મગન કુંભારની ચાલી,
કેશા બલુની ચાલી,
સળિયાવાળી ચાલી,
રતિલાલની ચાલી,
તારવાળી ચાલી,
પી. કસ્ટિયાની ચાલી,
ટેકરાવાળી ચાલી,
અબુ કસાઈની ચાલી,
કુંડાવાળી ચાલી,
હીરાલાલની ચાલી,
રાયચંદ મેઘરાજની ચાલી ……..
આ બધી ચાલીઓનાં નામ તો તેં સાંભળ્યા છે.
આ જ છે તારું કાશ્મીર.
આ જ છે તારું ગુલમર્ગ અને સોનમર્ગ.
કાશ્મીર જોડે તારે શું લેવાદેવા?
તેં કાશ્મીર જોયું છે?
ઉનાળાના ધોમધખતા તાપમાં તપતા પતરાની નીચે એક ઓરડીમાં ટીવી પર ‘કાશ્મીરની કલી’ પિક્ચરમાં તે કાશ્મીર જોયું છે. એની વાદીઓ, ઘટાઓ, એનું કુદરતી સોંદર્ય જોયું છે. કાશ્મીર તો તું ક્યારે ય ગયો નથી. કાશ્મીર તો છે તારા માટે એક કલ્પના. તારી પાસે તો અમદાવાદથી કાણ મોકાણે ક્યારેક તારા ગામે જવાનું ભાડું પણ નથી હોતું. તો કાશ્મીરની શું વાત કરવી?
અને ૩૭૦ની કલમ.
ઓહોહોહોહોહોહોહોહો.
એક વાર ખાડિયાની પોળમાં જઈને ઘર તો ખરીદ.
“નામ?”
“નયન જાદુગર.”
“જાદુગર? પણ કેવા?”
“પરમાર.
“સોરી. એસ.સી.ને ઘર નથી આપતા.”
અહીં હજારો ગામડાઓમાં (અને શહેરોમાં પણ) એક અઘોષિત, અદ્રશ્ય ૩૭૦ની કલમ તારી સામે પ્રવર્તે છે એ તો પહેલાં દૂર કર.
કાશ્મીરની ક્યાં પંચાત કરે છે?
આમ પણ, તું અહીં ફેસબુક પર કાશ્મીરની પંચાત કરીને ટાઇમ પાસ જ કરે છે.
કાશ્મીરની ૧.૨૫ કરોડની આબાદીને ચૂપ રાખવા છ લાખ જવાનો હાથમાં ઓટોમેટિક ગન લઇને ઊભા છે. એટલે કે દર ૨૦-૨૧ વ્યક્તિઓ માટે એક જવાન છે.
તું તારા બાળકોનાં શિક્ષણની ચિંતા કર, મૂરખ. કાલે ભારત માતાનો જય જય કાર કરતી પત્રિકાઓના રસ્તે ઊડતા કાગળો વીણી વીણીને થેલામાં ભરીને પેટ ભરવાનો વારો આવશે.
[લેખકની ફેસબુક પોસ્ટમાંથી સંપાદિત]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 07