
સુમન શાહ
દેરિદાના Dissemination પુસ્તકમાં આત્મચિન્તનની પદ્ધતિએ લખાયેલી પ્રસ્તાવના, Outwork, Prefacing અને Plato’s Pharmacy એમ બે ખણ્ડો છે, ઉપરાન્ત, માલાર્મેના Mimique અને A Throw of the Dice Will Never Abolish Chance એ બે કાવ્યો વિશેનો એક બીજો ખણ્ડ છે, The Double Session. પુસ્તકમાં, Dissemination શીર્ષક હેઠળ એક ત્રીજો સૂચક ખણ્ડ પણ છે.
મને માલાર્મેનાં કાવ્યોની વાત કરવાની ઉતાવળ છે, તેમ છતાં, એ સૂચક ખણ્ડ વિશે થોડીક વાત કરું :
Dissemination:
દેરિદા અહીં ‘se·mé’ને નિરંકુશપણે ફેલાયે જતા અર્થતત્ત્વ માટે પ્રયોજે છે. (સમજવા ખાતર મજાકમાં કહું કે દેરિદા-વ્યાખ્યાયિત અર્થતત્ત્વ ‘ગાંડા બાવળ’ જેવું છે). diffusion અર્થ ધરાવતા સંસ્કૃત ‘વિસરણ’ શબ્દને ‘અર્થ’ સાથે જોડીને ‘અર્થવિસરણ’ કરું, તો એ, મને લાગે છે કે dissemination માટેનો બહુશ: ઉપકારક પર્યાય ઠરશે.
આ ખણ્ડમાં દેરિદા પોતે અર્થવિસરણ કરતા લાગે એ રીતે એમણે Philippe Sollersની નવલકથા Nombresનું વિઘટનશીલ વિશ્લેષણ કર્યું છે. આ પ્રયોગશીલ નવલકથાની text શકલોમાં વેરવિખેર છે, સ્વ-સંદર્ભી છે. એની સંરચના અને અનોખી સર્જનાત્મક યન્ત્રણાને પરિણામે એમાં અતિ અર્થ ઉભરાયા છે. એટલે, દેરિદા જણાવે છે કે રચનામાં અર્થનું અનિયન્ત્રિત વિસરણ થયું છે અને તેથી છેવટના નિર્ણય લગી પ્હૉંચવાનું અશક્ય બની ગયું છે. અર્થવિસરણને કારણે કૃતિમાં અર્થાવશેષો, અગમ્ય સન્ધાનો અને અનિર્ણયનીય અર્થઘટનો અહીં તહીં વેરાયેલાં પડ્યાં છે. દેરિદા દર્શાવે છે કે પરમ્પરાગત કથાનિરૂપણરીતિ અને સુગ્રથિત અર્થ તેમ જ ‘સંદેશ’નો કૃતિ કેવો તો પ્રતિકાર કરે છે. કૃતિનું પૂર્ણ ગ્રહણ કરી લેવાના પરમ્પરાગત સાહિત્યસમીક્ષાના મનોરથને પણ એ અર્થવિસરણ પડકારે છે.
બીજું, હેગલની ફિલસૂફીમાં વિચારવિમર્શની પદ્ધતિનું રૂપ dialectic હતું, પક્ષ-વિપક્ષ, સંશ્લેષણ-વિશ્લેષણ, એક તર્કપૂત શોધ. પણ દેરિદા અર્થવિસરણને non-dialectical કહે છે. કેમ કે સત્યનું પ્રકાશન કરી આપતા નક્કી સંશ્લેષણને અર્થવિસરણ પડકારે છે, અને તદર્થે થનારા closure અથવા પૂર્ણ વિરામ કે સમાપ્તિને ય નકારે છે. અર્થવિસરણ ખરેખર તો તફાવતોની અન્ત વગરની લીલા ચીંધે છે, જે એકમાં નહીં ઠરનારા એકથી વધુ અર્થનું નિરન્તરનું પ્રસરણ હોય છે. ખરું કારણ એ છે કે, નથી એમાં પૂર્વનિર્ધારિત લક્ષ્ય, કે નથી અન્તિમ મુકામ; એટલે કે teleology નથી. એ કારણે પણ દેરિદા અર્થવિસરણને વધારે ધ્યાનપાત્ર ગણે છે.
દેરિદાએ કરેલા નવલકથાના વાચનનો સાર એ સમજાય છે કે નવલ પોતે જ પોતાનું વિઘટન કરે છે કેમ કે નિર્ધારેલા અર્થને એ પોતે જ પકડી શકતી નથી. તેમ છતાં સરવાળે લાભ એ કે અર્થવિસરણ જેવું ભાષાનું એક પ્રમુખ સ્વભાવ-લક્ષણ એથી પ્રકાશિત થાય છે.
The Double Session :
આ ખણ્ડ પ્રયોગશીલ અને અપ્રતિમ પ્રતીકવાદી ફ્રૅન્ચ કવિ Stéphane Mallarméનાં (1842-1898) બે કાવ્યો વિશે છે : ૧૮૭૬માં પ્રકાશિત Mimique અને ૧૮૯૭માં પ્રકાશિત A Throw of the Dice Will Never Abolish Chance.
Mimique:
હું એેને ગદ્યકાવ્ય કહું છું, કેટલાક વિદ્વાનો એને નેબિન્ધ કહે છે. એમાં માલાર્મે Paul Margueritteના આધુનિક શૈલીના પૅન્ટોમાઇમ Pierrot, Murderer of his Wifeની પ્રસ્તુતિ અથવા રજૂઆત અથવા performanceને વર્ણવે છે. Pierrotનું પાત્ર માલાર્મેએ સરજ્યું નથી, એ તો Italian commedia dell’arteથી ખ્યાત અને પૂર્વે ઇટાલિ તેમ જ ફ્રાન્સ ખાતે ભજવાયેલા અનેક ખેલમાં આવી ચૂકેલું એક stock character છે. એ કારણે લોકો એને જોતામાં જ ઓળખી જતા હોય છે.
આ માઇમમાં Pierrot – પ્યેરો – એની પત્ની કોલમ્બાઈનના પગના તળિયે ગલીપચી કરી તેનું ખૂન કરે છે, એટલે કે, અભિનયથી પોતે જ કોલમ્બાઇન બનીને કોલમ્બાઇનની હત્યા આકારે છે. દેરિદા એ સર્રીયલ હત્યાના અભિનેતામાં tickler અને tickled, કર્તા અને કર્મ, વાંચે છે. પ્યેરોએ પણ ભૂતકાળ અને ભવિષ્યમાં પ્રસરીને નર અને નારી, આક્રમણકાર અને ભોગ બનનાર, એમ દ્વન્દ્વાત્મક ભૂમિકા નિભાવી છે.
દેરિદાએ એ દૃશ્યના અનુલક્ષમાં દર્શાવ્યું છે કે ઓળખ, લેખન અને રજૂઆતના સંદર્ભોમાં અર્થ કેવા તો સરકી જતા હોય છે. મૂક અભિનયને કારણે પ્યેરો એક silence figure બની રહે છે. એની રજૂઆતને દેરિદાએ ‘શારીરિક હાવભાવની મૂક સ્વગતોક્તિ’ કહી છે. પરન્તુ પત્નીના શબ પાસે બેસી પોતાના કૃત્ય વિશે એ વિમાસણ પણ કરતો હોય છે. ટૂંકમાં, પ્યેરોમાં ક્રૂરતા અને નિર્દોષતા બન્ને છે.
માલાર્મે કહે છે કે આ માઇમ, હજી જે પર કશું લખાયું ન હોય એ કોરા કાગળ જેવું છે. એ કોરાપણા પર રજૂઆતની ક્રિયાથી લેખન થાય છે. માઇમ મૂક અભિવ્યક્તિ છે. ઘણું સૂચવતું અર્થસભર મૌન છે. એમના શબ્દો છે : silence, the sole luxury after rhyme, which it is the poet’s challenge to translate! … a silence no less lovely to compose than verse: કાવ્ય કે પ્રાસાદિક સિદ્ધ થઈ જાય એ પછીનો સુખદ આરામ માત્રમૌન હોય છે. પણ આ મૌનને, દૃશ્ય ભાષાને, વ્યક્ત કરવાનું સર્જનકર્મ કવિ માટે પડકાર કહેવાય. તો પણ, માલાર્મેને કાવ્યના સર્જન જેટલો જ એ પડકાર રસપ્રદ વરતાય છે.
દેરિદા કહે છે કે કોરા શ્વેત કાગળ પરનું એ માઇમ દૃશ્ય નિશાન વિનાનો છતાં ઘણું કહેતો અભિલેખ છે. માઇમની શ્વેત-તા એ બહુ-સંકેતક લેખનનું રૂપક છે. એ કોરાપણું ખાલી નથી પણ એક સમર્થ જગ્યા છે, માલાર્મેના કાવ્યની જેમ એમાં અવકાશ અને અનુપસ્થિત વચ્ચે લીલા ચાલે છે. માઇમ મૂગું છે અને નથી કેમ કે મૌન અને હાવભાવથી એ ઘણું કહે છે.
માલાર્મે અનુસાર, માઇમ વાસ્તવિકતા કે પૂર્વે ઘટી ચૂકેલી ઘટના કે ઉપસ્થિતિની નકલ નથી. ખરેખર તો એ કશાક વિચારનું ઇંગિત રચે છે. હાવભાવથી એ બીજાને નહીં પણ પોતાને જ દેખાડે છે. દેરિદા એને નિદર્શન વિનાની નકલ કહે છે, copy without model. બાકી, પરમ્પરાગત માઇમમાં તો ભૂમિકા અને તે જેને માટે હોય એ વિષય, બન્નેનો ચૉક્કસ સંદર્ભ હોય છે. આ માઇમને દેરિદા એક એવી રજૂઆત કહે છે જે અર્થ તો ચીંધે છે પણ પોતાનો મૂળાધાર નથી બતાવતી. એટલે એને તેઓ મૂળિયા વિનાની કલમ કહે છે – graft without root.
દેરિદાએ આપેલી મુલાકાતોના સંગ્રહ Points…: Interviews, 1974 -1994ના Scribble (Writing-Power) નિબન્ધમાં, પ્યેરોની રજૂઆત વિશે એમણે કેટલાક ઉલ્લેખો કર્યા છે. એમાં એમને ‘ઉપસ્થિતિનો વ્યર્થ દેખાડો’ જોવા મળ્યો છે. સાથોસાથ, એને તેઓ ‘કથાસર્જનનું શુદ્ધ માધ્યમ’ ગણે છે. એમાં ‘બરફ કે દર્પણનો કાચ તોડ્યા વિનાનો અનન્તરાય આભાસ’ રચાયો છે. તેઓ પ્યેરોને પોતાના આત્મા આગળ સ્વગતોક્તિનું મૂક અર્પણ કરતો અને nothingની રજૂઆત ન કરતો છતાં nothingને જ રજૂ કરતો phantom કહે છે. દેરિદા ઉપસ્થિતિના વ્યર્થ દેખાડામાં અને નિરન્તરના આભાસમાં Différance, મૂક સ્વગતોક્તિમાં trace અને absence, વગેરે જાણીતી વિભાવનાઓ તો વાંચે જ છે, પણ રંગમંચ પરની રજૂઆતને લેખન અને વાસ્તવિકતાના સમ્બન્ધ સાથે જોડે છે.
માલાર્મે પોતાના Divagations (1897) પુસ્તકમાં પ્યેરોની રજૂઆતના દૃશ્ય સંદર્ભે લખે છે : The scene illustrates only the Idea, not an actual action, in a hymen (from which the Dream proceeds), vicious but sacred, between desire and fulfillment, the act and its memory: here anticipating, there recalling, in the future, in the past, under the false appearance of the present.
hymen એટલે સ્ત્રીશરીર-રચનામાં યોનિચ્છદ અથવા કૌમાર્યપટલ. પરન્તુ માલાર્મેને એ અર્થ અભિપ્રેત નથી. એમણે તો જ્યાં જોડાણ સંભવે છે એ જગ્યાના અર્થમાં એને એક પ્રતીક તરીકે પ્રયોજ્યું છે. એ કારણે મેં એને ઉમ્બર કે પરદો કહેવાનું પસંદ કર્યું છે.
અહીં દૃશ્ય તે માઇમ, પણ એ કોઈપણ કલાત્મક કે કાવ્યાત્મક નિર્મિતિનું પ્રતીક છે. માલાર્મે દૃશ્ય hymenમાં ઘટે છે એમ કહે છે ત્યારે તેઓ એનો અર્થ ઉમ્બર કે પરદો કરે છે, એક એવી જગ્યા જ્યાં બે વિરોધો સામસામે આવી ઊભા હોય છે. જેમ કે, ઉમ્બર કે પરદાની આ બાજુ તે અંદર ને સામી બાજુ તે બહાર; જેમ કે, દૂષિત અને પવિત્ર; જેમ કે, ઉપસ્થિત અને અનુપસ્થિત; જેમ કે, ઇચ્છા અને ઇચ્છાપૂર્તિ; જેમ કે, ક્રિયા અને એ જેમાંથી સંભવી તે સ્મૃતિ. એ વિરોધોના સહઅસ્તિત્વથી ઊભી થયેલી સંદિગ્ધતા વચ્ચે માઇમનું દૃશ્ય સરજાય છે. પરદાની બહારની બાજુએ ભવિષ્યની અપેક્ષા છે અને અંદરની બાજુએ ભૂતકાળનું સ્મરણ છે. વર્તમાનના દેખાવ હેઠળ ભૂતકાળ અને ભવિષ્ય સતત ઉજમાળા લાગે છે – કદાચ ખરું દૃશ્ય તો એ છે!
એક નૉંધ ખાસ લેવી જોઈએ કે hymen સાહિત્યકૃતિનું ય રૂપક છે. કેમ કે સાહિત્યકૃતિ પણ in-between ઊભી હોય છે: લેખક અને વાચક વચ્ચે, સંકેતિક અને સંકેતાર્થ વચ્ચે, તેમ જ વાસ્તવ અને કલ્પના વચ્ચે.
માલાર્મેના પ્રતીકશીલ કાવ્યશાસ્ત્ર અનુસાર સ્વપ્ન એટલે કલાસર્જનનું સ્વપ્ન, એક ખયાલ, એક ધ્યર્થ – idea – કે એક કલ્પના. ટૂંકમાં, પરોક્ષપણે માલાર્મેએ માઇમનું કાવ્યશીલ સિદ્ધાન્તીકરણ પીરસ્યું છે. માઇમના દૃશ્યથી ઘટના નથી સરજાતી પણ સર્જનના સ્વપ્ન માટે રંગમંચ ઊભો થાય છે, અને જે કંઈ સંભવે છે એ પેલા ઉમ્બરની જગ્યા અથવા site પર સંભવે છે.
પોતાના absent art નામના સુવિદિત મન્તવ્યને યાદ કરતાં માલાર્મે કહે છે કે આ ભૌતિક જગતમાં અર્થ કે સૌન્દર્યનું ખરું સત્ત્વ સદા અનુપસ્થિત હોય છે; કવિતા વાસ્તવની રજૂઆત નથી પણ સદા અપૂર્ણ રહેનારા ખયાલની ઉદ્ભાવના છે; કવિતામાં વિશ્વ પારદર્શક નથી હોતું પણ હમેશાં વ્યંજનાનો વિષય બની રહેતું હોય છે.
A Throw of the Dice Will Never Abolish Chance:
હું ગડમથલમાં છું : આ કાવ્યનો સાર આપવા બેસું કે શબ્દાન્તર કરવા જઉં? બન્ને અશક્ય છે કેમ કે content છે જ નહીં. માત્ર formની વાત કરી શકું પણ ત્યારે ય કાવ્યની ટાઇપોગ્રાફી અને કાગળ પર થયેલી તેની આલેખનાને ન વર્ણવી શકું કેમ કે આ કાવ્યકૃતિ માત્રઉકેલી જવા માટે નથી, જોવા માટે પણ છે.
તેમ છતાં કાવ્ય એક અપૂર્વ અનુભવની શક્યતા વિશે તો છે જ. એમાં અસ્તિત્વ, સર્જન અને તક અથવા chance જેવાં તત્ત્વો વિશે કાવ્યશીલ પ્રશ્નાર્થ આકારાયો છે.
શીર્ષક બરાબર સૂચવે છે કે પાસા – dice – ફૅંકીશું પણ ફૅંકવા માટેની તક કદી નષ્ટ નહીં થાય, મળ્યા જ કરશે. જીત કે હાર પર માણસનો અંકુશ કદી હોતો નથી, ભલે એ ગમે એટલી વાર પાસા ફૅંકે. (‘પાસા ફૅંકે જનો, દા દેવો હરિને હાથ છે’, એ જાણીતી સૂક્તિ બરાબર છે; પણ માલાર્મે સૂચવે છે કે પાસા ફૅંકયા કરો, ફૅંક્યા જ કરો, એ તક કદી ખૂટશે નહીં.)
જીવન અન્તર્નિહિત અનિર્ણયનીયતા માણસના ભાગ્યનું વિધાન અને નિર્માણ કરે છે, એ સત્ય અહીં પ્રકાશિત થયું છે. જીવન એટલું બધું ઍબ્સર્ડ છે કે એને જિતાશે નહીં, એ બીજું સત્ય પણ અહીં પ્રકાશિત થયું છે. ટૂંકમાં, એક તરફ છે મનુષ્યનો સીમિત પુરુષાર્થ, અને બીજી તરફ છે અજ્ઞાત વિશ્વ. જો કે, આવું કંઈ માલાર્મે નથી કહેતા, કાવ્ય પણ નથી કહેતું, હું કે તમે કહીએ છીએ.
તો કેમ વાંચવું આ કાવ્યને? દેરિદા double session સૂચવે છે: પહેલું સત્ર કાવ્યકલાવિષયક વાચનનું અને બીજું ફિલસૂફીવિષયક વાચનનું.
અહીં કથન નથી પણ ક્રિયમાણ ચિન્તન છે. એક વિશાળ ગહન ક્રિયા – પાસા ફૅંકવા તે – અથવા કશોક વિચાર આકારિત થયો છે કે થશે, તે. કાવ્યમાં અંધાધૂંધ અજ્ઞેયને આંબવાનો પ્રયાસ સૂચવાયો છે. ચિત્ત એ ક્રિયાનું કર્તા – master – છે અથવા એ કર્તા કવિ પોતે છે. એમ પણ સૂચવાય છે કે અન્તિમ જીત અશક્ય છે. RIEN (Nothing) દર્શાવે છે કે કાવ્ય ખાલી અવકાશ નથી પણ અનન્તને પ્રતિધ્વનિત કરતી સગર્ભ ફળદ્રૂપ ભૂમિ છે. નક્ષત્રમંડળના તારા સમા શબ્દો સમ્બન્ધોની ભાત જરૂર પ્રકાશિત કરે છે પણ સૂચવે છે કે દૃશ્ય પૂરું તો નથી જ ઊઘડવાનું.
તક, અનવસ્થા અને શૂન્ય જેવાં મૂળભૂત પરિબળો સાથે માનવચિત્ત જોડાય તે યોગ, અને કાયમ એમાં એને અન્તે મળે તે નિ:સારતા, કાવ્યની વ્યંજના છે. એ નિ:સારતા તો દૃશ્ય થાય જ છે પરન્તુ સાર માટે એમાં વ્યવસ્થિતિનું સર્જન કરવા મથનારને એ પરિબળોનાં પરમ રહસ્યોનો સાક્ષાત્કાર પણ થાય છે.
પરન્તુ કાવ્યના formને અને તેમાં ય એના દૃશ્ય રૂપને પામવું એક અનિવાર્યતા છે. એ માટે એ પાનાંઓને એક વિશાળ કૅન્વાસ રૂપે કલ્પવાની જરૂર છે. જોઈ શકાશે કે એમાં પંક્તિઓ કે કણ્ડિકાઓમાં બધું ગોઠવાયેલું નથી પણ ગુચ્છમાં કે વેરવિખેર છે. કેટલાક શબ્દો ફૉન્ટની સાઈઝ પ્રમાણે મોટા કે નાના છે. એથી દૃશ્યાત્મક ઉચ્ચાવચતા સરજાઈ છે. એથી, જે જેટલું ભારપૂર્વક કહેવું જરૂરી છે તે તેટલું જ સૂચવાય એવાં સ્તર પ્રગટ્યાં છે – દાખલા તરીકે, વીજકડાકા કે દૂરવર્તી તારકોની ફુસફુસાહટ.
લખનાર વ્યક્તિ જાણતી હોય છે કે બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની હોય છે. માલાર્મેએ બે શબ્દ વચ્ચેની શાન્તતા અને શ્વેત અવકાશનો કાવ્યમાં સાભિપ્રાય વિનિયોગ કર્યો છે. એ વિશાળ અવકાશમાં બે શબ્દ વચ્ચેના પ્રતિધ્વનિને સાંભળી શકાય, અકથિતને વિશે ચિન્તન કરી શકાય તેમ જ મનુષ્ય-વિચાર જેની સાથે સંઘર્ષ અનુભવે છે એ ગહન અગોચરની ઝાંખી કરી શકાય. (ચિત્રનાં વિવિધ વાનાં – elements – આસપાસની ખાલી જગ્યાને ચિત્ર અને ડિઝાઇનિન્ગની કલામાં negative કહેવાય છે, જેથી એ વાનાંની positive સીમાઓ પરખાય).
માલાર્મેએ જાણી કરીને વ્યાકરણને પણ લગભગ ભાંગલું રાખ્યું છે. શબ્દોના અમળાતા કે વળ ખાતા પ્રવાહમાં કેટલાક વિભાવો ફરી ફરીને આવે છે : ‘HASARD’ (chance), ‘MAÎTRE’ (master), ‘OMBRE’ (shadow), ‘RIEN’ (nothing). વગેરે. એમણે જુક્તિપૂર્વક કૅપિટલ લેટર્સ પ્રયોજ્યા છે. એને કારણે વાચનની રૂઢ પદ્ધતિ નથી બચી. વાચકને ફરજ પડે છે કે એ ધીમે ધીમે આગળ વધે.
કાવ્યશબ્દના સંગીતી ધ્વનિઓ અને શબ્દોનાં આલેખિત રૂપોના સમ્મિશ્રણરૂપ આ સંઘટ્ટનનું વિઘટન કરવા દેરિદા પ્રેરાયા એને હું સાહિત્ય + ફિલસૂફી જગતની નૉંધપાત્ર ઘટના ગણું છું.
દેરિદા આ કાવ્યને ઉપસ્થિતિ અને અનુપસ્થિતિ તેમ જ અર્થ અને ન-અર્થ વચ્ચેનો ઉમ્બર લેખે છે. કાવ્યની ટાઇપોગ્રાફીનું પ્રસરણ – ખાલી જગ્યાઓ વગેરે – ભાષામાં અર્થ રૈખિક નથી હોતા, વિલમ્બિત હોય છે, એ અર્થપ્રકૃતિને પ્રતિબિમ્બિત કરે છે. કાવ્ય આડુંઅવળું કે વિચિત્ર નથી પણ એમાં વૈચિત્ર્ય જરૂર પ્રયોજાયું છે, જેથી ભાષા અને વિચાર વિશેના નિર્ણયવાદની મર્યાદાઓ પ્રકાશિત થઈ છે – એમ કે તમે એ પરત્વે નિર્ણય લગી પ્હૉંચી શકશો જ નહીં. આ કાવ્યના દરેક વાચનનું બેવડું પરિણામ છે, એક વાર અર્થ નક્કી થાય, પણ બીજી વાર વિલમ્બિત રહે. તેથી માલાર્મેના આ કાવ્યનું છેવટનું અર્થઘટન અશક્ય છે. કાવ્ય કૃતિપરક અનિર્ણયનીયતાનું મોટું નિદર્શન છે.
કાવ્યની આ પંક્તિ – every thought emits a throw of the dice – દેરિદા માટે ધ્યાનપાત્ર હતી. તેઓ સૂચવે છે કે વિચારવું એ જ જુગાર છે – અનિશ્ચિતતાગમન! લેખન, અર્થઘટન, અને ફિલસૂફી સુદ્ધાં જોખમનાં કામો છે.
= = =
વિશેષ વાચન માટે સૂચિ:
Divagations (1897) / Mimique – wikisourcefr.wikisource.orgColby Chamberlain – “Mime, Murder, Meaning” Article in Art forum (2019).
પ્રગટ : ગુજરાતી સાહિત્ય પરિષદ : “પરબ”; સપ્ટેમ્બર, 2025
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર