સૌ પ્રથમ તો દીપોત્સવની અને આવી રહેલાં નૂતન વર્ષની સૌને અનેકાનેક શુભેચ્છાઓ …
જો કે એટલા મેસેજિસ ને વીડિયો ફરે છે કે એમાં શુભેચ્છાઓ પહોંચવાની શક્યતાઓ ઓછી જ છે, છતાં સૌને અઢળક અભિનંદનો. દિવાળીનો તહેવાર રાષ્ટ્ર તો ઊજવે જ છે, પણ અમેરિકા જેવા દેશે પણ હવે દિવાળીની રજા જાહેર કરી છે. એ ઉપરાંત ઈંગ્લેંડ ને અન્ય દેશોમાં પણ દિવાળીનો કોઈકને કોઈક રીતે મહિમા છે, એ પરથી પણ દિવાળીનું વૈશ્વિક મહત્ત્વ સમજાય એવું છે. એમ તો ક્રિસમસ પણ ભારત ઊજવે જ છે ને એમાં પણ વર્ષને વિદાય આપવાની અને નવાં વર્ષને આવકારવાની જ વાત છે. બંનેમાં મહિમા તો અજવાળાંનો જ છે. એકમાં દીવો છે, તો એકમાં મીણબત્તી છે. આપે તો બંને પ્રકાશ જ છે. બંને તહેવારોમાં ફટકડાઓ ફૂટે છે, આતશબાજીઓ થાય છે. આ એવો પ્રકાશ છે, જે સૂર્યને વિકલ્પે છે. કરોડો દીવા એક સૂર્યની સામે નિસ્તેજ છે, પણ એ દીવાના આપણે સૌ ઋણી છીએ, કારણ સૂર્ય નથી હોતો, ત્યારે એ ઝગમગે છે. એમ તો લાખો દીવા અયોધ્યામાં પ્રગટ્યા છે, પણ એ આખી આયોધ્યાને અજવાળી નહીં શકે એમ બને, તેથી એવું નથી કે દીવો ન પ્રગટાવવો. ભગવાન રામ લંકાવિજય કરી અયોધ્યા પધાર્યા તેનો મહોત્સવ પ્રજાએ દીવડાં પ્રગટાવીને કર્યો ને જે એ ન પ્રગટાવી શક્યાં એમણે હૈયાનો હરખ પ્રગટાવ્યો. એ અજવાસ હજી ઓછો નથી થયો. એ એટલે પણ મહત્ત્વનો છે, કારણ, ઊર્મિલાનો વિરહવાસ પણ એ નિમિત્તે પૂરો થાય છે. એણે તો લક્ષ્મણ વગર મહેલમાં પણ વનવાસ જ ભોગવ્યો છે.
પણ, આ કૈં આયોધ્યાનો જ તહેવાર નથી, દેશ આખાનો છે. આખો દેશ નૂતન વર્ષને આવકારવા સક્રિય થયો હોય ત્યાં કોઈ, ખૂણે તો કેમ બેસી રહે? લોકોને દિવાળી આસપાસ જ પૈસા હાથમાં આવતા હોય એટલે એ છેલ્લી ઘડીએ ભીડ કરે ને જેને નાણાંની જ ‘ભીડ’ હોય તે તો ઘરનાં અંધકારનું જ કોડિયું કરે એમ બનવાનું. દિવાળીનાં કોડિયાં ન વેચાય તો એ વેચનારનાં ઘરમાં જ કોડિયું ના સળગે એ ય ખરુંને !
