
રવીન્દ્ર પારેખ
ભારતમાં વડા પ્રધાન એક જ છે ને તે છે આદરણીય નરેન્દ્ર મોદી, પણ મોદી ન વર્તે એવી રીતે બની બેઠેલા ઘણા નેતાઓ અને લોકો વડા પ્રધાન તરીકે વર્તતા જણાય છે. એવું નથી કે ભારતમાં કંઇ થતું નથી, થાય છે ને ઘણું થાય છે. એ હકીકત છે કે ભારતના વિદેશો સાથેના સંબંધોમાં ઘણો સુધાર થયો છે. આ જ વડા પ્રધાનને એક કાળે અમેરિકા નકારતું હતું ને હવે સ્થિતિ એ છે કે અમેરિકા ભારતનો એકડો કાઢી શકે એમ નથી. અત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી છે. નથી મોદીનો પૂરો સ્વીકાર કરી શકતા કે નથી મોદીનો એકડો કાઢી શકતા. 48 વખત ટ્રમ્પ બોલી ચૂક્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ તેમણે પોતે કરાવ્યું છે ને બીજાને ગળે ઊતરે કે ન ઊતરે, પોતાને જ ઠસાવવા ટ્રમ્પ હજી બે’ક વખત બોલીને હાલ્ફ સેન્ચુરી કરે તો નવાઈ નહીં. ભારત એ સ્વીકારતું નથી, એટલે ટ્રમ્પ છાશવારે ટેરિફની ધમકી આપ્યા કરે છે. મોદી પણ પવન જોઇને વહાણ હંકારે છે. ટૂંકમાં, નોંધ લીધા વગર કોઈ દેશને ન ચાલે એવું વાતાવરણ ભારતે વિશ્વમાં ઊભું કર્યું છે.
તો, દેશમાં પણ ઘણું થઈ રહ્યું છે. તાજા જ સમાચાર ‘મિસિસ યુનિવર્સ’નો તાજ ભારતની શેરી સિંહને મળ્યાના છે. 7 વર્ષના દીકરાની માતા શેરી સિંહે ‘મિસિસ યુનિવર્સ’નો તાજ પહેરીને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. બીજી તરફ રાજરાણી કોચિંગ સંસ્થાના ફેશન શોમાં 7,000થી વધુ લોકોએ ભાગ લઈ ફેશન જગતમાં નવો વિશ્વ વિક્રમ કર્યો ને તેની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવાઈ. રાષ્ટ્રપતિએ ગુજરાત વિદ્યાપીઠના 71માં પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહી 71૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. આ વખતે ‘ફિલ્મફેર એવોર્ડ’ અમદાવાદમાં યોજાયો અને અનેક ફિલ્મી હસ્તીઓની વચ્ચે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ‘લાપતા લેડીઝ’ને મળ્યો. આ ઉપરાંત એ ફિલ્મને બીજા 11 એવોર્ડ્સ મળ્યા, જેમાં સંવાદ માટેનો એવોર્ડ એક ગુજરાતણ સ્નેહા દેસાઈને મળ્યો. બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ કિરણ રાવને ‘લાપતા લેડીઝ’ માટે અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યન અને ‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે અભિષેક બચ્ચનને અપાયો, જયારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ‘જિગરા’ માટે આલિયા ભટ્ટને જાહેર થયો.
અમેરિકી રાજદૂતે પણ જાહેર કર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ મોદીને ખાસ મિત્ર માને છે. ટ્રમ્પ પોતે પણ મોદીને વખાણતા રહે છે, તો મોદી પણ લાગ જોઇને સોગઠી મારતા રહે છે. તાજેતરમાં જ મોદીએ ઊંઝા APMC ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ખેડૂતો માટે 42,00૦ કરોડની યોજનાઓ ખુલ્લી મૂકી. ગયા શનિવારે ઓછું પ્રદર્શન કરતાં 100 જિલ્લાઓમાં મોદીએ કઠોળના ઉત્પાદનને વેગ આપવા અને કૃષિ ક્ષેત્રના વિકાસમાં સુધારો કરવા 35,440 કરોડની બે મુખ્ય કૃષિ યોજનાઓ શરૂ કરી. કહેવાનું એ છે કે દેશમાં અનેક યોજનાઓ આમ વખતોવખત જાહેર થતી રહે છે. કોઈ દેશ 81.5 કરોડ લોકોને મફત અનાજ આપતો નથી, ભારત આપે છે. એ સારી જ વાત છે, પણ મફત અનાજ મેળવનારાઓ હવે કામ કરવા તૈયાર નથી. કેટલાક વિસ્તારોમાં નાનું કામ કરનારાઓ એટલે મળતા નથી, કારણ મફત અનાજથી ધરાયેલા લોકો આળસાઈ ગયા છે.
એ પણ છે કે કેટલાક મંત્રીઓ, સાંસદો, વિધાયકો, કાર્યકરો બેફામ લવારા કરે છે, પણ એટલાથી વાત અટકતી નથી. હવે તેઓ છુટ્ટા હાથની મારામારી કરવામાંયે શરમાતા નથી. વડા પ્રધાનને નથી લાગતું કે પોતે વડા પ્રધાન છે, પણ કેટલાક મંત્રીઓ, સાંસદો પોતે વડા પ્રધાન હોય તેમ મનસ્વી રીતે વર્તી રહ્યા છે. તેમની ભાષામાં સ્વસ્થતા નથી. તેમના વર્તનમાંથી ગૌરવને બદલે ગર્વ પ્રગટે છે. ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી વિષે તો એવું પણ કહેવાયું છે કે તેઓ કાર્યકારી વડા પ્રધાનની જેમ વર્તી રહ્યા છે અને વડા પ્રધાને તેમનાથી ચેતવું જોઈએ. આશ્ચર્યજનક વાત એ છે કે વડા પ્રધાન તેનાથી અજાણ નથી. આવું તો ઘણું છે. વડા પ્રધાન નથી વર્તતા એવી ઉદ્ધતાઈથી શાસકો વર્તી રહ્યા છે. આ બધા પછી પણ ભારત દુનિયાની નજરમાં વિકાસ કરી રહ્યો છે ને એ કેટલીક હદે સાચું પણ છે, પણ દેશની અંદર રહેલી જનતાને લાગે છે કે છે ત્યાં ઘણું છે ને નથી ત્યાં ઘણું પોલું છે.
142 કરોડથી વધુ વસ્તી ધરાવતા દેશમાં એક તરફ અનેક શિક્ષિતોને પાત્રતા છતાં નોકરી નથી અને બીજી તરફ નોકરી કરતા કર્મચારીઓની છટણીની વાતો છે. કાલના જ સમાચાર છે કે ટી.સી.એસ. સહિતની આઈ.ટી. કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. એ રીતે 50,000 કર્મચારીઓ પર નોકરીનું સંકટ ઊભું થયું છે. બીજું બધું તો સમજ્યા, સેનામાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. આ કમી રાખીને આપણે આતંકીઓ અને ઘૂસણખોરોને તક આપવાની છે? દેશ વિકાસ કરી રહ્યો છે, તો તે અનેક જગ્યાઓ ખાલી રાખીને જ પ્રગતિ કરવાનો છે? એ તો ખરુંને કે સરહદ સાચવવા સૈનિકો જોઈએ, ગુનાખોરી રોકવા પોલીસ જોઈએ, ન્યાય માટે જજ જોઈએ, પણ દસ લાખની વસ્તી પર ખાલી 15 જજો છે. ભણાવવા શિક્ષકો જોઈએ, ત્યાં 2017થી હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી જ છે. વળી શિક્ષકો છે, ત્યાં શિક્ષણ સિવાયની 56 સરકારી કામગીરીઓ કરાવવામાં આવે છે. આ કામગીરીઓ કારકૂનો રાખીને કરાવી શકાય. એમ થાય તો અનેક બેકારોને કામ મળે ને શિક્ષક વર્ગખંડમાં ભણાવી શકે, પણ એમ થતું નથી. યુનિવર્સિટીમાં અધ્યાપકોની 75 ટકા જગ્યાઓ ખાલી છે. ભરતીની જાહેરાતો તો થાય છે, પણ જગ્યાઓ ખાલી રહે છે. આમ બધી જગ્યાઓ ખાલી રાખવાથી જ વિકાસ થશે એવું સરકારને કેવી રીતે લાગે છે તે નથી સમજાતું. સરકારને એની ચિંતા ન હોય તો પણ, નોકરી ન મળવાને કારણે ઘણાં કુટુંબનો નિભાવ મુશ્કેલ થાય છે ને હતાશ વ્યક્તિ આત્મહત્યા કરે છે કે કુટુંબની સામૂહિક હત્યા કરે છે. આ બધું રોકી શકાય એમ છે, પણ સરકાર નોકરી ન આપીને ઘણાં કુટુંબોનું જીવવું હરામ કરી રહી છે. આ ઠીક નથી. ગમ્મત તો એ છે કે ગુજરાતના સચિવાલયમાં નવા અધિકારીઓની ભરતી કરવાને બદલે નિવૃત્ત અધિકારીઓને જ એક્સ્ટેન્શન આપીને કામ કઢાઈ રહ્યું છે. એમ લાગે છે સચિવાલય વૃદ્ધાશ્રમમાં ફેરવાઈ રહ્યું છે.
ચિંતા ઉપજાવનારી બીજી એક સ્થિતિ છે, તે કોમી વૈમનસ્યની. સરકાર એમાં કેટલી સક્રિય છે તે નથી ખબર, પણ રાજકીય અને ધાર્મિક સંગઠનો દ્વારા બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય વધતું જ રહે એને માટે જે મહેનત થાય છે તે અટકવી જોઈએ. એમાં સામાન્ય નાગરિકો, પક્ષના કાર્યકરો ઉશ્કેરણી કરવાના સભાન પ્રયત્નો સોશિયલ મીડિયામાં કરે છે. એમાં પણ કેટલુંક દેખાદેખી ચાલે છે. આવેલા મેસેજ જોયા મૂક્યા વગર ફોરવર્ડ કરવાની એક પ્રથા પડી છે. આજે તો આખી ફોરવર્ડિયા સંસ્કૃતિ પેદા થઈ છે. તેને ખબર જ નથી કે તે શું કરી રહી છે ને તેનાં સંભવિત પરિણામો કેવાંક હોઈ શકે છે ! એક કોમ બીજી કોમ વિષે જે ઝેર ઓકે છે તેનાથી તેઓ ઇચ્છે તેવાં પરિણામ આવે એમ નથી, કમ સે કમ તેમનાથી તો આવે એમ જ નથી, છતાં બધું ફોરવર્ડ કરતાં રહે છે ને તે કોઈ રીતે ઉપકારક થી જ ! જે આવે છે તે કોઈ આવેલા કે પોતે સર્જેલા વીડિયો પર પોતાની તીખી ટિપ્પણીઓ, સલાહો, ઉપદેશો ઠપકારવા લાગે છે ને દેશસેવાનું મહાન કાર્ય કર્યું હોય તેવા વહેમમાં રાચે છે. પોતે વડા પ્રધાન હોય કે દેશનેતા કે ધાર્મિક વડા હોય તેમ ઉશ્કેરણીજનક નિવેદનો કરતાં રહે છે, ત્યારે સવાલ થાય કે દેશમાં વડા પ્રધાન કેટલા છે? આવાં નિવેદનોથી કોઈ સેવા તો થતી નથી, હા, વૈમનસ્ય જરૂર વધે છે. આનાથી રાજકીય કે ધાર્મિક હેતુઓ ભલે સરતા હોય, પણ સામાન્ય માણસ ભયભીત થાય છે, તેને કુટુંબની ચિંતા રહે છે. સાચું તો એ છે કે દેશમાં સ્વસ્થતા નથી. એક વર્ગ સરકારી અને ધાર્મિક પ્રચારથી સંતુષ્ટ છે, તો બીજો એક વર્ગ ચોક્કસ પ્રકારના ભય અને ઉચાટમાં જીવે છે. આ અસલામતી દૂર થવી જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ઑક્ટોબર 2025