વાત કરીએ એવી કેટલીક ફિલ્મોની જેમાં ધર્મેન્દ્ર હીરો કે એક્શન હીરો–હી મેન નથી અને છતાં સંવેદનશીલ અભિનયથી યાદગાર બની રહ્યો છે. શોખીનોને યાદ હશે ‘બંદિની’, ‘મેરા નામ જોકર’, ‘ગુડ્ડી’, ‘કિનારા’ અને ‘લાઈફ ઇન અ મેટ્રો’. પહેલી અને છેલ્લી ફિલ્મ વચ્ચે ૪૦થી વધારે વર્ષોનું અંતર છે.
સુપર-કેરેક્ટર્સમાંનું એક લોકપ્રિય પાટે છે હી મેન. ૧૯૮૧માં એનિમેશન ટી.વી. સિરીઝ આવી, ‘હી મેન એન્ડ ધ માસ્ટર્સ ઑફ યુનિવર્સ’. એક જ વર્ષમાં હી મેન વિશ્વના ૩૭ દેશોના નેવું લાખ લોકો સુધી પહોંચી ગયો હતો. હી-મેનનો અર્થ થાય છે એક એવો માણસ જે અત્યંત શક્તિશાળી, પરાક્રમી, પ્રામાણિક અને બહાદુર હોય – ટૂંકમાં સુપરહીરો. ‘માસ્ટર્સ ઑફ યુનિવર્સ’માં હી મેનને અલૌકિક શક્તિ ધરાવતો અને તેના ગ્રહને દુષ્ટોથી બચાવતો દેખાડાયો છે.

હી મેન શબ્દ સાથે આપણને તો ધર્મેન્દ્ર યાદ આવે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હી મેન તરીકે ઓળખતો એ એકમાત્ર અભિનેતા છે. ૮૯ની ઉંમર અને ટૂંક ગાળા માટે હોસ્પિટલાઇઝેશન-વેન્ટિલેટર અને રિકવરી વગેરેને લીધે આજકાલ તે ચર્ચામાં છે. સ્રોતો મુજબ ‘ફૂલ ઔર પથ્થર’ પછી તે હી મેન તરીકે ઓળખવા લાગ્યો. એ ઇમેજને અનુરૂપ અનેક સંવાદો, અનેક પાત્રો, અનેક ફિલ્મો તેના નામે બોલે છે. આજે એવી કેટલીક ફિલ્મોની વાત કરવી છે જેમાં તે નાયક ન હતો, હી મેન પણ ન હતો અને છતાં સંવેદનશીલ અભિનયથી યાદગાર બની રહ્યો હતો. આ ફિલ્મો છે ‘બંદિની’, ‘મેરા નામ જોકર’, ‘ગુડ્ડી’, ‘કિનારા’ અને ‘લાઈફ ઇન અ મેટ્રો’. પહેલી અને છેલ્લી ફિલ્મ વચ્ચે ૪૦થી વધારે વર્ષોનું અંતર છે.
બંદિની : ૧૯૬૩ની આ ફિલ્મના દિગ્દર્શક હતા બિમલ રૉય. એમના શિષ્ય ઋષિકેશ મુખર્જી અને ધર્મેન્દ્ર વચ્ચે આ ફિલ્મ દરમ્યાન થયેલી દોસ્તીનું પરિણામ ‘અનુપમા’, ‘મઝલી દીદી’, ‘સત્યકામ’, ‘ગુડ્ડી’ અને ‘ચુપકે ચુપકે’ જેવી અનેક સુંદર ફિલ્મો રૂપે આવ્યું હતું. ‘બંદિની’માં ગુલઝાર બિમલ રોયના સહાયક હતા. ગુલઝાર સાથેની ધર્મેન્દ્રની મૈત્રીની શરૂઆત પણ આ જ ફિલ્મથી થઈ હતી. આ ફિલ્મ માટે ગુલઝારે પોતાની કારકિર્દીનું પહેલું ગીત ‘મોરા ગોરા રંગ લઈ લે’ લખ્યું હતું જે નૂતન પર ફિલ્માવાયું હતું. બે વર્ષ પછી આવેલી ફિલ્મ ‘પૂર્ણિમા’માં ગુલઝારે લખેલાં બંને ગીત ‘હમસફર મેરે હમસફર’ અને ‘તુમ્હેં ઝિંદગી કે ઉજાલે મુબારક’ ધર્મેન્દ્ર પર ફિલ્માવાયાં હતાં. ૬૯ની ફિલ્મ ‘ખામોશી’માં પણ ધર્મેન્દ્રનો નાનો રોલ હતો અને એના પર ફિલ્માવેલું ‘તુમ પુકાર લો’ ગુલઝારે લખ્યું હતું.
આપણે ‘બંદિની’ની વાત કરતા હતા. એક જેલમાં એક મહિલા કેદીને જેલની હોસ્પિટલમાં દાખલ કરવાની છે. ડૉ. દેવેન (ધર્મેન્દ્ર) કહે છે, ‘આની સંભાળ રાખવા કોઈએ રહેવું જોઈશે.’ એક કેદી કલ્યાણી (નૂતન) કહે છે, ‘હું રહીશ.’ ડૉ. દેવેન જેલરને કહે છે, ‘આને રાખવી યોગ્ય નથી. ઉંમર નાની છે ને બીમારી ચેપી છે.’ કલ્યાણી કહે છે, ‘બીજાને જેલ બહાર કુટુંબ છે, સગાંવહાલાં છે. મારું કોઈ નથી. હું રહું એ જ યોગ્ય છે.’ અને એ ટિકિટ લાવી હુકમ લખાવી જાય છે. જેલર ડૉક્ટરને કહે છે, ‘મનુષ્યસ્વભાવ કેવો વિચિત્ર છે – સેવા કરવા તૈયાર થયેલી આ છોકરી ખૂની છે.’ ડૉક્ટર ચોંકી જાય છે, પણ તરત સ્વસ્થ થઈને કહે છે, ‘કોઈ એકવાર અપરાધ કરી બેસે એનાથી આખી જિંદગી ગુનેગાર ન બની જાય.’ ક્લ્યાણીના વધારે પરિચય પછી ડૉક્ટર તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. પડદા પર એની હાજરી ઓછી છે, ફિલ્મનો નાયક તો અશોક કુમાર છે. પણ નવોસવો હોવા છતાં અને નાનો રોલ હોવા છતાં ધર્મેન્દ્ર બંને દિગ્ગજ કલાકારો સામે બહુ શાંતિથી ટક્કર લઇ શક્યો છે.
મેરા નામ જોકર : રાજ કપૂરનું આ એપિક મૂવી ૧૯૭૦માં બન્યું. જોકરના દીકરા રાજુ(રાજ કપૂર)નું નસીબ તેને જે સરકસનો જોકર બનાવે છે તેના માલિક મહેન્દ્રકુમારની ભૂમિકા ધર્મેન્દ્રએ કરી હતી. મહેન્દ્રને પોતાના સર્કસના રશિયન અને ભારતીય કલાકારોનું સરસ સંયોજન કરતો, સ્ટાફને સન્માનપૂર્વક રાખતો, યોગ્ય નિર્ણયો લેતો અને શોમાં પણ કામ કરતો બતાવાયો છે. એ રાજુને ‘સિંગિંગ જોકર’ તરીકે નોકરી આપે છે, એની મા મૃત્યુ પામે છે ત્યારે ‘શો મસ્ટ ગો ઓન’ આટલું જ કહીને તેને સરકસ અને જિંદગીનું વાસ્તવ સમજાવે છે અને છેલ્લે એ વાસ્તવને પચાવી ગયેલા રાજુની ઝિંદાદિલીને એક પણ શબ્દ બોલ્યા વિના વધાવે છે. બંનેની સાથે આ એકમાત્ર ફિલ્મ હતી, પણ બંને વચ્ચે પરસ્પર સ્નેહ અને આદરભરી દીર્ઘ મૈત્રી હતી. અનેક સમારંભોની તસવીરોમાં ‘શો મેન’ અને ‘હી મેન’ સાથે દેખાયા છે.
ગુડ્ડી : તાજેતરમાં જયા બચ્ચને કહ્યું કે પોતે બાળપણમાં ધર્મેન્દ્રનો ફોટો પોતાની પાસે રાખતી, એને ‘ગ્રીક ગૉડ’ જેવો સમજતી અને ચાહતી. ૧૯૭૧ની ફિલ્મ ‘ગુડ્ડી’ ત્યારની જયા ભાદુરીની પહેલી ફિલ્મ હતી. એમાં એનું પાત્ર એવી કિશોરીનું હતું જે સિનેમા અને ફિલ્મસ્ટારના ગ્લેમરથી, ખાસ કરીને ધર્મેન્દ્રથી અંજાયેલી છે. ધર્મેન્દ્ર આ ફિલ્મમાં ધર્મેન્દ્ર તરીકે જ આવે છે અને ગુડ્ડીને પોતાના સંમોહનમાંથી છોડાવી વાસ્તવિક દુનિયાનો પરિચય કરાવવામાં એના પરિવારનો સાથ આપે છે. ગંભીર વાતને હળવી અને સુસંસ્કૃત શૈલીમાં દર્શાવતી આ ફિલ્મ આજે પણ જોવી ગમે. જયા ધર્મેન્દ્રને ‘એમેઝિંગ કો-સ્ટાર અને એમેઝિંગ હ્યુમન બીઈંગ’ કહે છે. આ બંનેએ થોડી ફિલ્મો સાથે કરી છે, પણ નાયક-નાયિકા તરીકે ભાગ્યે જ દેખાયાં છે.
કિનારા : ૧૯૭૭ની આ ફિલ્મમાં મિત્ર ગુલઝારના પ્રસ્તાવને વાર્તા પણ સાંભળ્યા વિના ‘તમે મને વેસ્ટ નહીં કરો એવો મને વિશ્વાસ છે’ એવું કહી ધર્મેન્દ્રએ સ્વીકારી લીધો હતો. ફિલ્મનો નાયક જિતેન્દ્ર હતો અને ધર્મેન્દ્ર નાયિકા હેમા માલિનીનો પ્રેમી હતો, જે જિતેન્દ્રની કારથી અકસ્માતે માર્યો ગયો છે. વાર્તા તૂટી ચૂકેલી અને અંધ બનેલી હેમા માલિની અને એની જિંદગીને પાટે ચડાવતા જિતેન્દ્રની છે. ધર્મેન્દ્રનો રોલ ખૂબ નાનો હતો અને જાણવા મળે છે કે એને એ માટે થોડું ખરાબ લાગ્યું હતું, પણ ગુલઝારના લખેલા ‘એક હી ખ્વાબ’ ગીતને એણે યાદગાર જ નહીં, એવું પ્રાણવાન પણ બનાવ્યું હતું કે એ ગીતમાં એના સિવાય બીજા કોઈને કલ્પવાનું પણ આપણને ગમે નહીં. ગુલઝારે ત્યાર પછી ધર્મેન્દ્રને લઇ એક શાનદાર ફિલ્મ બનાવવાનું નક્કી કરેલું અને ધર્મેન્દ્ર, હેમા માલિની અને શર્મિલા ટાગોરને લઈ ‘દેવદાસ’ શરૂ કરી હતી, કમનસીબે એ ફિલ્મ અભેરાઈ પર ચડી ગઈ.
લાઈફ ઇન અ મેટ્રો : અનુરાગ બસુની આ ફિલ્મ ૨૦૦૭માં આવી. એમાં મુંબઈમાં રહેતાં આઠ-નવ પાત્રોની જિંદગી અને એમનાં સંબંધોની વાર્તા હતી. ધર્મેન્દ્રએ એમાં અમોલનું પાત્ર કર્યું હતું. યુવાનીમાં અમેરિકા જવાન મોહમાં શિવાની(નફીસ અલી)ને છોડીને ચાલ્યો ગયેલો અમોલ ચાલીસ વર્ષે પાછો આવે છે, પોતાના છેલ્લા દિવસો શિવાની સાથે વીતાવવા. શિવાનીનાં સંતાનો વિદેશમાં છે અને તે એક ઓલ્ડ એજ હોમમાં રહે છે. બંને પોતાને મળેલો થોડો સમય બહુ પ્રેમ અને આનંદથી ગાળે છે. ફિલ્મના અંતે કોઈ મળે છે, કોઈ એકલું રહી જાય છે, કોઈ સમાધાન કરી લે છે. શિવાનીનું મૃત્યુ થતાં અમોલની સ્થિતિ બધું પામીને બધું ગુમાવી બેઠેલા જેવી છે. એ રેલવે પ્લેટફોર્મના બાંકડે એકલો ઉદાસ બેઠો છે. એક યુવાન યુગલને જોઈ તેના મોં પર ઘણું બધું કહી જતું સ્મિત આવે છે. પશ્ચાદભૂમિમાં ગીત શરૂ થાય છે, ‘ક્યોં ઝિંદગી સે હો શિકવા ગિલા … જો ભી વો દેતી હૈ વહ હૈ તેરા, કર સલામ’
એક ઇન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રને પૂછવામાં આવ્યું, ‘લોકો તમને કેવી રીતે યાદ રાખે તે ગમે?’ તરત તેણે કહ્યું, ‘હું મારા દેશને અને દેશવાસીઓને ખૂબ ચાહું છું. બસ આ રીતે યાદ રાખે એમ ઇચ્છું છું.’ આ વાત પર તો હી મેનને યાદ કરવો પડે. લોંગ લિવ, હી મેન…!!
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 નવેમ્બર 2025
![]()