એક તરફ આવું ચિત્ર છે, તો બીજી તરફ કારણ વગર ભીડ કરનારાની પણ ખોટ નથી. તમે નહીં માનો, પણ એ હકીકત છે કે આપણે ત્યાં નવરા માણસોની ખોટ પડી નથી ને પડવાની નથી. એટલા બધા નવરા લોકો ભારતમાં છે જે દેશને નવરો જ પડવા નથી દેતા. કોઈ પણ કામ હોય, એક કહેતાં હજાર લોકો હાજર થઈ જાય છે. કોઈ કામ આપવાનું હોય ને એના પૈસા મળવાના હોય કે નોકરી મળે એવું હોય ત્યારે જ લાઇન લાગે છે, એવું નથી, પૈસા ખર્ચવાના હોય કે કૈં ન મળવાનું હોય તો પણ લોકો લાઇનમાં કે ટોળાંમાં ઊભાં રહી જ જાય છે. મીઠાઈનો પણ તહેવાર હોય તેવું તો સુરતમાં જ બને. તહેવારોમાં મીઠાઇ, કપડાં ખરીદવા લાઈનો લાગે ને તો ય જે જોઈએ તે મળે જ એની કશી ખાતરી નહીં. અહીંના લોકોને લાઇનમાં ઊભાં રહેવાની સારી એવી ફાવટ છે, સુરતી લોચા માટે સુરતમાં લાઇન લાગે એ જ કેવો મોટો લોચો છે, નહીં?
એ ઉપરાંત સુરતમાં કે અન્યત્ર કોઈ નેતા કે મંત્રી આવે છે તો રસ્તાની બંને બાજુએ લોકોને બસ ભરી ભરીને ખડકી દેવાય છે. કોઈ મંત્રીની ચૂંટણીસભા હોય કે કોઈ પ્રોજેક્ટનું લોકાર્પણ હોય તો લોકો પોતાને અર્પણ કરવા જાતને લઈને કલાકો સુધી ટાઢ-તડકામાં, તાળીઓ કે ચિચિયારીઓ પાડતાં ઊભાં હોય છે કે થાકીને બેસી પડતાં હોય છે. લાઇન ઓછી લાગે તો વર્ગો ખાલી કરાવીને, બાળકો સહિત માસ્તરોને મંગાવી લેવાતા હોય છે. વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનની ખાતરી હોય છે એટલે એ નેતાના પ્રમોશનમાં, મોશન હોય કે ઈ-મોશન, લાઇનમાં ઊભા રહી જાય છે. લાઇનની કોઈને નવાઈ નથી, બલકે, લાઇન ન લાગે તો નવાઈ લાગે એમ બને. નોરતામાં કે નવાં વર્ષે મંદિરોમાં માતાજીને વહેલાં ઉઠાડી મૂકવાં લોકો લાઈનોમાં એટલી ધક્કામુક્કી કરે છે કે લાઇન તો રહે કે ના રહે, ધક્કામુક્કી તો રહે જ છે. ખબર નથી પડતી કે લોકો પાસે એટલો સમય કેવી રીતે ફાજલ પડે છે, હવે આટલી નવરાશ હોય ત્યાં મેટ્રો, બુલેટ ટ્રેન કે વંદે ભારત જેવી ટ્રેનો દોડાવીને સરકાર કોનો સમય બચાવવા માંગે છે તે નથી સમજાતું.
હજારોની ભીડ કોઈ ભેગી કરવા ધારે તો આપણે ત્યાં બહુ વાંધો આવતો નથી. શામળાજીમાં શરદ પૂર્ણિમાએ મહાઆરતી થઈ તો ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું, એમ જ અંબાજીમાં 30 હજાર દીવડાં શરદપૂનમે ઝગમગ્યાં તો એનું અજવાળું ભક્તો ન ઝીલે એવું તો બને જ કેમ? એમ જ ભાદરવી પૂનમે અંબાજીમાં ભરાતા મેળામાં ભક્તો માતાજીને ગૂંગળામણ થાય એ હદે ઘેરી વળતા હોય છે. આ તો ગુજરાતની વાત થઈ, પણ જમ્મુ-કાશ્મીરમાં 2022ની જાન્યુઆરીની પહેલી જ તારીખે વૈષ્ણોદેવી ભવનનાં પરિસરમાં થયેલી ધક્કામુક્કીમાં 12 જણાંનાં મોત થયાં હતાં. ઓગસ્ટની આઠમી તારીખે રાજસ્થાનનાં ખાટુશ્યામ મંદિરમાં નાસભાગ થઈ હતી ને ત્રણ જિંદગી ઓછી થઈ ગઈ હતી. મંદિરે પહોંચવામાં રેલવે ટ્રેક પર જ ચાલ્યા કરતા ભક્તો ટ્રેન ફરી વળતાં કટકે કટકા થઈ જતાં હોય એવી એકથી વધુ ઘટના આ દેશમાં બની છે ને આ બધું અહીં જ થાય છે એવું નથી, એપ્રિલ 30, 2021 ને રોજ ઇઝરાયેલમાં પણ યહૂદીઓનાં ધર્મસ્થાન પર ભારે ભીડ થતાં 44 લોકોનાં મોત થયાં હતાં. હજયાત્રા દરમિયાન પણ ભારે ભીડ થતાં લોકો જીવ ગુમાવે છે તે કોઇથી અજાણ્યું નથી. ઈરાની યાત્રીઓ, વિરુદ્ધ દિશાએથી આવતા સાઉદીના મીનામાં પણ ભારે ધક્કામુક્કી થતાં 769 લોકોનાં મોત થયેલાં તે પણ ભુલાય એવું નથી. કૈં નથી થતું ત્યાં સુધી તો બધું ઠીક છે, પણ જરા કૈં છમકલું થાય છે કે મોટી જાનહાનિના અનેક દાખલાઓ સામે આવી જાય છે, જો કે, આપણે એમાંથી ભાગ્યે જ કોઈ બોધપાઠ લેતા હોઈએ છીએ.
બજારોમાં, મંદિરોમાં, દિવાળીના તહેવારોમાં, મહારાજોની કથા-વાર્તામાં, નેતાઓની સભામાં લોકો આડેધડ ખડકાતા હોય છે. નવાં વર્ષે મંદિરોમાં કે કોઈ પણ તીર્થસ્થાનોમાં વહેલી સવારે ધસી જવાથી જ ભગવાન પ્રસન્ન થાય એવું ભક્તો માને છે. એવી ભીડમાં સામાન ચોરાય, અથડામણ થાય કે જીવ જાય, તેની કોઈને પરવા હોતી નથી. આ સ્થિતિમાં વર્ષો પછી પણ ફેર પડયો નથી. એમાં ભણેલાં હોય કે અભણ, સરખી જ (અંધ)શ્રદ્ધા ધરાવતા હોય છે, તો જેને વૈજ્ઞાનિક અભિગમ કહીએ છીએ તે કયાં હોય, તે નથી ખબર. અહીં એવું કહેવાનું નથી કે ભક્તોએ કે યાત્રાળુઓએ ઘરની બહાર નીકળવું જ ન જોઈએ. ઉત્સવો, તહેવારો આનંદ માટે જ તો છે, પણ આનંદ ને બદલે દુ:ખ જ ભાગે આવતું હોય, તો જે ચાલે છે એ અંગે પુનર્વિચાર થવો જોઈએ કે કેમ? એ નક્કી છે કે ભગવાનો મંદિરમાં બારે માસ વસે છે ને ભક્તોનું એ ભલું જ કરે છે, તો અમુક ચોક્કસ દિવસે જ મંદિરોમાં કે પરિસરોમાં ધસી જવામાં શાણપણ ખરું? ખબર હોય કે રેલવેના પાટા પર ચાલીએ તો ટ્રેન ગમે ત્યારે આવી ધમકે એમ છે, પછી પણ પાટા પર ચાલ્યા જ કરીએ તો ભગવાન પાસે આવે કે ન આવે, પણ આપણે તો ભગવાન પાસે પહોંચી જ જઈએ એમાં મીનમેખ નહીં. રસ્તાઓ સાંકડા હોય કે પર્વતો પર હોય, ત્યાં અમર્યાદ ભીડ થાય અને કોઈ નાનકડી અફવા ફેલાવે કે ડિંગલી કરે તો નાસભાગ થયા વગર ન જ રહે તે સ્પષ્ટ છે. તે વખતે તો દરેક જણ પોતાનો જીવ બચાવવા જ બેબાકળું થાય ને ત્યારે પોલીસ પણ ભીડને કાબૂ ન કરી શકે એમ બને. એવામાં જાનહાનિ થાય તો તેને માટે કોને જવાબદાર ગણીશું?
આ ઉપરાંત ભારતમાં લોકશાહી છે ને અહીં દરેક ધર્મ તરફ સમભાવની દૃષ્ટિ રાખવાનો મહિમા છે, પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં પ્રજાને ધાર્મિક ઉશ્કેરણીનો ભોગ બનાવાઇ રહી છે તે કોઈ રીતે યોગ્ય નથી. એ સંદર્ભે સુપ્રીમકોર્ટે પણ ખેદ વ્યક્ત કરતાં કહ્યું છે કે ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા છીએ ! સુપ્રીમકોર્ટની આ ટકોર અનેક રીતે સૂચક છે. સાચું તો એ છે કે મોટે ભાગની પ્રજા સંવેદનશીલ અને ભોળી છે. મોટા ભાગનું તો તે દેખાદેખી અને દેખાડવા જ કરે છે. તહેવારોમાં ઘણાં મંદિરોમાં ધસારો થાય જ છે. એમાં પાછું અમુક દિવસનું માહાત્મ્ય હોય છે. ત્યારે ભક્તો જીવ પર આવી જઈને માતાને કે મહાદેવને વીંટળાઇ વળવા મથે છે. એમાં જે વીર હોય તે દર્શન પામે ને જે નથી તે વીરગતિને પામે એમ પણ બને.
જરા એ વિચારીએ કે ઘણા લોકો બહાર બહુ નીકળતા નથી, છતાં મંદિરોમાં આટલી ભીડ થાય છે, તેને બદલે બધાં જ જો ભક્તિ બતાવવા મંદિરો તરફ આંધળુકિયાં કરે તો લાગે છે કે કોઈ ભક્ત કે ઇવન કોઈ ભગવાન પણ સલામત રહે? ઘણાં બચી જાય છે, તે ઘણાં ભીડ નથી કરતાં એટલે. એવું નથી કે જે ઘરમાં રહે છે તે નાસ્તિક છે કે તેમને પૂજાપાઠ કરવામાં રસ નથી. એ અધાર્મિક નથી. જે ભક્તિ બહાર થાય છે તે આ ભક્તો ઘરે રહીને કરે જ છે. એ ઘરે રહે છે એટલે જ બીજા મંદિરોમાં ભીડ કરી શકે છે. તેથી મંદિરે જાય તે જ ધાર્મિક એવું નથી. એ પણ છે કે શક્તિ પ્રદર્શન હવે રાજકીય ક્ષમતા દાખવવાનું સાધન છે એટલે પક્ષ કે ધર્મનો દેખાડો ન થાય તો સત્તાધારીઓના દાખલા ખોટા પડે એમ છે. ટૂંકમાં, ધર્મ પણ રાજકીય ગણિતનું એક મહત્ત્વનું પરિબળ છે, એ કારણે પણ ધર્મ બજારમાં આવી વસ્યો છે.
રહી વાત રાજકીય સભા-સરઘસોની, તો ત્યાં તો ભીડ વગર નેતાઓ, મંત્રીઓને ચાલે એમ જ નથી. જેટલી ભીડ, એટલું સમર્થન ! આ સૂત્ર રાજકીય સમીકરણો ગોઠવી આપે છે. એટલે ત્યાં વ્યવસ્થા હોય કે ન હોય, લોકો સામે જોઈએ એ સ્વયં સ્પષ્ટ છે. એમાં પણ ઘણા લોકો નથી જ જતાં. એ બધા સરકાર વિરોધી છે, એવું નથી, તો જે ટોળાંમાં હાજર છે તે વિપક્ષને જિતાડે એમ પણ બને. એટલે પીળું એટલું સોનું નહીં એ સમજી લેવાનું રહે. ભગવાન કહેતો નથી કે ભીડ કરો ને નેતા તો કહે જ છે કે ભીડ તો જોઈએ જ ! સત્ય એ બેની વચ્ચે ક્યાંક હોય તો હોય. એક પ્રજા અને ભક્ત તરીકે આપણે, આપણો વિવેક દાખવવાનો રહે. જેનું જાય છે તેનું તો જાય જ છે ને એ ખોટ કોઈ વળતરથી પુરાતી નથી, વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ઑક્ટોબર 2022