દેશમાં કોરોનાએ માઝા મૂકી છે. ગુરુવારના આંકડા જોઈએ તો 24 કલાકમાં સવા લાખથી વધુ કેસ નોંધાયા છે અને 677નાં મૃત્યુ થયાં છે, એ સાથે અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 1,66,885 થયો છે. વિશ્વની વાત કરીએ તો છેલ્લાં વર્ષમાં ત્રીસ લાખથી વધુ અને થોડા મહિનામાં દસ લાખથી વધુ લોકો કોરોનાને કારણે મર્યાં છે. મધ્ય પ્રદેશમાં શનિ-રવિનું અને છત્તીસગઢના રાયપુરમાં 11 દિવસનું લોકડાઉન લાગુ કરાયું છે. પંજાબ, ગુજરાતમાં રાત્રિ કરફ્યુ લદાયો છે અને ઉત્તર પ્રદેશમાં રાત્રિ કરફ્યુ લાગુ કરવાનો અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્દેશ છે. વડોદરામાં મૃતકોનાં અસ્થિનાં પોટલાં ખડકાયાં છે ને તેને લેવા આવનારું કોઈ નથી, કોઈ આવે તો કયાં અસ્થિ કોનાં છે તે ઓળખી શકાય એવી સ્થિતિ નથી.
દેશમાં કોરોનાની બીજી લહેરમાં બાળકો, યુવાનો ને ગર્ભવતી મહિલાઓનો શિકાર થઈ રહ્યો છે એ દુ:ખદ ઉમેરો છે. ગુજરાતની વાત કરીએ તો એક દિવસમાં નવા 3,575 કેસ આવ્યા છે ને 22 લોકોનાં મોત થયાં છે. મંત્રીમંડળ માંદું ચાલે છે. મુખ્ય મંત્રીનો સ્ટાફ, શિક્ષણ મંત્રી પોતે, ભાજપી નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સુરતની સ્થિતિ તો વધારે ખરાબ છે. શહેરમાં 819 નવા કેસ નોંધાયા છે ને સિવિલ- સ્મીમેરમાં 970 દરદીઓની હાલત ગંભીર છે અને એ બંને હોસ્પિટલમાં જ 50થી વધુ મોત નોંધાયાં છે, જ્યારે તંત્ર દ્વારા 10ની જ પુષ્ટિ થઈ છે. સુરતની બે હોસ્પિટલમાં 50થી વધુ મોત થયાં છે, પણ આખા રાજ્યનો આંકડો તો 22નો જ છે. 6 એપ્રિલને રોજ રાજ્યે મૃત્યુ આંક 17નો બતાવ્યો હતો, પણ ગુજરાતનાં જ સાત મુખ્ય નગરોમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે 240નાં મૃત્યુ નોંધાયાની વાત છે. એથી ય વધુ ભયભીત કરનારી વાત એ છે કે માત્ર સુરતમાં જ સરેરાશ 240 મોત થાય છે ને સ્મશાન ઓછાં પડતાં મૃતદેહ બારડોલી લઈ જવા પડ્યા છે. સુરત દારુણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.
આંકડાઓમાં ન પડીએ તો પણ, દેશમાં કોરોનાની સ્થિતિ ખરેખર ભયાવહ છે. નક્કર હકીકત એ છે કે સ્મશાનમાં જ્વાળાઓ ઠરતી નથી ને સ્વજનોની આંખો સુકાતી નથી. તંત્રો ને સરકાર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ભરપૂર પ્રયત્નો કરે છે, પણ સ્થિતિ સુધરતી નથી એટલે 30 એપ્રિલ સુધી રાત્રે 8થી સવારે 6નો કરફ્યુ મહાનગરો સહિત વીસ શહેરોમાં લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્ન અને મેળાવડાઓમાં પણ સંખ્યા પર કાપ મૂકાયો છે. 10 એપ્રિલથી લગ્ન/સત્કાર સમારંભમાં 100થી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. કોઈ પણ કાર્યક્રમમાં 50થી વધુ લોકો શહેરમાં ભેગા નહીં થઈ શકે એવું સુરત પોલીસ કમિશનરનાં જાહેરનામામાં જણાવાયું છે. બધા પોલીસોની રજાઓ રદ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં વર્ગો બંધ છે, પણ સ્ટાફ બોલાવાય છે, સ્ટાફમાં ઘણા સંક્રમિત છે, મૃત્યુ થયાની પણ વાત છે. આ સાચું હોય તો થોડા દિવસ નોન- ટીચિંગ ને ટીચિંગ સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કરાવી શકાય. આ ઉપરાંત પણ અન્ય ક્ષેત્રોમાં જરૂરી ન હોય ત્યાં સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કરાવીને સંક્રમણની ચેન તોડવાની જરૂર છે. સંક્રમણની ચેઈન નહીં તૂટે તો આખા દેશે ન જોયેલું જોવાનું આવશે.
