
હિતેશ રાઠોડ
હજુ તો હમણાં જ પતંગોના પેચ લડાવી ઉત્તરાયણ ઉજવી હતી ને ત્યાં તો વર્ષનું અંતિમ પર્વ દિવાળી પણ આવી ગઈ. એમ લાગે કે વરસો કેટલા ઝડપથી વીતી રહ્યા છે. વરસો જાણે કે બટકણા થઈ ગયા છે, વર્ષ શરૂ થાય ન થાય એટલામાં તો બટકી જાય છે, પૂરું થઈ જાય છે! સમય ઘડિયાળમાંની રેતની જેમ એ જીવનમાંથી સરકતો રહે છે. પતંગ ચગાવવાથી લઈ ફટાકડા ફોડવા સુધીનો સમય (અર્થાત વરસ) કેટલી ઝડપથી પસાર થઈ જાય છે એનો ખ્યાલ પણ નથી રહેતો.
દિવાળીના સપરમાં દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ બજારો અને લોકજીવનમાં એક અનેરો ઉત્સાહ, ઉલ્લાસ અને રોનક ઝળકવા લાગે છે. દિવાળીના અંતિમ દિવસોમાં વેપારીઓ બને એટલું વધુને વધુ કમાઈ લઈ વરસ સુધારવા તત્પર હોય છે. લોકો પણ પોતાની ગજાશક્તિ મુજબ ચીજવસ્તુઓ, કપડાં-લત્તા, બૂટ-ચંપલ, રાચરચીલું, ફટાકડા, રંગો, રોશની, મીઠાઈ, વાહનો, ઘર-બંગલાઓ વગેરે ખરીદીને જાણે ખુશીઓ પોતાની ઝોળીમાં એકસામટી ભરી લેવા ઉત્સુક હોય છે. વર્ષ ભરની કમાણી જાણે કે દિવાળીના તહેવારોમાં લૂંટાવી દેવા માગતા હોય એવો એક માહોલ સર્વત્ર જોવા મળે છે.
પણ જરાક થોભો, આ બધું એ લોકોને લાગું પડે છે જેઓ ખાધે-પીધે સુખી અને સાધન-સંપન્ન છે અને જેમના માટે આર્થિક તંગી કે નાણાના અભાવ જેવી કોઈ વસ્તુ જ જીવનમાં નથી. અમુક અપવાદને બાદ કરતા સમાજનો આ સાધન-સંપન્ન વર્ગ માત્ર ને માત્ર પોતા માટે જીવે છે. એમના માટે નિજ પરિવાર સિવાયના લોકોનાં દુ:ખો, વેદનાઓ, વ્યથાઓ, અગવડો, મુશ્કેલીઓ, પરેશાનીઓ, હાડમારીઓ, વિટંબળાઓ વગેરેનું કોઈ જ મહત્ત્વ નથી. સમાજના આ વર્ગના લોકો હંમેશાં નિજાનંદમાં મસ્ત રહેતા હોય છે. તેમના જીવનનો એક જ સિદ્ધાંત હોય છે કે ‘આપ સુખી તો જગ સુખી’, જગત જાય જહન્નમમાં. આપણે આપણું કરો ને ભોગવાય એટલા સુખો ભોગવી લો અને લૂંટાય એટલી ખૂશીઓ લૂંટી લો (બીજો મનુષ્ય અવતાર આમે ય ક્યાં મળવાનો છે!). આ થિયરી પર જ આ લોકો ચાલતા હોય છે. અને જોવા જઈએ તો એમાં કંઈ ખોટું પણ નથી. પોતાની કમાણીમાંથી જેટલા સુખ-સગવડો ભોગવી લેવાય એટલા ભોગવી લેવા જોઈએ અને લ્હાવો લેવાય એટલો લઈ લેવો જોઈએ, મનુષ્ય અવતાર ક્યાં વારે વારે મળવાનો છે.
શું મનુષ્ય જીવનનો એકમાત્ર ઉદ્દેશ સુખ-સુવિધાઓ ભોગવી લેવાનો જ છે? ના જરા ય નહીં. કેમ કે પોતાનું અને પોતાના બચ્ચાનું પેટ તો પશુ-પક્ષી અને જનાવર પણ ભરે છે જેમને ભગવાને મનુષ્ય જેટલી બૌદ્ધિક ક્ષમતા આપી નથી. તેઓ કોઈપણ બુદ્ધિ, ભણતર, આવડત, કલા-કસબ અને કૌશલ્ય વિના પણ એટલું તો કરી જ લેતા હોય છે. આ રીતે જોઈએ તો ભોગવાદી મનુષ્ય અને પશુ-પક્ષીઓમાં બહુ કંઈ ઝાઝો ફેર હોય એમ લાગતું નથી. પણ મનુષ્ય તરીકે ભગવાને આપણને કેટલીક વિશિષ્ટ શક્તિઓ અને ક્ષમતા આપી છે જેનો ઉપયોગ આપણે પોતાના ભલા માટે તો કરી શકીએ છીએ પણ જો ઇચ્છીએ તો બીજાના ભલા અને હિત માટે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ, અને આ એક જ બાબત એવી છે જે મનુષ્યને અન્ય જીવો કરતાં એક અલગ ઓળખ આપે છે અને મનુષ્ય તરીકેની આ અદ્દભુત શક્તિ અને આવડતનો ઉપયોગ કરીને જ મનુષ્ય બીજા મનુષ્યોને તેમ જ જીવસૃષ્ટિના અન્ય જીવોનું કલ્યાણ કરી શકે છે.
વળી આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે જે કંઈ કમાણી કરીએ છીએ તેમાંની સો ટકા કમાણી આપણી પોતાની મહેનતની જ હોય છે સાવ એવું પણ નથી હોતું. કાવા-દાવા, દાવપેચ અને હરીફાઈના આ યુગમાં ઘણી બધી કમાણી (પછી એ કોઈપણ વર્ગ હોય, મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, વેપારીઓ હોય કે સરકારી નોકરીમાં કૌભાંડો અને ગોટાળા કરી રૂપિયા સેરવવા ઉપરાંત પ્રજાની કમાણીમાંથી લાખો રૂપિયાનો પગાર મેળવતા સરકારી અધિકારીઓ હોય) આપણે “બીજા” માર્ગોથી પણ કરી હોય છે (અહીં બીજા માર્ગો ક્યા એ કહેવાની જરૂર ખરી?), અને એમાં કંઈ ખોટું નથી એમ આપણે સહજપણે વળી સ્વીકારીએ પણ છીએ! આપણે જ્યારે આ “બીજા” માર્ગોથી કમાણી કરીએ છીએ ત્યારે આપણને મનમાં એવો સહેજ પણ વિચાર નથી આવતો કે જો વધુ કમાઈ લેવા માટે આપણે આવા “બીજા” માર્ગોનો ઉપયોગ કર્યો ન હોત તો કદાચ અન્ય જરૂરિયાતમંદ લોકોને ભાગે થોડી વધુ આવક આવી શકી હોત અને તે લોકો તેમની જરૂરિયાતોને વધુ સારી રીતે સંતોષી શક્યા હોત. યાદ રહે કે આપણે જેટલા વધુ આપણી ચતુરાઈનો ઉપયોગ કરીને આવા “બીજા” માર્ગોથી જેટલા વધુ પૈસા ભેગા કરી સંગ્રહ કરતા રહીશું એટલા વધુ જરૂરિયાતમંદ લોકો તેમની પાયાની જરૂરિયાતો સંતોષવાથી વંચિત રહી જશે. કારણ કે આપણી કહેવાતી ચતુરાઈ અને બુદ્ધિનો ઉપયોગ કરીને જેટલા વધુ પૈસા ભેગા કરીશું એટલા વધુ નાણાં કોઈ એક ચોક્કસ વર્ગ સુધી કેન્દ્રિત થાય છે અને બને છે એવું કે પૈસો અનાવશ્યક રીતે અમુક એક જ જગ્યાએ ભેગો થાય છે અને જેમને ખરેખર એટલી જરૂર નથી તેવા લોકો ધનની રેલમછેલમાં આળોટે છે અને જે લોકો એક એક રૂપિયો કમાવા માટે વલખા મારતા હોય છે તેઓ તેમની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શક્તા નથી. એટલું જ નહિ એમાંના ઘણા લોકોએ તો કદાચ ભૂખ્યા પણ સૂઈ જવું પડતું હશે. બસ આ સ્થિતિ જ સૌથી વધુ ખતરનાક છે કારણ કે મોટા ભાગના અનિષ્ટો આ ભૂખ નહિ સંતોષાવાની પરિસ્થિતિમાંથી જ પેદા થાય છે. ભૂખ જે કરાવે એ બીજુ કોઈ ન કરાવે. આપણી પાસેની વધારાની સંપત્તિમાંથી આપણે જો જરૂરિયાતમંદોને સમયસર નહિ આપીએ તો એક દિવસ એવો આવશે કે તેઓ આપણી પાસેથી છીનવી લેશે.
