Opinion Magazine
Number of visits: 9449525
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દવે દંપતી : સાચાં સમાજસેવી

ભૈરવી યોગેશ મણિયાર|Opinion - Opinion|11 May 2022

રસિકભાઈ અને સરલાબહેન સ્વતંત્રતાની લડતમાં વિવિધ સ્થળે, વિવિધ કાર્યો સાથે સતત પ્રવૃત્તિમય રહેલાં. તેમ જ મહાગુજરાત આંદોલન, ગુજરાત યુનિવર્સિટીની રચના હોય કે વર્ષોની મહેનત બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રચનાનો પાયાનો ખ્યાલ હોય એને મૂર્ત સ્વરૂપ સુધી લઈ જવામાં  રસિકભાઈની નોંધપાત્ર ભૂમિકા રહી છે. એક અલગ ઇતિહાસ બને એટલી એમની વિધેયાત્મક પ્રવૃત્તિઓ હતી.

અહીં મહદંશે એમનાં જીવનના છ દાયકા વડનગર માટે સમર્પિત હતા, તે બાબતને અત્યંત સંક્ષિપ્તમાં જાણીએ.

રસિકલાલ દવે અને સરલાબહેન દવે એટલે આજીવન ભેખધારી ‘સારસબેલડી’

1950ના અરસામાં વડનગર આવીને વસ્યાં ત્યારે એમના માટે આ નગર તદ્દન અજાણ્યું હતું .પરંતુ રસિકભાઈને પોતે જ્યાં જાય તે વિસ્તારનાં ઇતિહાસ, ભૂગોળ અને સમાજવ્યવસ્થા સમજવામાં ઊંડો રસ પડે એ નાતે વડનગરને સમજવા પ્રયત્ન કર્યો. વડનગરનું ઐતિહાસિક મહત્ત્વ સમજવામાં એવો તો રસ પડ્યો કે 200 કરતાં વધુ પુસ્તકો, પુરાતત્ત્વવિદો, ઇતિહાસકારો અને ત્યાંના સ્થાનિકો પાસેથી મળેલી માહિતીને સુગઠિત કરી તે સમયે (1956) મુંબઈ રાજ્યના રાજ્યપાલને રુબરુ મળીને વડનગરને 'હેરિટેજ વિલેજ' તરીકે પ્રસ્થાપિત કરવા માટે રજૂઆત કરેલી, અને કલકત્તાની લાયબ્રેરીમાં પણ તેનું સાહિત્ય મોકલી આપ્યું હતું અને સમયાંતરે તેને લગતી કાર્યવાહી કરતા રહ્યા, જેને પરિણામે વડનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી. અને સાથોસાથ એમનો નાતો વડનગર સાથે અતૂટ બન્યો. એવામાં  મોરારજી દેસાઈએ આ વિસ્તારમાં શિક્ષણ થકી સમાજનાં ઉત્થાનનું કામ સોંપ્યું. એમણે કહેલું કે, “વડનગરમાં કન્યા કેળવણી માટે એક શાળા ખોલો. અને સરલાબહેનને તેની જવાબદારી સોંપી, તમે અન્ય કાર્યો કરીને સમાજને ઉપયોગી બનો.” આમ, વડનગર નામનાં અજાણ્યાં નગરમાં આવી ચડ્યાં અને પછી તો વડનગરને પોતીકું બનાવી સવાયા વડનગરી બનીને આજીવન સેવા કરતાં રહ્યાં.

તો ચાલો  એમનાં  વિવિધ કાર્યો થકી એમને ઓળખીએ :

1960ના સમયમાં હજુ વડનગર બાળવિવાહ, કન્યા કેળવણી, અસ્પૃશ્યતા, વગેરે ઘણી રીતે જૂનવાણી હતું. દીર્ઘદૃષ્ટા એવું આ યુગલ ધીમે ધીમે શિક્ષણ થકી જનજાગૃતિ કરી રહ્યું હતું. 1964માં વડનગર ગર્લ્સ હાઇસ્કૂલ શરૂ કરી. આ શાળામાં કોઈ બહેન પોતાનું બાળક લઈને ભણવા આવતી, તો કોઈ વિધવા કે ત્યકતા હોય છતાં અહીં માનભેર ભણતી. એટલું જ નહિ ત્યારબાદ તેને PTC કે ગ્રેજ્યુએશન પૂરું કરાવી પગભર બને તેની પણ તકેદારી રાખતાં. ધીમે ધીમે ગામનાં રાજકીય વિરોધીઓ પણ પોતાની દીકરીને અહીં સોંપી જતા. અને ઘણી દીકરીઓને સાસરિયાંએ તેડાવી, જેઓ સ્વમાનભેર નોકરી અને ઘરની જવાબદારીઓ સુપેરે નિભાવી રહી છે. 

વડનગર એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા, તે સમયે આખા ખેરાલુ તાલુકામાં કૉલેજ નહોતી એટલે ઘરઆંગણે  જ  ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુસર વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પણ (1968) શરૂ કરી.

ઉપરોક્ત બંને સંસ્થાઓમાં સાચા અર્થમાં કેળવણી અપાય તે હેતુસર અનેક પ્રવૃત્તિઓ યોજતાં.

દર વર્ષની પહેલી જુલાઈએ વસંત-રજ્જબ દિનની ઉજવણી કરાય છે, જેના કારણે વડનગરમાં આજ દિન સુધી કોમી હુલ્લડો નથી થયાં. હિંદુ – મુસ્લિમ શાખપાડોશી તરીકે સૌહાર્દપૂર્ણ રીતે રહે છે. અને બજારમાં દુકાનો પણ ભેગી જ જોવા મળે છે.

દીકરીએ પરણીને સંયુક્ત કુટુંબમાં જવાનું હોય. ત્યાં દેરાણી, જેઠાણી  કે નણંદનાં બાળકોને નવડાવીને તૈયાર કરવાં પડે ત્યારે સૂગ ન ચડે અને મદદરૂપ થવાય તે હેતુથી અહીંની વિદ્યાર્થિનીઓને લઈને સરલાબહેન ઠાકોરવાસ, હરિજનવાસ જેવાં સ્થળોએ જતાં અને ત્યાંના બાળકોને નવડાવી તૈયાર કરતાં. અને ઘર તથા શેરી સાફ કરતાં. આની બેવડી અસર જોવા મળી, છોકરીઓ ભાવિ માટે ઘડતર પામી અને ગામની બહેનો ઘર અને શેરી સ્વચ્છ રાખતાં શીખી.

શાળામાં ક્યારેક બેન્કના મેનેજર, ક્યારેક DDO, DEO, તો ક્યારેક પુરાતત્ત્વવિદ વગેરે આવીને વિદ્યાર્થીઓને (અહીં 10+2 થતાં આનર્ત શિક્ષણ કેન્દ્ર નામ અપાયું. તેમાં છોકરા છોકરીઓ બંનેને) તેમની ખાતાકીય માહિતીથી વાકેફ કરતા અને બેંક, તાલુકા કચેરી, કોર્ટ કે ઉત્ખનન થતું હોય તે સ્થળે લઇ જઈ કામગીરી સમજાવતા. આથી અહીંથી નીકળતો વિદ્યાર્થી ગભરાટ વગર જે તે ક્ષેત્રમાં કુશળ બની શકે. ક્યારેક ઉમાશંકર જોશી, ગુલાબદાસ બ્રોકર જેવા સાહિત્યકાર, તો પુરુષોત્તમ માવલંકર, ચીમનભાઈ પટેલ જેવા મહેમાનો પણ આવતા, જેમનાં જ્ઞાનનો લાભ આ સૌને મળતો રહ્યો છે.

વડનગરની નગરરચનાનું પુરાતત્ત્વીય મહત્ત્વ જળવાઈ રહે તે માટે સતત પ્રજાને ત્યાંના ઐતિહાસિક ખજાનાથી વાકેફ કરવી અને તેનું જતન કરતાં શીખવવાનો પ્રયાસ કરતા. આ માટે ઇતિહાસ પરિષદ, તાનારીરી સંગીત મહોત્સવ, વડનગરનો સ્થાપનાદિન વગેરેમાં પ્રજાને સાંકળતા. તેમ જ પ્રજાજનોને સારા શ્રોતા બનતાં પણ શીખવ્યું, તેનું એક ઉત્તમ ઉદાહરણ કે વસુબેન ભટ્ટ જ્યારે આકાશવાણીના ડાયરેક્ટર હતાં ત્યારે તેમણે રસિકભાઈને જાહેર સંગીત મહોત્સવનું આકાશવાણી દ્વારા રેકોર્ડિંગ કરવાની ઈચ્છા દર્શાવી. અને આ અઘરું કામ તદ્દન સરળ બનાવી આપ્યું. 10,000ની જનમેદની વચ્ચે ખૂબ જ શાંતિમાં રેકોર્ડિંગ થયું. અને તેમાં રાજ્યભરના મોટા કલાકારોએ ભાગ લીધેલો, જેનો લ્હાવો જનતાને મળ્યો.

વડનગરની જનતાનું વૈચારિક સામર્થ્ય કેળવવા એક વિશિષ્ટ કાર્યક્રમ શરૂ કરેલો. વડનગરમાં આવેલી ભોગીલાલ ચકુલાલ લાયબ્રેરીને 50 વર્ષ પૂરાં થયાં ત્યારે સૌ પ્રથમવાર પુસ્તકમેળાનું આયોજન કર્યું. ઘણા પ્રકાશકો અને પુસ્તકવિક્રેતાઓ આ નવતર પ્રયોગમાં હોંશભેર જોડાયા અને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો. એ સમયે તમામ નગરજનોને લાયબ્રેરીમાં ફરજિયાત જવાનું સમયપત્રક બનાવ્યું. આબાલવૃદ્ધ સૌ ત્યાં જતાં થયાં. ભણેલાં હોય તે અભણને વાંચી સંભળાવે. બાળકો જે પુસ્તક ઘરે લઇ ગયાં હોય તે બીજીવાર જાય ત્યારે અન્યને તે પુસ્તક વિષે માહિતી આપે. આમ નગરજનો સાંપ્રત સમસ્યા હોય કે ઊંચી સાહિત્યકૃતિ હોય, તેની રસપૂર્વક ચર્ચા કરતાં થયાં.

એક ઉલ્લેખનીય બાબત એ છે કે ગામનું કોઈ પણ બાળક ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જતું હોય તો તેને શાળાને નામે જરૂરી પુસ્તકો ખરીદી લેવાનું કહેતાં, જેથી તેને ખર્ચ ન થાય અને તો ય ભણી શકે અને ભણી લીધા બાદ તે શાળાની લાયબ્રેરીમાં પરત કરે, જેનો ઉપયોગ અન્ય વિદ્યાર્થી પણ કરી શકે. આમ શાળાનું પુસ્તકાલય ઘણું સમૃદ્ધ બન્યું છે.

શાળા શરૂ થઈ ત્યારથી શાળામાંથી જ પાઠ્યપુસ્તકો આપવાની પ્રથા પાડી છે, જેથી સગવડ ન હોય એવાં બાળકો પણ ભણી શકે. વર્ષ પૂર્ણ થતાં અન્ય માટે ઉપયોગ થવાનો હોવાથી દરેક વિદ્યાર્થી પુસ્તકનું સરસ જતન કરતાં પણ શીખે. જેને યુનિફોર્મની મદદની જરૂર હોય તેને શાળામાંથી તેની પણ સગવડ કરાય. અહીં કોઈ માલેતુજાર ન હોવા છતાં સ્વૈચ્છિક મદદ સ્ટાફ દ્વારા જ કરાય. આ ભાગ્યે જ કોઈ સંસ્થામાં બનતું હશે.

બીજો એક સરસ પ્રયત્ન :

વડનગરમાં વોટરવર્કસ વડે ઘરે ઘરે પાણી પહોંચાડવાનું પ્રાથમિક કાર્ય પૂર્ણ થતાં તેનાં ઉદ્દઘાટનપ્રસંગે વડનગરના શ્રેષ્ઠી અને કલકત્તામાં સ્થાયી થયેલા તાહેરઅલી શેઠને મહેમાન તરીકે આમંત્ર્યા અને તેમના હસ્તે પાણી ચાલુ કરાયું, જેમાંથી પહેલો ઘડો હરિજનબાળાએ ભર્યો. તેમ જ પહેલું કનેક્શન ડોક્ટર વસંત પરીખનાં પિતાશ્રીને ત્યાં આપ્યું કે જેઓ ચુસ્ત વૈષ્ણવ હોવાથી એમનો પાણીનો કૂવો પણ અલગ હતો. ખરેખર આ યોજના વડે બધા ધર્મ કે પંથવાળા એક બન્યા.      

વડનગરનું તળાવ સ્વચ્છ રહે અને સ્વચ્છતાની સૂઝ કેળવાય તે હેતુથી કોલેજના વિદ્યાર્થીઓની હરીફાઈ યોજાય, જેમાં શિંગોડાની ખેતી સાથે સંકળાયેલા છોકરાઓ મેદાન મારી જાય. આ છોકરાઓને અભ્યાસલક્ષી પ્રોત્સાહક ઇનામ અપાય અને એ ગ્રેજ્યુએટ થઇ આગળ પણ વધે. તો  'નગર સફાઈ અભિયાન'નું આયોજન કરી, નગરજનોમાં સ્વચ્છતાની પ્રત્યે સભાનતા કેળવવાનો પ્રયાસ કર્યો.

વડનગરને લાઈટ, પાણી, રસ્તા, વગેરેથી સજ્જ કરવાનો સતત પ્રયત્ન કરતાં રહ્યાં. વડનગરને બસવ્યવસ્થાનો મહત્તમ લાભ મળે તે માટે અથાગ પ્રયત્નો કર્યા. આને કારણે સોમનાથ કે દ્વારિકા, મુંબઈ કે હૈદ્રાબાદ જેવાં સ્થળો સાથે વડનગરને સીધી બસ વડે જોડ્યું. અને વડનગરને ટેલિફોન એક્ષ્ચેન્જ, તાલુકો, કોર્ટ, એસ.ટી. ડેપો જેવી અનેક સુવિધાઓ પૂરી પાડી. અરે, એક જ જગ્યાએ શાક મળે તે હેતુથી શાકમાર્કેટ બનાવડાવ્યું. તેના કારણે ફેરિયાની જેમ ફરવાને બદલે કાછિયાઓ પણ સહજ વ્યાપાર કરતા થયા. પરંતુ એ શાક માર્કેટને સ્થાને જ્યારે શૉપિંગ સેન્ટર બનાવાયું અને શાકવાળા રસ્તા પર પાથરણાં પાથરી શાક વેચવા મજબૂર થયા ત્યારે બારોટી બજારમાં તળાવની પાળે એમને જગ્યા ફાળવવાની ભલામણ એમણે નગરપાલિકાના વહીવટીતંત્રને કરેલી.

એમની સંસ્થાઓમાં કાર્યક્રમોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ થાય. એટલે જે તે ક્ષેત્રે રસ ધરાવનાર એમાં સક્રિય ભાગ લે. મહેમાનને નિમંત્રણથી લઇ ને કાર્યક્રમનાં સમાપન સુધી શિક્ષકો માર્ગદર્શકની ભૂમિકા ભજવે. આને કારણે સારા વક્તાઓ અને સારા આયોજકો સમાજને સતત મળતા રહ્યા છે.

એટલું જ નહિ મહેસાણા જિલ્લા પંચાયતમાં ખેતીવાડી અને ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન હતા ત્યારે ખેતીવાડી અને બોરવેલમાં ચાલતી ગેરરીતિઓને ઉજાગર કરી, ભ્રષ્ટાચાર અટકાવવાના પ્રયત્નો કર્યા, જેને કારણે પ્રજામાં જાગૃતિ આવી.

માત્ર વડનગર જ નહિ છાબલિયા જેવા ગામના ઠાકોરોને દારૂની લત છોડાવી, રચનાત્મક માર્ગે વાળ્યા. વડનગર અને આસપાસના ઠાકોરોને સન્માર્ગે વાળવા રસિકભાઈએ સહકારી મંડળી શરૂ કરી.

વડનગરના ગોળના વ્યાપારીઓની સહકારી મંડળી બનાવી કોલ્હાપુર સાથે સાંકળી  આપ્યા.

'60ના દાયકામાં વડનગરમાં માથે મેલું ઉપાડવાની પ્રથા હતી. દરેક ઘરમાં ખાળકૂવા બનાવડાવીને આ પ્રથાથી છૂટકારો મળતાં એ પ્રજા ખૂબ ખુશ થઈ.

જ્યારે જ્યારે કુદરતી આફતમાં મદદરૂપ થવાનું હોય, ત્યારે ત્યારે સમગ્ર શાળાપરિવાર વિવિધ રાહતકાર્યો કરી ભંડોળ એકઠું કરી, મુખ્ય મંત્રીના રાહતફંડમાં જમા કરાવતા. આ કાર્યોમાં રસ્તા બનાવવા, તળાવો ઊંડા કરવા, ઘરે ઘરે ફરીને વાટકી અનાજ એકઠું કરવું અને જરૂરિયાતમંદને પહોંચાડવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. આમાં સરલાબહેન અને રસિકભાઈ પણ ખૂબ જ ખંતથી કાર્યરત રહેતાં.

આવાં કાર્યો કરવા માટે એમની આગવી સૂઝ અને વિવિધ ક્ષેત્રે સક્રિયતા જવાબદાર છે. જેમ કે નાનામાં નાનાં કામ માટે કયા વિભાગમાં, કયા સ્તરે (સ્થાનિક પંચાયતથી લઈને છેક રાષ્ટ્રીય સ્તર હોઈ શકે, યુનિવર્સિટી કે યુનેસ્કો હોઈ શકે), કોને પત્ર લખવો, સંદર્ભો અને તથ્યોને પુરાવા તરીકે બીડાણ કરવાં, એ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત યાદ કરાવતાં રહેવું, પૂર્ણ થયે આભાર માનવો. રસિકભાઈ બોલે અને સરલાબહેન લખે. જરૂર જણાય ત્યાં ચર્ચા કરે. આમ હજારો પત્રો આ બેલડીએ લખ્યા હશે. એટલું જ નહિ, જ્યાં પણ જરૂરી હોય ત્યાં રૂબરૂ રજૂઆત માટે પહોંચી જતાં. સરલાબહેન ગુજરાત એસ.ટી. બોર્ડ, ગુજરાત સ્પોર્ટસ કાઉન્સિલનાં સભ્ય તરીકે ખૂબ સક્રિય રહ્યાં. ઘણાં વર્તમાનપત્રોમાં ખબરપત્રી તરીકે અંતરિયાળ વિસ્તારોની ખબર પ્રજા સમક્ષ મૂકતાં રહ્યાં. તો રસિકભાઈ વડનગર નગરપાલિકાના પ્રમુખ હતા. ઓલ ઇન્ડિયા રેલ્વે ટ્રેડ યુનિયનના સેક્રેટરી, ચેમ્બર ઑફ કૉમર્સ, અનેક ટ્રેડ યુનિયન્સ, મહેસાણા જિલ્લા ખરીદવેચાણ સંઘ, વગેરે અનેક ક્ષેત્રે સક્રિય હતા.

વળી, સાહિત્યક્ષેત્રે પણ એમનું ઘણું પ્રદાન રહ્યું છે. કોઈ પણ રચનાત્મક વિચાર હોય કે કોઈ લેખ અંગેનો મત દર્શાવવો હોય, અનેક સામયિકો એમનાં લેખ છાપતાં રહ્યાં છે. જેવાં કે, ‘નવચેતન’, ‘કુમાર', ‘નિરીક્ષક’, ‘પરબ', ‘નવનીત સમર્પણ', ‘ઉદ્દેશ’, ‘Outlook’, ‘The Hindu’, ‘National Herald’, વગેરે. 'અખંડ આનંદ'માં તો એમની એક વાર્તા 'સંસ્કાર વારસો' માટે એમને 'વિશ્વ ગુર્જરી' તરફથી પ્રથમ ઈનામ પણ મળેલું. 'રેડિયો ટૉક', ‘ટી.વી. ટૉક' અને વડનગરનાં સ્થાપત્ય, તેમ જ ઐતિહાસિક મહત્ત્વ માટે એમણે અનેક લેખો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાખ્યાનો પણ આપ્યાં છે. એ માટે એમને ગુજરાતમાં CEPT Uni. અને ગૂજરાત વિદ્યાપીઠ ખાતે થયેલ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ખાસ આમંત્રણ મળેલ અને એમની રજૂઆતને ખૂબજ સારો પ્રતિભાવ મળ્યો હતો.

સમયાંતરે વિવિધ સામયિકો પણ પ્રજા સમક્ષ મૂકતાં રહ્યાં છે. જેમ કે, 'The Centiner', 'જનતા', 'વડનગર' વગેરે સાતેક સામયિકો શરૂ કરેલાં. વડનગરની વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે અનેક નાનીમોટી પુસ્તિકાઓ પણ છાપેલ. જેમ કે, 'શમેળા', 'વડનગરનો 1845મો સ્થાપનાદિન', 'નગર સફાઇ અભિયાન', તાનારીરીની સ્મૃતિમાં વગેરે.

અહીં એક હકીકત જાણીએ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એક સામયિક 'સિંધુડો' શરૂ કરેલું. શરૂઆતમાં એની હસ્તલિખિત પ્રતો તૈયાર થતી. સરલાબહેનના નાનાજી બેરિસ્ટર ડોડિયા સાહેબ તે સમયે પોરબંદર રાજમાં જજ હતા. 11 ઓરડાનો મોટો બંગલો, એટલે એવડી મોટી અગાશીમાં કાળી છત્રી નીચે ફાનસ લઈને સૌ આખી રાત લખતાં. અને પરોઢિયે બીજી ટૂકડી સાયકલ ઉપર મહોલ્લે મહોલ્લે અને આસપાસનાં ગામોમાં પહોંચાડતી. સરલાબહેનનાં માતુશ્રી ભાગિરથીબહેન આમાં લેખન, સંકલન જેવાં કાર્યો ઉપરાંત તમામ કાર્યની વ્યવસ્થા સાથે સંકળાયેલાં. આ માહોલમાં સ્વાભાવિક રીતે જ સરલાબહેન પણ જોડાઈ ગયેલાં. રસિકભાઈ તે સમયે વિવિધ માહિતીનું એકત્રીકરણ કરવાની જવાબદારી સાથે સંકળાયેલા. વળી, આ તો અંગ્રેજો સામેની પ્રવૃત્તિ, એટલે ગોપનીયતા જળવાઈ રહે તે માટે આ છાપાનું મુદ્રણસ્થળ 'રાણપુર' દર્શાવાતું. આમ, આ બંનેના પરિવારો પણ સ્વતંત્રતાની ચળવળમાં ખૂબ સક્રિય રહ્યા હતા.

1857નો બળવો કે જે સમયે  દેશના અનેક ખૂણેથી તરવરિયા જુવાનોને અંગ્રેજોએ ફાંસી આપેલી. સમૌ હોય કે પાટણ હોય, રસિકભાઈએ આવા શહીદોના વંશજો પાસેથી માહિતી મેળવી તેમની સ્મૃતિમાં આનર્ત શિક્ષણકેન્દ્ર અને વડનગરના નાગરિકોને સાથે લઈ વડનગરથી પદયાત્રા દ્વારા લોકજાગૃતિ આણી, સ્મારક રચ્યાં. એટલું જ નહિ ગેઝેટમાં આ હકીકતો પ્રકાશિત થાય તે માટે સઘન અને સફળ પ્રયત્ન કરેલા.

રસિકભાઈ અને સરલાબહેન બંનેએ વડનગર રેલવે લાઈન અંબાજી સુધી લંબાય તેવું સ્વપ્ન સેવેલું અને એ સ્વપ્ન વડનગરની પ્રજાને જોતાં શીખવ્યું. અને તે સાકાર કરવા અનેકવાર સત્યાગ્રહ કરેલ અને જેલ પણ થયેલ. અત્રે આ સ્વપ્ન ત્વરિત ગતિએ સાકાર થાય એવી શ્રદ્ધા છે.

"અંબાજી મંદિરનાં સ્થાપત્ય ઉપર મોગલ સ્થાપત્યની અસર છે અને એને હિંદુ સ્થાપત્ય મુજબ ગર્ભગૃહ, નાટ્ય મંડપ અને સભામંડપ હોવા જોઈએ. રસિકભાઈ તમે જ આ કામ કરી શકશો." આવું 'સ્કૂલ ઑફ પ્લાનિંગ'ના વિદ્વાન આચાર્ય પનુભાઈ ભટ્ટે વડનગરમાં યોજાયેલ ઇતિહાસ પરિષદ દરમિયાન કહ્યું. પછી તો સહી ઝૂંબેશ, લોકજુવાળ અને પત્રવ્યવહારને અંતે આ સાચું બાંધકામ ધરાવતું મંદિર તૈયાર થયું.

એકવાર વિજાપુર તાલુકાના કેટલાક ખેડૂતો દુકાળને કારણે હિજરતની વાત લઈને આવેલા ત્યારે રસિકભાઈએ એમને થોડીક ધીરજ રાખી, ધરોઈ કેનાલ વડે પાણી મળશે એવી હૈયાધારણ આપી. ઇંદિરા ગાંધીને આ વાતની ગંભીરતા સમજાવી. ડૅમનું ઉદ્દઘાટન થયું. આજે વિજાપુર તાલુકો સૌથી સમૃદ્ધ ગણાય છે.

રાજકારણ હોય, કે સામાન્ય નાગરિકની સમસ્યા હોય, એમની પાસે ઉકેલ હોય જ. અહીં દવે દમ્પતીની અનેક ક્ષેત્રે સક્રિયતાને પરિણામે હિતેન્દ્ર દેસાઈથી લઇને આનંદીબહેન પટેલ સુધીનાં તમામ મુખ્ય મંત્રીઓ, તેમ જ વડાપ્રધાન મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાઈ અને નરેન્દ્ર મોદીએ વડનગરની મુલાકાત લીધી છે.

અન્ય મંત્રીઓ તો વિકાસલક્ષી કાર્યોમાં સલાહસૂચનો મેળવવા અને પ્રજાલક્ષી કાર્યોને બિરદાવવા સતત આવતા રહ્યા છે.

મને આવાં સક્ષમ માતાપિતાનું  સંતાન હોવાનો ગૌરવ છે.

15/8/2019.

[એમના સ્મૃતિગ્રંથમાં મારો લેખ.]

સૌજન્ય : ભૈરવીબહેન મણિયારની ફેઈસબીક દિવાલેથી સાદર

Loading

11 May 2022 admin
← છપ્પા સંગ્રહ ‘અંગ-પચીસી’
બોધી અવતાર હતો તે અત્યારે વિલન બની ગયો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved