
રવીન્દ્ર પારેખ
દિવાળીમાં દેવાળું ન ફૂંકવું હોય તો માણસ પાસે ઘરવાળી ને કામવાળી હોવી જ જોઈએ એવું હું અંગત રીતે માનું છું. એક વાર ઘરવાળી ન હોય તો ચાલે, પણ કામવાળી ન હોય તો વેન્ટિલેશન બંધ થઈ જાય ને વેન્ટિલેટર પર હોઈએ એવું લાગે. કામ છે ત્યાં સુધી કામવાળી છે. એ રીતે કામવાળી સનાતન છે. સદ્દભાગ્યે મને ઘરવાળી અને કામવાળી, એમ બંને છે. થાય છે શું કે દિવાળીમાં ઘરવાળી અને કામવાળી સાચવ્યાં સચવાતાં નથી. વારતહેવારે ઘરવાળી પિયર જવાની વેતરણમાં હોય ને કામવાળી ગામ જવાની ઉતાવળમાં હોય ! એવું કેટલી ય વખત બન્યું છે કે ધૂળેટીએ ઘરવાળીને રંગવી હોય ને એ પિયરમાં રંગાતી હોય ને કામવાળી પણ એન મોકે મોબાઈલ મારીને કહી દે કે વધારે રંગાઈ જવાને કારણે રજા પર છે. ખરે ટાણે જ આપણું કોઈ ન હોય એ ઓછી કમનસીબી નથી, પણ મૂળે હું માણસ ભલો એટલે મારી ભલમનસાઈનો લાભ એ બન્ને ઉઠાવતાં રહે છે.
જો કે, આ વખતે સરાધિયામાં જ મેં અલ્ટિમેટમ આપી દીધેલું કે જેણે જ્યાં જવું હોય ત્યાં દિવાળી પહેલાં જઈ આવવું, દિવાળી વખતે બન્ને હાજર જોઈએ. પત્નીએ તો સાંભળી લીધું, પણ કામવાળી તડૂકી, ‘દિવાળીમાં આવા કે ની આવા તે અત્તારથી કેવી રીતે કે’મ? કોઈ માંદુંચાંદું પઈડું તો ની બી અવાય.’
‘માંદી પડવાની હોય તો કાલથી જ પડી જા ! દિવાળી પર કોઈ બા’નું ના જોઈએ, સમજી?’
‘આ હારું, મરવા પે’લાં જ ખભે ધોતિયું નાખી દેવાનું !’
‘ધોતિયું કે ટુવાલ, જે નાખવું હોય તે નાખ, પણ દિવાળીમાં રજા પાડી તો બોણી, દોણી ભૂલી જજે !’
બોણીનું નામ પડતાં જ કામવાળી ઢીલી પડી ગઈ. બોલી, ‘હારુ, બાપા ! મરી જવા તો હો દિવાળીમાં આવા, પછી છે કંઇ?’
‘ના આવવું હોય તો ના આવતી, પણ આમ છેક જ ‘બાપા’ તો ના કહે ! હું તને બાપા જેવો લાગું છું?’
‘તો હું, દાદા કે’મ?’
વધારે ફજેતી ન કરાવવા હું નહાવા ભરાઈ ગયો.
૦
એક વાર વાતમાંથી વાત નીકળી તો ઘરવાળીએ પૂછ્યું પણ ખરું, ‘દિવાળીમાં શું કરવું છે તે મને પિયર નથી જવા દેતા?’
‘નથી જવા દેવાનો.’
‘ સારું, નહીં જાઉં, પણ અહીં રહીને કરવાનું શું છે, તે તો કહો.’
‘આ વખતે દિવાળીના નાસ્તા બનાવ.’
‘જે ખાવું હોય તેનું લિસ્ટ આપો. કાલે લઈ આવીશ.’
‘લાવવાનું કંઇ નથી, બધું ઘરે બનાવવાનું છે.’
