આજકાલ જે પ્રકારે એવું જાણવામાં આવે છે કે તાપમાન ચાળીસ ડિગ્રી છે કે પછી આ તાપમાન સતત સવાર, બપોર અને સાંજ બદલાતું રહે છે તેવી જ રીતે જનમાનસનાં આક્રોશને કેવી રીતે માપવો તે પણ એક પ્રશ્ન છે કારણ કે તે માપવા માટેનું કોઈ સાધન જ નથી. અને આજકાલ આંદોલન પણ પ્રાયોજિત થવા લાગ્યાં છે. આજ સુધી એ ઉકેલ જાણવા નથી મળ્યો કે અન્ના આંદોલનનાં સમયે ત્યાં હાજર લાખો લોકોના લંચ પેકેટ્સની વહેંચણી કોણે કરી અને તેનો ખર્ચ કોણે ઉઠાવ્યો. ભ્રષ્ટાચાર વિરોધી જયપ્રકાશ નારાયણનાં આંદોલનનાં પ્રાયોજક કોણ હતા, તેની પણ હજુ સુધી કોઈ ભાળ મળી નથી, પરંતુ, તે આંદોલને કેટલાક નેતાઓને જન્મ આપ્યો હતો અને તે પૈકી એક નેતા આજે ભ્રષ્ટાચારનાં આરોપ હેઠળ જેલમાં બંધ છે. આંદોલનોના ઇતિહાસમાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહનું સ્થાન મોખરે છે. પણ, આજકાલ હુલ્લડો કરાવવા કે પછી આંદોલન કરવું એ લગભગ એક જેવું જ થઇ ગયું છે. પરંતુ, હાલમાં દેશમાં જોવા મળેલ દલિત આક્રોશ પ્રાયોજિત નહોતો. રાષ્ટ્રીય કુંડળીમાં દલિત દમન વર્ષોથી જોવા મળી રહ્યું છે.
ભારતીય ફિલ્મમેકર સત્યજીત રાયની, મુનશી પ્રેમચંદની વાર્તા આધારિત ફિલ્મ ‘સદ્ગતિ’માં દર્શાવવામાં આવ્યું છે કે એક ગામમાં લગ્નનું મુહૂર્ત નિકાળવા માટે આવેલ દલિતની પાસે એક બ્રાહ્મણ કઠોર પરિશ્રમ કરાવે છે, અને તે દરમિયાન જ્યારે તે દલિતનું મૃત્યુ થાય છે ત્યારે કઠોર પરિશ્રમ કરાવનાર એ બ્રાહ્મણને ચિંતા થાય છે કે આ દલિતના મૃતદેહને તેના આંગણાની બહાર કોણ કાઢશે? હિમાંશુ રાયની અશોક કુમાર અને દેવિકા રાની અભિનીત ફિલ્મ ‘અછૂત કન્યા’ એ એવી પ્રથમ ભારતીય ફિલ્મ હતી કે જેમાં ઉચ્ચ વર્ણનો નાયક એક અછૂતની સાથે પ્રેમ વિવાહ કરે છે. આ મહાત્મા ગાંધીનાં પ્રભાવકાળની ફિલ્મ હતી.
હવે જો આક્રોશનાં સંદર્ભમાં જોઈએ તો ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધ સત્ય’ એ આક્રોશના વિષય આધારિત સૌથી વધુ પ્રભાવશાળી ફિલ્મ હતી. અને તેમાં સાથે-સાથે યુવા આક્રોશને સત્યતાપૂર્વક રજૂ કરવામાં આવ્યો હતો. લોકપ્રિય પત્રકારત્વ આજે પણ એવું માને છે કે આક્રોશનાં વિષય આધારિત રજૂ થયેલ પ્રથમ હિન્દી ફિલ્મ એ અમિતાભ બચ્ચન અભિનીત ‘ઝંઝીર’ છે પરંતુ, આ ફિલ્મનો નાયક તો તેનાં માતાપિતાના ખૂનનો બદલો લઇ રહ્યો છે. તે સમયમાં રજૂ થયેલ અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મમાં બદલો લેવાની વાત છે, માટે તેને જનઆક્રોશ રજૂ કરતી ફિલ્મ માનવાનું કોઈ કારણ દેખાતું નથી. તેમાં જનઆક્રોશ નહિ પરંતુ ઉત્તેજના અને મનોરંજન જ જોવા મળે છે. ગોવિંદ નિહલાનીની ટેલીફિલ્મ ‘તમસ’માં દલિત આક્રોશ જોવા મળે છે, અને જ્યારે ‘તમસ’ ટેલિવિઝન પર રજૂ થવાની હતી, ત્યારે કેટલાક પ્રતિક્રિયાવાદીઓએ તેના ભાગ ત્રણ અને ચારને રજૂ નહિ કરવા દેવા માટેના ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ત્યારે જસ્ટિસ લેન્ટીને રવિવારે પણ અદાલત ચાલુ રાખી અને કુલ ચાર કલાકની ટેલીફિલ્મ ‘તમસ’ને રજૂ કરવા માટેની અનુમતિ આપી હતી.
દેશમાં તાજેતરમાં થયેલ દલિત આંદોલનની વિશેષતા એ રહી કે તે આંદોલનનો કોઈ નેતા નહોતો. સતત થઇ રહેલા અન્યાય વિરુદ્ધની આ એક સહજ પ્રતિક્રિયા હતી. દેશના ઘણા પ્રાંતોમાં દલિતોની હત્યાનો વિરોધ સ્વયંભૂ જોવા મળ્યો. દેશમાં નોટબંધી અને જી.એસ.ટી. વિરુદ્ધ કોઈ જન આંદોલન થયા નહિ અને જ્યાં પણ તેનો વિરોધ થયો ત્યાં તે વિરોધ ચતુરાઈપૂર્વક દબાવી દેવામાં આવ્યો. પરંતુ, દલિત આંદોલને શાસકપક્ષને આશ્ચર્યચકિત કરી નાખ્યો. ઉત્તરપ્રદેશનાં તમામ સરકારી ખાતાંઓમાં બાબાસાહેબ આંબેડકરનાં ચિત્રો લગાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ, આ પ્રકારનાં આદેશથી કોઈની માનસિકતા નહિ બદલાય અને આ સંદર્ભમાં કવિ નિદા ફાઝલીએ કહ્યું છે કે ‘ફોટાઓ બદલાતા રહે છે પણ, આખરે દિવાલ તો એ જ રહે છે’. દલિતો અને શોષિતો પ્રત્યેના સંકુચિત વિચારની દિવાલ આજ સુધી બદલાઈ નથી. આજકાલ ‘દલિત મિત્ર’ની છબી રચવામાં આવી રહી છે અને સરકારને એવું લાગી રહ્યું છે કે જાહેરાતોના માધ્યમ થકી તેઓ આ આંદોલનને દબાવવામાં સફળ થશે. એક આંકડા પ્રમાણે ગત કેટલાક મહિનાઓમાં દલિત વિરુદ્ધ અન્યાયના ચાળીસ હજાર જેટલા બનાવો આપણા દેશમાં જોવા મળ્યા છે. દેશમાં દલિતોની વસ્તી ચૂંટણીમાં અસર પાડવા માટેની પૂર્ણ ક્ષમતા ધરાવે છે.
પ્રકાશ ઝાની ફિલ્મ ‘દામુલ’માં દલિતોને મતદાન નહિ કરવા દેવાની વાત છે. એક આંકડા પ્રમાણે દેશમાં દર 18 મિનિટે દલિત પર અત્યાચાર થાય છે અને પ્રતિદિન ત્રણ દલિત મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. દેશમાં અનેક દલિત બાળકો કુપોષણનાં કારણે મૃત્યુ પામે છે. સરકારી શાળાઓમાં આજે પણ દલિત વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવે છે. વર્ષોથી દેશમાં દલિતો પરનો અત્યાચાર ચાલુ જ રહ્યો છે અને વર્ષો જૂની જડ માનસિકતા આજે પણ બદલાઈ નથી. એક દલિતને દેશનું સર્વોચ્ચ પદ આપવાથી કશું જ નહિ થાય, દેશમાં દલિતો પર થતા અત્યાચારો રોકવામાં આવે તો જ કશુંક થશે.
લગભગ ત્રણ વર્ષ પહેલાં મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ રજૂ થઇ હતી. જેમાં એક લોકગાયકની વાત છે કે જેના પર એવો આરોપ લગાવવામાં આવે છે કે તેનાં ક્રાંતિકારી ગીતો સાંભળીને એક દલિતે આત્મહત્યા કરી લીધી છે. પરંતુ, સત્ય એ છે કે ગટરની ગંદકી સાફ કરતી વખતે તે દલિતનું મૃત્યુ થયું છે. દલિત દમનની વાત રજૂ કરતી આ ફિલ્મ જોતાં દર્શકને એવું લાગે છે કે શું આ કોઈ અન્ય સદીનું સત્ય છે કે શું? ફિલ્મના પાત્ર એવા દલિત કવિને કાગળ અને કલમની જરૂરિયાત નથી કારણ કે, કવિતા તેના શ્વાસમાં છે. લાગે છે કે ફિલ્મકારે આ ફિલ્મમાં કવિના પાત્ર માટે સંત કબીરની પ્રેરણા લીધી છે. બિમલ રોયની સુજાતા પણ આ વિષય પર બનેલી એક મહાન ફિલ્મ છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે એક દલિત કન્યાનાં રક્તથી એક ઉચ્ચ વર્ગની મહિલાના પ્રાણ બચી જાય છે અને ત્યારે જ તેના પૂર્વગ્રહો સમાપ્ત થાય છે. દલિતો દ્વારા રચવામાં આવેલું સાહિત્ય પણ મહાન છે.
આ સિવાય ભારતીય સિનેમામાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય એમ બંને સ્તરે એવી ઘણી સામાજિક મુદ્દાઓને વણી લેતી ફિલ્મ્સ બની છે કે જેમાં દલિતો સાથે થતા અત્યાચારોની વાત રજૂ કરવામાં આવી હોય. જેમાં ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલની અંકુર, મંથન, આરોહણ અને અન્ય ફિલ્મ્સ, કેતન મહેતાની ભવની ભવાઈ, નાગરાજ મંજુલેની સૈરાટ, ફંડરી તેમ જ અન્ય આર્ટ ફિલ્મ્સના દિગ્દર્શકોનો સમાવેશ થાય છે. ૧૯૮૦ના દાયકામાં રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ(NFDC)ની ભાગીદારીમાં બનેલી ઘણી ફિલ્મ્સમાં દલિતો પર થતા અત્યાચારના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા અને તેમાં મોટા ભાગની ફિલ્મ્સમાં ગ્રામ્ય પરિવેશ મુખ્ય આધાર હતો. આ ફિલ્મ્સનું લિસ્ટ તો લાંબું છે પરંતુ, એક વાત ચોક્કસ છે કે સિનેમામાં વ્યવસાયિક કરતાં પ્રાદેશિક સ્તરે બનેલી ફિલ્મ્સમાં સામજિક મુદ્દાઓને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે.
અનુવાદ – નિલય ભાવસાર
e.mail : nbhavsarsafri@gmail.com