સમાજમાં એક બહોળો વર્ગ એવો છે જે સખત મહેનત કરવા છતાં પોતાની મહેનત પૂરતું પણ કમાઈ શકતો નથી. દિવાળી તો દૂર તેઓને બે ટંકનું ભોજન પણ પ્રાપ્ય બનતું નથી. બીજી બાજું એક વર્ગ એવો પણ છે જેમની પાસે રૂપિયા-પૈસા, સંપત્તિ-મિલકત, ધન-દોલત, સુખ-સાહ્યબી એટલા વિપુલ પ્રમાણમાં છે કે તેઓની પેઢીઓની પેઢીઓ બેઠા બેઠા ખાય તો પણ ખૂટે એમ નથી. આ વિરોધાભાસની સ્થિતિ જ સમાજ માટે ક્યારેક હાનિકારક સાબિત થઈ શકે છે. સમાજના ધનાઢ્ય વર્ગની વહેંચીને ખાવાને બદલે માત્ર પોતાનાઓ માટે જ બધું ભેગા કરતા રહેવાની ભોગવાની અને એકલપેટી વૃત્તિ જ આવકની અસમાનતાની ખાઈને વધુ પહોળી કરવા માટે જવાબદાર છે. એક કહેવત છે કે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જ્યારે અતિ પ્રબળ થશે અને તેમની પાસે ભૂખ ઠારવાનો કોઈ ઉપાય નહિ બચે ત્યારે તેઓ ભયંકર રીતે હિંસક બની બીજાનું છીનવી શકે છે.
આ સૃષ્ટિમાં જન્મ લેતા પ્રત્યેક મનુષ્યને ભગવાને એટલી તો શક્તિ આપી જ હોય છે કે તે પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી શકે. જે લોકો પાસે કોઈ સારું ભણતર કે કોઈ વિશેષ આવડત, કારીગરી કે કલા-કસબ નથી તેવા લોકોને પણ ભગવાન તનતોડ મહેનત કરવાની શક્તિ તો આપી જ દે છે જેથી કરીને તે એટલી મહેનત કરીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી શકે. પરંતુ આપણે જ્યારે આપણી કહેવાતી બુદ્ધિ, ચતુરાઈ અને ચાલાકીથી “બીજા” માર્ગોનો ઉપયોગ કરી માત્ર ને માત્ર ભૌતિક સુખ-સગવડો માટે આપણી જરૂરિયાત કરતાં વધુ નાણાં ભેગા કરી આવા મહેનતું અને પ્રમાણિક લોકોની કમાઈ પણ હજમ કરી જઈશું તો એક દિવસ એવો આવશે કે એ લોકો આપણી પાસેથી છીનવી લેતા વિચાર નહિ કરે અને એ સ્થિતિમાં શું થઈ શકે એ બધા આપણે સારી રીતે જાણીએ છીએ.
દિવાળીનો તહેવાર એ સામૂહિક રીતે ખુશીઓ મનાવવાનો અને ઉલ્લાસનો તહેવાર છે પણ સમાજમાં એવા લોકો પણ છે જેમના નસીબમાં કાયમ એક ટંક જમવાનું જ લખાયેલ હોય છે તેવા લોકોને તો ક્યારેક દિવસમાં બીજો ટંક જમવાનું મળે તો એ દિવાળી બની જાય છે. કહેવાનો મતલબ એ કે આપણે જે કંઈ પૈસા રળીએ એમાં આપણી જરૂરિયાતો સંતોષાય તેવા અને તેટલા ખર્ચા ચોક્કસ કરીએ પણ “બીજા” માર્ગોનો ઉપયોગ કરીને આપણી જરૂરિયાત કરતાં વધુ પૈસા ભેગા કરી બીજાઓની કમાણી ખાવાનો પ્રયાસ ક્યારે ય ના કરીએ. આપણી પાસેના રૂપિયા-પૈસા, સંપત્તિ-મિલકત,, ધન-દોલત, સુખ-સાહ્યબીમાંથી જો થોડું પણ બીજા જરૂરિયાતમંદોને નિ:સ્વાર્થ ભાવે આપીશું તો એ અનેકગણું આપણને પાછું મળી શકે છે.
આવો, આપણે સૌ દિવાળીના આ ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગ અને ઉજાસમય પર્વને એકલપેટા થઈ ન ઉજવતા બીજાઓને પણ આપણી ખુશીઓમાં સહભાગી બનાવીએ અને સાચા અર્થમાં “સર્વે ભવન્તુ સુખિન:”ના જીવનમંત્રને ચરિતાર્થ કરીએ.
e.mail : h79.hitesh@gmail.com