Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત સાહિત્ય – પ્રતિબદ્ધ સર્જક : દલપત ચૌહાણ

નટુભાઈ પરમાર|Opinion - Literature|22 October 2021

‘મેં કોઈ દ્રોણનું શરણ લીધું નથી, એટલે મારો અંગૂઠો સલામત છે. એકલતાની વાત મેં ગાંઠે બાંધી છે …. મારા સર્જન-લેખનમાં કોઈની સાહિત્યકૃતિનો પ્રભાવ નથી. ઈર્ષાભાવ મને ફળ્યો છે. એક ઝનૂની પ્રાણીની જેમ મેં સાહિત્યને ઘૂંટ્યું છે. મારું સાહિત્યકાર રૂપે અવતરવું એ જ તો ચમત્કાર છે, મહેનતનો ચમત્કાર … કહે છે કવિઓ જન્મે છે. અમે ય જન્મ્યા હતા, પણ કવિ તરીકે નહીં. અમે તો પાંત્રીસમાં વર્ષે કવિતા કરવાની શરૂઆત કરી …. લખ્યું છે, ઘણું વધારે લખવાનું બાકી છે. બસ એ વસવસો છે ….. પદ-પ્રતિષ્ઠા ક્યારે ય ઝંખનામાં આવ્યા નથી. ઈનામ-અકરામ માટે લખતો નથી …… સમાજનો ઇતિહાસ-સાચો ઇતિહાસ લખવો છે. દલિત સાહિત્યધારા કાયમી રહે એવી ઇચ્છા છે …. બ્રાહ્મણો આવે તે પોતાની કથા લખે, પટેલો પોતાની લખે, ચૌધરીઓ પોતાનું લખે, તો પછી દલિતો પોતાનું લખે જ ને. મને લખ્યા વિના જંપ નથી વળતો …. બધું રાબેતા મુજબ ચાલતું યુવાનીમાં ય. જે કંઈ ઘટ્યું સાહજિક હતું એ વખતે. આજે ભયંકર – અતિ ભયંકર લાગે છે … ૧૯૬૯ના કોમી હુલ્લડોમાં વહેતું લોહી, ૧૯૭૨-૧૯૭૪નાં રોટીરમખાણો. ૧૯૮૧ના અનામતિયા હુલ્લડ, ૧૯૮૫, ૧૯૯૦, ૧૯૯૩ના કોમી હુલ્લડોનો એક ભાગ હતો હું. આ બધાથી મારામાંનું લલિત સાહિત્ય છૂટ્યું …… લેખન-સાહિત્ય સમાજનો ભાગ છે. સમાજ, વ્યક્તિ છે તો કલા છે. કલા છે તો સમાજ હોય એવું સમીકરણ વ્યર્થ ગણાય … સાહિત્યકલા જીવન માટે છે ને હું એનો પક્ષધર છું …. વિશાળ વાચકવર્ગ તો ક્યારે ય હતો જ નહિ. લોકોને રસ પડે તો વાંચે, વાંચવાનું ગમે તે વાંચે જ છે …. કોઈના ઘરમાં પાંચસો પુસ્તકો હોય એટલે તે તમામ તેણે વાંચ્યા જ હશે, એમ માનવું ભૂલભરેલું છે. જ્યાં સુધી માણસ થોડો-ઘણો નવરો થઈ શકે તેમ છે, તે વાંચશે – જોશે અને વિચારશે … જીવન ન હોય તેનાથી રૂપાળું ચિતરવું, આવા સાહિત્યનું વેચાણમૂલ્ય છે, શાશ્વત મૂલ્ય નથી ….. સાહિત્ય અકાદમી – દિલ્હી, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ કે અન્ય સંસ્થાઓ તરફથી અપાતાં ઈનામ – એવોર્ડ અંગે રાજકારણ પ્રવર્તે છે એ મત દૃઢ થયો છે. આ મતને હું મહદઅંશે સ્વીકારું છું ….. સાહિત્યકારો સ્વમાં – સ્વસમાજમાં કે આજુબાજુ બનતી ઘટનાઓ વિશે લખતા – વિચારતા હોય એમ સામાન્ય રીતે જોવાય છે. તેઓ તેમના કુંડાળામાંથી બહાર નિકળતા નથી. અગાઉ જે રીતે લખાયું હોય તેની નકલ કરીને ચાલતા હોય છે. નવો ચીલો સાહિત્યના રૂપમાં પાડતા હોય છે, ઘટનાઓમાં નહીં. કાળક્રમે સમાજમાં જે પરિવર્તન આવે તેની ખાસ અસર ગુજરાતી સાહિત્યકારો પર પડી નથી; ને તે જો પડી હોય તો ક્ષણિક હોય છે … શરૂઆતમાં નવું સાહિત્ય થોડુંક નબળું હોય પણ પછી તે પોતાની સ્થિતિ જરૂરથી સુધારી લે છે. ગુણવત્તા ઉત્તમ થઈને રહે છે ….. દરેક ધારા તેના ચોક્કસ ગાળા સુધી દબદબો રાખે છે ને પછી ધીમે-ધીમે વિલાય છે. એ જ તો ક્રમ છે. તેમાં કશું નવું નથી.'

ગુજરાતના દિગ્ગજ દલિત સર્જક દલપત ચૌહાણના મુખેથી બોલાયેલા આ વાક્યાંશો, જે અહીં સંકલિત કરીને રજૂ કર્યા છે, તે મેં ગુજરાતના એવા જ દિગ્ગજ સર્જક ડૉ. સુમન શાહ સાથેના એમના વિસ્તૃત વાર્તાલાપમાંથી મેળવ્યા છે.

ગુજરાતી દલિત સાહિત્યના આરંભની ક્ષણથી આજ પર્યંત પ્રતિબદ્ધતાપૂર્વક સતત સક્રિય રહેલા, ગુજરાતી દલિત સાહિત્યના આરંભના ઈન્કારથી આજની સ્વીકૃતિ સુધીની લાંબી મજલના સાક્ષી, સહયાત્રી અને એના તેના જાગૃત પહેરેદાર, ગુજરાતી દલિત સાહિત્યના પાયાના પથ્થર એનો બળુકો અવાજ, સમર્થ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણ હોવું એટલે શું? એનો એક જવાબ આપણને મળે છે ‘દર્દની વાત કરો એટલે સાહિત્ય આપોઆપ આવી જાય, તેથી જેમનું શોષણ થયું છે, તેમનું સાહિત્ય ન હોય તો જ નવાઈ’ એવું દૃઢપણે માનતા ને કહેતા રહેલા ડૉ. સુમન શાહના દલપત ચૌહાણ સાથેના આ વાર્તાલાપમાંથી.

૧૦ એપ્રિલ ૧૯૪૭ના રોજ મંડાલી (તાલુકા ખેરાલુ) જિલ્લો મહેસાણામાં જન્મેલા દલપત ધુળાભાઈ ચૌહાણ આજે ઉંમરના ૮૨માં વર્ષના પડાવે યુવાનોને પણ શરમાવે તેવા જોમ, ઉત્સાહ અને પૂર્ણ દલિત સાહિત્યનિષ્ઠા સાથે અડીખમ છે – અવિરત કાર્યરત છે.

આ દિવસોમાં હું, ગાંધીનગરના એમના નિવાસસ્થાનના – એમના સર્જનકાર્યના કેન્દ્રબિન્દુ સમા બીજે માળે એમની સામે ચારથી પાંચ વાર લગાતાર પલાંઠી વાળીને બેઠો છું ને તેમને સાંભળતો રહ્યો છું. તેમની સાથેની આ ગોષ્ટિઓમાં તેમણે મને જે કહ્યું તે તેમના જ શબ્દોમાં :

‘ગામ મંડાલીમાં એક વર્ષ (૧૯૪૭-૪૮) ગાયકવાડી ત્રણ ધોરણ સુધીની શાળામાં દાખલો. પણ ગામ સાથે સંઘર્ષ થવાથી ૧૯૪૯થી રખિયાલ (અમદાવાદ) ગુજરાતી શાળા નં. ૧માં ફરીથી ૧લા ધોરણમાં દાખલો અને પ્રાથમિક શિક્ષણ લીધું. માધ્યમિક શિક્ષણ વી.એસ. ટ્યુટોરિયલ હાઈસ્કૂલ, ત્રણ દરવાજા-અમદાવાદમાં અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત કૉલેજ – એલિસબ્રિજ અને સિટી કોલેજ -લાલ દરવાજા, અમદાવાદમાં. બી.એ.ની ઉપાધિ અહીંથી જ મળી. ત્યારે કૉલેજની હોકી-કબડ્ડીની ટીમોમાં પણ મારી હિસ્સેદારી રહેતી.

બાળપણ ગામ અને શહેર વચ્ચે વહેંચાયેલું પરંતુ બાળપણનો મોટો હિસ્સો અમદાવાદ શહેરની જીવણલાલની ચાલીમાં વિત્યો. દરમિયાન ગામ મંડાલી જવા-આવવાનું પણ ચાલુ જ રહ્યું.

એ સમયમાં અસ્પૃશ્યતા હાડોહાડ હતી. ગાડી કે બસમાં બેસવામાં સાવચેતી રાખવી પડતી. અમે અમદાવાદથી સિદ્ધપુર થઈ ગાડી(રેલ ગાડી)માં બેસી ગામ મંડાલી જતા. રેલવે સ્ટેશને હિન્દુ પાણી, મુસ્લિમ પાણી માટે જુદી જુદી કોઠીઓ હતી. પરબની બહાર એક ચાર-પાંચ ફૂટનું નાળચું લગાવેલું હતું, તે નાળચે પરબવાળી બાઈ ઉપરથી પાણી રેડે તેને બીજેના છેડેથી ખોબો ધરી દલિતોએ પીવું પડતું. રસ્તા પરની પરબોએ પરબ સામે દૂર ઊભડક બેસી પાણી ખોબામાં રેડાય તે પીવાનું.

આમ કહીએ કે તે વખતે ગામડાંમાં જે અસ્પૃશ્યતાના પ્રકાર હતા તે સર્વનો મને – અમને અનુભવ મળેલો. માથે ટોપી કે રૂમાલ, પાઘડી બાંધ્યા સિવાય ગામમાં જઈ ન શકાય. સ્ત્રીઓ ગામમાં ચંપલ કે સપાટ પહેરીને જઈ શકે નહિ. પુરુષ પણ જો ઉઘાડા માથે હોય – તેણે વાળ ઓળ્યા હોય તો તેમાં સવર્ણો ધૂળ ભરી દેતા. હુરિયો બોલાવતા. મેં ટોપીનો ઉપયોગ ગામમાં જવા અને ખેતરે ખળામાં ખળું માંગવા (અનાજ માગવા) કરેલો. પુરુષ રંગીન કિનારવાળી ધોતી કે આંકડા ચઢાવેલી મૂછ ન રાખી શકે. દલિતો બાંધે એવી પાઘડી બાંધવી પડતી. ગામના હિન્દુ મંદિરમાં હું ક્યારે ય ગયો નથી (યાને જવા દેવાયો નથી.)

અમારા ગામની શાળામાં એકથી ત્રણ ધોરણ. આઝાદી પછી શાળાની અંદર પણ જુદા ખૂણા કે ભીંત પાસે અમારે બેસવાનું. મોડા પડીએ તો દરવાજેથી દાખલ ન થવાય પણ બારીમાંથી કૂદીને અંદર જવાનું. સાહેબ (વર્ગશિક્ષક) જોઈ જાય તો છૂટી આંકડી મારે, જો અમને વાગે (યાને અડી જાય) તો પાણીની છાંટ નાખી આંકડી પાછી લઈ લે. બે શિક્ષક, એક હિન્દુ સુથાર, બીજો મુસલમાન. પણ બંને કટ્ટર અસ્પૃશ્યતાના પાળનાર.

આઝાદી આવી ત્યારે અમારા વાસે ગામની વેઠ (સવર્ણોની મજૂરી વિના મૂલ્યે ફરજિયાત કરવાની વેઠ) કરવાનું બંધ કર્યું. આઝાદી પછીની પહેલી હોળી આવી ત્યારે અમે હોળીનાં છાણાં ગામના હોળીને ચકલે નાખવા ન ગયા, તો એ હોળીના જ દિવસે ગામના સવર્ણોએ અમારા વાસ પર સામૂહિક હુમલો કરી, અમારા વણકર વાસમાં પહેલું (પ્રવેશતા પહેલું) લવજીનું ઘર સળગાવ્યું. ખેરાલું ફરિયાદ પણ થઈ છતાં હુમલાની બીકે પુરુષોએ ગામ છોડવું પડ્યું. અમે બાપા સાથે અમદાવાદ ગયા. બીજા સિધ્ધપુર. મારે પહેલું ધોરણ પાસ કરી બીજામાં જવાનું હતું ને મોટાભાઈને બીજું ધોરણ પાસ કરી ત્રીજામાં જવાનું હતું પણ શાળાએ અમારા સ્કૂલ લિવિંગ પ્રમાણપત્ર અમને ન આપ્યા. ૧૯૪૯માં અમે બંને ભાઈઓ રખિયાલ (અમદાવાદ) ગુજરાતી શાળા નં. ૧ માં નવેસરથી પહેલા ધોરણમાં બેઠા.

અમદાવાદમાં અમને આભડછેડને બદલે ગરીબી બહુ નડેલી.

છતાં મારે કહેવું જોઈએ કે જેટલા પ્રકારની અસ્પૃશ્યતા છે તેનો અનુભવ મને અહીં અમદાવાદમાં પણ થતો જ રહેલો.

નટુભાઈ, આ જોયેલું, જાણેલું, વિતેલું, અનુભવેલું મેં મારા સાહિત્યમાં જરા ય દિલચોરી કર્યા સિવાય લખ્યું છે. મારી પાંચ નવલકથાઓ, સાઈઠેક વાર્તાઓ, નિબંધો, નાટકો, પ્રવાસ નિબંધો, કવિતાઓમાં આ બધું અંકે કરવાનો પ્રયત્ન મેં કર્યો છે – કરતો રહ્યો છું. મજાની વાત તો એ છે કે મેં દલિત જાતિઓના બોલાતા શબ્દોનો ‘કોશ' કરી તેને સાચવ્યા છે અભ્યાસુઓ માટે.

મેં ગુજરાતના દલિતોની હિજરતો જોઈ છે. બિલિયા, સાંબરડા, ચિત્રોડીપુરાના અને અન્ય હિજરતીઓને મળ્યો છું – તેમની વિતકકથાઓ સાંભળી છે.

વતન મંડાલીથી અમારે ય અમદાવાદ આવવું પડ્યું એ ય અમારે માટે એક પ્રછન્ન હિજરત જ હતીને, નટુભાઈ?'

હું કશું જ ન બોલી શક્યો પ્રત્યુત્તરમાં.

હું સ્તબ્ધ હતો, નિઃશબ્દ હતો.

તત્ક્ષણ હું એ ય વિસરી ગયો કે આ ગોષ્ટિમાં આગળ મારે હજી તેમને બીજા વધુ સવાલો પૂછવાના છે ને તેના ઉત્તરો પણ મેળવવાના છે.

*

ગુજરાતી દલિત સાહિત્યના આરંભકાળના મહત્ત્વના જનકો પૈકીના એક હોવા છતાં – ગુજરાતમાં દલિત સાહિત્યની સંજ્ઞા સ્થિર થઈ ત્યારથી એટલે કે ૧૪ એપ્રિલ ૧૯૭૮માં “દલિત પેન્થર’ સંસ્થાના કવિતા સામયિક “આક્રોશ’ (તંત્રી : ડૉ. રમેશચંદ્ર પરમાર અને સંપાદકો : નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી) તેમ જ ૧લી ડિસેમ્બર ૧૯૭૯થી પોતાના તંત્રીપદે શરૂ થયેલા કવિતાના સામયિક (અનિયતકાલીન) “કાળો સૂરજ”થી સક્રિય હોવા છતાં, જેમને સર્જક પ્રવીણ ગઢવીએ ‘ગુજરાતી દલિત કવિતાના આદ્ય' કહ્યા છે, એવા દલપત ચૌહાણ તો પણ મારા સવાલના જવાબમાં વિનમ્રતા દાખવતા કહે છે : “ગુજરાતમાં દલિત સાહિત્યનો હું એક માત્ર જનક નથી. એ તો દલિત સાહિત્યકારોના સામૂહિક પ્રયાસનું પરિણામ છે. હા, દલિતો વિશે લખનારા સાહિત્યકારોને મેં એક છત નીચે ભેગા કર્યા, અદલિતો સામે ઊભા રહેવાની હામ આપી અને સૌએ પોતાના ગજા પ્રમાણે લખ્યું. દલિતો માટે લખનારા આઝાદી પૂર્વે પણ હતા. ડૉ. બાબાસાહેબના નિર્વાણ વેળા ૧૯૫૬માં સો જેટલા કવિઓ દ્વારા કવિતાઓ (શ્રદ્ધાસુમન રૂપે) લખાયેલી, પછી સંકલનના અભાવે બધી ખોવાઈ ગઈ. કવિતાઓનું ‘અંજલિ' નામે ૧૯૮૫માં સંપાદન થયું. પણ અહીં આ વેળા અમે બધાને સાથે જોડ્યા. જોસેફ મેકવાન અને બી. કેશરશિવમ્ જેવા સર્જકોને ફરીથી દલિત સાહિત્યધારામાં લઈ આવ્યા. અને એક વાર સાથે જોડાયા પછી તમામ દલિત સાહિત્યકારો દલિત સાહિત્યને સ્થાપિત કરવા – તેનો પ્રસાર, પ્રચાર કરવા સ્થાપિત સાહિત્યની સંસ્થાઓની સામે થયા. દેખાવો કર્યા, માસિક-ત્રિમાસિક પત્રિકાઓ કાઢી. કવિતા સંગ્રહો, વાર્તાસંગ્રહો, રેખાચિત્ર સંગ્રહો, નવલકથાઓ પ્રકાશિત થવા માંડી. અંતે દલિત સાહિત્યના આ પ્રવાહને ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્ય ધારા' તરીકે તેમને સ્વીકારવો પડ્યો.

લાલદરવાજા (અમદાવાદ) પોએટ્સ વર્કશોપ, દલિત સાહિત્ય સંઘ અને બીજી કેટલીક સાહિત્યની સંસ્થાઓ શરૂ થઈ. ચાલીઓ અને ગામડાંઓમાં દલિત કવિતાના સંમેલનો થયાં. દલિતોના અત્યાચાર વખતે નીકળતી રેલીઓમાં કવિઓ ભાગ લેતા થયા. આમ દલિત કવિતાને મંચ મળ્યો. સાંબરડા (પાલનપુર) સત્યાગ્રહ, અનામત આંદોલનોમાં દલિત કવિઓ સક્રિય રહ્યા. ગુજરાત વિદ્યાપીઠમાં અજ્ઞેયજી સામે દેખાવો કરી ગુજરાતી સાહિત્યકારો વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો. સાહિત્ય પરિષદના વડોદરા અધિવેશનમાં ગાંધી હોલ ખાતે દેખાવો કર્યા, ‘કાળો સૂરજ'નું વેચાણ કર્યું. પાડોશના મુંબઈ અને મહારાષ્ટ્રના દલિત સાહિત્યકારોએ તેની નોંધ લીધી. અમદાવાદમાં સાહિત્ય પરિષદના જાતિવાદી પ્રમુખના ઘેરાવમાં ઘણા દલિત સાહિત્યકારોએ ભાગ લીધો. બગલથેલામાં ‘કાળો સૂરજના અંકો રાખી એ સંમેલનોમાં વેચ્યા-વહેંચ્યા. સૌથી મોટી વાત એ બની કે, આવાં પગલાંઓને પરિણામે દલિત સાહિત્યકાર મેદાનમાં ઉતર્યો – ખૂલીને લખવા માંડ્યો.”

ગુજરાતી દલિત સાહિત્યના ઇતિહાસના આવા જાણતલ દલપત ચૌહાણના વિપુલ સર્જનકાર્ય પર એક નજર કરીએ તો, કવિતા સંગ્રહો : “તો પછી' (૧૯૯૨), “ક્યાં છે સૂરજ' (૨૦૦૦) અને નવલકથાઓ : “મલક' (૧૯૯૧), ‘ગીધ (૨૦૦૧), ‘ભળભાંખળું' (૨૦૦૪), ‘રાશવા સૂરજ’ (૨૦૧૨), પ્રકાશિત છે અને બપોર' (૨૦૨૧) નવલકથા પ્રકાશિત થવામાં છે, જે “રાશવા સૂરજ'થી આગળ વધતી નવલકથા ‘બપોર' છે. જેમાં ગામડું છોડી કસ્બામાં ને ત્યાંથી અમદાવાદ શહેર પહોંચીને આ સ્થળાંતરિત દલિત સમાજે વેઠેલી વિડંબનાઓની કથા છે. વાર્તાસંગ્રહો “મૂંઝારો’ (૨૦૦૨), ‘ડર' (૨૦૭૯), ‘ભેલાણ' (૨૦૧૩) અને ‘ચૂંટેલી વાર્તાઓ : દલપત ચૌહાણ' (૨૦૧૯) ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરી છે. “ઘાબાજરિયું” નામે વાર્તાસંગ્રહ આવનારાં વર્ષોમાં પ્રકાશિત થશે.

‘પદ્દચિહ્ન' (૨૦૦૩), ‘દલિત સાહિત્યની કેડીએ” (૨૦૦૮), સમર્થન (૨૦૦૯), ‘શબ્દભેદ' (૨૦૧૫) જેવા દલિત સાહિત્ય વિવેચનના સ્વતંત્ર પુસ્તકો ઉપરાંત ‘વણબોટી વારતાઓ' (૨૦૦૦), “ગુજરાતી દલિત ટૂંકી વાર્તાઓ' (૨૦૦૯) જેવા વાર્તા સંપાદનો અને ‘દુંદુભિ' (૨૦૦૨ અન્ય સાથે) “સ્વકીય’ સમગ્ર દલિત સાહિત્ય (૨૦૧૨ – અન્ય સાથે) અને ‘શબ્દે બાંધ્યો સૂરજ' (૨૦૧૨ – અન્ય સાથે) જેવા દલિત કવિતા સંપાદનો કર્યા છે. દલપત ચૌહાણ માને છે કે દલિત સાહિત્યના વિવિધ સ્વરૂપોની તુલનાએ સૌથી ઓછું કામ થયું છે તે નાટ્યસાહિત્યમાં, તેમણે નાટક – એકાંકીમાં પણ ઉલ્લેખનીય અને મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. અહીં પણ તેમનો ઉદ્દેશ તો દલિત ચેતના જગાવવાનો જ રહ્યો છે.

તેમણે ‘અનાર્યવર્ત' (૨૦૦૦) નાટક સંગ્રહ અને “હરીફાઈ” (૨૦૦૩-૨૦૧૧) એકાંકી સંગ્રહ આપ્યા છે. નાટક સંગ્રહ “અનાર્યવર્ત'માં ત્રણ નાટક છે. જેમાં પાટણને ગોંદરે”માં દલિતોના પ્રથમ ઉદ્ધારક વીરમાયાની કથાને નવીન ઓપ આપ્યો છે. ‘અનાર્યાવર્ત’ મહાભારતના મહાન પાત્રો દ્વૈપાયન, સત્યવતી અને ભીષ્મને આર્યોના ‘આર્યાવર્ત’ અને અનાર્યોના અનાર્યાવર્ત વચ્ચે ઝૂલતા, મનોમંથન કરતા દર્શાવ્યા છે. ‘અંતિમધ્યેય’માં કૃષ્ણ દ્વારા યુદ્ધમાં એકલવ્યની કરાયેલ હત્યાની કથા વણી લેવામાં આવી છે. ‘રાત રાજનગર’ની જે અમદાવાદના જન્મની કથા અને બાદશાહ દ્વારા કરાયેલ અત્યાચારની કથા છે. ‘અનાર્યવર્ત’ બહુ ચર્ચિત નાટક છે. આ નાટકને નાટ્યવિદ નિમેશ દેસાઈએ નાટકના પાત્રો જેટલાં પાત્રો લઈ વિશેષ ટેકનીકથી વાચીકમ્ કરાવેલું.

તેમના એકાંકીસંગ્રહ ‘હરિફાઈ’માં ‘હરિફાઈ’, ‘અંતિમચરણ’, ‘અંગરાજ’, ‘સંજય અને છગન’, ‘પોપટ ભૂખ્યો નથી” વગેરે છે, જેનાં કેટલાંક એકાંકી અંગ્રેજી-હિન્દી, ભાષામાં ભજવાયાં છે. ઉપરાંત કેટલાંક એકાંકી પુસ્તક થવાની રાહ જુએ છે.

અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ‘રાશવા સૂરજ' નવલકથાનું નાટ્યકાર હર્ષદ પરમારે નાટ્ય રૂપાંતર કરેલું અને તેના પાંચેક પ્રયોગો થયેલા, દરમિયાનમાં જ હર્ષદભાઈનું દુઃખદ અવસાન થયું.

તેમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, સંપાદન સહિત ઇતિહાસલેખન, નિબંધ, લોકસાહિત્ય, વિવેચન, દલિતોની પાટ પરંપરા, ધાર્મિક પરંપરાઓ (દલિતોની) અને તળ બોલીના શબ્દો – ભાષા પરના સંશોધનકાર્ય એમ સાહિત્યના તમામ પ્રકારોમાં ખેડાણ કર્યું છે. ઉત્તર ગુજરાત પ્રદેશની બોલી-ભાષા પરનું તેમનું પુસ્તક ‘તળની બોલી’ સંશોધકો – અભ્યાસુઓમાં વ્યાપક આવકાર પામેલું પુસ્તક છે.

તેમની નવલકથા “મલક’ Homeland નામે, “ગીધ’ Vultures નામે, ટૂંકી વાર્તાઓ Fear and Other Stories નામે અંગ્રેજી ભાષામાં તથા નવલકથા “ભળભાંખળું' ‘भोर' નામે હિન્દી ભાષામાં ટૂંકમાં પ્રકાશિત થશે. નવલકથા ‘મલકનો હિન્દી અનુવાદ ‘मुलक’ નામે રાધાકૃષ્ણ પ્રકાશન, દિલ્હી અને ઠંડા ‘ठंडा खून’ – દલિત વાર્તાસંગ્રહ શિલ્પાયન પ્રકાશન, દિલ્હી એ પ્રકાશિત કરેલ છે. તેમની કવિતાઓ, વાર્તાઓ, નાટક-એકાંકી અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી, પંજાબી અને અન્ય ભારતીય ભાષાઓમાં રૂપાંતરિત થયાં છે. તેમની વાર્તાઓ, નવલકથા, નાટક, એકાંકી સંગ્રહની એકથી વધારે આવૃત્તિઓ થઈ છે.

તેમની કૃતિઓ પર દોઢસોથી વધુ લેખો લખાયા છે, તેના પર એક વિહંગાવલોકન જો કરીએ તો, તેમના મનગમતા સાહિત્યપ્રકાર એવા નાટકો પર સર્વશ્રી ડૉ. ચીનુ મોદી, ડૉ. સંજય ભાવે, ડૉ. પ્રભુદાસ પટેલ, ડૉ. પરમ પાઠક, ડૉ. નરેશ શુક્લ, ડૉ. ભાવિકા પારેખ જેવા વિદ્વાનોએ મિમાંશા કરી છે. જ્યારે કાવ્યસંગ્રહો પર મોહંમદ ઈસ્હાક શેખ, ડૉ. જયંત પાઠક, ડૉ. હસિત બૂચ, યોસેફ મેકવાન, ડૉ. પથિક પરમાર, પ્રવીણ ગઢવી, રમેશ પારેખ, યશવંત વાઘેલા, ભી.ન. વણકર, પ્રાગજી ભામ્ભી, ડૉ. આલોક ગુપ્તા જેવા વિદ્વાનોએ આલેખનો કરીને તેમના કવિતાકર્મના ઓવારણા લીધા છે. વાર્તાસંગ્રહો પર ગુજરાતના વિદ્વાન સાહિત્યકારોએ અભ્યાસપૂર્ણ લેખો લખ્યા છે. સર્વશ્રી ડૉ. ભરત મહેતા, હરીશ મંગલમ્, અરવિન્દ વેગડા, ડૉ. પ્રવીણ વાઘેલા, બાબુ દાવલપુરા, ડૉ. મોહન પરમાર, રમણ વાઘેલા, ડૉ. સુમન શાહ, ડૉ. ચિનુ મોદી, ડૉ. બી.એમ. પટેલ જેવા વિદ્વાનોએ – સર્જકોએ તેમની વાર્તાઓને નાણી છે, પ્રમાણી છે, વખાણી છે.

તેમની નવલકથાઓ પર વિશદ આલેખનો થયા છે. રઘુવીર ચૌધરી, દેવહૂમા, ડૉ. રમેશ ૨. દવે, ડૉ. જયંત ગાડીત, ડૉ. વિદ્યુત જોષી, ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાલા, અભિષેક દરજી, પારૂલ કંદર્પ દેસાઈ, ડૉ. દિનુ ભદ્રેસરિયા, ધર્મેશ આર. પટેલ, નટવર હેડાઉં, ડૉ. હર્ષદ પરમાર, ડૉ. વસંત રોહિત, ડૉ. કાન્તિ માલસતર, યશવંત વાઘેલા, હરીશ મંગલમ્, ભી.ન. વણકર, ડૉ. મોહન પરમાર, ડૉ. નરેશ શુક્લ, ડૉ. કેશુભાઈ દેસાઈ, પ્રો. ગુણવંત વ્યાસ, બાબુ દાવલપુરા જેવા વિદ્વાનોએ-સાહિત્યના જાણતલોએ તેમની નવલકથાઓને વધાવી છે. વળી પ્રકીર્ણ પુસ્તકો પણ ખાસ્સા ચર્ચામાં રહ્યા છે.

સ્વયંમાં ગુજરાતી દલિત સાહિત્યની એક જંગમ વિદ્યાપીઠ સમા દલપત ચૌહાણ પ્રસંગોપાત, સમય અનુકૂળતાનુસાર ને નિમંત્રણ મળે, સેમિનારો, સમારંભો, અકાદમી- પરિસંવાદોમાં ન માત્ર પોતાની કૃતિઓ વિશે, સમગ્ર દલિત સાહિત્યના પક્ષમાં તેમનો વિદ્વત મત રજૂ કરતા રહ્યા છે. વિવિધ યુનિવર્સિટીઓ, સાહિત્યિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રોમાં તેમને વક્તવ્ય માટે નિમંત્રણ મળતા રહ્યા છે. તેમના આવાં વક્તવ્યો / પ્રવચનો પર એક નજર કરીએ તો, ‘દલિત કવિતા તરફ એક નજર’ (મુંબઈ યુનિવર્સિટી), ‘દલિત પથ અને દલિત પ્રશ્નો’ (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), ‘આધુનિકોત્તર કવિતા' (એમ.એસ. યુનિવર્સિટી), ‘દલિત સાહિત્યના લીમડાની ‘મેંઠી’ ડાળ' (ભાવનગર યુનિવર્સિટી), ‘સાંપ્રત સંદર્ભે દલિત સાહિત્યની યથાર્થતા’ (બી.એડ્. કોલેજ – મેઘરજ), “આંબેડકર અને દલિત પીડિતોનું સાહિત્ય' (ગુજરાત યુનિવર્સિટી આંબેડકર ચેર), નવલકથા “ભળભાંખળું' વિશે (‘અધિકાર'ના ઉપક્રમે), ‘ગોવર્ધનરામ ત્રિપાઠી મારી દૃષ્ટિએ” (સાહિત્ય અકાદમી – દિલ્હીના ઉપક્રમે, અમદાવાદમાં), ‘ઉપક્રમ – ગુજરાતી વાર્તાના ભાષાંતરનો' (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ટૂંકી વાર્તા સ્વરૂપ અને સર્જન’ (મુંબઈ યુનિવર્સિટી), ‘આદિવાસી સમાજ એ હિન્દુ સમાજનો ભાગ છે?’ (ભાષા કેન્દ્ર, આદિવાસી અકાદમી, તેજગઢ), ‘અવતાર અંગુલીમાનનો : એકવીસમી સદીનું ગુજરાતી સાહિત્ય' (મુંબઈ યુનિવર્સિટી), ‘મલક” (નવલકથા) અને ‘હરીફાઈ (એકાંકી)માં “દલિત ચેતના” (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), ‘નવલકથામાં દલિત ચેતના” (આર્ટસ કોલેજ – તલોદ), ૧૯૮૦ પછીના ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી સર્જકોનું પ્રદાન” (એસ.એન. ડી.ટી. કોલેજ – મુંબઈ), ગુજરાતી દલિત સાહિત્ય' (એસ.એન.ડી.ટી. કોલેજ – મુંબઈ), ‘ગુજરાતી દલિત સાહિત્ય (કલિંગ યુનિવર્સિટી – ભુવનેશ્વર) પ્રમુખ છે.

દલિત સાહિત્ય, લલિત સાહિત્ય કે તે બે વચ્ચેની તુલના – અંતર તથા તેવી કૃતિઓને સમગ્રપણે – દલિત સર્જકની દૃષ્ટિએ તપાસવાની નિપુણતા – ક્ષમતા ધરાવતા દલપત ચૌહાણનો મત લલિત અને દલિત સાહિત્યમાં અત્યંત આધારભૂત લેખવામાં આવે છે. આવા સર્જક આ ઉંમરે પણ આપણી વચ્ચે એમની પૂરી શખ્શિયત સાથે અડીખમ ઊભા છે, તે પણ ગુજરાતી દલિત સાહિત્યના અહોભાગ્ય.

દલિત સાહિત્યના સર્વસંગ્રહકોષ સમા, અભ્યાસુ સર્જક દલપત ચૌહાણના સાહિત્ય સર્જન પર અનેક વિદ્યાર્થીઓ એમ.ફિલ-પીએચ.ડી. કરી રહ્યા છે, કરી ચૂક્યા છે. એ પણ આનંદજનક છે કે, યુનિવર્સિટીઓ – મહાવિદ્યાલયોમાં હવે દલિત સાહિત્યને સંશોધનના એક વિષય તરીકે સ્વીકારનારા છાત્રો / પ્રોફેસરોની સંખ્યા વધી છે. આવા નિબંધોની સંખ્યા ૧૦૦ ઉપરની થવા જાય છે. દલપત ચૌહાણ પરના મહાનિબંધો જોઈએ તો ‘દલપત ચૌહાણઃ વ્યક્તિત્વ અને વાંગ્મય' (રમેશ સોનારા – હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ૨૦૧૫), “ગુજરાતી દલિત સાહિત્યમાં દલપત ચૌહાણનું પ્રદાન” (એલ.પી. વણકર – ગુજરાત યુનિવર્સિટી, ૨૦૨૦), “ગુજરાતી સાહિત્યમાં દલપત ચૌહાણ : સમીક્ષાત્મક અભ્યાસ’ (ડૉ. રાજેન્દ્ર પરમાર – એમ. એસ. યુનિવર્સિટી, ૨૦૨૧), ‘દલપત ચૌહાણનું ગુજરાતી દલિત સાહિત્યમાં ઐતિહાસિક પ્રદાન – ૧૯૪૦ – ૨૦૦૨' (વૈશાલી આનંદ – ગુજરાત યુનિવર્સિટી). ઉપરાંત દલપતભાઈની સાથે અન્ય એક કે બે દલિત સર્જકોના સર્જનકર્મનો સાથે (મહાનિબંધ માટે) અભ્યાસ થયો હોય, તે સંખ્યા (મહાનિબંધોની) પણ ૧૦ જેટલી છે અને કેટલાક તુલનાત્મક અભ્યાસ થયા છે.

તેમની કેટલીક વાર્તાઓ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (પાટણ) અને મુંબઈ યુનિવર્સિટીમાં, મલક' (નવલકથા) અને ‘હરીફાઈ” (એકાંકીસંગ્રહ) નર્મદ યુનિવર્સિટી(સુરત)માં, ‘ગીધ’, ‘મલક’ નવલકથાઓ ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ) અને એમ.એસ. યુનિવર્સિટી(વડોદરા)માં ભણાવાઈ છે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી(દિલ્હી)માં કવિતાઓ અભ્યાસક્રમમાં છે. તેમનું પુસ્તક દલિત સાહિત્યના ઇતિહાસની કેડીએ યુનિવર્સિટીઓમાં રેફરન્સ બુક તરીકે ભણાવાય છે.

ગુજરાતી દલિત સાહિત્યમાં તેમની કૃતિઓ સૌથી વધુ પુરસ્કૃત થઈ છે. (૧) ઈસ્કસ એવોર્ડ (૧૯૮૩ કવિતા) (૨) અખિલ ભારતીય રેડિયો નાટ્ય લેખન પ્રતિયોગિતા પુરસ્કાર (૧૯૮૭ ‘પાટણને ગોંદરે') અને (૩) (૧૯૮૯-૯૦ “અનાર્યાવર્ત') (૪) ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (દ્વિતિય) – (‘અનાર્યાવર્ત') (૫) ગુજરાતી સાહિત્ય પરિષદનું બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક ૧૯૯૮-૯૯ (પ્રથમ) (‘દીવાલો’ એકાંકી), (૬) ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (પ્રથમ) – (૨૦૦૩ – ‘હરીફાઈ” એકાંકી) (૭) સંતોકબા સુવર્ણ ચંદ્રક – ૨૦૦૦ (‘ગીધ’ નવલકથા) (૮) ગુજરાત સરકારનો ‘દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય પુરસ્કાર – ૨૦૦૫/૦૬ (‘ભળભાંખળું') (૯) ગુજરાતી સાહિત્ય પરિષદનો ‘પ્રિયકાન્ત પરીખ' નવલકથા પારિતોષિક (ભળભાંખળું') (૧૦) ગુજરાતી સાહિત્ય પરિષદનો ‘દોલત ભટ્ટ પારિતોષિક – ૨૦૦૪' (‘ભળભાંખળું') (૧૧) ગુજરાત સાહિત્ય અકાદમીનો ‘શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક – ૨૦૦૪' (પ્રથમ) (‘ભળભાંખળું') (૧૨) ગુજરાત સાહિત્ય અકાદમીનો ૨૦૦૨નો શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (દ્વિતિય) – (“ક્યાં છે સૂરજ’ (કાવ્યસંગ્રહ) (૧૩) તાદર્થ્ય વાર્તા પુરસ્કાર (પ્રથમ) ૧૯૯૫' (‘બાનું મૃત્યુ’ વાર્તા) (૧૪) જલારામદીપ વાર્તા પુરસ્કાર ૨૦૦૮ (દ્વિતિય) (‘ભેલાણ’ વાર્તાસંગ્રહ) (૧૫) કવિ નરસિંહ મહેતા દલિત સાહિત્યકાર પુરસ્કાર -૨૦૦૧/૦૨ (દલિત સાહિત્ય સર્જન અને સેવા) (૧૬) ગુજરાત દલિત સાહિત્ય અકાદમીનો શ્રી ઈબ્રાહીમ સરવૈયા પુરસ્કાર – ૨૦૦૯ (શ્રેષ્ઠ દલિત સાહિત્યકાર) (૧૭) ધૂમકેતુ વાર્તા પુરસ્કાર – ૨૦૦૯ (‘ડર’ વાર્તાસંગ્રહ) (૧૮) ગુજરાત સમાચાર વાર્તા હરીફાઈ પુરસ્કાર (વાર્તા ‘દરબાર’) (૧૯) સયાજી વિદ્યાર્થી આશ્રમ સાહિત્ય પુરસ્કાર, જેવા પુરસ્કારો – સન્માનો ગુજરાતી દલિત સાહિત્યના આ હરફનમૌલા – ઓલરાઉન્ડર સર્જક દલપત ચૌહાણના પ્રતિબદ્ધ સર્જકકર્મની સાહેદી પૂરે છે.

*

તેમનો સાહિત્યસર્જનનો આરંભ કવિતાથી થયો, જો કે હવે કવિતા થોડી પાછળ રહી ગઈ છે અને નવલકથા – વાર્તા – નાટક જેવી વિધાઓ તેમના સર્જનમાં અગ્રેસર થઈ છે. તેઓ આ વાત કબૂલે છે – તેમની કવિતામાં તેઓ અસ્પૃશ્યતાની વેદના – પીડાને આક્રોશ સાથે વ્યક્ત કરતા દેખાય છે :

ધ્રુજતા હાથે પાટીમાં એકડો નહીં,
બળબળતા સહરાની
અંગારભૂમિ શી ધબકતી છાતીમાં
લખી મારી જાત.
….
હા; હું એ જ છું
યુગોથી જેને તમે ઓળખવાનો
કરો છો ઈન્કાર.
….
જખમની વાત કરે છે તું,
જખમની સાથ જીવું હું.
….
એક અર્ધખીલી કોમળ કળીશી
દલિત કન્યા પર
કેટલીવાર Rape કરી શકાય?
એક ધીંગા કંધોતર દલિત યુવકને
ઊભો ચીરતા
કેટલા લીટર Blood ભેગું કરી શકાય.
એક નિઃસહાય દલિતની
ઝૂંપડી સળગાવી
કેટલા શિયાળા તાપી શકાય?

તેમની નવલકથાઓ આઝાદીકાળના દલિતોની દયનીય સ્થિતિ, અન્ય સવર્ણ સમાજ દ્વારા પહોંચાડાયેલ યાતના – પીડાનો દસ્તાવેજ છે. “મલક” દલિત પુરુષના સવર્ણ સ્ત્રી સાથેના સંબંધોને કારણે આખા દલિત સમાજ પર આવી પડતી આફત અને અંતે કરવી પડતી હિજરત અને માનવતાના મુદ્દે મૂઠી ઊંચેરા પુરવાર થતા દલિતોની કથા છે. નવલકથા ‘ગીધ” મહેનતકશ દલિત યુવાન ઈસાને શારીરિક રીતે પામવા મથતી સવર્ણ દિવાળી જ્યારે બીજા કોઈ પુરુષનું પડખે સેવે છે ત્યારે તેનું આળ તો ઈસા પર જ આવે છે. સાવ નિર્દોષ હોવા છતાં જાતિવાદના કારણે ઈસો હોમાઈ જાય છે. ‘ભળભાંખળું' નવલકથામાં જેના પર એમની હથોટી છે અને જે જીવન એમણે જોયું છે – અનુભવ્યું છે તે ગ્રામજીવનને તેમણે તાદેશ્ય ખડું કર્યું છે. નાનકડી એવી દલિત કન્યા મણિને સ્કૂલ જવું છે પણ ગામ આખાનો વિરોધ છે. અહીં પણ દલિતોના સામાજિક જીવનની અનેક યાતનાઓ – વિટંબણાઓને યથાતથ વર્ણવી છે. ‘રાશવા સૂરજ’ અને હવે આવી રહેલી ‘બપોર' નવલકથાના કથાતત્ત્વની અછડતી વાત હું આગળ કરી ચૂક્યો છું.

તેમના પાંચ વાર્તાસંગ્રહોમાંની સાઈઠ ઉપરાંતની વાર્તાઓ તમામ દલિત ચેતના જગવતી વાર્તાઓ છે. તેમની પોતાની જ નહિ તમામ દલિત વાર્તાકારોની વાર્તાઓ સંદર્ભે તેમણે કહ્યું છે : ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકવાદના વાદળ એવા છાયા હતા કે, વાર્તા બિચારી, બાપડી, રાંક થઈ ગઈ હતી, તેને સંજીવની પાઈ છે દલિત વાર્તાઓએ. આજે અનુઆધુનિક સાહિત્ય પ્રવાહમાં દલિતવાર્તાઓ ધસમસતી વહી રહી છે.' તેમની વાર્તાઓ વિશે ડૉ. ભરત મહેતાએ પણ કહ્યું : ‘દલિત સાહિત્યના મહત્ત્વના સર્જક તરીકે નીવડી આવી ગુજરાતી સાહિત્યની મુખ્યધારાને રળિયાત કરનારા સર્જકોમાંના એક દલપત ચૌહાણ છે’. (વાર્તા “મુંઝારો' નિમિત્તે)

*

દલપત ચૌહાણની અને મિત્રોની આગેવાનીમાં ૧૯૭૮માં – દલિત સંજ્ઞા હેઠળનું – પહેલ વહેલું દલિત કવિતા ઋતુપત્ર (સામયિક) પ્રકાશિત થયું ત્યારે દલિત સાહિત્યની વ્યાખ્યા, વિભાવના અને વિશિષ્ટતાને ઉજાગર કરતી વિશદ્ સંપાદકીય નોંધમાં તેમણે લખ્યું : “દલિતોના દુઃખદર્દો, અપમાન, અન્યાય, અત્યાચાર-અનાચાર, તિરસ્કાર – ધૃણા, જુગુપ્સા, વેઠ-વૈતરું, અસ્પૃશ્યતા, હિંસા, ગરીબી, નિરાશા, લાચારી, શોષણ, ભેદભાવ, ઓરમાયાપણું, પૂર્વાગ્રહ, લઘુતાગ્રંથિ અને તેની સામે એમનું ભોળપણ, સરળતા, સાલસપણું, દિલાવરી, સામાજિકતા, સ્વમાન, કૌશલ, સંસ્કાર અને અસ્મિતા એ સઘળાને વર્ષોથી ઝીલતાં વ્યક્ત થતું મૂક આક્રંદ એટલે દલિત કવિતા.'

બસ આ જ વ્યાખ્યા દલિત સાહિત્યની તમામ વિદ્યાઓને પણ લાગુ પડે છે. સાથે સાથે દલિત માનવકેન્દ્રિ વિભાવનાઓ, ભોગવેલો યથાર્થ – તેની રચના સાથે પૂરેપૂરી વફાદારી અને તળબોલી – ભાષા સાથેનું દલિત સાહિત્યનું જોડાણ તેને વિશિષ્ટ બનાવે છે. ક્યારેક ઉપલક દૃષ્ટિએ લલિત સાહિત્યકાર દલિત સાથે જોડાયેલા જણાય ત્યારે પણ તેમનો પ્રથમ પ્રેમ તો લલિત સાહિત્ય જ હોય છે.

તેઓ વિશાદ સાથે કહે છે કે, દલિત સર્જકે દલિત સાહિત્યને પ્રતિબદ્ધ હોવું નિતાંત જરૂરી છે. કિન્તુ આ સમયમાં આ વાત મિથ્યા થતી જાય છે. જ્યાં લલિત સાહિત્યની ધસમસતી નદી વહેતી હોય તેની વચ્ચે ટાપુ સમાન લખાતું દલિત સાહિત્ય ક્યારે એમાં ડૂબી કે તણાઈ જશે, તે કહી શકાય તેમ નથી. માટે જ હું કહું છું કે દલિત સર્જકે દલિત યથાર્થ જીવન, વિડંબના, પરિવેશ અને સંસ્કારને અંકે કરી શકાય, તે ચિત્રિત કરી લેવું જોઈએ. સમાજ ઝડપથી બદલાતો હોય છે. એટલે દરેક સાહિત્યપ્રવાહે પોતાના વિકાસનો માર્ગ શક્ય તે ઝડપે અંકે કરી લેવાનો રહે છે. સમયાંતરે સાહિત્યના સમયગાળા – યુગ નબળા પડતા જાય છે, નવીનધારાઓ ઉદ્દભવતી જાય છે. જુઓને, દલિત સાહિત્યધારાનો આવિષ્કાર થયો ત્યાર પછી તેની સાથે બીજા કેટલા સાહિત્યઝરણાં ફૂટી નીકળ્યા હતા. નારીવાદ, ગ્રામ્યચેતના, સબાલ્ટન સાહિત્ય વગેરે વગેરે. આજે દલિત ધારાના (આજના) ક્ષીણ પ્રવાહ સિવાય અન્ય ધારાનું સાહિત્ય અલપ-ઝલપ જ દેખાય છે.

આમ છતાં આ કડવા સત્યની વચ્ચે આશા કે ધીરજ નહિ ગુમાવતા, તેઓ મક્કમપણે એમ માને છે કે, દલિત સાહિત્ય પ્રવાહની ધારાનું ઉઠમણું થવાનું નથી જ, સિવાય કે ગુજરાતી સાહિત્યનું બારમું થઈ જાય ! કારણ કે સાહિત્યને સમયે-સમયે એના નવતર સાહિત્યની રચના કરનારા મળી જ રહે છે. જેઓ આવશે, તેઓ તેમના સમયને આકાર આપશે. આવનારા સમયમાં દલિતો પ્રત્યે સમાજ આજે જેવો વર્તાવ કરે છે, તેવો જ વર્તાવ જો કરતો રહેશે તો દલિત સાહિત્યકાર તેના યથાર્થ અને પ્રતિકારનું સાહિત્ય રચતો જ રહેશે. તેમાં કોઈ શંકા નથી.

તેમના મતે, આ સમય એવો છે કે દલિત સાહિત્યને દિલથી સ્વીકારનારા લલિત સાહિત્યકાર હોય કે ન હોય, તેની કોઈ તમા આજે ગુજરાતી દલિત સાહિત્યને છે જ નહિ. દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં જ નહિ પણ ભારતની અને જગતની અન્ય ભાષાઓમાં વત્તે-ઓછે અંશે જવા લાગ્યું છે, પોતાનું સ્થાન જમાવવા લાગ્યું છે અને એટલે જ એ ટકશે.

તેઓ પૂછે છે, રાજકારણ અને તિકડમાજી કયા વિષયોમાં નથી? રસ્સાખેંચની રમત બધા જ ક્ષેત્રે છે. સાહિત્યનું ક્ષેત્ર પણ એમાં બાકાત નથી. એ હકીકત છે કે, કોઈ પણ સાહિત્યધારાને રાતોરાત સ્વીકારવામાં આવતી નથી, તેમ તેને તાત્કાલિક નાબૂદ પણ કરી શકાતી નથી. સાહિત્યની નવીન ધારા ઉદ્ભવે ત્યારે જેમ જેમ તેની રચનાઓ પ્રકાશમાં આવતી જાય તેમ તેમ તે જાતે પોતાના સાહિત્યિક માપદંડ-માનદંડને અવતારે છે. આથી જ્યારે કોઈ સાહિત્યકાર દલિત કથાવસ્તુ લઈને લખવા પ્રેરાય ત્યારે તેને તેના માપદંડ વિશે વિચારવાનું હોતું નથી. કથાવસ્તુ પોતે જ એના માપદંડ લઈને અવતરે છે. એટલે દલિત રચના હોય કે લલિત રચના, તે તો પોતાની રીતે રચાતી જાય છે. એમાં જ્યારે દલિત-લલિતની ભેળસેળ જો થઈ જાય છે તો આખી રચના જ અળપાઈ જતી જોવાય છે. તે નથી દલિત રહેતી કે નથી લલિત રહેતી !

‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસકારોએ દલિત સાહિત્યની ઘટનાઓની ખાસ નોંધ લીધી નથી. પરિણામ એ આવ્યું કે દલિત સાહિત્યમાં થયેલ ખરેખરા કાર્યની અવગણના થતી રહી, અને જ્યારે જ્યારે દલિત સાહિત્યની વાત કરવામાં આવી ત્યારે વાંચ્યા વિનાના – અધકચરા અને બેહૂદા ટાંચણો રજૂ કરવામાં આવ્યા, ક્યારેક અન્ય ભાષાના દલિત સાહિત્ય વિશેના લેખને પ્રાધાન્ય આપ્યું. સરવાળે અનુઆધુનિક સાહિત્યની મજબૂત શાખા-ધારા એવા ગુજરાતી દલિત સાહિત્યને અન્યાય થયો’ એમ જવાબદારીપૂર્વક અને સભાનપણે કહેતા, તેઓ કડવું અને અપ્રિય સત્ય કહેવા માટે પણ એટલા જ જાણીતા છે. તેમણે કહ્યું : “બીજા વિશ્વયુદ્ધની અસર ગુજરાતી લેખકોને થતી નથી. ગાંધીવાદની થોડી અસર થાય છે, પણ ગાંધીના મૃત્યુ પછી તેનો ય અસ્ત થઈ જાય છે. ભારત-પાકિસ્તાન ભાગલા વખતે રાષ્ટ્રની તમામ ભાષાઓ હચમચે છે, સિવાય ગુજરાતી ભાષા. ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચાલેલી મહાગુજરાત ચળવળ, ૧૯૬૨ ચીન સાથે અને ૧૯૬૫ – ૧૯૭૧માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધો, ૧૯૫૬થી ૧૯૬૦ અને ૧૯૭૪નાં રોટી રમખાણો, ૧૯૬૯ના કોમી તોફાનો, બધામાં ગુજરાતી કવિ-લેખક મહદ્અંશે ચૂપ છે. પણ કટોકટીકાળમાં કવિ લેખકો કકળી ઊઠે છે. મોટાં માથાં જેલમાં જાય એ જોઈ શકતા નથી. સ્થાપિતો, મૂડીપતિઓ, ઉચ્ચ મધ્યવર્ગોને દુઃખ પડે તે તેમને કેમ પોસાય? કેવળ ઉચ્ચ વર્ગોને જ માનવીય ગરીમા હોય, એવું કવિ લેખકોએ સાબિત કર્યું. રાજકીય બૂમાબૂમ એમને ગમે છે. ગરીબ તરફી તો કાંઈ થવાતું હશે ?!

‘દલિત સાહિત્ય એ ગુજરાતી ભાષાના ઇતિહાસનું પરિશિષ્ટ નથી, પરંતુ આગળ વધતો ઇતિહાસ છે.” એવી સ્પષ્ટ ચેતવણી આપે છે. દલિત સાહિત્યની ગામઠી-જાનપદી ભાષા, નર્યા અત્યાચાર – શોષણની વાતોથી તેને બીબાંઢાળ કે નીરસ-એકસૂત્રી ગણીને, તેને ભાષા કલા-સૌંદર્યના દૃષ્ટિકોણથી માપી, તેનો છેદ ઉડાડવા મથતા દલિત સાહિત્યના વિરોધીઓને વળતો પ્રત્યુત્તર આપી, એમ કહેવાનું પણ ચૂકતા નથી કે, “દલિત સાહિત્યે ગુજરાતી ભાષાને ક્યારે ય નુકશાન પહોંચાડ્યું નથી. નવી વિભાવના – નવા શબ્દ – નવા પ્રતીક અને નવસંધાન સાથે દલિત સાહિત્યે નવી ધારાનો આવિષ્કાર કર્યો છે. તેનો ઋણ સ્વીકાર તો ક્યારે ય ન થયો. (ભલે તેમ થાઓ !) પણ (સમજી લેજો!) આથી આ કામ અટકતું નથી. અટકશે પણ નહિ.”

તેઓ બુલંદ સ્વરે કહે છે : “દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્ય છે. ગુજરાતી સમાજના અધૂરા ચિત્રને તે પૂર્ણ કરે છે. દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્યથી સહેજ પણ દૂર નથી. અળગું નથી. તે એક વિશિષ્ટ સાહિત્ય છે.”

ગુજરાતી દલિત સાહિત્યના સતત ને સાતત્યપૂર્ણ સર્જન દ્વારા પ્રારંભથી માંડી આજ દિન સુધી તેઓ સક્રિય રહ્યા છે. ગુજરાતમાં દલિત સાહિત્ય વિશે, ક્યાંયથી પણ જો કોઈ વિરોધનો સૂર ઊગ્યો છે, તો તેનું સૌ પ્રથમ ખંડન કરનારા કોઈને તમે જો જોશો તો તે અવશ્યપણે દલપત ચૌહાણ જ હશે !

અહીં યાદ આવે ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર “પરબ'ના ઓક્ટોબર-૨૦૦૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલો તેમનો પત્ર : જે છેક ૧૯૩૩માં લખાયેલા અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (હાલની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી-પાટણ)માં અભ્યાસક્રમમાં સ્વીકારાયેલા ઉમાશંકર જોષીના એકાંકી સંગ્રહ “સાપના ભારા'માંના એક એકાંકી સામે દલિતો દ્વારા થયેલા વ્યાપક વિરોધ સંદર્ભે તેમણે લખેલો. એ નાટકના શિર્ષકથી તો ખરો જ, તેમાંના Contentથી પણ ભણનારા અને ભણાવનારા દલિત વિદ્યાર્થીઓ – પ્રોફેસરો સહિતના બહુમતિ દલિતો નારાજ હતા, અને તેને અભ્યાસક્રમમાંથી રદ્દ કરવાની માંગણી કરતા હતા. અગાઉનાં વર્ષોમાં જે તે સમાજ વિશે ઘસાતો ઉલ્લેખ હોય એવી નામાંક્તિ સર્જકોની એકથી વધુ કૃતિઓ તે સમાજનો વિરોધ થવાને કારણે યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાંથી રદ્દ કરાઈ હોવાનો હવાલો આપીને એ પત્રમાં દલપતભાઈએ બહુ જ પાયાના પ્રશ્ન ઉઠાવેલા અને લખેલું : ‘લેખક તો ગમે તે લખવા સ્વતંત્ર છે, પણ શું ભણાવવું એ વિદ્વાનોએ નક્કી કરવાનું હોય. આવા વિવાદો થાય ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસક્રમનો નિર્ણય લેતા વિદ્વાનોએ અને સાહિત્ય પરિષદે તમામ પાસાંઓનો વિચાર કરી, સંબંધિત સમાજ, સમાજસેવકો અને સંસ્થાઓનો મત મેળવીને વિવાદનું નિરાકરણ લાવવાનું હોય.'

એ દિવસોમાં એ એકાંકીનો દલિતોએ ન માત્ર વિરોધ – એ પુસ્તકની માર્ગદર્શિકાની જાહેર હોળી પણ કરેલી. સફાળી જાગેલી સાહિત્ય પરિષદે દલિતોના વિરોધ સામે આંધળુકિયું કરી દલિતોની વિરોધમાં ઠરાવ પસાર કર્યો ! ત્યારે પત્રમાં તેમણે સવાલો ઉઠાવ્યા: ‘શું આ સાહિત્ય પરિષદ દલિતો અને દલિત સાહિત્યકારોના વિરોધ કરવાનું જ કામ કરે છે? અગાઉ આવા વિવાદો થયા ત્યારે ‘પરિષદ અને સાહિત્યકારો કેમ ચૂપ રહેલા?”

દલિતો વિરોધી ઠરાવ પસાર કર્યો ત્યારે સાહિત્ય પરિષદના પ્રમુખ ગાંધીજીના ખોળામાં રમેલા એક ગાંધીવાદી લેખક હતા.

આ નાટક છપાયું ત્યારે જ (૧૯૩૩માં) ડૉ. બાબાસાહેબ આંબેડકરના સાથીદાર ગુજરાતના પી.જી. સોલંકીએ વિરોધ નોંધાવેલો, તેનો પણ એ પત્રમાં દલપતભાઈએ ઉલ્લેખ કરેલો.

ઇતિહાસ સાક્ષી છે. રાજ ગુજરાતમાં પણ વહીવટની ભાષા મરાઠી ! તેથી આપણા આદ્યકવિ દલપતરામ તો ફાર્બસ સરને લઈ પહોંચ્યા ખંડેરાવ ગાયકવાડના રાજ દરબારે ને બુલંદ સ્વરે સંભળાવ્યું : ‘દાખે દલપતરામ, ખુદાવિંદ ખંડેરાવ ! …. રૂડી ગુજરાતી રાણી વાણીનો વકીલ છું !'

હા. આ ગુજરાતી દલિત વાણી (સાહિત્ય) પાસે ય તેનો એક વકીલ છે – દલપત ચૌહાણ ! જો કે મને એમને ગુજરાતી દલિત સાહિત્યના પ્રવક્તા કહેવાનું વધુ પસંદ પડે છે !

‘ગુજરાતી દલિત સાહિત્ય એ ગુજરાતી સાહિત્યનો હિસ્સો છે, શાખા છે, ગુજરાતી સાહિત્યથી અલગ પાડીને તેની માપણી કરવી યોગ્ય નથી. હા, તેના માનદંડ – માપદંડ જુદા હોઈ શકે અને આ માપદંડો રચાઈ આવેલા સાહિત્યમાંથી આવકારવા કે સ્વીકારવા જોઈએ’ … “દલિત સાહિત્ય એ ફક્ત નકાર કે વિદ્રોહનું સાહિત્ય નથી. દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં ઉમેરણ કરે છે, સંવર્ધન કરે છે, ઉપરાંત તે ગુજરાતી સાહિત્યનું અવિભાજ્ય અંગ છે. દલિત સાહિત્ય એ યથાર્થનું સાહિત્ય છે. યથાર્થનું સાહિત્ય જીવન જેવું છે એવું જ એને ચિતરે છે, આલેખે છે' એમ અદલિત સાહિત્યકારોને તે કહી શકે છે, તેમ જન્મ દલિત અને લલિત ધારામાં ફંટાઈ ગયેલા પોતાના સર્જકોને ય સાચી વાત કહેવાનું ચૂકતા નથી.

‘આપણે એક વાત સ્વીકારવી પડે કે, મરાઠી કે હિન્દી સાહિત્યમાં જેઓ દલિત સાહિત્ય લખતા થયા તેમણે દલિત સાહિત્યને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. જ્યારે ગુજરાતી દલિત સાહિત્યમાં તદ્દન વિપરિત પરિસ્થિતિ સામે આવી. જૂની પેઢીના કેટલાક દલિત સાહિત્યકારો એવા છે, જે લલિત સાહિત્ય લખતા હતા અને હવે દલિત ધારામાં આવ્યા તે દૂધમાં અને દહીંમાં હાથ રાખે છે. એટલે કે તેમને દલિત સાહિત્ય પ્રત્યે પૂર્ણ પ્રતિબદ્ધતા નથી. ઉપરાંત કેટલાક દલિત સાહિત્યકાર એવા છે, જેમને પ્રતિબદ્ધતા જાળવવી નથી છતાં પોકારી પોકારીને પોતાનો દાવો રજૂ કરતા રહ્યા છે. તેમની વિચારપ્રણાલી, ધારણાઓ બહુ જ જટિલ અને ન સમજાય તેવી છે. તેમની વિચારધારા પ્રગતિશીલ, આંબેડકરવાદી, ગાંધીવાદી અને કલાવાદીઓનો ખીચડો છે. તેઓ લખવા ખાતર લખે છે. બીજી વાત ખાસ જાણવા જેવી છે કે ગુજરાતી દલિત સાહિત્યની આવનાર પેઢીઓમાં દલિત સાહિત્યકાર જણાતા નથી. અર્થ એનો એવો નથી કે દલિત સમાજમાં સાહિત્યકાર પેદા થવા બંધ થઈ ગયા છે. જરૂર સારા કવિ, વાર્તાકાર, નવલકથાકાર આવી રહ્યા છે, પણ તેઓ પોતાને મુખ્ય ધારાના સાહિત્યકાર તરીકે ઓળખાવે છે. તેમને ક્યારેક સમાજ યાદ આવી જાય તો લખવાની આવડતનો ઉપયોગ કરી, એકાદ વાર્તા – કવિતા લખે પણ ખરા, પછી જાણે દલિત સાહિત્ય પર ઉપકાર કર્યો હોય એમ પોતાના શ્રેષ્ઠત્વની ડંફાસો હાંકતા ફરે છે.”

“કેટલાક પોતાને દલિત સાહિત્યકાર કહેવડાવે ખરા, પરંતુ તેઓ પચીસ ટકા દલિત સાહિત્ય અને પંચોતેર ટકા અદિલત સાહિત્ય લખતા નજરે પડે છે. હવે તેમની અને તેમના સાહિત્યની મૂલવણી થાય કેમની? તેમની કૃતિઓમાં દલિત સાહિત્ય કેટલા અંશે પામી શકાય? તેમની કૃતિઓમાં અદલિત વિભાવનાઓ અવિનાભાવે જોડાયેલી હોય છે. કેટલાક દલિત સાહિત્યકારો કલાની અવધારણાઓ, માનદંડ લઈને જ સાહિત્ય રચે છે. તે કૃતિઓને મૂલવીએ તો શું પરિણામ આવે ?! પ્રતિબદ્ધતા વિનાનો સાહિત્યકાર કાયમ અવઢવમાં જ હોવાનો.'

તેઓ કહે છે : “જે સાહિત્યકારો (જન્મ દલિત) શિષ્ટ પ્રવાહમાં હતા અને તે પછી દલિત સાહિત્ય ધારામાં આવ્યા, તે સાહિત્યકારોએ તેમનું બધું સાહિત્ય દલિત સમાજ-વિભાવના-પરિવેશને ધ્યાનમાં રાખીને લખ્યું નથી. તેમણે જ્યારે જે લાગ આવ્યો તે લખ્યું, પરિણામે તેમનું બધું સાહિત્ય દલિત સાહિત્યને નામે ચઢાવવામાં આવે, તે બરાબર નથી. આનો વિગતે ફોડ પાડવો જોઈએ.”

*

ગુજરાતમાં દલિત સાહિત્યનો જુવાળ આવ્યો. ખૂબ લખાયું, નોંધપાત્ર લખાયું, ચર્ચાયું, પુરસ્કૃત થયું, વિદ્યાલયો – મહાવિદ્યાલયોમાં સ્થાન પામ્યું ને હવે – જેના આરંભના પૂરા પચાસ વર્ષ પણ નથી થયા ત્યાં તેનો વેગ ઘટતો જતો હોવાની – પ્રવાહ મંદ પડી રહ્યો હોવાની ચિંતા થવા લાગે, એ ગુજરાતી દલિત સાહિત્ય માટે સારા સમાચાર નથી.

જેમના ઉલ્લેખ વિના ગુજરાતી દલિત સાહિત્યની ચર્ચા થઈ નથી શકતી, તેવા દલિત સાહિત્યના પીઢ – ઘેઘુર વડલા સમા આ સાહિત્યકારના સર્જનકર્મની કૃતિલક્ષી ચર્ચાને સહેતુક – સભાનપણે મેં ટાળી છે. એ તો અન્યત્ર પણ વાંચી શકાશે.

મોજ, આનંદ કે માન-મરતબો મેળવવાના નહિ કિન્તુ વર્ણાશ્રમ – જાતિવાદના પાપે એક વિશાળ માનવસમુદાયને થઈ રહેલા અન્યાય, અત્યાચાર, અપમાન સામે પ્રતિબદ્ધતા – ફરજ – જવાબદારી સાથે કલમ ઉપાડી, આવા શોષિતોનો અવાજ બની તેમનામાં જાગૃતિ – ચેતના આણવાના આશયને દલિત સાહિત્યના મૂળભૂત સિદ્ધાંત રૂપે ઓળખી કાઢવામાં આવ્યો છે ત્યારે, ગુજરાતમાં એક યા બીજા કારણે દલિત સાહિત્યથી વિમુખ થયેલા, પ્રવર્તમાન સમયમાં સર્જનકાર્ય કરી રહેલા અને નવા આવનાર દલિત સર્જકોએ તેમની આ ચિંતાને પારખીને તેમણે કહેલ શબ્દોને ગંભીરતાથી લેવા પડશે.

મરાઠી દલિત સર્જકો મોટે ભાગે સીધી રીતે આંદોલન સાથે જોડાયેલા હોય છે, તેવું ગુજરાતમાં પણ છે કે કેમ? તેવા મારા સવાલના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું : “આ સાહિત્યકારોની મહત્તા તેની પ્રજા, સ્વીકાર કરનારાઓ પર અવલંબે છે. મરાઠી સર્જકને પ્રેમ-પ્રશંસા ને પૈસા મળે છે, જ્યારે ગુજરાતનો દલિત સર્જક ગાંઠના રૂપિયા ખર્ચીને પોતાનું સાહિત્ય છપાવે છે. છતાં હું એટલું જરૂર કહીશ કે નવલકથા, વાર્તામાં ગુજરાતી દલિત સાહિત્યનું જે ગજું છે, તે ભારતમાં ગમે તે ભાષા સાથે ખભેખભા મેળવી ઊભું રહી શકે તેવું છે. તેમાં બે-મત નથી. તેમણે કહ્યું : “આપણા ગુજરાતમાં આજ સુધીના જે દલિત સર્જકો છે તેમણે દલિત અત્યાચારને આલેખિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. દલિતો પર થયેલા નાનામાં નાના અત્યાચારથી માંડી મોટી હોનારતોને દલિત સાહિત્ય નજરઅંદાજ કરતું નથી. દલિત સર્જક અને દલિત અત્યાચારને જુદા પાડી શકાય નહિ. દલિત સાહિત્યના પાયામાં જ અત્યાચારની વેદના ધરબાયેલી છે. જેને જુદી પાડી શકાય નહીં.”

દલિત સાહિત્યજગતને કોઈ સંદેશ?! તો તેઓ બોલ્યા: ‘જ્યારે સમાજમાં પત્ર વ્યવહાર(પોસ્ટકાર્ડ)નો જમાનો હતો ત્યારે દલિત સમાજના લોકો પત્રના અંતે લખતા, ‘વાંચનાર સુખી રહો, સાંભળનાર સુખી રહો !’ મારે ય કહેવું છે કે, દલિત સાહિત્ય લખનાર સુખી રહો ! … પણ મારા અંતરની ઈચ્છા છે કે, દલિતો પરના આ સમગ્ર અત્યાચાર બંધ થાય, જેથી દલિતોએ દલિત સાહિત્ય જ લખવું ન પડે. “એ” પણ ફૂલોની કવિતા લખે. એ અર્થમાં એ સુખી રહે.

… અને છેલ્લે, એમની સાથેની મારી લંબાણ બેઠકોમાં મને એ ય જાણવા મળ્યું કે, ગુજરાતી દલિત સાહિત્યનો પૂરો ઇતિહાસ જાણતા દલપતભાઈ, તેમની ખુદની પંદર પેઢીનો પૂરો ઇતિહાસ પણ જાણે છે ! એમના વહીવંચા બારોટો પાસેથી એમણે એમના દાદા-પરદાદાઓનાં નામો જાણ્યા છે, તદ્અનુસાર તેમની તેરમી પેઢીએ દાદા રાજસ્થાનના ક્ષત્રિય રાજપૂત હતા. તેઓ ક્યારે વટલાયા અને દલિત થયા તેની સિલસિલાવાર વિગતો પણ અલબત તેમની પાસે ઉપલબ્ધ છે ! તેરમી પેઢીના પરદાદા માલોસિંહના દીકરા ઝેહોસંગ, તેમના પુત્રો-પ્રપોત્રો કમોસંગ, ખેંગારજી, ભીખુસંગ, પદમસંગ, અરજણ સંગ તે છેક નીચે ઉતરતી પેઢીએ દલપતભાઈના પિતા ધુળાભાઈ સુધીના વંશવેલાનો ઇતિહાસ (પેઢીઆંબો) પણ દલપતભાઈએ જતનથી જાળવ્યો છે.

મૂર્ધન્ય સર્જક – ઇતિહાસકાર – સંશોધનકાર કે.કા. શાસ્ત્રી પણ કહી ગયા છે કે આજના દલિતો એક સમયના ક્ષત્રિયો છે ત્યારે આપણે પણ દલપત ચૌહાણને દલસંગ ચૌહાણ તરીકે ઓળખીએ તો કેમ ?!

(પ્રગટ : "ગુજરાત" દીપોત્સવી – 2077 અંકમાંથી સાભાર; પૃ. 121-130)

‘છાંયડો', પ્લોટ : ૧૬૮/૨, સૂર્યનારાયણ સોસાયટી, સેક્ટર-૨૧, ગાંધીનગરઃ ૩૮૨ ૦૨૪.

e.mail : natubhaip56@gmail.com

સંદર્ભ:

(૧) “ક્યાં છે સૂરજ ” (દલપત ચૌહાણ)

(2) ‘શબ્દભેદ' (દલપત ચૌહાણ)

(3) ‘ગુજરાતી દલિત સાહિત્યની કેડીએ’ (દલપત ચૌહાણ)

(4) ‘ગુજરાતી દલિત નિબંધ' (ભગીરથ બ્રહ્મભટ્ટ)

(5) નિસબત' – ૨૦૧૧ (ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન)

(6) ‘નિસબત' – ૨૦૧૩ (ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન)

(7)  ‘નિસબત’ – ૨૦૧૮ (ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન)

(8) ‘દુંદુભી' (દલપત ચૌહાણ – હરીશ મંગલમ્ – પ્રવીણ ગઢવી)

(9) ‘દલપત ચૌહાણનું ગુજરાતી દલિત સાહિત્ય ઐતિહાસિક પ્રદાન' (વૈશાલી આનંદ)

(10) ‘ગુજરાતી દલિત સાહિત્ય' (ડૉ. ભીખુ વેગડા)

(11)  ‘પ્રતીતિ' (મનોજ પરમાર – ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન)

(12) ‘અનન્ય' (સં.. હરીશ મંગલમ્, મધુકાન્ત કલ્પિત, અરવિન્દ વેગડા)

(13) ‘હયાતી' (દલિત સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર – વિશેષાંક) – ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી

(14) ‘હયાતી', “દલિત ચેતના”ના અંકો

(૧૫) “દલિત કાવ્ય સૃષ્ટિ” (સં. મોહન પરમાર)

(૧૬) ‘દલિતાયન' (વિવેચન સંગ્રહ -કેસર મકવાણા)

(૧૭) ‘વણબોટી વારતાઓ' (સં. – દલપત ચૌહાણ)

(18) ‘ભેલાણ’ (વાર્તાસંગ્રહ – દલપત ચૌહાણ)

(19) ‘શબ્દે બાંધ્યો સૂરજ' (સં. ચંદુ મહેરિયા, દલપત ચૌહાણ)

(20) ‘સૂરજમુખી’ વિશેષાંક (પ્રત્યાયન સાહિત્ય વર્તુળ – ધોળકા).

(૨૧) ‘સમાજમિત્ર'ના વિવિધ અંકો

(૨૨) દલપત ચૌહાણનું સાહિત્ય સર્જન

(૨૩) દલપત ચૌહાણ દ્વારા લખાયેલા અને તેમના પર લખાયેલા વિવિધ લેખો

(૨૪) દલપત ચૌહાણ સાથે રૂબરૂ મુલાકાત.

Loading

22 October 2021 admin
← આ તે કેવું ન્યાયતંત્ર જેનો વર્ષો સુધી દુરુપયોગ થાય, ને કોર્ટ ચૂપ રહે
અર્થઘટનપરક વિવેચનાત્મક વિધાનો (4) : ઇન્ટરપ્રીટેટિવ સ્ટેટમૅન્ટ્સ : →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved