Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડાયસ્પોરા નવલકથાકાર એમ.જી. વસનજીનું સાહિત્ય-વિશ્વ

રંજના હરીશ|Diaspora - Literature|19 December 2017

કેનેડામાં સ્થાયી થયેલ ઇન્ડો આફ્રિકન મૂળ ધરાવતા લોકપ્રિય સમકાલીન નવલકથાકાર એમ.જી. વસનજીનું સાહિત્ય જગત એટલે જાણે કેનેડાના બંધારણે પોતાને માટે પ્રયોજેલ મેટાફર 'મોઝેઈક'નું પ્રત્યક્ષ રૂપ. કેનેડાએ સપ્રેમ અપનાવેલ 'મલ્ટીકલ્ચરાલિઝમ'ની પોલિસી ત્યાં વસતી પ્રત્યેક ડાયસ્પોરિક પ્રજાને પોતાની વિશેષ આઈડેન્ટિટી સાથે જીવવાનો અધિકાર આપે છે. પોતાના વતનની જીવન પદ્ધતિ, વિચારધારા, ધર્મ ઇત્યાદિને અકબંધ રાખીને કેનેડામાં વસતી વિવિધ પ્રજાઓ એક એવું કેનેડા ઘડે છે કે જેમાં આ સમગ્ર પ્રજાઓનું વિવિધરંગી સુચારુ ભાતીગળ 'મોઝેઇક' બનીને ઉપસે છે.

વસનજીએ આજદિન સુધી નવ જેટલી નવલકથાઓ લખી છે. તેમાંની ત્રણ સાહિત્યિક પુરસ્કારોથી પોંખાઈ છે. આ બધી જ નવલકથાઓ લેખકના મલ્ટીપલ ડાયસ્પોરિક અનુભવોની અભિવ્યક્તિ સમી છે. આફ્રિકામાં જન્મેલ અને અમેરિકાની એમ.આઈ.ટી.માં ન્યૂિક્લયર ફિઝિક્સ ભણેલ તથા કેનેડાના ટોરેન્ટો નગરમાં સ્થાયી થયેલ મૂળ ભારતીય ઇસ્લાઈલી ખોજા જાતિના મોયેઝ વસનજી પોતાની નવલકથાઓના તાણાંવાણાં વિવિધ દેશોના પોતાના પ્રત્યક્ષ અનુભવથી વણે છે – જાણે કે કોઈ સુંદર મોઝેઈક જોઈ લો.

ભારતીય તેમ જ આફ્રિકન મૂળની ખોજ કરતી તેમની 2012માં પ્રકાશિત થયેલ અદ્યતન નવલકથા 'ધ મેજિક ઓફ સાયદા'નું ભારતીય વાચકોને મન વધુ મહત્ત્વ રહ્યું છે જે વાત સમજી શકાય તેમ છે. આ નવલકથાના નાયક કમલ દેવરાજ થકી મલ્ટીપલ ડાયસ્પોરિક અસ્તિત્વના મૂળની તેમ જ ઇન્ડો આફ્રિકન સમુદાયના ઇતિહાસની ખોજ આ નવલકથાના કેન્દ્રસ્થાને છે. પોતાની પાછલી આઠ નવલકથાઓમાં ક્યારે ય પ્રેમકથાનો આશ્રય ન લેનાર લેખક આ નવલકથામાં ઇન્ડો આફ્રિકન કમલ તથા આફ્રિકન સાયદાની પ્રેમકથાને નાયકની આત્મખોજ સાથે વણે છે. નવલકથાના કથાવસ્તુની વાત માંડીએ તે પહેલાં નાયક કમલનું એક ચોટદાર વિધાન જોઈ લઈએ. આફ્રિકામાં જન્મેલ તથા મોટો થયેલ ડો. કમલ નાછૂટકે કેનેડામાં સ્થિર થાય છે. ત્યાં તે 35 વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી રહે છે. સફળતા મેળવે છે. પણ તેના મૂળ કેનેડાની ધરતીમાં જામતા નથી. તેનો આત્મા આફ્રિકા તથા ત્યાં વસતી સાયદાને ઝંખે છે અને તે બોલે છે, “જેમ જેમ હું મારા પૂર્વજોના ઇતિહાસને શોધતો જાઉં છું તેમ તેમ તેનાથી પ્રભાવિત થતો જાઉં છું. કેટલું અમૂલ્ય છે આ બધું ? અને કેટલું જરૂરી પણ. મારા બાળપણનો પ્રારંભ તથા અંત મારા માના મૃત્યુ સાથે આવ્યો. તે મને મારા ઇતિહાસની નાની-મોટી ઝલક આપ્યા કરતી. તે કહેતી, 'બાકી બધું ભગવાન જાણે … મારા પિતાના પૂર્વજોને તેણે જાણે એરેબિયન નાઈટ્સના પાત્રો બનાવી દીધેલા ! આખા કિલવા ગામમાં એકમાત્ર કવિ ઝી બિન ઓમારીને જ મારા દાદા પૂંજા દેવરાજના જીવનની માહિતી હતી. પરંતુ એ માહિતીનો એક છેડો કવિના જીવનની શરમિંદગી સાથે બંધાયેલો હતો. એટલે પૂંજાની સઘળી વાત એ મને ક્યાંથી કરે ? અમારા પરિવારનો ઇતિહાસ આમ વેરણ-છેરણ, ભિન્ન-ભિન્ન લોકોમાં વહેંચાયેલો પડ્યો છે. તે ભૂંસાતી જતી સ્મૃિતઓમાં કે પુસ્તકોનાં પૃષ્ઠોમાં ક્યાંક ધૂળ ખાતો પડ્યો છે … પણ ચલો જેવો છે તેવો એ ઇતિહાસ ક્યાંક છે તો ખરો. આપણે જે કરવાનું છે તે એ છે કે આ બધા વેરવિખેર પડેલ સૂત્રોને એક સાથે બાંધીને, જિગ્સોપઝલના આ બધા નાના નાના ટુકડાઓને સરખા ગોઠવીને, તેમાંથી પરિવારના ઇતિહાસની સ્પષ્ટ આકૃતિ ઉપસાવવી.”

0 0 0

'ધ મેજિક ઓફ સાયદા'(2012)નો પ્રારંભ સમગ્ર નવલકથાના ઘટનાક્રમના અંતથી થાય છે. પુસ્તકની 'પ્રોલોગ'માં નવલકથાનો પીઢ નાયક ડો. કમલ પૂંજા આફ્રિકાના દારેસલામની એક હોસ્પિટલના બેડ પર પડ્યો છે. કેનેડાથી ઇસ્ટ આફ્રિકા આવેલ ભારતીય મૂળ ધરાવતા પરંતુ અશ્વેત દેખાતા કમલ પૂંજાને અનાયાસે મળી ગયેલ માર્ટિન કિગોમા એક તાન્ઝાનિયન પ્રકાશક છે. જે કાંઈ બની રહ્યું છે તે જોઈ રહ્યો છે. કમલનો પુત્ર તથા પુત્રી કેનેડાથી દારેસલામ આવીને પિતાની ખબર કાઢીને પાછા ચાલી ગયા છે. પિતાને તેમણે સાથે લઈ જવાનો આગ્રહ કરેલો પરંતુ તેમણે તે સ્વીકાર્યો નહીં. તેમનું કહેવું હતું કે, જો મોત આવવાનું હોય તો તેમની પોતાની ધરતી પર, એટલે કે આફ્રિકામાં જ ભલે આવે. પરંતુ કમલ ક્યાં આફ્રિકન છે ? દેખીતી રીતે તે અહીંનો છે જ નહીં. કિગોમાને આશ્ચર્ય થાય છે. કેનેડાના આલ્બર્ટા નગરથી આ ડોક્ટર 35 વર્ષ બાદ અહીં આફ્રિકા આવ્યો છે, આવીને માંદો પડ્યો છે, અને તેને પાછા જવું નથી ! છેવટે તે કમલને પૂછી નાખે છે, 'શું થયું તમને ? તમે કેનેડા છોડીને અહીંયા, આ પછાત દેશમાં, કેમ આવી ચઢ્યા ?' જવાબમાં ડો. કમલ હસીને કહે છે, 'મારા આ બેહાલ કોઈ વન્ય વનસ્પતિના અર્કને લીધે થયા છે … પેલીએ મને એ પીણું પરાણે પાઈ દીધું. પીધા વગર મારો છૂટકો ન હતો. હું કેનેડા છોડીને જે મિશન પર અહીં આવ્યો છું તે મિશન ખાતર કંઈ પણ કરી શકાય … હું અહીંયા સાયદાની ખોજ માટે આવ્યો છું. મેં તેને વર્ષો પહેલાં પ્રોમીસ આપેલું કે હું પાછો ફરીશ .. પણ પાછા ફરતા ઘણું મોડું થઈ ગયું … નાનપણમાં હું સાયદાને ઓળખતો હતો. પણ 11 વર્ષની ઉંમરે મને ઇન્ડિયન બનવા માટે મોકલી દેવાયો … આટલાં વર્ષે હું તેને શોધવા પાછો ફર્યો છું. મારા ગળામાં તેણે મને નાનપણમાં આપેલ તાવીજ આજે પણ છે.'

ત્યારબાદ કુલ ચાર ખંડોમાં વહેંચાયેલ નવલકથાનો પ્રથમ ખંડ પ્રારંભાય છે. ખંડનું શીર્ષક છે 'બોય એન્ડ ગર્લ'. આ ખંડ ભારતીય પિતા ડો. અમીન તથા સ્વાહિલી માતા હમીદાનું હાફબ્રિડ સંતાન કમલ તેમ જ સ્વાહિલી છોકરી સાયદાના નાનપણની વાત લઈને આવે છે. ઇસ્ટ આફ્રિકાના કિલવા ગામમાં મોટાં થતાં આ બંને બાળકો તથા તેમની દોસ્તી મનમોહક છે. સાયદાના નાનાજી ઝી બિન ઓમારી તાન્ઝાનિયાના લોકપ્રિય ઋષિતુલ્ય કવિ છે. તથા કમલના દાદા પૂંજા દેવરાજના તેઓ સારા મિત્ર હતા. પૂંજા દેવરાજ મૂળ સૌરાષ્ટ્રનો હતો. સૌરાષ્ટ્રના કોઈક નાનકડા ગામમાં સીદી સૈયદ ઓલિયાના આશીર્વાદથી ગામડિયા પૂંજા દેવરાજનું ભાગ્ય ખૂલેલું અને એ સ્વદેશ છોડીને ઇસ્ટ આફ્રિકા આવીને વસેલો. અહીં તેણે એક આફ્રિકન સ્ત્રી સાથે સંસાર પણ માંડેલો. ભારતીય હોવા છતાં તે આફ્રિકાના રંગે એવો રંગાયેલો કે જર્મન શાસકોની ગુલામીમાંથી માતૃભૂમિસમા આફ્રિકાને છોડાવવા માટે તેણે હામ ભીડેલી. ઝી બિન ઓમારીના ભાઈ અબ્દુલ કરીમની સાથે જોડાઈને તેમણે માઉ માઉ મૂવમેન્ટનો પ્રારંભ કરેલો. અને છેવટે જર્મન શાસકોએ ગુપ્તવાસમાં રહેતા અબ્દુલ કરીમ તથા સમાજમાં સમ્માનપૂર્ણ સ્થાન ધરાવતા પૂંજા દેવરાજને ફાંસીની સજા કરેલી. કિલવા ગામની વચ્ચોવચ્ચ આવેલ વિશાળ આંબાનું એ 'મૃત્યુવૃક્ષ' આ બંનેને થયેલ ફાંસીના સાક્ષીસમું હતું. આ વૃક્ષની ડાળે જ બંને દેશપ્રેમીઓને ફાંસી અપાઈ હતી.

કમલ તથા સાયદાની વિશેષ પ્રકારની મૈત્રીનું ચિત્રણ કરતો આ ખંડ ઇસ્ટ આફ્રિકામાં પ્રચલિત અંધશ્રદ્ધાઓ તથા માન્યતાઓની વાત પણ કરે છે. કમલ અને સાયદા બંને નાના હતા ત્યારે સાયદાના દાદા લગભગ દર અઠવાડિયે રાત્રે છુપા વેશે ગધેડા પર જીવન જરૂરિયાતની વસ્તુઓ લાદીને ક્યાંક જતા. પાછળથી ખબર પડેલી કે તેઓ પોતાના સગા મોટાભાઈ અબ્દુલ કરીમ પાસે જતા હતા. તેમનો એ ભાઈ એટલે પૂંજા દેવરાજનો સાગરિત. તે એક રાષ્ટ્રપ્રેમી હતો. તેમ જ બ્રિટિશ અને જર્મન શાસકોનો કટ્ટર દુશ્મન પણ ખરો. ભૂગર્ભમાં રહીને તે આફ્રિકાની સ્વતંત્રતા માટે ચાલતી માઉ માઉ મૂવમેન્ટનું પ્રેરક બળ હતો. તેની જીભે સરસ્વતી વસતી. તેના કાવ્યથી મડદા પણ ઊભા થતા. પણ એમ કહેવાતું કે એ માણસને કવિતા કરતાં સ્વદેશ વધુ વહાલો હતો. અજ્ઞાતવાસમાં જીવતા આ ભાઈને નાનોભાઈ દર અઠવાડિયે રેશન આપી જતો. અને મોટાભાઈ અબ્દુલકરીમે રચેલ કાવ્યો પ્રેમથી સાંભળતો. અને સાંભળતાં સાંભળતાં ચોરી પણ જતો. આગલી રાત્રે સાંભળેલાં કાવ્યોને કિલવા ગામ પાછા ફરીને તે પોતાના નામે કાગળ પર ઉતારીને વાંચતો અને ગામના લોકો તેનાં કાવ્યને સાંભળીને વારી વારી જતા. એવું કહેવાતું કે મહાકવિ ઝી બિન ઓમારીની કલમે આફ્રિકાનો ઇતિહાસ જીવંત રાખેલો. પરંતુ સાચી વાત તો એ હતી કે આ કાવ્યો તેના હતાં જ નહીં!

− 2 −

કેનેડિયન નવલકથાકાર એમ.જી. વાસનજીની નવલકથા : ’ધ મેજિક ઓફ સાયદા’

નવલકથાનો બીજો 'ખંડ ઓફ ધ કમિંગ ઓફ ધ મોર્ડન એજ' કહેવાતા કવિ ઝી બિન ઓમારીની કલમે લખાયેલ ઇસ્ટ આફ્રિકન ઇતિહાસના તાણાંવાણાં વણે છે. દોમ દોમ સાહ્યબી તથા માન-અકરામથી ટેવાયેલ ઝી બિન ઓમારી સતત એક ગિલ્ટ સાથે જીવે છે. કેમ કે જે કાવ્યો માટે તે સમ્માન પામે છે તે કાવ્યો તેના છે જ નહીં. છેવટે ઝી બિન ઓમારીનો ભાઈ અબ્દુલકરીમ પકડાય છે. જર્મન શાસકોની દૃષ્ટિએ અપરાધી એવા સ્વતંત્રતાસેનાની અબ્દુલકરીમ તથા પૂંજા દેવરાજને ફાંસી થાય છે. આ ફાંસી સાયદાના દાદા ઝી બિન ઓમારીને લગભગ ગાંડા કરી મૂકે છે. એક રાતે તેઓ પોતાનાં સઘળા સાહિત્યને એક સંદૂકમાં મૂકીને ગામની મધ્યે આવેલ 'મૃત્યુવૃક્ષ' નીચે દફનાવી દે છે. તેમને હતું કે આમ કરવાથી તેમના દુષ્કૃત્યનો પાર આવી જશે, પરંતુ તેમ બનતું નથી. ગમગીન એવો પીઢ કવિ હવે કલમ છોડી દે છે. ગામમાં ચર્ચા છે કે કવિશ્રીના કાગળ ખૂટી પડ્યા છે. નાનકડા ભૂલકા સાયદા તથા કમલ શું જાણે કે સાચી વાત શું છે ? તે બંને પોતાની નોટોના કાગળ ફાડીને દાદાને આપવા જાય છે. તો ય દાદા કવિતા લખતા નથી ! કાવ્ય ન લખી શકનાર દાદા અને તેથી અત્યંત ઉદાસ બનેલી સાયદા તથા તેના પરિવારને છોડીને લગભગ આ જ વખત દરમિયાન કમલની મા કમલને કોઈ અજાણ્યા સગાઓ સાથે ક્યાંક મોકલી આપે છે. મા કહે છે કે એ લોકો કમલના સગા છે. તથા દારેસલામ લઈ જઈને તેઓ કમલને પૂરેપૂરો ઇન્ડિયન બનાવી દેશે ! કમલને ઘણી આપત્તિ છે. તે બોલી ઊઠે છે, 'હું આફ્રિકન છું. મા હું નથી ઇન્ડિયન બોલતો કે નથી ઇન્ડિયન ખાતો. ઇન્ડિયનો તો દાળ ખાય. હું ક્યાં દાળ ખાઉં છું ?' 'ના તું ઇન્ડિયન છે … સાંભળ દીકરા, ઇન્ડિયન બને તો સુલતાન બનાય. પરદાદા પૂંજા દેવરાજની જેમ મોટા માણસ બનાય. ' (27) એમ કહીને મા તેને પટાવીને વિદાય કરે છે.

ત્રીજા ખંડ ‘ગોલો'માં, કમલ પોતાના પિતાના સાવકા ભાઈ તથા દાદીના કુટુંબમાં આવીને વસે છે. તેને અહીં લાવવાનું કારણ વિચિત્ર છે. ઘરડાં દાદીની તબિયત સારી નથી અને તેમને બચાવવા માટે અનુભવી મોગેન્ગોએ (ભૂવાએ) સલાહ આપી છે કે પરિવારનું લોહી ધરાવતા કોઈ ગરીબ બાળકને જો આ કુટુંબ સ્વીકારી લે અને તેને ભણાવી-ગણાવીને મોટું કરે તો માજી બચી જશે. અને આ કારણસર સાવકા પુત્રના અશ્વેત સ્ત્રી દ્વારા જન્મેલ સંતાન કમલને આ ઘરમાં આશરો મળે છે. અહીં તેને ભારતીય બનતા શીખવાડાય છે. પરંતુ તેનું નામ તો 'ગોલો' (નોકર) જ છે. આ પરિવાર સાથે રહીને 'ગોલો' ભારતીય બનતા શીખે છે અને પોતાની જાતને ઘસી ઘસીને ધુએ છે તો ય તેની અંદર વસેલ આફ્રિકનપણું જતું જ નથી ! ચામડીની નીચેથી ઘઉંવર્ણો રંગ દેખાતો જ નથી. 'આ આફ્રિકનપણું જાણે મારું ભાગ્ય છે.' ગોલો બબડે છે 'તમે બધા મને ઇન્ડિયન કહો છો, પણ ઇન્ડિયનો મને ઇન્ડિયન કહેતા નથી.' નાનકડો કમલ કહેતો. મા હંમેશાં હસીને કહેતી, 'એવું એટલા માટે છે કે અહીંનો કોઈએ ઇન્ડિયન તારા જેટલો આફ્રિકન નથી … અને અહીં વસતા સઘળા બનિયા દુકાનદારોમાં તારા કરતાં સારો ઇન્ડિયન કોઈ નથી.' (136) કમલના જીવનનો મુખ્ય કોયડો તેની માએ તેને નાનપણમાં જ જણાવી દીધેલો.

કાગળ કલમ વિહોણા નિષ્ક્રિય કવિ ઝી બિન ઓમારીના દુઃખનું અન્ય એક કારણ તેણે જર્મન શાસકની તરફેણમાં લખેલ પ્રશસ્તિકાવ્ય પણ હતું. છેવટે એક કાળી રાત્રે કવિ ઝી બિન ઓમારીએ ગામ વચ્ચે આવેલ 'મૃત્યુવૃક્ષ' પરથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી !

દાદાની વિદાય બાદ ઘરમાં આવકનું કોઈ સાધન ન રહેતા સાયદાની માતાએ સાયદાને મોગેન્ગો બનાવી દેવાની યુક્તિ ઘડી. તેણે ગામમાં ખબર ફેલાવી દીધી કે આ છોકરી પાસે કોઈ મેજિક પાવર હતો કે જેથી તે લોકોના જીવનની મુશ્કેલીઓ દૂર કરી શકતી હતી. જોતજોતામાં નાનકડી સાયદા મોગેન્ગો બની ગઈ. અને પછી તેનાં લગ્ન ગામના એક મોટા મોગેન્ગો સાથે થઈ ગયા. આ મોગેન્ગો મોટો ગુંડો પણ હતો.

દારેસલામ લઈ જવાયેલ કમલ ભણીગણીને ડોક્ટર બન્યો. ડોક્ટર બનતાની સાથે પોતાની અશ્વેત પ્રિયતમા સાયદાને મળવા તે ઇસ્ટ આફ્રિકા પાછો ફર્યો. તે હજી કુંવારો હતો. સાયદાને પરણવા તત્પર હતો. પરંતુ કિલવા પહોંચીને અધેડ મોગેન્ગોને પરણેલ સાયદાને જોઈને તે ગમગીન બની ગયો. નામચીન ગુંડાની પત્ની હોવા છતાં સાયદાએ પોતાના પ્રેમી કમલને મળવાની ગજબ હિંમત કરી. દરિયાનાં શાંત જળ બંને પ્રેમીઓની પ્રેમભરી ક્ષણોના સાક્ષી બની રહ્યાં. પરંતુ બેચાર વખત થયેલા આ ગુપ્ત મિલનની વાત છાની ન રહી. સાયદાનો પતિ પોતાની ગેંગ સાથે કમલની પાછળ પડ્યો. ને કોઈ રીતે જાન બચાવીને કમલ કિલવા ગામથી સુરક્ષિત પાછો ફરી શકયો. મોગેન્ગોએ પત્ની સાયદાને ઘસડીને ઘરમાં પૂરી દીધી.

આવી રીતે નિરાશ થઈને પાછા ફરેલ કમલને મેડિકલ સ્કૂલમાં તેની સાથે ભણતી શિરિને ઇદી અમીનના ત્રાસથી ત્રસ્ત આફ્રિકા છોડી કેનેડા જતા રહેવા સમજાવ્યું. કમલ તથા શિરિન આફ્રિકા છોડી કેનેડા આવી ગયા. બંનેએ લગ્ન કરી લીધા, તથા ડોક્ટર તરીકે કામ શરૂ કરી દીધું. 35 વર્ષને અંતે હવે ડોક્ટર કમલ પાસે પોતાનું મોટું ઘર, સફળ પ્રેક્ટિસ તથા ત્રણ ત્રણ ક્લિનિક હતા. તેમ છતાં આફ્રિકા વિસરાતું નહોતું. શિરિન સાથે વધતા જતા મતભેદોને કારણે અંતે ડિવોર્સ થઈ ગયા. અને ડિવોર્સ બાદ ડો. કમલે પોતાની જુની પ્રેમિકા સાયદાની શોધમાં તાન્ઝાનિયા જવાનો નિર્ણય કર્યો.

નવલકથાના ચોથા તથા અંતિમ ખંડ 'સાયદા'માં 1950ની આસપાસ કિલવા છોડીને ઇન્ડિયન બનવા જનાર મિશ્રિત લોહીવાળો એ હાફબ્રિડ છોકરો આજે આટલાં વર્ષે ડો. કમલ તરીકે પોતાના મૂળ શોધવા પાછો ફરી રહ્યો હતો. જાણે સાયદાનો જાદુ તેને આફ્રિકા પાછા આવવા પોકારી રહ્યો હતો. એ જ ગામ, એ જ રસ્તા. પરંતુ લોકો એ નથી. સાયદાનો કોઈ પત્તો નથી. તેની ભાળ મેળવવા ડો. કમલ ઘણો ખર્ચો કરે છે. છેવટે તેને કોઈ દૂર ગામમાં વસતી કંઈક વિચિત્ર નામ ધરાવતી પરંતુ સાયદા સાથે કંઈક સામ્ય ધરાવતી એવી સ્ત્રીની વાત તેને મળે છે. પગપાળા કમલ તે ગામમાં જાય છે. ત્યાં જઈને તે એક અજાણ સ્ત્રીને મળે છે. શું આ જ એ સાયદા છે જેને મળવા તે આટલો તત્પર છે ? પરંતુ એ સ્ત્રીની આંખમાં તો કોઈ ઓળખ દેખાતી નથી ! સસ્પેન્સ કથાની જેમ ઊંધા ક્રમથી પ્રારંભાયેલ નેરેટિવના રહસ્યો ક્રમશઃ ખુલતા જાય છે. સાયદાની ખોજ કમલ માટે જાણે એક પ્રતિક બની ગઈ છે. સાયદા એટલે મેજિક. સાયદા એટલે અમરત્વનો સ્પર્શ, સાયદા એટલે ઉત્કટ પ્રેમ અને સાયદા એટલે મૃત્યુનો પાશ પણ. સાયદા માટે કમલ કંઈ પણ કરવા તૈયાર છે અને તેથી જ પેલી અજાણ સ્ત્રીએ તેની સામે ધરેલ ઉકાળો પીવાની શરતને તે મંજૂર રાખે છે. તેને ખબર છે કે આ ઉકાળો પીવાથી તેની જાન પણ જઈ શકે છે. તેમ છતાં તે જાનના જોખમે સાયદાનો વાવડ મેળવવા તૈયાર છે. કેમ કે સાયદાની શોધ એટલે ફક્ત વ્યક્તિગત ગંતવ્ય જ નહીં પરંતુ કિલવા આખાનો ઇતિહાસ. ઉકાળો પીવાનું પરિણામ ધાર્યું હતું તેવું જ આવે છે.

કમલની અર્ધમૂર્છિત અવસ્થામાં હવે પેલી સ્ત્રી પોતાનું મોં ખોલે છે. હા તે પોતે જ સાયદા છે ! વર્ષો પહેલાં દરિયાકિનારે કમલ સાથે એકાકાર થયેલી તેની પ્રેમિકા તે પોતે જ છે. તેમના એ મિલનથી તેને એક પુત્ર થયેલો પરંતુ તેના ક્રૂર પતિએ સાયદાના ભૂંડા હાલ કરેલા અને બે દિવસના બાળકને ગૂમ કરી દેવાયેલું. આવું કરવામાં સાયદાની માએ જમાઈને સાથ આપ્યો હતો. કહેવાય છે કે બાળક મારી નખાયું હતું. હવે તે એકલી-અટૂલી ગામથી ઘણે દૂર આવેલી આ જગ્યામાં મૃત્યુની રાહ જોઈ રહી છે. કમલ પ્રત્યે તે કોઈ લાગણી બતાવતી નથી. કમલને પાવામાં આવેલ પીણાંની અસર ઘેરાતી જાય છે. હથિયાધારી અજાણ્યા લોકો આવીને કમલને ઘેરી વળે છે. તથા તેને મારી નાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યાં અચાનક જ કોઈ તેને બચાવી લે છે. અને જીપમાં નાખીને દારેસલામના દવાખાનામાં દાખલ કરે છે. કેનેડાથી કમલને મળવા આવેલ તેના બાળકો તેને કેનેડા પાછો ફરવા સમજાવે છે પણ કમલ તે માટે તૈયાર નથી. તેને જન્મભૂમિમાં જ મરવું છે. તેનો ગમે તેટલો અસ્વીકાર તેમ જ તિરસ્કાર થાય તો ય આ ધરતી તેને પ્રિય છે. આ જ તેના જીવનનો અંતિમ પડાવ છે. કમલના આ નિર્ણય સાથે નવલકથા વિરમે છે.

વસનજીની નેરેટિવ ટેકનિક તથા સ્વાહિલી તેમ જ ગુજરાતીના મિશ્રણવાળી તેમની અંગ્રેજી ભાષાની પણ નોંધ લેવી ઘટે. આ પ્રકારના પ્રયોગ કરવામાં સક્ષમ વસનજી 'કેનેડિયન મોઝેઇક'ના જાણે પ્રતિનિધિ બની રહે છે. 1988માં કેનેડાના બંધારણમાં સ્વીકારાયેલ 'મલ્ટીકલ્ચરાલિઝમ' એક્ટના અંતર્ગત કેનેડિયન ઓળખનું રૂપક એટલે 'મોઝેઇક'. એક એવો મોઝેઈક કે જેમાં પોતપોતાની ભાષા, ધર્મ તથા રીતિરિવાજ જાળવી રાખીને ત્યાં વસતી દરેકે દરેક પ્રજા કેનેડિયન હોવાનું ગૌરવ લઈ શકે. આનાથી તદ્દન વિરુદ્ધ અમેરિકાનો રાષ્ટ્રીય મેટાફર 'મેલ્ટિંગ પોટ'નો. એવી ભઠ્ઠીનો કે જેમાં તપીને વિવિધ રાષ્ટ્રીયતાઓ ઓગળીને એકસમાન બીબાંઢાળ અમેરિકન બની જાય !

e.mail : ranjanaharish@gmail.com

Loading

19 December 2017 admin
← એક અજાણ્યા ગાંધીની આત્મકથા
General Elections 2019-Left should be part of Secular Democratic Alliance →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved