
બિપિન પટેલ
“આ બાપુજી તો જુઓ ?” સ્મિતાએ ત્રીજીવાર કહ્યું ત્યારે છાપામાંથી મોં બહાર કાઢીને અનંગે સ્મિતા સામે જોતાં, “બાપુજીનું શું છે પાછું ?“ પૂછ્યું.
કંઈ નહિ, આ તો એમનું વર્તન બદલાતું જાય છે.
અનંગે બાપુજીના રૂમના બારણા તરફ જોતાં કહ્યું, “હવે તો એ બારણું બંધ રાખે છે, કાયમ. ઘરમાં દેખાતા જ નથી. એમના રૂમના પાછળના દરવાજેથી આવ જા કરે છે. બાના ગયા પછી એમનો સદાયનો એકમાત્ર સાથી ડંગોરો પાસે ને પાસે રાખે છે.”
આ બંગલામાં રહેવા આવ્યાં કે બાપુજીએ વિશાળ ડ્રોઈંગરૂમમાં, દીવાલ ભરી દેતા સોફાના ડાબા છેડે જમાવી દીધી. ત્યારના સવારે બરાબર છ વાગે સોફામાં બેઠાં બેઠાં ઘડિયાળમાં જોયા કરે. નિવૃત્તિ પછી એમને સમયની એવી તથા નહિ, પણ સ્મિતા ક્યારે જાગે, ને ફળફળતી ચા મળે એની રાહ જોતા. એમને ખબર હતી કે સ્મિતા સાડા છ વાગે જ જાગે છે, તો પણ એકીટશે ઘડિયાળવાળી દીવાલ પરથી નજર ન ખસેડે. ટ્રાન્ઝિસ્ટર બાજુમાં હોય, સવારનું શહનાઈવાદન, સમાચાર, સમાચારમાં એમને એવો રસ ન પડે, ચીડાય, કારણ પેલા માણસનાં ગાણાં ગવાતાં હોય, પણ એમને ઓસ્ટ્રેલiયામાં ભારત સાથે રમાતી મેચની તાજાખબર જાણવી હોય. એ રેડિયો ન ચાલુ કરે, વખત છે ને સ્મિતા જાગી જાય ને આંખો ચોળતી ચોળતી ધબ ધબ નીચે આવે, ને અનંગ પણ એની પાછળ પાછળ આવી નાનકડું ભાષણ ફટકારે, “બાપુજી, જલસાથી સૂઈ રહેતા હો તો, હવે ક્યાં બસ પકડવાની છે; બાપુજી ?
બાપુજી, ત્રિકમલાલ વળતો જવાબ ન વાળતા, કારણ રહેતાં રહેતાં ટેવાઈ ગયા હતા.
એમનો અલાયદો રૂમ હતો, પણ આખો દિવસ સોફામાં એમના સ્થાને ઠબાવે. બપોરના વામકુક્ષી માટે અર્ધો કલાક એમના રૂમમાં જાય એ માપ.
ડ્રોઈંગરૂમમાં સ્મિતા અને બાળકોને ટી.વી. જોવું હોય તો ધીમેથી ત્રિકમભાઈને સૂચવે કે, એમને રસ નહિ પડે, એમના રૂમમાં જવા કહે.
ત્રિકમભાઈ બેઠાં બેઠાં જ કહે, “નહિ ગમે તો આંખો મીંચી દઈશ.” અનંગના મહેમાન આવે, સ્મિતાની બહેનપણીઓ આવે, પણ ત્રિકમભાઈ બુદ્ધની જેમ આંખો મીંચીને બેસી રહે.
પછી તો બાપુજી અને સોફાને ફાવી ગયું. ઘરનાં સહુ ટેવાતાં જતાં હતાં. અનંગ – સ્મિતાનાં મિત્રોની પાર્ટી હોય ત્યારે, “બધાંને મળીને મારા રૂમમાં જઉં” એમ કહી બેઠા રહે. જ્યારે એમનાં નસકોરાં બોલે ત્યારે સ્મિતા એમનો હાથ પકડી, “ચાલો, બાપુજી, મૂકી જાઉં, ત્યારે રોકડો જવાબ, “હું તો ઊંઘ્યો છું જ નહિ, મનન કરું છું. બધા પ્રહર જાગતો રહું છું. દેશની પરિસ્થિતિ જ એવી છે.”
બધાં આવી જાય, અને જગ્યા ખૂટે ત્યારે અનંગ અને એના મિત્રો ખભેથી પકડે કે તરત ડંગોરો લઇ ને બોલે, “આઈ કેન વોક એલોન,” પછી અસ્પષ્ટ બબડતા,
“સત્યાનાશ .. દેશનો દાટ … એના કરતાં જીવન” … એમ એમના રૂમમાં ગયા ને ધડામ દેતું એમનું બારણું બંધ થતાં, આ વિશ્વ સાથે એમનો સંવાદ તૂટી જાય.
લેન્ડલાઈન ફોન ડ્રોઈંગરૂમમાં હતો, ત્યારે એમના મિત્રો સાથે ઘાંટા પાડી પાડીને વાતો કરે. એ સતત પેલા માણસની વાતો કર્યા કરતા. એમના રૂમ બહારની દુનિયામાં, “ગાણું અધૂરું મેલ્ય મા”ની જેમ પેલો માણસ બધે જામતો જતો હતો.
એક દિવસ સવારે સ્મિતાએ અનંગના કાનમાં કંઇક કહ્યું, ને અનંગે બાપુજી પાસે જઈ બે હાથ જોડીને વિનંતી કરી, “આજે નગરપાલિકાના પ્રમુખ, આપણી પાર્ટીવાળા આવવાના છે.
– તારી પાર્ટી હોઈ શકે, મને એમાં ના ભેળવીશ.
– હા બાપુજી, એ આવે ને તમે કંઇક બોલી બેસો તો અમારા સંબંધોની પત્તર ઠોકાઈ જાય.
– તારી ભાષામાં પણ પાછલે બારણેથી હિંસા પ્રવેશી ગઈ છે.
– તમને મહેશભાઈના વગ – વસીલાની ખબર ન હોય એ સ્વાભાવિક છે. એ કામનો માણસ છે.
અનંગને સાંભળ્યા પછી પણ બાપુજી બેઠા રહ્યા. પાછા બોલ્યા, “મહેશ વળી ક્યારનો મોટો થઇ ગયો ? એ પણ પેલા માણસનું કતીલું જ છે. દેશ આખો આવાં કતીલાંથી ઉભરાઈ ગયો છે.
આન્યા અને રુચિર ‘કતીલું’ શબ્દ સાંભળી ખડખડાટ હસી પડ્યાં, ને પૂછયું, “એટલે શું દાદાજી ?”
– તમે રમાડતાં નથી, એ ગલુડિયું ? એ મોટાં થઈને ઘણે ભાગે ડાઘિયો થઈને રહે. પણ અત્યારનો વાસ્તો જુદો છે. પશુ, પંખી એમ સહુની પ્રકૃતિ બદલાઈ છે. હવે કતીલાં, કતીલાં જ રહે છે. હા, થોડા ડાઘિયા ફરે છે, આસપાસ ચોપાસ.
બંને બાળકો એકસાથે મોટેથી બોલી ઉઠ્યાં, “તો તો દાદાજી મજા પડી જાય. આખો દિવસ રમાડ્યા જ કરીએ !”
એટલામાં મહેશભાઈ આવી ગયા. દાદાને વંદન કરી એમની પાસે જ બેઠા. દાદાના હાથ વ્હાલથી પકડીને નગરપાલિકાએ કરેલાં અને હવે કરવાનાં કામોની યાદી આપી. એમની વાતોમાં ‘વિકાસ’ શબ્દ રણક્યા કર્યો. દાદાએ સહન થાય ત્યાં સુધી કર્યું. પછી આંચકા સાથે ઊભા થઇ ગયા, પગ આમતેમ થયા, ડંગોરો શોધવા ફાંફાં માર્યાં, આન્યાએ દોડીને, “Here is your walking stick” કહી એમના હાથમાં ડંગોરો પકડાવી દીધો. દાદાજી અર્ધા ધ્રુજતાં બોલ્યા, “I can stand straight…, શેનો વિકાસ, કોનો વિકાસ ?” મનમાં એક સાથે વંતાક, રીંગણાં શબ્દો ફૂટી નીકળ્યા, પણ હિંસક ન ગણાઈ જવાય તેથી આટલું બોલીને ચૂપ રહ્યા. મહેશભાઈ ભોંઠા પડી ગયા, અનંગ, સ્મિતા એમની પાસે દોડી ગયાં, “ચલો બાપુજી તમને લઇ જઈએ …”
– સહેજે ય નહિ, જુઓ હું ચાલ્યો, મારા રૂમમાં ચાલી જઈશ, તદ્દ દૂરે, તદ્દ દૂરે …
મહેશભાઈ, “બાકીની વાતો કરવા વળી પાછો આવીશ” કહી ગયા પછી અનંગ – સ્મિતા એકબીજાં સામે જોતાં બેઠાં ને અનંગે પૂછ્યું, “શું કહેતી હતી ?”
– તમે જૂની વાતો કાઢી મૂળ વાત ભૂલવાડી દીધી. થોડીવાર મૌન રહી, એ સફાળી જાગી હોય એમ સોફામાં ટટ્ટાર થઈને બોલી, “આજે સવારે ચા લઈને એમના રૂમમાં ગઈ ત્યારે બધી બારીઓના પર્દા પાડી દીધેલા. બારણાની ધારે ધારે કપડું ખોસી દીધેલું, બારીઓની ધારમાં પણ છાપાંની પાતળી સફાઈદાર પટ્ટીઓ ખોસેલી. પંખો એકની સ્પિડે ફરતો હતો, માત્ર ડિમલાઈટ હતી, મારા હાથમાં ટ્રે અને ચારેબાજુ અંધારું ઘોર. મારો પગ સહેજ લથડ્યો, દાદા વીડિયો પર ડિબેટ સાંભળતા હતા. મેં ગભરાઈને પૂછ્યું, “બાપુજી આમ કેમ અંધારે બેઠા છો ?”
– બહારે ય અંધારું જ છે ને ?
– બહાર તો બધે ઝગમગાટ છે !
-એમ ? મને તો ભળાતો નથી.
– બાપુજી, ઘડપણમાં કશું બરાબર ન દેખાય, બહાર અને અંદર.
– ‘તારું કામ પતી ગયું હોય તો જા,’ એમ કહી રીતસર કાઢી મૂકી. સાવ લાગણી વગરના થઇ ગયા છે. બહાર જતી મને પાછા કહે, ‘આજથી સાંજનું જમવાનું બંધ.’
– કેમ ?
– મન નથી થતું, પચતું પણ નથી.
– તે ઉકળાટ ઓછો કરો ને ? આપણા કહ્યે દુનિયા થોડી સુધરી જવાની ?
– તારી વાત સાચી છે. એક પા વહેતા વાવડાને રોકી શકે તો એક હિમાલય રોકી શકે. સામાન્ય માણસનું શું ગજું ?
અનંગની આંખો મીંચાઈ ગઈ હતી. સ્મિતાએ મોટા સાદે પૂછ્યું, “સાંભળો તો છો ને ?”
– હા, એકે એક શબ્દ. મને લાગે છે કે બાપુજીને એમના હાલ પર છોડી દેવા જોઈએ.
– એમ છોડી કેમ દેવાય ? લોકો મને સંભળાવે છે, ‘દાદાને ખરા તડકામાં, મધરાતે ચાંદનીમાં ચાલતા જોયા હતા.’ મારે કેટલાનું સાંભળવું ? ‘
– એમને સમજાવીને એમના રૂમના પાછળના દરવાજે તાળું મારી દે. બપોરે પણ મુખ્ય દરવાજો લોક રાખતી જા. ઘરમાં ભલે નાટક કર્યા કરે.
અનંગ અને સ્મિતાના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, સવારના સાડા આઠે આવી ગયા. એમણે ડો. પ્રતાપ મહેતાને સવારે નવ વાગે આવવાનું કહેલું. દાદાના અંધારા ઓરડામાં સ્મિતા એક બે વાર જઈ આવી. દાદા વીડિયો સાંભળતા રહ્યા. ત્રીજીવાર સ્મિતાએ એમને કહ્યું કે, “બાપુજી ડોક્ટર નવ વાગે આવવાના છે.:
– કેમ ?
– કંઈ તકલીફ હોય તો ડોક્ટર વાતચીત કરી સાજા કરી દે.
– પણ હું માંદો છું જ નહીં. નખમાં ય રોગ નથી. તમે બધાંએ પૂરી રાખ્યો છે, બાકી ઘોડા જેવો છું.
– તમે સાજા જ છો. ડોક્ટર સાથે વાત કરવામાં શું વાંધો ? મહેશભાઈના મિત્ર છે.
– આ મહેશ તમારો તારણહાર હશે, મારો નહીં. વીડિયો સાડા દસે પૂરો થાય પછી વાત.
– ત્યાં સુધી ડોક્ટરને બેસાડી રખાતા હશે ?
– ‘ઈટ ઈઝ યોર પ્રોબ્લેમ’ કહી મોબાઈલનું વોલ્યુમ વધાર્યું.
ડોક્ટર બરાબર નવ વાગે આવી ગયા. સ્મિતાએ અનંગને કહેલું, તેથી દાદાને બોલાવવા જવાની હિંમત ન કરી. મહેશભાઈએ ડોક્ટરને આજીજી કરી, “દાદાજી જિદ્દી છે.” “હાર્ડ નટ ટુ ક્રેક”, બોલી હસતાં હસતાં ડોકટરે ઊભા થઇ કહ્યું, “એમાં શું આપણે એમના રૂમમાં જઈએ.”
સંઘ દાદાના રૂમમાં પહોંચ્યો. દરવાજો ખોલતાં જ દાદાની આંખ મીંચાઈ ગઈ. ખુલ્લા બારણાના અજવાળામાં દેખાયેલા સ્વીચબોર્ડ પર જેવા ડોક્ટર સ્વીચ ઓન કરવા ગયા કે, દાદાએ ગર્જના કરી, “યુ કેન નોટ ટચ એની ઓબ્જેકટ ઓફ માય રૂમ, જેન્ટલમૅન.”
– પણ દાદા તમારી સાથે મૈત્રી કરતાં પહેલાં તમને ઓળખવા તો જોઈએ ને ?
– નોટ નેસેસરી.
– સારું, કહી ડોકટરે પહેલો પ્રશ્ન પૂછ્યો, “હાઉ આર યુ ?”
– બેટર ધેન યુ.
– તો પછી મને કેમ બોલાવ્યો ?
– મેં ક્યાં બોલાવ્યા છે ? કોણે બોલાવ્યા ? એમને પૂછો, કોની તપાસ કરવાની છે ?
– સારું દાદા, આપણે વાતો કરીએ.
– તમે જ દાદા લાગો છો ને મને દાદા કેમ કહો છો ?
– કેમ એમાં શું ખોટું છે ?
– એવરીથિંગ, એવરિવ્હેર ઈઝ રોંગ. સમથીંગ ઈઝ રોટન ઇન ધ સ્ટેટ ઓફ ડેન્માર્ક.
ડોકટરે અનંગને પૂછ્યું, “ દાદાનું અંગ્રેજી સારું છે. શું ભણ્યા છે ?
અનંગ જવાબ આપે તે પહેલાં દાદાએ જવાબ આપ્યો, “ બી. એ. ઇન ઇંગ્લિશ. “
– દાદા આટલી બધી નેગેટીવિટી સારી નહિ.
– યુ આર ટુ યંગ ટુ એડવાઈઝ મી. એની વે, માયસેલ્ફ ઈઝ ત્રિકમ કાનજીભાઈ જાકાસણિયા.
– હા, ત્રિકમભાઈ, એની પ્રોબ્લેમ ? આપણે સોલ કરી દઈએ.
તમે શું સોલ કરશો ? ચોમેર ગરીબી, ભૂખમરો, ધર્માંધતા, નફરત …. દાદાની છાતી દોડવીરની જેમ ધબકતી હતી, હોઠ શબ્દ વગર ફફડવા લાગ્યા. ડોળા ઉપર ચડી ગયા. ડોક્ટર સાથે સહુ ઊભાં થઇ ગયાં. સ્મિતા એમના બરડે હાથ હાથ ફેરવવા લાગી. બહાર જઈને ડોકટરે ધીમા અવાજે અનંગ સામે જોઈ કહ્યું, “એકાદ બે સીટીંગ કરી જોઈએ. ફરક નહિ પડે તો એડમિટ કરી દઈશું.”
ડોક્ટર ગયા પછી બધાં માથે મણનો ભાર હોય તેમ ક્યાં ય સુધી મૂંગાં બેસી રહ્યાં.
ડોકટરે સૂચના આપી હતી કે, આપમેળે, સ્મિતાએ ગુપ્તરીતે દાદા જે કંઈ બોલે એનું રેકોર્ડિંગ કરવા એક ડિવાઈસ લગાડી દીધી. એમના મિત્રો સાથેની વાતોમાંથી કંઇક મળી આવે તો ડોક્ટરને સારવારની દિશા સૂઝે.
ડોક્ટરની વિઝીટ પછી એમનો દરવાજો ખખડે તો કિ હોલમાંથી જોઈ, એમના માટે જમવાનું લઈને આવેલી સ્મિતા દેખાય તો બારણું ખોલે, એ થાળી મૂકે ન મૂકે ને બોલે, “તારું કામ પતી ગયું તો જા.” કોઈકવાર ખરાબ મૂડ હોય તો ફૂટાસ કહેતા ત્યારે સ્મિતાને બહુ ખરાબ લાગતું. એ અનંગ પાસે રડતી ત્યારે અનંગ સધિયારો આપતો, “એડમિટ કરીએ ત્યાં સુધી સહન કરી લે. એકવાર ડોક્ટરની દવા શરૂ થશે પછી બોલવા, હાલવા, ચાલવાના હોશ નહિ રહે.” સ્મિતાએ હતાશામાં ઉમેર્યું, “છોકરાંઓને પણ બારણું સહેજ ખોલીને કહી દે, “યોર ગ્રાન્ડપા ઈઝ યુઝલેસ, હેલ્પલેસ, હોપલેસ; જાઓ રમો, મજા કરો.” અનંગે એને સાંત્વન આપ્યું, “મને પણ ક્યાં પેસવા દે છે ? લટકામાં ઉમેરે, “ભળી જાઓ સમૂહમાં. વહેતા પ્રવાહમાં વહેવાની મજા જ કંઈ ઓર હોય છે. જાઓ, વત્સ જાઓ, શિવાસ્તે પન્થાઃ”
ડોકટરની પહેલી વિઝીટ પછી પંદર દિવસે અનંગ અને સ્મિતા રેકોર્ડેડ સી.ડી. લઈને ગયાં. આખા દિવસની વાતો નહિ, પણ એમણે સાંભળી સાંભળીને મહત્ત્વની વાતોનું અલગ ફોલ્ડર બનાવીને ડોક્ટરને સંભળાવ્યું: “આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં એવાં કલંકિત પ્રકરણો ઉમેરાઈ રહ્યાં છે, જે આવનારી પેઢીઓ માટે ક્ષોભ અને ગહન ચિંતનનો વિષય બની રહેશે ….”
ડોકટર પ્રતિભાવ આપે તે પહેલાં સ્મિતા ખુરશીમાં આઘીપાછી થતાં બોલી, “મારી જ સર્કિટો બળી ગઈ, તો સામેવાળાનું શું થયું હશે ?”
અનંગે ડોક્ટર સામે જોઈ, “સામે બાપુજી જેવી જ ખોપડી હશે, કેમ ડોક્ટર સાહેબ ?”
ડોકટરે એમનું ‘મહાભારત’નું જ્ઞાન તાજું કર્યું, “આવા લોકો સહદેવની જેમ અતિજ્ઞાનથી પીડાતા હોય છે. જ્ઞાનનો ભાર વધે એટલે ડિપ્રેશન આવે, ક્યારેક કેમિકલ લોચા પણ થાય. દાદાજી આ બંને સ્થિતિની વચ્ચે ક્યાંક ઊભા છે. તમે સમયસર ચેતી ગયાં તેથી દાદા બચી જશે.”
અનંગે એકાદ સ્પીચ સંભળાવવા પૂછ્યું ત્યારે ડોકટરે ‘હવે છેલ્લી’ કહ્યું ને અવાજ શરૂ થયો, “આ ઉન્માદને શું કહીશું ? આખા વિશ્વને એક ઉન્માદગ્રસ્ત, ક્રૂર સંહાર અને વેરની આગમાં ધકેલી સત્તાધારીઓ ટૂંકી દૃષ્ટિએ તાત્કાલિક નફા નુકસાનને ‘સ્ટ્રેટેજીક ગેઈન’ બતાવી, અમાનવીય વર્તનને આકાર આપી રહ્યા છે.”
ડોકટરે દાદાની ફાઈલ બંધ કરી, અનંગને આપતાં કહ્યું, “ધીસ ઈઝ ઈનફ ટુ ડિસાઈડ હિઝ કેસ.” સ્મિતાએ વચ્ચે ભજિયું તળ્યું, “બાપુજી સાથે વાતો કરતા એમના વહાલેશ્રીઓના જવાબોનું અલગ ફોલ્ડર બનાવ્યું છે, તે સાહેબને સંભળાવોને ?”
અનંગ અને ડોક્ટર એકસાથે બોલ્યા, “એની જરૂર નથી.”
સ્મિતા વહેલી હતી તેથી બાપુજીના રૂમનું બારણું ધીમેથી ખખડાવ્યું. થોડીવાર રહીને બારણું ખૂલ્યું. હવે સ્મિતા ટેવાઈ ગઈ હતી તેથી ચાની ટ્રે લઈને ટિપોય પાસે પહોંચી ગઈ. બાપુજીએ મોબાઇલમાં ચાલતા વીડિયોને અટકાવી આશ્ચર્ય વ્યક્ત કરતાં પ્રશ્ન કર્યો, “શું જગત વહેલું જાગી ગયું ? ના, ના હું ખોટો છું. જગત તો જાગેલું જ છે.”
– હા આજે અમે બંને વહેલાં જાગી ગયાં, તે થયું, તમને પણ વહેલી ચા આપી દઈએ. તમે તો વહેલાં જાગી જાઓ છો ને, બાપુજી ?
– અહીં ઊંઘે છે જ કોણ ?
– તો બાપુજી સાડા આઠે તૈયાર રહેજો.
– હું તો તૈયાર જ હોઉં છું. તમે બધાં ઉતાવળ કરજો.
– આઠ વાગે એમના રૂમનો દરવાજો ખખડ્યો. બારણું ખૂલતાં જ અજવાળાનો ધોધ ધસી આવ્યો. સ્મિતાની આંખો અંજાઈ ગઈ. અનંગે બાપુજીને મદદ કરવા હાથ લંબાવ્યો. એમણે ડંગોરો ઉઠાવીને બંનેને આગળ જવા, ડંગોરાથી જ ઈશારો કર્યો. બંને ચુપચાપ આગળ ચાલ્યાં. બાપુજી રાજાની જેમ ડંગોરો ઠપકારતા છટાથી આગળ વધ્યા. સોફામાં એમના નિશ્ચિત સ્થાને, રાજદંડ પકડ્યો હોય એમ ટટ્ટાર બેઠા. ચહેરો કડક પણ આંખોમાં મશ્કરી. સ્મિતા અને અનંગ બંને આડું જોઇને મંદ મંદ સ્મિત ફરકાવતાં હતાં, તે બાપુજીએ ત્રાંસી નજરે જોઈ લીધું હતું.
ત્યાં જ ‘લાઈફલાઈન’ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાયરન વગાડતી એમના બંગલાના દરવાજે આવીને ઊભી રહી. ડ્રાઈવર નીચે ઉતરી મોટેથી બોલ્યો, “ત્રિકમભાઈ કાનજીદાસ જાકાસણિયા ?” સ્મિતા – અનંગ હરખમાં બાપુજી પાસે દોડી ગયાં. સ્મિતાએ કહ્યું, “બાપુજી ચિંતા ન કરતા. થોડા દિવસમાં સારું થઇ જશે. “પણ બાપુજી ઊભા ન થયા.
અનંગે કહ્યું, “આ ભાઈ તમારી રાહ જોતો ઊભો છે.”
– કોની ?
– તમારી.
– થોડી વધારે રાહ જુઓ.
એટલામાં ‘સંજીવની’ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાયરન વગાડતાં, અગાઉ આવેલી એમ્બ્યુલન્સની પાછળ ઊભી રહી. એનો ડ્રાઈવર ગેઇટ પાસે ઊભા રહી બોલ્યો, “અનંગભાઈ ત્રિકમભાઈ જાકાસણિયા અને સ્મિતાબહેન અનંગભાઈ જાકાસણિયા, તમારે દાખલ થવાનું છે.” સ્મિતા અને અનંગ પહેલાં એકબીજા સામે અને પછી બાપુજી સામે જોઈ રહ્યાં હતાં. બાપુજીએ એમનો ડંગોરો મજબૂતાઈથી પકડી રાખ્યો. આ વખતે બાપુજી મૂછમાં હસતા હતા. બંને ડ્રાઈવરો પહેલાં એકબીજા સામે, પછી એ ત્રણેય સામે અને અંતે ગેઇટ તરફ જોતાં વિમાસણમાં ઊભા રહ્યા.
સમાપ્ત
e.mail : bipinthereader@gmail.com