આતંકવાદ –
કોમી ધ્રુવીકરણની વરવી રાજનીતિ
સુરક્ષા તંત્ર સાવધ, સતર્ક, સક્રિય હોય એ તો જરૂરી છે જ; પણ વિચારધારાંધ આતંકવાદને કોમી વિભાજનના માહોલમાં જેર કરવાનું આકરું છે એનો આપણને અહેસાસ હોય એ ય એટલું જ અનિવાર્ય છે.

પ્રકાશ ન. શાહ
લાલ કિલ્લા સમીપની આતંકી ઘટના, જ્યાં સુધી પાટનગરીનો સવાલ છે, સપ્ટેમ્બર 2011 બાદની એટલે કે ઠીક ઠીક અંતરાલ બાદની ઘટના છે. સુરક્ષા પ્રશ્નને વાજબી અગ્રતાક્રમના સઘળા પ્રયાસો પછી અને છતાં, 370મી કલમની નાબૂદી સાથે કાશ્મીર સંદર્ભે અંદરબહારના આતંકસ્રોત દબાવી શકાશે એવા ખયાલ છતાં, આ દોરનું શરૂ થવું ચોક્કસ જ વિકસિત ભારતના લક્ષ્ય સામે મહદ્ પડકાર રૂપ છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસનને જે ત્વરાથી આ ઘટનાની ટીકા કરવાનું સૂઝ્યું, એની સામે પાકિસ્તાનનું વલણ બેલાશક ટીકાપાત્ર છે. પાકિસ્તાન પોતે પણ પીડિત હોઇ શકે છે, પણ પોતે પ્રેરે નહીં ત્યારે પણ નોન-સ્ટેટ એક્ટર્સને પનાહની એની રાજનીતિ ઉપખંડ માટે – બલકે ખુદના અસ્તિત્વની રીતે પણ ઘોર આત્મઘાતકી છે.
એમોનિયમ નાઇટ્રેટનો જે જથ્થો જેકે પોલીસે ફરીદાબાદથી હસ્તગત કર્યો અને આખી એક ડૉક્ટરી સાંકળનો પર્દાફાશ કર્યો એ આતંકી સંકલનાના ભયાવહ સ્વરૂપને આપણી સામે આણે છે. એટલું જ નહીં પણ ઊંચું ભણતર પોતે કરીને વિચારધારાંધ અફીણનો ઉગાર નથી, એ મુદ્દો પણ એથી સ્ફૂટ થાય છે. પહેલગામના જખમ હજુ સાત મહિને ય રુઝાયા નથી એ સાચું, પણ ત્યારે કદાચ નહીં પકડાયેલું વાનું ફરીદાબાદની એમોનિયમ નાઇટ્રેટ જપતી સાથે જે આંતરરાજ્ય બલકે આંતર-રાષ્ટ્ર સાંકળના સગડ મળ્યા છે, એની સાથે સ્પષ્ટપણે સામે આવે છે જોવાનું છે કે મુજાહિદીન ઉછાળા સમયે ઇજનેરો સંકળાયેલા હતા. અને આ વખતે દાક્તરો સંકળાયેલા છે. ફરી કહું કે દુનિયાદારી નજરે ભણતરની જે દોમદોમ પાયરી લેખાય છે તેના પર વિચારધારાનું અફીણ ને આથો હાવી હોઈ શકે છે.
હમણાં મુખપોથીમાં એક મિત્રે સંભારી આપ્યું તેમ પત્રકાર હૈદર નકવીએ બહુ જ સટીક એવી તત્ક્ષણ ટિપ્પણીમાં કહ્યું છે કે, આપણે વિચારવું રહે છે કે આપણાં ઘરોમાં, આપણી મસજિદોમાં ને આપણા વર્ગખંડોમાં ભણતર ને સંસ્કારને નામે શું ચાલી રહ્યું છે. ફૂટતાં કૈશોર્યને અને ખીલતી જુવાનીને આપણે કટ્ટરતાના પાઠ ભણાવીએ છીએ કે યુવાન હૈયાંને ન્યાયી નવી દુનિયાનાં સપનાં જોતાં કરીએ છીએ.
વસ્તુતઃ આ એક વિશ્વચિત્ર છે. ક્યારેક યહૂદીહન્તા હિટલરનો જેઓ મહિમા કરતા હશે તે આજે ગાઝા પટ્ટીના આરબહન્તા યહૂદીઓનો મહિમા કરે છે. ધરમમજહબની તેમ કોમી ધ્રુવીકરણની રાજનીતિ કંઈ હદે વરવી પરિસ્થિતિ સરજી શકે છે, એની સમજ ને સુધબુધ રહે તે આવે પ્રસંગે તીવ્રપણે સમજાઈ રહે છે. ખલિલ જિબ્રાને નાગરિક સહજીવનની રીતે જે એક પાયાનું વિધાન કાવ્યમય બાનીમાં કર્યું છે તે અહીં કાળજે ધરવા જોગ છે. જિબ્રાને કહ્યું છે કે કોઈ પણ સાંકળ, છેવટે તો, એની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોઈ શકે છે.
હમણાં આરંભે જ સંભાર્યું કે સપ્ટેમ્બર 2011 પછી ખાસાં 14 વરસનાં અંતરે દિલ્હીએ આતંકી ઘટના જોઈ છે. આ વિધાન નિઃશંક સાચું ને ઇતિહાસપુષ્ટ છે. પણ જિબ્રાનની કસોટીને જોઈએ તો થોડાં વરસ પર નવી દિલ્હીમાં જે હિંસાદોર ચાલ્યો હતો અને કેન્દ્ર સરકાર હસ્તકની પોલીસે જે એકતરફી કોમી રવૈયે કામ લીધું હતું તે દેખીતું લાલકિલ્લાની ઘટના જેવું આતંકિત ન પણ કરે, પણ એ આપણા નાગરિક જીવનને કોમી ઊધઈથી પ્રત્યક્ષ જણાય કે ન જણાય (ખરું જોતાં, પ્રત્યક્ષ સમજાય કે ન સમજાય) બેહદ ખોખલું કરનારું હતું અને છે.
મનમોહનસિંહને આવે પ્રસંગે વિપક્ષ તરફથી જે બધું સંભળાવવામાં આવતું હતું એને બદલે સરવાળે ત્યારના વિપક્ષે એટલે કે હાલના સત્તાપક્ષે તેમજ કૉંગ્રેસ વગેરે વિપક્ષે ઠીક સંયમ જાળવી સાથે રહેવાની ભાવના શરૂઆતના કલાકોમાં પ્રગટ કરી તે અવશ્ય સ્વાગતાર્હ છે. આતંકી ઘટનાઓના દોર સામે જેમ સુરક્ષાતંત્રની કામગીરીનો મહિમા છે તેમ નાગરિક જીવન કોમી ધોરણે ધ્રુવીકૃત ન થાય તે પણ અનિવાર્ય છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 12 નવેમ્બર 2025
![]()