ગુજરાત હાઈકોર્ટે બે ત્રણ દિવસનો કરફ્યુ લાદવાનો નિર્દેશ સરકારને કર્યો હતો ને સરકારે 8થી 6નો કરફ્યુ લાદ્યો પણ છે, એટલે એવું નથી કે સરકાર કૈં કરતી નથી. મે મહિનામાં મુખ્ય મંત્રીના દીકરાના લગ્ન છે એટલે ત્યાં સુધી લોકડાઉન નહીં આવે – એવી અફવાનો સાહેબે રદિયો આપ્યો છે. એડવોકેટ જનરલે પણ સરકાર કરવાં જેવાં બધાં જ કામો કરે છે, એમ કહીને સરકારની આરતી ઉતારી. હવેનો જંગ લોકો અને કોરોના વચ્ચે છે એમ કહીને સાહેબે લોકો પર ઢોળ્યું કે માસ્ક નહીં પહેરે કે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવે તો લોકો જવાબદાર ઠરશે. એ સાચું કે સંક્રમણ વધ્યું એને માટે લોકો જવાબદાર છે જ, એનો બચાવ હોઈ ન શકે, એટલે જ તો લોકો મરે છે, સરકાર નથી મરતી, પણ એડવોકેટ જનરલને એ ખબર છે કે ગાંધીનગરની ચૂંટણી 18મીએ આવી રહી છે ને તેમાં રાજકીય પક્ષોનો પ્રચાર પણ ચાલે જ છે? એ પ્રચાર ગાઈડલાઇનનું પાલન કરીને થવાનો છે એની ખાતરી સાહેબ આપી શકે એમ છે? સવાલ તો એ પણ છે કે અન્ય મહાનગરોની ચૂંટણી સાથે ગાંધીનગરની ચૂંટણી યોજી શકાઈ હોત કે કેમ?
આમ તો અત્યારના સંજોગોમાં ચૂંટણી મુલતવી રાખવી જોઈએ, પણ ગમે તે થાય, દેશમાં ચૂંટણી ક્યાં ય રોકાવાની નથી. એ નક્કી છે કે લોકો જીવે કે મરે, કોઈ પણ ચૂંટણી, રાજકીય મેળાવડાઓ, વર્ષગાંઠની ઉજવણી, સ્થાપના દિનનો જલસો, રેલીઓ, રેલાઓ કૈં કહેતાં કૈં જ રોકાવાનું નથી. લોકો જવાબદાર ખરા જ, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને મોટેરા સ્ટેડિયમ પરની પ્રેક્ષકોની હાજરીએ ગુજરાતનો દાટ વાળ્યો છે એમાં જરા પણ શંકા નથી. એ સ્વીકારવાને બદલે નાયબ મુખ્ય મંત્રી એમ કહીને બાલિશ બચાવ કરે છે કે મહારાષ્ટ્રમાં તો ચૂંટણી કે ક્રિકેટ ન હતી તો ત્યાં કોરોના કેમ વકર્યો? એટલે સાહેબનું માનવું છે કે ગુજરાતમાં કોરોના વકર્યો તેને માટે ચૂંટણી કે ક્રિકેટ જવાબદાર નથી, મતલબ કે જે કારણો મહારાષ્ટ્રમાં જવાબદાર છે તે જ અહીં પણ છે. સાહેબે એ કારણો કયાં છે તે કહ્યું નથી, પણ એટલું કન્ફર્મ છે કે ચૂંટણી અને ક્રિકેટને લીધે કોરોના વકર્યો નથી. જો એ સાચું હોય તો મોટેરા સ્ટેડિયમમાં પાછલી મેચો પ્રેક્ષકો વગર રમાડવાનું શું કારણ હતું? ત્યારે પણ ભીડ કરીને કમાણી થઈ શકી હોતને ! જો સભા-સરઘસો ગાઈડલાઇન સાથે જ યોજાયાં છે તો તેમાં થયેલી હજારોની ભીડ સંદર્ભે એ પૂછી શકાય કે એ નિર્ધારિત સંખ્યા પ્રમાણે જ હતી? એ ભીડમાં હજારો લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર હતાં તે ગાઈડલાઇન્સ પ્રમાણે જ હતાં? એનો જવાબ હજાર ટકા ના છે.
સરકારનું હાથી જેવું છે. એના ચાવવાના ને બતાવવાના જુદા છે. જો હજારોની ભીડથી કોરોના ન ફેલાતો હોય તો એમ માનવું પડે કે એ એકલદોકલથી ફેલાય છે. એ જ કારણે તો જતાં – આવતાંને હજાર હજારમાં ખંખેરી લેવાય છે. પોલીસ પણ ખરી છેને ! આમ એકલદોકલને ખંખેરે છે એનાં કરતાં કોઈ રાજકીય રેલીમાં ચલણ ફાડવા માંડે તો હજારો ચલણ બુક પણ ઓછી પડે. પોલીસ ત્યાં હોય જ છે, પણ એણે એ જોવાનું હોતું નથી. કોઈ અંધને દેખતો કરી શકાય, પણ દેખતાને દેખતો કરવાનું મુશ્કેલ છે.
અત્યારે પશ્ચિમ બંગાળમાં ડાઘિયાઓ લડતાં હોય તેમ ચૂંટણી સભાઓમાં હોકારા – પડકારા થાય છે. નેતાઓ માને છે કે જ્યાં ચૂંટણીઓ છે ત્યાં કોરોના હોતો નથી. ત્યાં તો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ હોય તો ગુનો બને, એટલે હૈયે હૈયું દળાય એવી ભીડ એકઠી કરવામાં આવે છે અને છપ્પનની છાતી ફુલાવીને જાહેરાત કરાય છે કે અમારી સભામાં તો હજારોની જનમેદની ઊમટી પડી હતી, આવું કહેતા હોય ત્યારે નેતા બરાબર જાણતા હોય છે કે આ ગાઈડલાઇનની વિરુદ્ધનું જ છે, પણ સમર્થકો કો નહીં દોષ ગુસાઈ-ની જેમ મોટાને બધું માફ થઈ જાય છે. કોરોના કાળમાં રાજકીય સભાઓમાં કેટલા લોકો નભી જાય એવું કૈં નક્કી થયું નથી. એનો અર્થ એ કે એને માટે કોઈ નીતિ નથી.
આટલું ઓછું હોય તેમ હરિદ્વારમાં કુંભમેળો થવાનો છે. આ સો ટકા રોકી શકાય, પણ આપણી ધાર્મિકતા તેમ કરવા દે એમ લાગતું નથી. લાખોની ભીડમાં સંક્રમણ વધે એની ખાતરી હોય તો આવા ઉપક્રમો અટકાવવા જોઈએ. જો કે લોકોનો ઉત્સાહ જણાતો નથી એવું રેલવેનું કહેવું છે. એક તરફ લગ્ન કે મેળાવડાઓમાં ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવતી હોય ને ધાર્મિક કે રાજકીય ઉપક્રમો એનાથી મુક્ત રાખવામાં આવે એ બેવડાં ધોરણોનું સમર્થન કરે છે. આ યોગ્ય નથી.
હાલત એ છે કે સભાઓમાં ડાઘિયા લડે છે ને બીજી તરફ સ્વજન છોડી જતાં ડાઘુઓ રડે છે.
એક વાત સ્પષ્ટ છે કે સરકાર તેના કોઈ રાજકીય કાર્યક્રમોને કોરોનાને કારણે મુલતવી રાખવાની નથી. રાજકીય કાર્યક્રમો લોકોનો ભોગ લે તો તેની સરકારને ચિંતા નથી. લોકોને તે મારશે નહીં, પણ લોકો પોતાના કાર્યક્રમોને લીધે મરતાં હશે તો તે તેમાં કોઈ ફેરફાર નહીં કરે તે નક્કી છે, એટલે બચવું હોય તો લોકોએ જ બચવાનું છે. એક સારી વાત એ છે કે અમદાવાદ, રાજકોટ, મોરબીના કેટલાક વિસ્તારોમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકાર્યું છે. આ જ ઉપાય છે. સરકાર ભીડ કરવા માંગતી હોય તો ભલે કરે, લોકો જ ન જાય તો એનો કેટલોક પ્રભાવ પડે? રાજકીય પક્ષો લોકો ભેગા કરે ને ઉપરથી ટીકા કરે કે લોકો ભીડ કરે છે, તો લોકોએ એ ધંધો શું કામ કરવો જોઈએ? પ્રજાએ ભીડ કરતાં પક્ષોને ચોખ્ખું સુણાવી દેવું જોઈએ કે ભીડ કરનાર રાજકીય નેતાઓને તે મત નહીં આપે. જે જોખમ ઊભું કરે તે નેતા કેવી રીતે હોય? તેને મત ન આપીને પણ પ્રજા મતાધિકારનો ઉપયોગ કરી શકે, પણ સ્વયમ્ શિસ્ત કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે, કારણ આમાં જવાબદાર જ ભોગવે છે એવું નથી, સાવ નિર્દોષ પણ કોરોનાનો શિકાર થાય જ છે. કોરોનાને કારણે યુદ્ધ વગર પણ યુદ્ધથી મોટી ખુવારી આખા વિશ્વમાં થઈ છે. એ કેવું વિચિત્ર છે કે આ વિશ્વયુદ્ધ નથી, પણ પરિણામ તો યુદ્ધનાં જ આવી રહ્યાં છે …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ઍપ્રિલ 2021