નોર્વેજિયન નોબેલ સમિતિએ 10 ઓક્ટોબર, 2025 ના રોજ જાહેરાત કરી છે કે “વેનેઝુએલાના વિપક્ષી નેતા Maria Corina Machadoને શાંતિ માટેનો નોબેલ પારિતોષિક-2025થી સન્માનિત કરવામાં આવે છે.”
વધતા અંધકાર વચ્ચે લોકશાહીની જ્યોતને સંકોરતી મહિલા તરીકે મારિયાને માન્યતા મળી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ શક્તિશાળી લોબિંગ છતાં આ સન્માન મેળવવાની તક ગુમાવી દીધી, જેમાં તેમણે પોતે જ તેમને દાવેદાર ગણાવ્યા હતા. મારિયાને અંતિમ વિજેતા જાહેર કર્યા પછી તરત જ, વ્હાઇટ હાઉસે નોબેલ પુરસ્કાર સમિતિના નિર્ણયની ટીકા કરી, નોબેલ સમિતિ પર રાજકારણને સ્થાન આપવાનો આરોપ લગાવ્યો.

મારિયા કોરિના મચાડો
મારિયા કોરિના મચાડો (58) કોણ છે? વેનેઝુએલામાં લોકશાહી માટેના સંઘર્ષનું નેતૃત્વ તેમણે કર્યું છે. તેમણે સરમુખત્યારશાહી અને દમનકારી શાસન સામે લોકશાહી માટે અવાજ ઉઠાવ્યો છે. તેમણે ચૂંટણી, પારદર્શિતા અને નાગરિક સ્વતંત્રતાઓની માંગ કરી છે. તેમણે માનવ અધિકારોના ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. લોકોને સંગઠિત કરીને, તેમણે વેનેઝુએલામાં લોકશાહી અધિકારો માટેના સંઘર્ષ તરફ વિશ્વનું ધ્યાન દોર્યું છે. એટલે જ તેમને વિશ્વ શાંતિ અને લોકશાહી સંઘર્ષના પ્રતીક તરીકે ઓળખીને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 1967માં જન્મેલા, મારિયા વેનેઝુએલામાં વધતી જતી સરમુખત્યારશાહી વચ્ચે લોકશાહી માટેની લડાઈમાં મોખરે રહ્યાં છે. તે દેશમાં વિરોધ પક્ષના નેતા છે. મારિયાએ એન્જિનિયરિંગ અને ફાઇનાન્સનો અભ્યાસ કર્યો છે. અને થોડા સમય માટે વ્યવસાયમાં કામ કર્યું હતું. 1992માં, મારિયાએ Atenea-એટેનિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી, જેનો હેતુ Caracas-કારાકાસમાં શેરી બાળકોને ટેકો આપવાનો છે.
મારિયા ગાંધી-વિચારથી પ્રભાવિત છે. તેણે 2010માં ગાંધીજીના વિચારો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં. ગાંધીજીનું આ વિધાન મારિયાએ 2 મે 2010 ના રોજ X પર શેર કર્યું હતું : “Almost everything I do will be insignificant, but it is very important that I do it – હું જે કંઈ કરું છું તે લગભગ નજીવું હશે, પણ એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે હું એ કરું.”
ગાંધીજીનું આ વાક્ય સૂચવે છે કે જ્યારે કોઈ વ્યક્તિગત ક્રિયા ભવ્ય યોજનામાં નાની અને નજીવી લાગે છે, ત્યારે પણ પગલાં લેવાનું મહત્ત્વપૂર્ણ છે.
ગાંધીજીને નોબેલ શાંતિ પુરસ્કાર નથી મળ્યો, પરંતુ તેમની વિચારધારાના સમર્થકોને આ પુરસ્કાર મળ્યો છે ! ગાંધીજીને 1937, 1938, 1939, 1947માં અને છેવટે, જાન્યુઆરી 1948માં તેમની હત્યાના થોડા દિવસ પહેલા આ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. ગાંધીજી નોબેલ સમિતિ દ્વારા સંભવિત પુરસ્કાર મેળવનારાઓ માટે સ્થાપિત પરંપરાગત માપદંડોનું પાલન કરતા ન હતા. ગાંધીજીએ શાંતિ અને અહિંસા પ્રત્યે જે અભિગમ અપનાવ્યો તે વિશિષ્ટ અને નવીન હતો. નોબેલ સમિતિ માટે તેમના પૂર્વ-સ્થાપિત માળખામાં તેમના યોગદાનનું મૂલ્યાંકન થઈ શક્યું ન હતું. સમકાલીન અભિગમથી વિપરીત, નોબેલ સમિતિ પાસે તે સમયે પ્રાદેશિક સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલને પ્રોત્સાહન આપવા માટે શાંતિ પુરસ્કારનો ઉપયોગ કરવાનો ઇતિહાસ નહોતો. વધુમાં, મરણોત્તર નોબેલ પુરસ્કારો આપવા માટે સ્થાપિત માર્ગદર્શિકાના અભાવે એક મોટી ચિંતા ઊભી થઈ હતી. ગાંધીજીની હત્યા 1948ના નોબેલ શાંતિ પુરસ્કાર નામાંકનોની સમયમર્યાદાના બે દિવસ પહેલા જ થઈ હતી. ગાંધીજી કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલા ન હતા, અને તેમણે તેમના વસિયતનામામાં પુરસ્કારની રકમ માટે કોઈ પ્રાપ્તકર્તાને નિયુક્ત કર્યા ન હતા. પુરસ્કારના લાભાર્થી વિશે સ્પષ્ટતાના અભાવે સમિતિએ મરણોત્તર પુરસ્કારનો વિરોધ કર્યો, કારણ કે તે નોબેલ પુરસ્કારના સ્થાપકના ઇરાદા વિરુદ્ધ હોવાનું માનવામાં આવતું હતું. 1989માં, જ્યારે દલાઈ લામાને શાંતિ પુરસ્કાર મળ્યો, ત્યારે સમિતિના અધ્યક્ષે ઉલ્લેખ કર્યો હતો કે “the award was, in some measure, a way to honour the memory of Mahatma Gandhi. આ એવોર્ડ, એક રીતે, મહાત્મા ગાંધીની સ્મૃતિને માન આપવાનો એક માર્ગ હતો.”
10 ઓક્ટોબર 2025.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર