તમે એક વાત નોંધી? આજકાલ ભારતભરમાં કોઈ પણ જગ્યાએ દુર્ઘટના ઘટે એટલે શાસકો વિના વિલંબે મોટી રકમ રાહત તરીકે જાહેર કરી દે છે. મલાડમાં ભીંત તૂટવાની ઘટના ઘટવાની હોય, રત્નાગિરીમાં બંધ તૂટવાની ઘટના હોય, બિહારમાં મસ્તિષ્ક જ્વરમાં બાળકોનાં મરવાની ઘટના હોય કે એવી બીજી કોઈ પણ ઘટના હોય; શાસકો ઘટના બનતાની સાથે જ મોટી રકમની રાહતની જાહેરાત કરી દે છે. સરકાર ગમે તેની હોય, આ તત્પરતા તમને દેશભરમાં જોવા મળશે. તમને એમ લાગતું હોય કે શાસકો કૃપાળુ છે, દુર્ઘટના જોઈને તેમની આંતરડી કકળે છે, દુ:ખી પરિવારજનોને તાત્કાલિક મદદરૂપ થવા તેઓ દોડી જાય છે, તો તમે ખોટા છો.
આ રાહત દુર્ઘટનાગ્રસ્તોને મદદરૂપ થવા માટેની નથી, પરંતુ શાસનની નિષ્ફળતાનું વળતર છે. છે તો આ વળતર, જેને રાહત તરીકે જાહેર કરવામાં આવે છે અને ખરું પૂછો તો એ નથી વળતર કે નથી રાહત; પણ મૂંગા રહીને દુ:ખ સહન કરી લેવાની કિંમત છે. શાસનની નિષ્ફળતા સ્વીકારી લો અને પૈસા લઈને મૂંગા રહો. એક રીતે જુઓ તો ઘૂસ છે. પ્રજાને આ વાતની જાણ પણ નથી કે તેમની શાંતિ અને અપમાન પૈસા આપીને ખરીદવામાં આવે છે.
પહેલાં આવું નહોતું બનતું. પહેલાં દુર્ઘટનાની તપાસ કરવામાં આવતી હતી, બીજીવાર આવી ઘટના ન બને એ માટે ઉપાયો સૂચવવામાં આવતા હતા. જવાબદારોની સામે ખટલા માંડવામાં આવતા હતા અને સજા થતી હતી. અમલદારોની સર્વિસ બુકમાં શેરો મૂકવામાં આવતો હતો જેને કારણે બઢતીમાં મુશ્કેલી પડતી હતી. ઘટના જો કોઈ મોટી હોય તો તપાસપંચ બેસાડવામાં આવતાં. શાસનની નિષ્ફળતા એ શાસકો માટે ચિંતા ઉપજાવવનારી ઘટના હતી અને વિરોધ પક્ષો સક્રિયપણે શાસકોના કાન આમળતા હતા. સ્મરણને બે-ત્રણ દાયકા પાછળ લઈ જાઓ, આવા પણ દિવસો હતા એની યાદ આવશે. ઘણીવાર તો સગાંઓએ વળતર માટે અદાલતમાં જવું પડતું. સામેથી પહેલી તકે વળતર આપવામાં નહોતું આવતું.
એ દિવસોમાં રામરાજ્ય હતું એવું નથી. ભ્રષ્ટાચાર અને શાસનની નિષ્ફળતાની સમસ્યા ત્યારે પણ હતી. ફરક એ છે કે ત્યારે આવું અપવાદરૂપે બનતું હતું, અત્યારની જેમ છાશવારે નહોતું બનતું. આજે શાસકોને સમજાઈ ગયું છે કે શાસન તળિયે ગયું છે અને હવે તેની ગુણવત્તા સુધારવાનો કોઈ માર્ગ જ નથી બચ્યો. જ્યારે કાંઈ થઈ શકે એમ જ નથી ત્યારે ખોટાં નાટક કરવાની જગ્યાએ અને એ રીતે વધારે ઊંડા વમળમાં ફસાવાની જગ્યાએ દુર્ઘટનાગ્રસ્તોને પૈસા આપીને શાંતિ ખરીદવી શું ખોટી? બીજા શબ્દોમાં કહીએ તો શાસકોએ હાથ ઊંચા કરી દીધા છે. જે છે એ આવું શાસન છે, જો તેની તમારે કિંમત ચુકવવાની આવે તો પૈસા લઈ જાવ. આનાથી વધારે અમે કાંઈ કરી શકીએ એમ નથી.
મુંબઈની સડકો પર જેટલા પેવરબ્લોક બેસાડવામાં આવે છે એનો એક હિસ્સો મંત્રાલય સુધી જાય છે. જે તે કમિટીઓ ટેન્ડર પાસ કરે છે અને તેમાં વિરોધ પક્ષના સભ્યો પણ હોય છે. કેન્દ્ર સરકાર જેટલા મોટા પ્રોજેક્ટ હાથ ધરે છે તેમાં એક હિસ્સો દિલ્હી સુધી જાય છે. ત્યાં પણ પ્રોજેક્ટોને મંજૂર કરનારી અને ટેન્ડર પાસ કરનારી કમિટીઓમાં વિરોધ પક્ષો હોય છે. કામનું નિરીક્ષણ કરનારી સમિતિઓ એમ દરેક જગ્યાએ શાસક પક્ષ અને વિરોધ પક્ષના સભ્યો હોય છે અને તેઓ મળીને પૈસા ખાય છે. કોણ કોનો કાન આમળે જ્યારે બધા જ મળેલા હોય! એટલે તો વિધાનસભામાં કે સંસદમાં ઝીરો અવરમાં કોઈ દુર્ઘટનાની ભાગ્યે જ ચર્ચા થાય છે. તમને નજીકના ભવિષ્યમાં થયેલી કોઈ ચર્ચા યાદ છે? રાહત આપી દો એટલે પ્રજા ચૂપ રહેશે અને આપણે કમાતા રહીશું.
એક બીજું પરિવર્તન પણ નોંધવું રહ્યું. આજકાલ મોટાભાગના પ્રોજેક્ટો પ્રજાકીય જરૂરિયાતના ભાગરૂપે હાથ ધરવામાં નથી આવતા પણ કોન્ટ્રાક્ટરોના કહેવાથી તેમના તેમ જ શાસકવર્ગના લાભાર્થે હાથ ધરવામાં આવે છે. કોન્ટ્રક્ટરો પ્રોજેક્ટો શોધી કાઢે છે. જેમ કે બી.આર.ટી. (બસ રેપીડ ટ્રાન્ઝીટ) પ્રોજેક્ટ. ભારતનાં કેટલાંક શહેરોમાં સડકની વચ્ચોવચ્ચ સરકારી બસો માટે રીઝર્વ કૉરીડૉર રાખવામાં આવી છે. એ રીઝર્વ કૉરીડૉરમાં બીજાં વાહન ચાલી ન શકે. માત્ર બસ જ ચાલી શકે કે જેથી જાહેર પરિવહનનો ઉપયોગ કરનારાઓ વહેલાસર તેમના નિર્ધારિત સ્થળે પહોંચી શકે. દરેકને ઉપાય સરસ લાગ્યો અને મંજૂરી મળવા લાગી. એક પછી એક શહેરમાં બી.આર.ટી. કૉરીડૉર આવવા લાગી એ પછી ધ્યાનમાં આવ્યું છે કે કૉરીડૉર અંદરના ભાગમાં હોવાથી વૃદ્ધોને પહેલી કૉરીડૉર ઓળંગીને બસ સ્ટોપ સુધી જવામાં મુશ્કેલી પડે છે.
આ અડચણ પહેલાં ધ્યાનમાં ન આવી હોય એવું બને? ન જ બને. માની લો કે ધ્યાનમાં નહોતું આવ્યું તો કોઈ એક સ્થળે પ્રયોગ કરીને પરિણામ જોઈ લેવું જોઈતું હતું. શા માટે ભારતનાં અનેક શહેરોમાં અને શહેર આખામાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે? પૈસા કમાવા. કોન્ટ્રાક્ટરોએ આઈડિયા આપ્યો, શાસકોએ મંજૂર રાખ્યો, બધા પક્ષોએ મળીને પોતાનો હિસ્સો રાખીને કોન્ટ્રાક્ટરના ટેન્ડરને મંજૂરી આપી. યોજના વ્યવહારુ છે કે નહીં તેની ચકાસણી નહીં કરવામાં બીજો એક લાભ છે. અનુભવે અડચણ ધ્યાનમાં આવી એમ કહીને સડકને કિનારે બીજી કૉરીડૉરનો કોન્ટ્રાક્ટ આપી શકાય અને એ રીતે ફરી વાર કમાઈ શકાય. મુંબઈમાં બાંધવામાં આવેલા સ્કાય-વોક આવું બીજું ઉદાહરણ છે. લોકો-સ્કાય વોકનો ધારણા મુજબ ઉપયોગ કરતા નથી અને સ્ટેશનની નજીકના ભીડવાળા વિસ્તારોમાં ટ્રાફિકમાં અવરોધ પેદા કરે છે એટલે તેને તોડી નાખવામાં આવે. એક વાર બાંધીને કમાવાનું અને બીજી વાર તોડીને કમાવાનું.
દરેકે દરેક સેવા તૂટી પડી છે. શાસકો આ જાણે છે એટલે પહેલી તકે અને બને એટલી મોટી રકમ રાહત તરીકે આપી દેવામાં આવે છે. હકીકતમાં આ શાસનની નિષ્ફળતાનું વળતર છે. દેશમાં જે દુર્ઘટનાઓ બની રહી છે એ દુર્ઘટના કહેતા અકસ્માત નથી, પણ ખૂન છે. દર વર્ષે શાસકો અને કોન્ટ્રાક્ટરો મળીને વીસેક હજાર ભારતીય નાગરિકોનાં ખૂન કરે છે.
આપણને કોઈ ફરક પડતો નથી. ભારત વર્લ્ડ કપ જીતશે એટલે ભારત દેશ મુઠ્ઠી ઊંચેરો સાબિત થઈ જશે!
09 જુલાઈ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 જુલાઈ 2019