‘હવે ઘરે કોણ બનાવે છે? જે જોઈએ તે મોલમાં મળી રહે -’
‘બહારનો નહીં, નાસ્તો ઘરમાં ખાવો છે.’
‘બહાર થોડો ખાઈશું? ખાઈશું તો ઘરમાં જ ને !’
‘એક વાર કહ્યું ને ! ઘરમાં બનાવ, ઘરમાં ખાઈશું.’
‘સારું. ઘરમાં બનાવીશ, પણ કામવાળીને રજાની કેમ ના પાડી?’
‘તે એટલે કે એ ન આવે તો એનું કામ તું કરે ને એમાં મારું કામ ન થાય.’
‘મહાલુચ્ચા છો -’, હું તેને રોકવા જ જતો હતો, ત્યાં મને અટકાવતાં એ જ બોલી, ‘સારું, એ કહો કે શું ખાવું છે?’
મારે તો દોડવું હતું ને ઢાળ મળ્યા જેવું થયું. મેં તેને એક પછી એક આઇટેમ ગણાવવા માંડી. ઘણાં વખતથી ખડખડિયાં, થાપડાં, મઠિયાં, ચોળાફળી, ચણાની ઘારી, રવાના ઘૂઘરા, નાનખટાઈ …. વગેરે ખાવું હતું તે કહી દીધું. ઘરવાળી થોડી ગિન્નાઈ, પછી સામે તેની આઇટેમ બનાવવાની દરખાસ્ત મૂકી. મને એની આઈટમ જરા ય ભાવતી ન હતી, પણ મારો નાસ્તો થતો હોય તો ભલે એ એની પણ વાનગી ખાઈ લેતી, મને વાંધો ન હતો. દિવાળીને અઠવાડિયું બાકી રહ્યું એટલે મેં તેને નાસ્તાનો જેન્ટલ રિમાઈન્ડર આપ્યો, તો તે બબડી, ‘આવો નાસ્તો હવે કોઈ ખાતું નથી. ‘ખડખડિયાં, હં !’ નામ જ કેવું ખરબચડું છે? બોલતાં જ જીભ છોલાઈ જાય.’
‘એવું હોય તો તું એને સુંવાળી કહેને !’
‘થાપડાં ! આવું તે નામ હોય? બોલતાં જ કોઈએ થાપડ મારી હોય એવું લાગે.’
‘થાપડા નહીં બનાવે તો થાપડ ખાવાની જ આવશે.’
‘મારે?’
‘ના, મારે !’
‘થાપડાં ખવડાવીશ, પણ મને મદદ કરવી પડશે.’
મેં હકારમાં ડોકું ધૂણાવ્યું, ત્યારે ખબર નહીં કે દિવાળી સુધીમાં મારું ડોકું ધૂણેલું જ રહેશે. સારું છે કે ઘરવાળી એક જ છે, વધારે હોત તો ડોકું જ રહ્યું ન હોત ! આમે ય પરિણીતને પછી ડોકું નથી રહેતું તેવું હું અનુભવે કહી શકું છું. એની વે, કામવાળી તો આવતી રહી નિયમિત, પણ ઘરવાળી, મારી પાસે ઘર વાળીને સાફ કરાવતી રહી. મને હતું કે આજે નહીં તો કાલે, મારો નાસ્તો બનશે, પણ એ તો મારો નાસ્તો કરતી રહી. ખબર ન પડી કે ઘર ચોખ્ખું થયું કે હું સાફ થયો ! એ પછી પણ મારો નાસ્તો તો ટલ્લે જ ચડતો ગયો. બહુ બબડ્યો તો થાપડાં થયા, ચોળાફળી થઈ, પણ ઘારી-ઘૂઘરાનું તો સૂરસૂરિયું જ થયું. એક દિવસ તો ખુદ કામવાળી બોલી, ‘ભાભી, ભાઈને માટે કંઇ કઈરું કે ની?’
ઘરવાળી બોલી, ‘આ બધું એમને માટે જ તો છે, આજે સાંજે તો પિત્ઝા કરવાની છું.’ કામવાળી તો એવી હરખાઈ કે તેનું મોં અડધો પિત્ઝા ઠૂંસ્યો હોય તેમ આખું ભરાઈ ગયું. રોટલા થાપતી હોય તેમ તાળીઓ વગાડતી એ તો ગઈ ને હું ટોપિંગ બાકી હોય તેવા પિત્ઝાના રોટલા જેવો ફેલાઈને પડી રહ્યો. પડ્યે પડ્યે મેં જોયું તો ઘર ભરાય એટલો નાસ્તો ઘરવાળીએ કર્યો હતો. મસાલાની પૂરી તળાતી હતી, પણ મને ગમતું કંઇ થતું ન હતું ને થાય એમ લાગતું ન હતું. તે એક જ કારણે કે ઘરવાળીને ગળપણ જોડે બાપે માર્યાં વેર હતાં. તેને એમ જ હતું કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય. એ વહેમ મારા એકના એક સસરાએ તેને ભરાવેલો હતો. એ ખરું કે મને ડાયાબિટીસ હતો જ ને હવે ફરી થવાનો ન હતો ને દવાથી કાયમ ૧૦૦ની નીચે રહેતો હતો, પણ મારા સસરા સ્વયં ‘દોઢડા’યા’બિટીસ હતા એટલે મારી ઘરવાળીને ભરમાવતા રહેતા કે ઘરમાં ગળ્યું કશું કરવું જ નહીં કે ડાયાબિટીસનું જોખમ રહે.
ઘરવાળીનું ચાલે તો એ ગોળ-ખાંડમાંથી પણ ગળપણ કાઢી લે ને મારું એવું હતું કે હું નખશિખ ગળપણનો બનેલો હતો. નાનો હતો ત્યારથી મને ગળ્યું ખૂબ ભાવતું. ખૂબ એટલે ખૂબ જ ! દિવાળીમાં કોઈ ઘરે નાનખટાઈ પાડતું તો તેની સુવાસથી મારું નાક ગળ્યું ગળ્યું થઈ જતું. હું ગંભીરપણે માનતો કે ગળપણ, ઘડપણને દૂર રાખે છે. તક મળતી ત્યાં હું બોલતો ય ખરો, ‘જે ની ખાય ગળ્યું, તેનું જીવતર બળ્યું.’ ઘરવાળીને એમ જ લાગતું કે આ હું તેને સંભળાવું છું ને તેનું પરિણામ એ આવતું કે મારી વાતમાંની મીઠાશ પણ એ કાઢી લેતી. એ કાઢતી વખતે એની નજરમાં એવી મીઠાશ વધતી કે એને કોઈ જુએ તો પણ ડાયાબિટીસ થઈ જાય !
સાચું કહું તો આ વખતે મારે ચણાના દાળની ઘારી ખાવી હતી. ઘૂઘરા તો બજારમાં મળી રહે, પણ આ ઘારી દિવાળી વખતે જ ઘરમાં બનતી. માવાની ઘારી પણ મીઠાઈની દુકાનમાં મળી જાય, પણ દળનો સાંજો ભરીને મારી બા એ ઘારી બનાવતી ને ફરતે એવી ઝીણી કાંગરી કરતી કે આજે એ યાદ કરું છું તો આંખે ઝૂલ પડે છે. ખબર નહીં પણ કેમ, કાળીચૌદસે વહેલી સવારે ઘરવાળી ઘારી બનાવતી દેખાઈ. એક ઘારી મારી સામે ધરતાં એ બોલી, ‘આવી જ બનાવવાનું કહો છો ને?’
હું એને જોઈ રહ્યો.
દૂર ક્યાંક કનકતારાનું સોનેરી અજવાળું થયું ને તે ઘરવાળી પર પડ્યું ને પડેલું જ રહ્યું ….
000
e.mail : ravindra21111946@gmail.com
“અભિયાન” સાપ્તાહિકના દીપોત્સવી અંકમાં પ્રગટ હાસ્યલેખ