અમારી પાસે
અમારી માલિકીનું કહેવાય
તેવું કશું જ નથી
અમારો દેહ પણ નહીં
દરરોજ વેચીએ
દહાડો દઈને પાછો લાવીએ
માલિક મશીન સારું ચાલે તેથી તેમાં તેલ પૂરે
તેમ અમને ચા પીવડાવે
બધું જ માલિકને સોંપેલું છે
દહાડિયા સાટે
મશીન ચલાવીએ,
ગુણીઓ ઊંચકીએ,
લાકડાં કાપીએ,
પથ્થર ફોડીએ
અમારા બાપદાદા પણ દેહ પોતાનો ન કરી શક્યા
દેહ ઉપરાંત કશું રળી ન શક્યા
દેહભેગાં થઈએ રાતે
અમે પ્રેમ નથી કરતાં
અમે બાળકો જણીએ
બાળકો જણીજણીને
પ્રગતિ સાધવા મથીએ
આશાનું કિરણ તે
કો’ક એવું પાકે
અમારો દેહ છોડાવે
અમારા બાપદાદાઓએ પણ આમ જ કર્યું
તેમની જેમ જ અમે વિચારતંત્ર પણ
માલિકોને સોંપ્યું છે દહાડા માટે
રાતની ઊંઘ અમારી પોતાની
સપનાં લાવે
અમારી મજૂરી સાથે
સપનાંનો કોઈ મેળ નહીં
સપનાં સેવવાં સહેવાય નહીં
તે અમે સોમાંથી એક રૂપિયાનો નશો કરીએ
ભૂલી જઈએ માલિકોને સોંપેલાં હાડચામ
ફરી મશીન ચલાવીએ, ગુણીઓ ઊંચકીએ
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 મે 2020