સમાંતરે તેમનામાં વાંચનની રુચિ પાંગરી હતી, ઇતિહાસ અને સાહિત્યમાં વિશેષ. સ્વઓળખને જાળવી રાખવાની વિવિધ જાતિઓની મથામણની વાત પ્રભાવક રીતે કોઈ ઉચ્ચ કક્ષાના પરિસંવાદોમાં રજૂ કરતી વખતે ધીરુભાઈ પોતાના બાળપણનો એક પ્રસંગ અવશ્ય ટાંકતા. કયો હતો એ પ્રસંગ ?

પંચમહાલ જિલ્લાના કંબોઈ ગામમાં તેમનો એક મિત્ર હતો, જે ભીલ હતો. બંને એક વખત રસ્તા પર દોડાદોડી કરતા હતા, ત્યાં ધ્યાન ન રહેતાં અચાનક પેલો મિત્ર પાણીના ટાંકામાં પડ્યો. જોતજોતાંમાં ટોળું ભેગું થઈ ગયું. સહુએ પ્રયત્નો કર્યા, પણ ટાંકામાંથી પેલાનું મૃત શરીર જ બહાર નીકળી શક્યું. આ દુર્ઘટનાનો જબરદસ્ત આઘાત મરનાર છોકરાની માને લાગ્યો. પછી તો તે રોજ સવારના પહોરમાં મરસિયા ગાતી. આટલાં વરસે ધીરુભાઈ ભીલી બોલીમાં બોલાયેલા એ શબ્દો તો ભૂલી ગયા છે, પણ તેનો ભાવ તેમને યથાતથ યાદ છે. મૃત પુત્રને સંબોધીને એ કહેતી, ‘હે દીકરા, તું આવતે જન્મે બ્રાહ્મણ ન બનતો, કેમ કે ચાલીચાલીને તારા પગ ઘસાઈ જશે. તું વાણિયો પણ ન બનતો, કેમ કે હિસાબ લખીલખીને તારી આંખો ફૂટી જશે. તું સોની ન બનતો. તું ભીલ જ બનજે અને મારે ખોળે જનમજે.’ 

આવા અનેક અનુભવો ધીરુભાઈના મનોવિશ્વમાં સંઘરાતા ગયા, જેણે ઘણી ઊંડી છાપ તેમના મનમાં ઉપસાવી. દસમા ધોરણ સુધી શાળાનો અભ્યાસ ગામમાં કર્યા પછી મૅટ્રિક માટે ડભોઈની શાળામાં જોડાવાનું બન્યું. મેટ્રિક બીજા પ્રયત્ને પાસ કર્યું. ત્યાર પછી તેમનું આખું કુટુંબ પણ વડોદરા આવીને સ્થાયી થયું. ધીરુભાઈને મઝા આવતી આટ્‌ર્સના વિષયોમાં, આથી તેઓ આટ્‌ર્સમાં જોડાયા, પણ પરીક્ષાનો ભારે કંટાળો. બી.એ. થયા. તેમને ખબર પડી કે એમ.એસ.ડબલ્યુ.ના કોર્સમાં પરીક્ષા આપવાની હોતી નથી. આ કારણે તેમણે બી.એ. પાસ કર્યા પછી આ કોર્સમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમની પ્રતિભા ઝળકી ઊઠી, કેમ કે તેમને મનગમતા વિષયો હતા અને છતાં તેને પરીક્ષા માટે યાદ રાખવાનું ભારણ નહોતું.

આ અરસામાં તેમના જીવનમાં એવી ચાર વ્યક્તિઓનો પ્રવેશ થયો, જેમણે પોતપોતાની રીતે ધીરુભાઈનું માનસઘડતર કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. એ હતા તેમના મિત્ર બનેલા નીતિન ત્રિવેદી, બીજા સોશિયોલૉજી વિભાગના વડા આઈ.પી. દેસાઈ, ત્રીજા હતા રજની કોઠારી, જેમની સાથે તો તેમની કારકિર્દી પણ સંકળાઈ અને ચોથા હતા રાવજીભાઈ પટેલ (મોટા). ‘મોટા’ને ઘેર દર અઠવાડિયે નિયમિતપણે વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ એકઠા થતા અને અનેક મુદ્દાઓ પર સઘન ચર્ચા કરતા. આ અનૌપચારિક સંગઠનનું નામ હતું ‘રેનેસાં ક્લબ’. ‘રેનેસાં ક્લબ’ની વાત જ ઓર હતી. અહીં કૉમર્સમાં ભણતા ધવલ મહેતા, મેડિસિનમાં ભણતા પ્રકાશ દેસાઈ, પોલિટિકલ સાયન્સ ભણાવતા તેજસ્વી પ્રોફેસર રજની કોઠારી, ભીખુભાઈ પારેખ વગેરે વિવિધ શાખાઓના લોકો મળતા. વિવિધ મુદ્દે વાદવિવાદ, તર્ક તેમ જ ચર્ચાઓની એવી રંગત જામતી કે ત્રણ-ચાર કલાક ક્યાં ય પસાર થઈ જતા અને માનસમાં એક નવી જ સમજણનો ઉઘાડ થઈ જતો.

ચાર-પાંચ વરસનો આ સમયગાળો ધીરુભાઈના જીવનમાં બહુ નિર્ણાયક બની રહ્યો. આ અરસામાં જ તેમને અભ્યાસક્રમના સામાજિક અધ્યયનના ભાગ રૂપે મહુવા જવાનું બન્યું. ત્યાં રહીને અનેક લોકોના સંપર્કમાં તે આવ્યા. આ અનુભવ તેમની કારકિર્દીમાં મહત્ત્વનો બની રહ્યો. આ વરસોમાં તેમને એવું વિચારભાથું મળ્યું અને આત્મવિશ્વાસનો એવો સંચાર થયો કે આગળ જતાં પોલિટિકલ સોશિયોલૉજિસ્ટ તરીકેની નામના તેમને મળી અને દુનિયાના કેટલા ય દેશોમાં જવાનું બન્યું, ત્યારે તેઓ પોતાની આગવી મુદ્રા વિશ્વભરમાં ઉપસાવી શક્યા.

એમ.એસ.ડબલ્યુ. થયા પછી વડોદરાની કૉલેજમાં તેમને પ્રાધ્યાપક તરીકે નોકરી મળી. હવે કંઈક નવું અને મનગમતું કરવાની ઇચ્છા પૂરી થશે એમ લાગ્યું. એ અગાઉ યુનિવર્સિટીની આંતરિક ખટપટોથી તંગ આવીને રજની કોઠારી વડોદરા છોડીને મસૂરી ગયા હતા. ત્યાં તેમને એક પ્રોજેક્ટની ઑફર મળી હતી અને તેમણે દિલ્હીમાં ‘સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ (સી.એસ.ડી.એસ.) શરૂ કરવાનો વિચાર કર્યો. તેમણે ધીરુભાઈને જોડાવા માટે નિમંત્રણ આપ્યું. ધીરુભાઈ રાજીનામું મૂકીને સીધા ઉપડી ગયા દિલ્હી. તેમને આ રીતે પોતાને ભરોસે બધું છોડીને આવેલા જોઈને રજની કોઠારીને પણ આશ્ચર્ય થયું, કેમ કે, અમેરિકા, યુગોસ્લાવિયા, પોલૅન્ડ અને ભારતનો આ સંયુક્ત પ્રોજેક્ટ ત્રણ વરસ સુધી ચાલવાનો હતો. ત્યાર પછી? અલ્લા જાને ક્યા હોગા આગે!

એ પ્રોજેક્ટ સંપન્ન થયો. સેન્ટર ચાલુ રહ્યું. ધીમે-ધીમે તેની પ્રતિષ્ઠા એવી ઘડાઈ કે નવાં-નવાં અધ્યયનો થતાં જ ગયાં. એ મુજબ સેન્ટરનું કાર્યક્ષેત્ર વિકસતું અને વિસ્તરતું ગયું. સમયાંતરે જરૂર મુજબ નવી-નવી પ્રતિભાઓ સેન્ટર સાથે જોડાતી ગઈ, જેમાં આશિષ નંદી, સુધીર કક્કડ, બશ્રીરુદ્દીન અહમદ, રામાશ્રય રાય, ડી.આર. નાગરાજ, ગિરિ દેશિંગકર, યોગેન્દ્ર યાદવ. પીટર ડિસોઝા, રાજીવ ભાર્ગવ, અભય દુબે વગેરે વિભિન્ન ક્ષેત્રના લોકો હતા. સેન્ટર કોઈ વ્યક્તિકેન્દ્રી નહોતું. બલકે, દરેક હોદ્દેદાર પોતાની રીતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર હતા. આને કારણે સમગ્ર વાતાવરણમાં હકારાત્મકતા, પરિણામલક્ષીપણું અને સ્વતંત્રતાની જબરદસ્ત હવા ઊભી થઈ. એમ તો ધીરુભાઈ આગળ જતાં તેના ડાયરેક્ટરપદે પણ નિમાયા. છતાં તેઓ કહેતા એમ, ‘સેન્ટર સાથે સંકળાયેલી હરેક ફૅકલ્ટી ડાયરેક્ટર જેવી જ ગણાતી.’

ધીરુભાઈનો મૂળભૂત અભિગમ કારકિર્દીલક્ષી ક્યારે ય હતો જ નહીં. સ્વૈરવિહારીપણે કામ કરવું તેમને વધુ પસંદ હતું. છેક સુધી તેમનો આ અભિગમ જળવાઈ રહ્યો. તેમાં તેમનાં વિદુષી પત્ની સુરભિબહેનનો સહકાર મહત્ત્વનો ગણી શકાય. તેમનું ૨૦૧૭માં અવસાન થયું. પોતાનાં બંને સંતાનોનો ઉછેર તેમણે એટલી જ સહજતાથી કર્યો. મરજી મુજબની કારકિર્દી પસંદ કરવાની તેમને સ્વતંત્રતા આપી. તેમનો પુત્ર પત્રકારત્વના ક્ષેત્રે છે અને ‘બિઝનેસ વર્લ્ડ’ સાથે સંકળાયેલો છે. પુત્રી સોહા મોઇત્રા બાળઅધિકારના ક્ષેત્રે કાર્ય કરતી પ્રસિદ્ધ સંસ્થા ‘ક્રાય’(ચાઇલ્ડ રાઇટ્‌સ ઍન્ડ યુ) નું રિજિયોનલ ડાયરેક્ટર પદ શોભાવે છે.

દુનિયાના કેટલા ય દેશોમાં ધીરુભાઈને જવાનું બનતું અને વિવિધ ભાષા, સંસ્કૃતિ અને સ્તરના લોકો સાથે વૈચારિક આદાનપ્રદાન કરવાનું થતું. પણ આ તમામ વખતે કોઈ પણ મુદ્દાને મૂળમાંથી સમજવા માટે પોતાની ગ્રામીણ પૃષ્ઠભૂમિનો અનુભવ ભારે ખપમાં લાગતો. કોઈ પણ બાબતે માત્ર બ્લૅક અને વ્હાઇટ જ (એકરંગી) નહીં, પણ તેની વચ્ચે રહેલા અનેક ગ્રે શેડ પ્રત્યે તેઓ ધ્યાન દોરતા. પોતાના દૃષ્ટિકોણની રજૂઆત મુઠ્ઠી પછાડીને કે જોરશોરથી બોલીને નહીં, પણ ધીમેથી છતાં મક્કમતાપૂર્વક કરતા હોવાથી સાંભળનાર સુધી તે યોગ્ય રીતે પહોંચતી. એવું જ તેમના લેખોનું. તેમના અભ્યાસલેખો વિશ્વના પ્રસિદ્ધ સામયિકોમાં અવારનવાર પ્રસિદ્ધ થતા, તેમ અનેક અભ્યાસલક્ષી પુસ્તકોમાં પણ સ્થાન પામતા રહેતા. બૌદ્ધિક જગતના અત્યંત પ્રતિષ્ઠિત અને વિશ્વપ્રસિદ્ધ સામયિક ‘ઑલ્ટરનેટિવ્ઝ જર્નલ’નું તેમણે બે દાયકા કરતાં વધુ સમય સુધી સંપાદન કર્યું. ‘સિટીઝન્સ ઍન્ડ પાર્ટીઝ’ (આશિષ નંદી સાથે), ‘ધ મલ્ટિવર્સ ઑફ ડેમોક્રેસી’, ‘માઇનોરિટી આઇડેન્ટિટીઝ ઍન્ડ ધ નેશન-સ્ટેટ’ (ગુરપ્રીત મહાજન સાથે) તેમ જ ‘વૅલ્યૂઝ ઍન્ડ ધ ઍક્ટિવ કમ્યુનિટી’ જેવાં ચાર અભ્યાસપૂર્ણ પુસ્તકો પણ તેમના નામે છે. અભયકુમાર દુબે દ્વારા સંપાદિત ‘સત્તા ઔર સમાજ’માં વિવિધ મુદ્દાઓ અંગેના ધીરુભાઈના દર્શનને દીર્ઘ વાતચીત સ્વરૂપે મૂકવામાં આવ્યું છે.

‘મોટે ભાગે થાય છે એવું કે સમાજવિજ્ઞાન વિષેની આપણી સમજ પશ્ચિમ પાસેથી ઉછીની લેવાયેલી છે, તેથી તેના ઉકેલ પણ એ દૃષ્ટિથી જ વિચારાય છે. કોઈ માને કે ન માને, પણ હકીકત એ છે કે મોટે ભાગે આવા તૈયાર ઉકેલ જેમાં ફિટ બેસી જાય એ જ દૃષ્ટિકોણથી સમસ્યાને જોવામાં આવે છે કે તેને ઊભી કરવામાં આવે છે.’ આમ માનતા ધીરુભાઈ કોઈ પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ચર્ચા, મિટિંગ કે સેમિનારમાં સંબંધિત વિષય પર પોતાનું આગવું દૃષ્ટિબિંદુ એ રીતે રજૂ કરતા કે સૌની સમક્ષ એક નવા જ પાસાનો ઉઘાડ થતો. આથી સેમિનાર પૂરો થાય એટલે ધીરુભાઈએ પશ્ચિમની કઈ યુનિવર્સિટીમાંથી સોશિયલ સાયન્સનો અભ્યાસ કરેલો, એ સવાલ સૌના મનમાં પેદા થયા વિના રહેતો નહીં. ધીરુભાઈ આના જવાબમાં હસતાં-હસતાં જણાવતા, ‘મોજે ગામ બહાદરપુર યુનિવર્સિટીનો હું વિદ્યાર્થી છું.’ આ સાંભળીને સામેવાળો મૂંઝાય, કેમ કે તેણે તો ‘ઑક્સફર્ડ’ કે ‘યેલ’ અથવા ‘કૅમ્બ્રિજ’ કે ‘હાર્વર્ડ’ જેવા જવાબની અપેક્ષા રાખી હોય. તેને બદલે આ નવી યુનિવર્સિટી કઈ?

પોતાનાં નિરીક્ષણો, તારણો, અભ્યાસ-લેખો, સંશોધનપત્રો થકી કેવળ રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા આ અગ્રણી સમાજવિજ્ઞાની પોતાની કાર્યપદ્ધતિ અંગે કહે છે, ‘તેને ‘સ્લીપવૉકિંગ’ કહી શકાય, કેમ કે મેં કદી કોઈ ધ્યેય નજર સામે રાખીને કામ કર્યું નથી. મને જેમાં રસ પડે એ હું કરતો ગયો, આગળ વધતો ગયો અને માર્ગ ખૂલતો ગયો. ‘  

**** **** ****

’ડી.એલ. શેઠ’ તરીકે ઓળખાતા ધીરુભાઈ સાથે મારો પરિચય બિપિનભાઈ શ્રોફ  દ્વારા થયેલો. વડોદરાના વિચારક રાવજીભાઈ પટેલ ’મોટા’ના જીવન વિશે પુસ્તક લખવાનું મને સોંપાયું એ પછી મોટાની ’રેનેસાં ક્લબ’ સાથે સંકળાઈ ચૂકેલા લોકોની દીર્ઘ મુલાકાત અમે લેતા હતા. એમાં બે નામ વારેવારે કાને પડતાં, અને એ બે ય દિલ્હીનાં હતાં. એક રજની કોઠારી અને બીજા ધીરુભાઈ શેઠ.

એવામાં સમાચાર મળ્યા કે ધીરુભાઈ વડોદરા આવેલા છે. બિપિનભાઈ સાથે મેં એમની મુલાકાત લીધી. એ વખતે ખબર પડી કે વડોદરામાં તેમનું મકાન છે અને તે વડોદરા લાંબું રોકાણ કરવાના છે. તેમનાં પત્ની સુરભિકાકી પણ હતાં. ધીરુભાઈનો ઇન્ટરવ્યૂ કદાચ સૌથી અઘરો હતો. કેમ કે, તે કોઈ પણ પ્રશ્નનો જવાબ વિસ્તારથી આપતા. ઇન્ટરવ્યૂનું ઑડિયો રેકોર્ડિંગ થતું હતું, એટલે મને રાહત હતી, નહીંતર તેમના ઘણા શબ્દો મારા માટે નવા હતા. એ ઇન્ટરવ્યૂ લઈને અમે બહાર નીકળ્યા પછી બિપિનભાઈને મેં કહ્યું, ’આ કાકા બહુ કડક છે. એમની પાસે વાત કઢાવવી મુશ્કેલ પડે.’ એ ઇન્ટરવ્યૂની મેં ટ્રાન્સસ્ક્રિપ્ટ કરી અને ધીરુભાઈને એ આપવા ગયો, એ અમારી બીજી મુલાકાત.

એ પછીની મુલાકાતોની ગણતરી રાખવાનું છોડી દેવું પડ્યું. મારા ઘરથી સાવ નજીક હોવાને કારણે અમે અઠવાડિયે ત્રણેક વાર તેમને ત્યાં જવા લાગ્યા. સામાન્ય રીતે તે દિલ્હીમાં શિયાળો બેસે એટલે વડોદરા આવી જતા અને પછી ત્રણ-ચાર મહિના રોકાતા.

તે વડોદરા હોય ત્યારે સાંજે પરવારીને સાડા નવ-દસે હું અને મારી પત્ની કામિની સાઇકલ લઈને એમને ત્યાં ઊપડતાં. એ દોઢ-બે કલાકમાં કંઈ કેટકેટલા વિષયો આવતા. એ રસોઈની, રેસિપીની કે બીજી કોઈ પણ વાત કરતા અને એકદમ રસપૂર્વક. ઘણી મજાકમસ્તી ચાલતી રહેતી, અને વાતો પણ. કોઈ પણ મુદ્દાને જોવાની એમની રીત આગવી. ગુજરાતના સાંપ્રત પ્રવાહોમાં એમને ઊંડો રસ. અમારી વાતોમાં એ ઉપરાંત અનેક બાબતો આવતી. ’ન્યાતભોજનની વાનગીઓ’ અમારા ચારેયનો સામાન્ય રસ. એની વાત, એની આસપાસનું વાતાવરણ અને ધીરુભાઈ દ્વારા એનો સમાજવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ – આ બધું ભેગું થાય એટલે એ વાનગીઓ ચાખ્યા જેવો જ સ્વાદ આવતો.

ધીરુભાઈનો દૃષ્ટિકોણ બૌદ્ધિક. એટલે તે દરેક બાબતને એક ઊંચાઈએથી જોતા. પહેલી મુલાકાત થકી ઉપસેલી તેમની છાપ તો ક્યારની ભૂંસાઈ ગઈ અને એક જુદી જાતની આત્મીયતા સ્થપાતી ગઈ. ’અહા! જિંદગી’ માસિકમાં મારી ’ગુર્જરરત્ન’ કૉલમ ચાલતી ત્યારે મેં એમના વિશે લખવાનો ઇરાદો વ્યક્ત કર્યો. સંપાદક દીપક સોલિયાએ મંજૂરી આપી. પણ ધીરુભાઈની જવાબ આપવાની શૈલીથી હું પૂરો પરિચિત, એટલે મેં તેમને મારા બે એક લેખ વાંચવા આપ્યા, જેથી મારી જરૂરિયાત શી છે, એ તેમને ખ્યાલ આવે. આ રીત બહુ કારગર નીવડી.

એ પછી રજની કોઠારીનું અવસાન થયું ત્યારે ધીરુભાઈ અને સુરભિકાકી વડોદરામાં હતાં. મારી ’ગુજરાતમિત્ર’ની કૉલમ માટે રજની કોઠારી વિશે લેખ લખવાનો હતો. તેમને કોઠારીના અવસાનનો ઘણો શોક હતો, છતાં એ લેખ માટે મને ઘણી માહિતી પૂરી પાડેલી, તેમ જ માહિતીને ચકાસી પણ આપી.

ધીરુભાઈના કાર્યનાં વ્યાપ, પ્રમાણ અને પ્રભાવ જોયા પછી લાગે કે કારકિર્દીની ઘેલછા ધરાવતા દરેક માબાપ પોતાનાં સંતાનોને આવું ‘સ્લીપવૉકિંગ’ કરવા દે તો?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 08-10

Loading

17 May 2021 admin
← ભારતની કોવિડ-૧૯ કટોકટી
યાદ રહે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved