Opinion Magazine
Number of visits: 9504131
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેખ લો આજ હમકો જી ભર કે, કોઈ આતા નહીં હૈ ફિર મર કે…

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 April 2021

ગયા સોમવારે [22 માર્ચ] ૮૮ વર્ષની ઉંમરે અવસાન પામેલા સાગર સરહદી વ્યવસાયિક હિન્દી ફિલ્મોના જીવ ન હતા. મજબૂરીમાં એ કોમર્સિયલ ફિલ્મોમાં આવેલા. એટલા માટે જ લેખક-સંવાદલેખક તરીકે તેમના નામે આંગળીના વેઢે (૧૫) ફિલ્મો બોલે છે. મૂળ ઉર્દૂ સાહિત્યના માણસ અને પ્રગતિશીલ લેખક મંડળના રંગે રંગાયેલા, એટલે સામાજિક નિસબત તેમની પહેલી પ્રાથમિકતા હતી. મૂળ નામ ગંગા સાગર તલવાર. પાકિસ્તાનના સરહદી વિસ્તાર અબ્બોટ્ટાબાદ (જ્યાં ઓસામા બીન લાદેનનો સંહાર થયો હતો) પાસે બાફ્ફામાં એ જન્મ્યા હતા. તેની યાદમાં તેમણે 'સરહદી' તખ્ખલુસ રાખ્યું હતું. વિભાજનમાં પરિવાર પહેલાં શ્રીનગર અને પછી દિલ્હીમાં સ્થાયી થયો.

તેમના મોટાભાઈએ મુંબઈમાં કપડાંની દુકાન નાખી હતી, એટલે દસમું પાસ કરીને સાગર મુંબઈ ભણવા આવી ગયા. ખાલસા કોલેજમાં એ ગુલઝારને મળ્યા હતા. તેમને ગુલઝારની ઉર્દૂની ઈર્ષ્યા આવી, એટલે ઉર્દૂ અને અંગ્રેજી મજબૂત કરવા માટે બીજા વર્ષે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોડાઈ ગયા. એમાંથી એ ગ્રાન્ટ રોડ પ્રગતિશીલ લેખક મંડળના અડ્ડા રેડ ફ્લેગ હોલના સંપર્કમાં આવ્યા, જેમાં ધુરંધર ઉર્દૂ લેખકો રાજીન્દર સિહ બેદી, ઈસ્મત ચુઘતાઈ, કે.એ. અબ્બાસ, સરદાર જાફરી, કૈફી આઝમી વગેરે રહેતા હતા.

ત્યાંથી ગાડી થોડીક પાટે ચઢી, પણ ઉર્દૂ લેખક તરીકે કંઈ કમાવા નહીં પડે, એવું ભાન થતાં તેમણે નાટકો અને ફિલ્મોમાં હાથ અજમાવાનો શરૂ કર્યો. એમાં તેજપાલ હોલમાં એમનું એક નાટક 'મિર્ઝા સાહેબાન' જોવા યશ ચોપરા આવ્યા હતા. યશજીને સરહદીમાં હીર દેખાયું અને કહ્યું કે મારા માટે ફિલ્મ લખશો? એમાંથી બ્લોકબસ્ટર 'કભી કભી' ફિલ્મ આવી. પછી તો તેમણે યશજી માટે 'નૂરી,' 'સિલસિલા' અને 'ચાંદની' લખી હતી.

'કભી કભી' પછી રાતોરાત તેમને બહુ ઓફરો આવી હતી, પણ તેમને જરૂરિયાત જેટલા જ રૂપિયા કમાવા હતા. તેમને ધંધાદારી લેખક બનવું ન હતું. તેમનો મૂળ રસ તો વધુને વધુ વાંચવાનો અને લખવાનો હતો. તેમને વ્યવસાયિક હિન્દી ફિલ્મોની મસાલાથી ભરપૂર વાર્તાઓ પણ માફક આવતી ન હતી.

એક ઇન્ટરવ્યૂમાં સરહદીએ કહ્યું હતું, "પૈસા કમાવા હોય તો મોટા બજેટની ફિલ્મો લખવી પડે, અને મોટા બજેટની ફિલ્મો લખો તો પૂરી ટેલેન્ટ એમાં વપરાઈ જાય. બદનસીબે, હું સ્ટાર સિસ્ટમનો વિરોધી છું. હું તેને એવું મૂડીવાદી ફોર્મ માનું છું, જેમાં શ્વાસ ન લઇ શકાય."

સાગર સરહદીની આ ટૂંકી કહાની કહેવા પાછળનું મૂળ કારણ ૧૯૮૨માં આવેલી 'બાજાર' ફિલ્મ છે. તેમણે નિર્દેશિત કરેલી આ એક માત્ર બહેતરીન ફિલ્મ છે, અને હિન્દી સિનેમામાં આજે પણ સીમાચિન્હ રૂપ છે. સરહદી કેવા બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા તે સમજાય, તે પછી તેમણે કેવા સંજોગોમાં અને કેમ 'બાજાર' બનાવી હતી તે સમજાય.

તે વખતના પ્રગતિશીલ લેખકો ચુસ્ત નારીવાદી અને આધુનિક વિચારસરણીવાળા હતા. સરહદી હિન્દી ફિલ્મોની ગુણવત્તાથી બહુ ખુશ ન હતા, એટલે તેમણે તેમની કલમ પર અંકુશ મૂકી રાખ્યો હતો. એવામાં તેમણે સમાચારપત્રમાં એક લેખ વાંચ્યો, જેમાં હૈદરાબાદમાં ગરીબ પરિવારના લોકો પૈસાની લાલચમાં તેમની દીકરીઓને કેવી રીતે પૈસાવાળા આરબોને પરણાવી દે છે તેની વિગતો હતી.

સરહદીનો સામ્યવાદી જીવ કકળી ઉઠ્યો. તેમને આ 'નકલી લગ્ન'માં રસ પડ્યો અને હૈદરાબાદ પહોંચ્યા. ત્યાં પત્રકારોની મદદ લઈને તેમણે લગ્નનું આ બજાર સમજવાની કોશિશ કરી. તેમણે હૈદરાબાદમાં આવાં એક લગ્નમાં મહેમાન બનીને ભાગ પણ લીધો હતો. એમાંથી 'બાજાર' ફિલ્મ આવી હતી. આ ફિલ્મ હૈદરાબાદના મુસ્લિમ પરિવારોમાં ધાર્મિક-સમાજિક 'મુત્તાહ' રિવાજ(ટૂંકા ગાળાનાં લગ્નો)ના નામે નાની-માસુમ છોકરીની તસ્કરીના કૌભાંડને ઉજાગર કરતી હતી. નાની છોકરીઓને દુલ્હન તરીકે ખરીદી લઈને અમુક વર્ષો (અને અમુક બચ્ચાં) પછી તેમને પાછી મોકલી દેવામાં આવે, એ વિષય જ ફિલ્મ માટે કેટલો સાહસિક કહેવાય! સરહદીએ એ સાહસ કર્યું, અને એક સુંદર ફિલ્મ બનાવી, જે આજે પણ ભારતના અમુક પ્રદેશોમાં પ્રાસંગિક છે.

ફિલ્મમાં એવી માસુમ છોકરી શબનમની ભૂમિકા સુપ્રિયા પાઠકે કરી હતી, જે ગરીબ સરજુ(ફારુખ શેખ)ના પ્રેમમાં છે, પણ તેનાં માતા-પિતા દુબઈના પૈસાદાર બુઢ્ઢા ખુસટ સાથે તેનાં લગ્ન નક્કી કરી નાખે છે. આ સોદો અખ્તર હુસેન (ભરત કપૂર) નામનો માણસ કરાવે છે, જેને બદલામાં પૈસા ઉપરાંત નજમા (સ્મિતા પાટિલ) પણ મળવાના હોય છે. નજમા પણ શાયર સલીમ(નસીરુદ્ધીન શાહ)ને ચાહે છે, પરંતુ ગરીબીના કારણે એનો ય પૈસા લઈને લગ્નનો ‘ઘાટ’ ઘડાઈ ગયો હોય છે, અને તે અખ્તર સાથે લિવ-ઇન રિલેશનશિપની તરફેણમાં ઘર છોડીને ભાગી જાય છે.

અખ્તરે તેને ખાતરી આપી હોય છે કે તે ઘર ચલાવવા જેટલા પૈસા ભેગા કરીને તેની સાથે લગ્ન કરશે, અને તેની કોશિશમાં તે શબનમનો સોદો ગોઠવે છે. નજમાને ખબર નથી કે શબનમ સરજુના પ્રેમમાં છે, જે નજમાનો ધર્મનો ભાઈ છે. મતલબ કે નજમા એક એવા ષડ્યંત્રમાં સહભાગી થાય છે, જેમાં તેની ભાવિ ભાભીને વેચવાનો સોદો થાય છે. નજમાને તેની ભૂલ સમજાય છે, ત્યાં સુધી મોડું થઇ ગયું હોય છે.

સરહદીએ 'બાજાર'ની કહાની નજીકના લોકોને સંભળાવી, તો ઇપ્ટા(ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન)ના લોકોએ પણ ફેંસલો આપી દીધો કે આવી ફિલ્મ એક દિવસ પણ નહીં ચાલે અને તમારો ફ્લેટ પણ વેચાઈ જશે. શરૂઆતમાં થયું પણ એવું. ફિલ્મ વેચાતી ન હતી. લોકો આવે, ફિલ્મ જુવે અને હેન્ડ-શેક કરીને જતા રહે. આગળ જઈને ફિલ્મે સફળતાના નવા ઝંડા એવા રોપ્યા કે તે આખી જિંદગી સાગર સરહદીને પાળતી રહી. (આવું જ 'કભી કભી'માં થયેલું. નિર્માતા ગુલશન રાયે ભવિષ્ય ભાખેલું કે આ ફિલ્મ બે દિવસ પણ નહીં ચાલે અને યશ ચોપરાને સલાહ આપી હતી કે બધા ડાયલોગ કાઢી નાખો અને જાવેદ અખ્તર પાસે નવેસરથી લખાવો.)

‘બાજાર’ અત્યંત સફળ રહી તેનું એક કારણ તો તેની જબરદસ્ત સ્ટારકાસ્ટ, અને બીજું તેનું કર્ણપ્રિય સંગીત. નસીર, સ્મિતા અને ફારુખ શેખ ત્યારે મોટા સ્ટાર હતા, અને નિર્દેશક તરીકે સરહદીની એ પહેલી જ ફિલ્મ હતી. પહેલા આઠ દિવસના શુટિંગ દરમિયાન સ્મિતાને ખાસ મજા આવી ન હતી, અને સરહદીને ખાતરી થઇ ગયેલી કે બાકીના હૈદરાબાદના શુટિંગમાં સ્મિતા નહીં આવે, પણ તેમની રાહત વચ્ચે સ્મિતાએ કહ્યું, ‘તમે બહુ સારા નિર્દેશક છો.’ ફારુખ શેખે પણ સરહદી જે રીતે દ્રશ્યો શૂટ કરતા હતા, તેનાં વખાણ કરેલાં.

એક સીધીસાદી હૈદરાબાદી છોકરીની ભૂમિકા માટે સુપ્રિયા પાઠકનું નામ નસીરુદ્દીને સૂચવ્યું હતું. સરહદી તેને યાદ કરીને કહ્યું હતું, “સુપ્રિયા ગોલ મટોલ સી લડકી થી. મુજે ઐસી હી ચાહીએ થી.” તેમણે સુપ્રિયાને કહ્યું હતું કે મારી પાસે ખાલી ૫૦૦ રૂપિયા છે, અને એનાથી હું હૈદરાબાદમાં શુટિંગ કરવાનો છું. તું તારા પૈસાથી વિમાનમાં ઊડીને આવજે. ફિલ્મ હીટ ગઈ, પછી સરહદીએ ફી રૂપે સુપ્રિયાને ૧૧,૦૦૦ અને સ્મિતાને ૪૦,૦૦૦ ચૂકવ્યા હતા. સ્મિતા પાટિલે ફિલ્મ જોઇને સુપ્રિયાને કહેલું કે આ ફિલ્મમાં તો તું છવાઈ ગઈ છું. સુપ્રિયાને તેના માટે સહાયક શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

‘બાજાર’ આજે પણ તેના શાનદાર સંગીત માટે લોકપ્રિય છે. સંગીતકાર ખૈયામની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. બધાં ગીતો ગઝલોના સ્વરૂપમાં હતાં; જગજીત કૌરના અવાજમાં મિર્ઝા શૌકની ‘દેખ લો આજ હમ કો જી ભર કે,’ પામેલા ચોપરાના અવાજમાં જગજીત કૌરની ‘ચલે આઓ સૈયાં,’ લતા મંગેશકર અને તલત અઝીઝના અવાજમાં મખદુમ મોયુદ્દીનની ‘ફિર છીડી રાત,’ ભુપિન્દર સિહના અવાજમાં બશર નવાઝની ‘કરોગે યાદ તો’ અને લતા મંગેશકરના અવાજમાં મીર તકી મીરની ‘દિખાઈ દિયે યું’ ઉર્દૂ કવિતાનું અપ્રતિમ સર્જન છે.

સાગર સરહદી કેટલી પ્રમાણિક ફિલ્મ બનાવવા માંગતા હતા તેની સાબિતી એ હકીકત પરથી મળે છે કે ‘દેખ લો આજ હમકો જી ભર કે’ ગઝલને તેમણે લખનૌના શાયર મિર્ઝા શૌકના ૨૦૦ વર્ષ જૂના ગઝલ સંગ્રહ ‘ઝહર-એ-ઈશ્ક’માંથી ખોળી કાઢી હતી. ‘દિખાઈ દિયે યું’ના રચિયતા મીર તકી મીર ૧૮મી સદીમાં મોઘલ સામ્રાજ્યના શાયર હતા. ‘ફિર છીડી રાત’ના સર્જક હૈદરાબાદના મખદુમ મોયુદ્દીન પ્રગતિશીલ લેખક મંડળના માર્કસવાદી શાયર હતા.

ખૈયામે આ ગઝલોને અત્યંત પ્યારથી સંગીતબદ્ધ કરી હતી. ‘બાજાર’ શરૂઆતમાં તો દર્શકોના ધ્યાનમાં ન આવી, પણ ધીમે-ધીમે તેની ખ્યાતિ વધવા લાગી. ૧૮માં અઠવાડિયામાં સરહદી હૈદરાબાદના એક થિયેટરમાં તેને જોવા ગયા હતા. સરહદીએ તેને યાદ કરીને કહ્યું હતું, “દેખ લો આજ હમકો જી ભર કે’ ગીત પડદા પર આવ્યું, તો સ્પેશ્યલ વિભાગમાં બેઠેલી મહિલાઓ ડૂસકાં ભરવા લાગી.” સરહદી સિનેમા હોલની બહાર નીકળી ગયા.

સાગર સરહદી સાથે અલપ-ઝલપ …

‘બાજાર-૨’ આવશે?

પ્રેમમાં પૈસા વચ્ચે આવે એટલે સ્થિતિ બદલાઈ જાય. પૈસા આજે પણ પ્રેમને ખરીદવા માટે સક્ષમ છે. ‘બાજાર-૨’ની વાર્તા આવા જ તાણાવાણાથી રચી રહ્યો છું. એ ફિલ્મ બનશે. રવિ શર્મા તેનું નિર્દેશન કરશે. એ પ્રેમ કહાની છે, અને તેમાં હૈદરાબાદમાં દુલ્હનોને વેચવાના દૂષણની વાત પણ છે. લોકડાઉન ખૂલે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ.

‘ચૌસર’ કેમ?

હું માર્કસવાદી છું, અને હું એવું શીખ્યો છું કે જીવવા માટે દુનિયા સારી ન હોય, તેને સારી બનાવવી જોઈએ. જાહેર જીવનમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે મેં ૨૦૦૪માં ‘ચૌસર’ બનાવી હતી. એ વેચાય તો ‘બાજાર-૨’ પર પૈસા લગાવીશ.

રોમેન્ટિક ફિલ્મો લખવાનું ખાસ કોઈ કારણ?

મેં ૨૦ વખત પ્રેમ કર્યો છે. એટલે કે લગ્ન ન કરી શક્યો. ૨૦ વખત પ્રેમની વાતથી લોકોને મજા આવશે, પણ પ્રેમ કરતી વ્યક્તિ બીજી વ્યક્તિને છોડીને જાય તો શું હાલત થાય તે નહીં સમજાય. મેં જે પ્રેમ અને દર્દની વાતો ફિલ્મોમાં કરી છે, તે મેં ખુદ અનુભવી છે.

કોઈ અફસોસ?

ફિલ્મોએ મને નામ અને દામ આપ્યાં. હું આખી દુનિયામાં ફરવાનું મળ્યું, પણ તેણે મારી અંદરનો ઉર્દૂ લેખક મારી નાખ્યો. નહીં તો, મારા નામે ૧૦-૨૦ પુસ્તકો બોલતાં હોત.

(અંતિમ વર્ષોમાં આપેલા ઇન્ટરવ્યુઝમાંથી)

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 માર્ચ 2021

Loading

1 April 2021 admin
← સ્ત્રીઓનાં ફાટેલાં જીન્સમાં અટવાતી ભારતની ૨૧મી સદી
इतिहास को भूलने का खतरा →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved