Geoffrey Bennington (1956 – ) દેરિદાના મિત્ર છે. વયમાં ૨૦ વર્ષ નાના. વિઘટન-ફિલસૂફીના નિષ્ણાત છે. દેરિદાના સમીક્ષક છે. એમણે દેરિદાની કેટલીક કૃતિઓના અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે. દેરિદાવિષયક મરણોત્તર પરિસંવાદોનાં સમ્પાદન કર્યાં છે. અમેરિકામાં જ્યૉર્જિયાની એમરિ યુનિવર્સિટીમાં ફ્રૅન્ચ અને કમ્પેરેટિવ લિટરેચરના પ્રૉફેસર છે.
દેરિદાનું ૨૦૦૪માં અવસાન થયું હતું. ૪૦થી પણ વધુ વર્ષ દરમ્યાન આપેલાં વ્યાખ્યાનો અને પરિસંવાદો માટેની નૉંધો વગેરે હસ્તપ્રતોનો તેઓ ૧૪,૦૦૦ પાનાંનો ભંડાર મૂકી ગયેલા. મુખ્યત્વે ફ્રૅન્ચમાં લખાયેલી એ હસ્તપ્રતોની સંખ્યા, કહેવાય છે કે એમનાં પ્રકાશિત ગ્રન્થોની સંખ્યાથી મોટી હતી. એ મૂલ્યવાન વારસાની જાળવણી તેમbજ વિસ્તૃતિ માટે અંગ્રેજીમાં અનુવાદો અને સમ્પાદનો થવાં જરૂરી હતાં.
Derrida Seminars Translation Project (DSTP) પ્રકલ્પના બેનિન્ગટન મુખ્ય સહયોગી હતા. એ ભગીરથ કાર્ય હાથ ધરીને એમણે પેગી કામુફ વગેરેના સાથમાં અનુવાદો અને સમ્પાદનો કર્યાં હતાં. યુનિવર્સિટી ઑફ શિકાગો પ્રેસ દ્વારા પ્રકાશિત એ શ્રેણીનાં કેટલાંક વૉલ્યુમ્સ આ પ્રમાણે છે :
The Beast and the Sovereign (Vols. I & II),
The Death Penalty (Vols. I & II),
Life Death, Theory and Practice, Perjury and Pardon (Vols. I & II),
Hospitality (Vols. I & II).
સમજાશે કે એ માત્રઅનુવાદન કે સમ્પાદન નથી પરન્તુ દેરિદા-શેષનું પ્રકાશન છે. સૌના સાથમાં કામ કરવાનું હોય, લેખનના મૂળ સત્ત્વ-તત્ત્વને જાળવવાનું હોય, ત્યારે પ્રયોજાયેલા બૌદ્ધિક શ્રમની કલ્પના કરવી મુશ્કેલ નથી. એ ક્ષણોમાં દેરિદા કેવુંક વિચારતા હશે તેની કલ્પના કરવા માટેનો આ સમુપકારક અવકાશ પણ છે.
બેનિન્ગટનનાં દેરિદાવિષયક અનેક ગ્રન્થો પણ એટલા જ મહત્ત્વના છે. એમાંના ત્રણ ગ્રન્થોની મદદથી દેરિદાને સમજીએ :
1 – Jacques Derrida (1990),
2 – Not Half No End: Militantly Melancholic Essays in Memory of Jacques Derrida (2010),
3 – Interrupting Derrida (2000).
4 – 1 Jacques Derrida:
આ પુસ્તકના બે લેખકો છે : એક તો બેનિન્ગટન પોતે અને બીજા દેરિદા. પુસ્તકની ભાત સમજવા જેવી છે. દરેક પાનનો ઉપલો ભાગ બેનિન્ગટનનો છે. એનું શીર્ષક છે, Derridabase. એમાં દેરિદાના કાર્યની પદ્ધતિપૂર્વક સમજૂતી આપવામાં આવી છે. નીચેનો ભાગ દેરિદાનો છે. એનું શીર્ષક છે, Circumfession. એ ભાગ આત્મકથનાત્મક ચિન્તનનો છે. એમાં બેનિન્ગટને કરેલા પદ્ધતિકરણનો દેરિદા પ્રતિકાર કરે છે એટલું જ નહીં databaseના વિચાર માત્રને પડકારે છે.
Derridabase —
શીર્ષક સૂચવે છે એમ દેરિદા-વિચારને ભૂમિકામાં રાખીને બેનિન્ગટને લૉગોસૅન્ટ્રિઝમ, ડિફરઆન્સ, હ્યુસેર્લ અને પ્રતિભાસવિજ્ઞાનની સમીક્ષા, અધિભૌતિકવાદનો આગ્રહ, વગેરે દેરિદાએ ચર્ચેલા મુદ્દાઓની ઠીક ઠીક છણાવટ કરી છે. (આ બધા જ મુદ્દાઓની ચર્ચા મેં અગાઉના લેખોમાં કરી છે.) તેમ છતાં, કેટલાંક નિરૂપણો સમજવા જેવાં છે :
દેરિદાએ ભાષામાં વ્યક્તિઓ માટે પ્રયોજાતાં સામાન્ય નામોને પણ ભાષા પરત્વે મહત્ત્વનાં ગણ્યાં છે. દાખલા તરીકે, ‘સુમનચન્દ્ર’ નામ આમ જ પ્રયોજાયું હોય, પણ ‘સુમન’ અને ‘ચન્દ્ર’ શબ્દો તફાવત અને અર્થવિલમ્બનની લાક્ષણિકતાથી મુક્ત નથી હોતા.
બેનિન્ગટને દેરિદાની Signature અને Event વિભાવના સમજાવી છે. દેરિદા signatureનું – સહીનું – વિશ્લેષણ કરે છે. કહે છે કે સહીથી ઉપસ્થિતિ અને ઓળખની ખાતરી થાય છે, પણ સાથોસાથ, એક શરત પણ ઊભી થાય છે કે એનું પુનરાવર્તન થઈ શકવું જોઈશે. વળી, અનુપસ્થિતને પણ ધ્યાને લેવું પડશે. અહીં દેરિદાની presense અને absenceની વિભાવના પણ જોડાયેલી છે. જાણીતું છે કે મેળવેલી સહીના કાર્ય – function – વખતે સહી કરનાર હાજર હોય એ જરૂરી નથી.
આનો વ્યાપક વિભાવના event સાથે સમ્બન્ધ છે. જુઓ, સહી માત્ર લીટો નથી પણ એક ક્રિયા છે, જેટલી વાર સહી કરાય એટલી વાર એ ક્રિયા સંભવે છે. બીજા શબ્દોમાં કહેવાય કે દરેક વખતે એ એક ઘટના હોય છે. કોઈ વ્યક્તિ સહી કરે એ પહેલાં ધારી નથી શકાતું કે એનાં આંગળાં એની પેનને કઈ દિશામાં ઘુમાવશે. આપણે એની અપેક્ષા રાખી ન હોય, કશી પ્રસિદ્ધ કોટિ પણ કલ્પી ન હોય, એવો એ સ્વાયત્ત આવિષ્કાર છે. જેમ કોઈ ઐતિહાસિક વળાંકને અગાઉની કોટિઓમાં ઢાળીને ઘટાડી શકાતો નથી એ જ રીતે સહીની ઘટનાને પણ ઘટાડી શકાતી નથી. સહી જડ ચિહ્ન નથી પણ ગતિમન્ત ઘટના છે.
બેનિન્ગટન વિભિન્ન સંદર્ભોમાં અર્થની પુનરાવર્તનક્ષમતા વિશે દેરિદાનું સ્મરણ કરે છે. દેરિદા પોતાની એ context અને iterability વિભાવના વિશે કહે છે કે કોઈપણ સંજ્ઞાને સંજ્ઞા રૂપે કાર્યકર બનાવવી હોય, તો પહેલી શરત એ છે કે તે ફરી ફરી પ્રયોજી શકાય એવી – iterable – હોવી જોઈએ; એટલું જ નહીં, મૂળ સંદર્ભ – context – અનુપસ્થિત હોય તો પણ એ પુનરાવર્તનક્ષમ હોવી જોઈએ. શબ્દનો અર્થ જો એક જ વાર થઈ શકે એવો હોય, તો એ તો બંધ દશા થઈ! સંજ્ઞાની પુનરાવર્તનક્ષમતા એટલે શું? એક વાર બોલી લીધા પછી બીજી વાર બોલી શકીએ એ એનું અન્તર્નિહિત સામર્થ્ય. અમુક સંજોગોમાં ઉચ્ચારાયેલો શબ્દપ્રયોગ એની પૂર્વેના traces ધરાવતો હોય છે પણ સાથોસાથ નવા સંજોગો માટે એટલો જ ખુલ્લો હોય છે. તાત્પર્ય, હરેક પુનરાવર્તન વખતે સંદર્ભ નમનીય રહે છે.
જુઓ ને, કર્તા અવસાન પામ્યો હોય, મૂળ સ્થિતિસંજોગ પણ ન રહ્યા હોય, પણ સંજ્ઞાઓ તો ઊભી જ હોય છે, અને અન્યો એનાં અર્થઘટન કરીને એને સમજી શકે છે અથવા અનર્થઘટન કરીને ગેરસમજ પણ કરી શકે છે. પરમ્પરાગત માન્યતા એવી કે તમને જો સંદર્ભની પાકી ખબર હોય તો અર્થને ઝટ પકડી શકો, બધું ગળે ઊતરી જાય, સરળતાથી સંક્રમણ થઈ જાય. દેરિદા એ માન્યતાને પડકારે છે — એમ કહીને કે સંદર્ભ કદી બંધ હોતો નથી અથવા એવો સભર હોતો નથી કે એમાં નવું કશું મુકાય કે ઉમેરાય જ નહીં. અને એવી સ્થિતિસ્થાપકતાને કારણે પુનરાવર્તન અને પુન:સંક્રમણની શક્યતાઓ પણ સદા ખુલ્લી રહે છે. જો કે એ યાદ રાખવું જોઈશે અર્થઘટનનું સમજનું અનર્થઘટનનું કે ગેરસમજનું જોખમ હમેશાં રહે છે. એ જોખમના નિવારણ માટે ય અર્થઘટન જ કરવું પડશે!
જીવનની પ્રત્યેક ક્ષણ અર્થઘટન માગે છે. એથી પણ સૂચવાય છે કે સંદર્ભો અને પુનરાવર્તનો વચ્ચે હમેશાં એક સમુપકારક અવકાશ હોય છે.
Circumfession —
આ ભાગમાં દેરિદાએ કરેલી પોતાના જીવનની અંગત વાતો વધારે રસપ્રદ છે. તેઓ મનુષ્યજીવન અને ચિન્તન વિશે વાત કરે છે પણ સાવ કાવ્યાત્મક રીતિએ. આ ભાગનું લેખન સળંગસૂત્રતાથી વિરુદ્ધનું રસળતું અને શકલોમાં છે. એમાં પોતાના જીવન વિશે વાત કરતાં એમણે બીમાર માતાના અવસાનથી થયેલી પીડા અને સંભવેલા વિષાદની તેમ જ યહૂદી-વારસાની પણ નિરૂપણા કરી છે.
યહૂદી ધર્મ અનુસાર brit milah નામની સુનન્તની વિધિ તે, circumcision. અને confession એટલે પોતાની ઓળખની જાહેરમાં કબૂલાત. શબ્દ અને ઓળખની યુતિ અવિશ્લેષ્ય હોય છે – યહૂદી તે સુન્ની! એ ભાવસંકેત પરમ્પરાગત તર્કથી વ્યક્ત ન થઈ શકે એ કારણે દેરિદાએ અસરકારક નવ્ય તર્ક – neologism – પ્રયોજીને બન્ને શબ્દને ભેગા કરી ત્રીજો જ શબ્દ બનાવ્યો, circumfession. એ પ્રતીકાત્મક શબ્દ છે, એમાં કબૂલાત અને સુન્નત ઉપરાન્તનાં અન્ય નિશાનો અને તેના સંકેતાર્થો છે. કહી શકાય કે એ રીતે દેરિદાએ યહૂદી વારસાને ફિલસૂફની રીતે વિશ્વ સમક્ષ કબૂલ્યો છે, પ્રકાશિત કર્યો છે.
આ વિધિને વ્યક્તિ અને ઈશ્વર વચ્ચેના પવિત્ર કરાર રૂપે પણ જોવામાં આવે છે – એમ કે યહૂદી ધર્મ અનુસારનું જીવન ગુજારનારની ઈશ્વર રક્ષા કરશે, કલ્યાણ કરશે. દેરિદા વિચારે છે કે સુન્નત ઉપરાન્તનાં નિશાન તેમ જ કરાર સર્વસામાન્યપણે કેવાક સ્વરૂપે કાર્યકર થતાં હોય છે. દેરિદાએ પ્રશ્ન કર્યો છે કે એકમેવ અર્થ આપી શકે એવાં એ નિયત અને સ્થિર છે ખરાં -? એમનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ ધર્માનુસારી જીવે કે ન પણ જીવે, રક્ષા કે કલ્યાણ થાય કે ન પણ થાય, પણ કરાર એ પ્રકારનું ખુલ્લાપણું ધરાવે છે, અને માત્ર સંભાવ્યનો સંકેત આપે છે.
પુસ્તકના દેરિદા-ભાગનાં એ પાનાં આત્મકથનાત્મક છે. પોતાના શરીર પરના એ નિશાનને તેઓ exemplary counterscar કહે છે – ઉદાહરણરૂપ કાપ અથવા છેદ. એમને થાય છે કે પોતાની ઓળખ સાથે એ છેદ અનુબન્ધિત છે, અવિશ્લેષ્ય છે. છતાં એ પૂરેપૂરી ઓળખ નથી. લેખન પણ જાતને ખુલ્લી કરવાની પણ સદા અધૂરી રહેનારી પ્રવૃત્તિ છે કેમ કે લેખનથી જાત વિશે કહેવાય છે ઘણું પણ બાકી ય ઘણું રહી જાય છે. સત્ય સુધી પ્હૉંચી શકાતું નથી કેમ કે પૂર્ણત: વિરામ લાવી શકાતો નથી, ઊલટું એ કે લેખન અર્થને શકલોમાં રજૂ કરે છે – જે રીતે પેલો છેદ ઓળખનું નિશાન જરૂર છે, પરન્તુ ઓળખને પૂર્ણપણે રજૂ નથી કરી શકતો. છેદની ક્રિયાથી જે બાદ થઈ જાય છે, જેનો નિકાલ થઈ જાય છે, તેને દેરિદા હાનિ ગણે છે. જો કે એ હાનિને તેઓ વિધાયક દૃષ્ટિથી જુએ છે – એમ કે છેદથી જે અંકિત થયું અને સાથોસાથ જેનો નિકાલ થયો એ બન્નેનું મૂલ્ય સરખે સરખું છે. તેઓ કહે છે કે બધું સમાસિત કરવાના પ્રયાસ પછીયે થયેલા cut offને અને તજ્જન્ય lossને વિઘટનકાર ધ્યાનમાં લેતો હોય છે.
વિવિધ સંકેતો, ઓળખ, અને સ્મૃતિનાં સ્વરૂપ વિશેની ફિલસૂફીવિષયક નિસબતના સંદર્ભમાં દેરિદાએ brit milah વિધિવિધાનને એક નક્કર દૃષ્ટાન્ત રૂપે ઘટાવ્યું. તેથી પરોક્ષપણે સૂચવાયું કે અર્થ પણ અંકિત થાય છે, એને વિશે પણ વૈચારિક આદાનપ્રદાન થાય છે, તેમ છતાં, પુન:અર્થઘટન અને અણધાર્યા સંજોગો પરત્વે અર્થ સદા ખુલ્લો રહે છે.
પુસ્તકનો એ ભાગ એમ પણ સૂચવે છે કે આ માણસ, દેરિદા, જીવનને ફિલસૂફની તર્કતીક્ષ્ણ દૃષ્ટિમતિએ અવલોકે છે પરન્તુ ફિલસૂફીને જીવનની ભાવભીની દૃષ્ટિએ જુએ પણ છે. એ પરસ્પરોપકારી અભિગમોને કારણે દેરિદા એક અનોખી વ્યક્તિમત્તા રૂપે અનુભવાય છે.
2
Not Half No End : Militantly Melancholic Essays in Memory of Jacques Derrida (2010) —
આ ગ્રન્થ વર્ષ ૨૦૦૪માં થયેલા દેરિદાના અવસાન પછી બેનિન્ગટને પ્રસંગોપાત્ત લખેલા લેખો અને આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ છે. બેનિન્ગટને એ પ્રાસંગિક સામગ્રીને સંસ્કારી છે અને શોકાયિત દેરિદાના લાક્ષણિક સૂત્રથી ગૂંથીને ગ્રન્થને એક આકાર આપ્યો છે. ઉપરાન્ત, વિઘટનશીલ ફિલસૂફી સાથે સંકળાયેલી વિભાવનાઓનો પરિચય પણ કરાવ્યો છે.
ગ્રન્થમાં ફિલસૂફ દેરિદાનું એ જ ભાવભીનું વ્યક્તિત્વ જોવા મળે છે. દેરિદા જીવન મૃત્યુ શોક વિલાપ કે વિષાદ જેવી અકાટ્ય બાબતો વિશેના મનોમન્થનથી વ્યથિત રહેતા હતા. એમણે રોલાં બાર્થથી માંડીને પૉલ દ માન, ઇમાન્યુએલ લેવિનાસ, મિશેલ ફૂકો વગેરે અનેક મિત્રો કે સમકાલીનો સાથેનાં સ્મરણો અને તેમનાં મૃત્યુથી પ્રભવેલા વિષાદ સંદર્ભે પ્રવચનો અને ભાવાંજલિરૂપ લેખન કરેલાં.
દેરિદાનો આ વિષયસંલગ્ન એક વિભાવ છે, half-mourning (in French : demi-deuil). બેનિન્ગટને પુસ્તકના શીર્ષકમાં જ Not Half No End શબ્દો પ્રયોજીને તેનો ઇશારો કરી દીધો છે. એ શબ્દો સૂચવે છે કે દેરિદા અનુસાર, શોક, નથી તો અરધો – not half – કે નથી તો અન્તિમ – no end. મૃતકને વિશેનો કે કશાપણ loss-ને વિશેનો શોક કે વિલાપ નિરન્તર ચાલુ રહે છે, એનો પૂર્ણત: વિરામ કે એની સર્વસમાપ્તિ અસંભવિત છે. બેનિન્ગટન ઉમેરે છે કે વિષાદ સુદૃઢ છે – militant – અને શોક તેમ જ loss વિશેના દેરિદાના વિચારો પણ એવા જ છે. તેઓ જણાવે છે કે એથી પોતામાં સંકલ્પ જનમ્યો હતો કે દેરિદાનાં સ્મરણો અને કાર્યો સાથે પોતે સદા જોડાયેલા રહેશે, કશો અન્તિમ ઉકેલ શોધીને ઇતિ સિદ્ધમ્ કરીને બેસી નહીં જાય.
સુદૃઢ વિષાદ વ્યક્તિને મૃતકનાં સ્મરણો સાથે સદા જોડી રાખે છે. એ એવી ઢીલીપોચી લાગણી નથી કે માણસ પાછો પડીને નિરાશ થઈ જાય. એથી વ્યક્તિ દુ:ખદ પરિસ્થિતિને તાબે નથી થઈ જતી બલકે એની સામે ઝઝૂમે છે, શોક કે હતાશાને જીતવાનું એનામાં જોમ જાગે છે. શોકના પૂર્ણતયા વિરામનો – closureનો – પ્રતિકાર કરવો, એ સર્વસમાપ્તિને પડકારવી, એ વ્યક્તિનો ધર્મ બની જાય છે, એથી એને એમ પણ સમજાય છે કે શોક ભલે એક પ્રક્રિયા રૂપે સદા અધૂરોપધૂરો જ રહે. બધું પતી ગયું એવો સમાપ્તિભાવ નહીં પણ મૃતકને યાદ વડે માન આપવાનું કાયમ બાકીનું બાકી છે એવા એક જુદા જ ભાવનો વ્યક્તિમાં ઉદય થાય છે. ખરેખર તો શોકાયિત વ્યક્તિનું ચિત્ત અને તેનું હૃદય બન્ને સંઘર્ષ અનુભવે છે પણ એનાથી મૃતક તો હમેશાં જિવાયા કરે છે.
શોક વિલાપ કે વિષાદ વિશેના દેરિદાના અંગત અનુભવો એમની ફિલસૂફીમાં પ્રતિબિમ્બિત થયા છે. તેઓ માને છે કે અંગતતા અને ફિલસૂફી એકબીજા સાથે જોડાયેલાં છે. દેરિદાએ અહીં દર્શાવ્યું છે કે ઓળખ પ્રવાહી છે, સતત પ્રવહમાણ રહે છે. ભૂતકાલીન સમ્બન્ધો વ્યક્તિના વર્તમાનને પ્રભાવિત કરે છે. સ્મરણો કે શોકના અનુભવો એને બદલાવા માટે પ્રેરે છે અને ઘડે છે પણ ખરા. વાતનો સાર એ છે કે વ્યક્તિની ઓળખ એક સંકુલ અને ઉત્ક્રાન્ત થયા કરતો પદાર્થ છે.
Not Half No End શબ્દગુચ્છ બેવડી ‘ના’ સૂચવે છે : પૂરા હૃદયભાવ વિનાના અધૂરા જોડાણ માટે ના પાડવી અને છેવટના નિશ્ચિત પૂર્ણતયા વિરામની પણ ના પાડવી. આ બેવડો નકાર દેરિદા-પદ્ધતિ દર્શાવે છે – અન્તહીન અર્થવિલમ્બન અને પૂરો સરવાળો કહેવાય એવા નર્યા ઉપસંહારનો નકાર.
શીર્ષકનું હાર્દ એમ છે કે શોક અન્તિમ ક્રિયા નથી, પણ સન્તત પ્રક્રિયા છે, શોક સાથે આંતરે આંતરે જોડાયેલા રહેવાનો મનોભાવ અને સ્મરણો વચ્ચેની, એ એક આન્તરલીલા છે. શીર્ષક એમ પણ કહે છે કે દેરિદાનાં સ્મરણ અને એમના વિચારો સાથેનાં જોડાણ, નથી આંશિક કે નથી પૂરાં, પણ નિત્યનાં છે. એટલે સમજાય છે કે શોક અને સ્મરણો સાથે લડાયક વૃત્તિથી નહીં પણ કશા ય સમાધાન વિનાના સુદૃઢ ભાવે જોડાયેલા રહેવું જરૂરી છે.
આ લેખો દ્વારા બેનિન્ગટન એમ પણ સૂચવે છે કે દેરિદા-વિચાર એક બૌદ્ધિક પ્રકલ્પ છે, પણ એની સાથે સ્વસ્થતાપૂર્વક જોડાયેલા રહીને આપણે કોઈપણ નૈરાશ્યને પડકારીએ. બેનિન્ગટનની દૃષ્ટિએ એવું વર્તન એક નીતિવિષયક જરૂરિયાત પણ છે. આ લેખો interrupted teleology દર્શાવે છે. વીગતે સમજીએ : telos એટલે પ્રયોજન, ધ્યેય, હેતુ – જેમ કે, હૃદય રુધિરાભિસરણના હેતુથી ધબકે છે – બીજનિક્ષેપ વૃક્ષના પ્રયોજનાર્થે છે. ઍરિસ્ટોટલ અનુસાર, વસ્તુ જે કાજે સરજાઇ હોય, એ મૂળ પ્રયોજન કે હેતુ હમેશાં અન્તર્નિહિત હોય છે. નીતિશાસ્ત્ર અનુસાર, પ્રાકૃતિક જીવનશૈલી, સુખ અને આનન્દ માનવજીવનનાં મુખ્ય પ્રયોજન છે. teleology એટલે માનવીય પ્રયત્નો પાછળના હેતુનું અધ્યયન કે શાસ્ત્ર.
પરન્તુ interruptedનો સાદો અર્થ એ કે હેતુની દિશા તરફની કુદરતી ગતિનો અવરોધ. interrupted teleology એટલે એક એવી પ્રક્રિયા જે અમુક હેતુને અવરોધે છે.
મૃત્યુથી પ્રગટેલા શોકાનુભવના કુદરતી વેગને ખાળવાનું સૂચવતો આ શબ્દગુચ્છ દેરિદા-વિચારમાં બરાબર રસાઈ ગયેલો છે, અને બેનિન્ગટનના આ લેખો એને સવિશેષે પ્રકાશિત કરે છે. પરમ્પરાગત સમજ અનુસારનું હેતુશાસ્ત્ર એમ કહે છે કે શોક એક સમયે તો શમી જશે, દુ:ખ સમાપ્ત થઈ જશે, અને વ્યક્તિ પણ સમાધાન પામીને રાગે પડી જશે. આપણે ત્યાં, સ્મશાનેથી પાછા ફરતા ડાઘુઓ બોલતા – ત્રીજે દા’ડે ટાઢી વળી જશે. ઘરે પ્હૉંચતા સુધીમાં તો એ કહેતીને પણ ભૂલી જતા.
મૃત્યુથી સંભવેલા શોક અને દુ:ખને એ પ્રકારે પતાવીને સમાપ્તિ સાધી લેવાના વલણનો – closureનો – દેરિદા પ્રતિકાર કરે છે. શોકનું વિઘટન એવા આરામદાયી હેતુસાધક કથાનકનો પ્રતિકાર કરે છે. દેરિદા તો એ સમાપ્તિને અશક્ય ગણે છે કેમ કે શોક સાચો હોય તો વિરમી જાય થોડો? અને, નીતિ-સદાચારની દૃષ્ટિએ તેઓ એ સમાપ્તિને અનિચ્છનીય પણ લેખે છે. મૃતક એક trace અથવા કદી ભૂંસી શકાય નહીં એવો mark મૂકી જાય છે, જે ઝળુંબતો રહીને જીવિતોની જિન્દગીને જુદો જ ઘાટ આપતો હોય છે. મૃતકને પૂર્ણતયા વીસરીને નામશેષ કરી નાખીએ એ તો એની સ્મૃતિને હણી નાખવા સમું હિંસ્ર કૃત્ય ગણાય.
દેરિદાને મન મૃત્યુનો અર્થ પૂરેપૂરી અનુપસ્થિતિ નથી. મૃતક સ્મૃતિ રૂપે, એના પ્રભાવોની અસરો રૂપે, હાજર હોય છે, અને એ ઉપસ્થિતિઓ જીવિતો માટે એક સંરચના બની જાય છે, જેમાં જરા જુદી રીતે જિવાય છે. સાર એ છે કે ઉપસ્થિતિ અને અનુપસ્થિતિ તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેની સીમારેખાઓ ધૂંધળી છે, અને ચોખ્ખો છેદ મૂકીને બન્ધનોથી પણ છૂટી જવાતું નથી. દેરિદાની ફિલસૂફીના ગર્ભમાં અન્યનો – otherનો – મહિમા નિ:શેષ છે. સમાપ્તિનું ધ્યેય તાક્યું હશે તો મૃતકને માત્રસ્મરણાર્થે સમજી લેવાનું થશે; એને સામાન્ય ગણવાનું પણ થશે; એના લાક્ષણિક અસ્તિત્વની ઉપેક્ષા થશે; એની અનન્યતાનો લોપ થશે. interrupted teleology આ અર્થમાં અન્યને વિશેના સામાન્યીકરણની ના પાડે છે તેમ જ એના મૃત્યુ પછી પણ એની અન્યતાના સ્વીકારનો આગ્રહ રાખે છે.
1975–76 દરમ્યાનના Life Death પરિસંવાદમાં દેરિદાએ ‘જીવન અને મૃત્યુ’-માંથી ‘અને’ દૂર કરીને સૂચવેલું કે જીવન મૃત્યુ એકબીજાનાં વિરોધી નથી. ફ્રૉઇડ, નિત્શે, હાઇડેગર, અને ફ્રાન્સ્વાં જેકબ જેવા મનીષીઓને સંભારીને, એટલે કે, ફિલસૂફી ઉપરાન્તની વિદ્યાશાખાઓમાં પ્રવેશીને, દર્શાવેલું કે જીવનની જેટલી કંઈ શક્યતાઓ છે તેમાં મૃત્યુ વિક્ષેપકર નથી પણ સ્વીકારવાજોગ પૂર્વશરત છે. જીવનની સંરચના તો પહેલેથી જ મૃત્યુ વડે ઘડાયેલી છે. મૃત્યુને જીવન પછી આવનારી ઘટના ન ગણો. જીવન વિચારમાં જ મૃત્યુનાં નિશાન – traces – રહેલાં છે. મૃત્યુને કારણે જીવનને રૂપ સાંપડે છે. એથી સમયતત્ત્વ, ઓળખ કે વારસાઇ શક્ય બને છે.
દેરિદા માટે જીવન મૃત્યુ ગડી વાળેલું સમયતત્ત્વ છે. દૂર ક્ષિતિજે જો અન્ત નહીં ભળાય, તો નીતિ જેવું કશું રહેશે નહીં, તાકીદનું કે કરણીય કશું લાગશે નહીં, અને કશું ય અર્થવતું નહીં લાગે.
[Interrupting Derrida –(2000) વિશે, હવે પછી]
= = =
વિશેષ વાચન માટે સૂચિ —
1
Derrida, Jacques. Limited Inc. Translated by Samuel Weber. Evanston, IL: Northwestern University Press, 1988.
2
Bennington, Geoffrey. Not Half No End: Militantly Melancholic Essays in Memory of Jacques Derrida. Edinburgh: Edinburgh University Press, 2010.
3
Bennington, Geoffrey. Interrupting Derrida. London: Routledge, 2000.
=====
ગુજરાતી સાહિત્ય પરિષદ : “પરબ” : ડિસેમ્બર ૨૦૨૫માં પ્રકાશિત લેખ —
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

