
ચંદુ મહેરિયા
ગાંધીજી (૧૮૬૯-૧૯૪૮) તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન એક જ વાર કચ્છ ગયા હતા. એકવીસમી ઓકટોબર ૧૯૨૫થી ચોથી નવેમ્બર ૧૯૨૫ની બે અઠવાડિયાની તેમની દીર્ઘ કચ્છયાત્રાનું આ શતાબ્દી વરસ છે. ગાંધીજીએ ‘ કચ્છ કોઈ દિવસ જોયું નહોતું અને તે જોવાની ઇચ્છા’ હંમેશાં રહેલી. વળી સતત ભારતભ્રમણથી તેમનું શરીર નબળું પડી ગયું હતું. કચ્છયાત્રાના આયોજકોએ તેમનો પ્રવાસ ‘ઘોંઘાટરહિત તથા આરામભર્યો બનાવવાનું’ વચન આપ્યું હતું, તે આ પ્રવાસનું એક બાહ્ય પ્રયોજન હતું. ૧૯૨૫ અને ૧૯૨૭ના બે વરસોનો ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો અને સમાજિક સુધારા માટે સવિશેષ ઉપયોગ કર્યો હતો. એટલે કચ્છયાત્રાના વાસ્તવિક ઉદ્દેશો – દેશબંધુ રેંટિયા સ્મારક માટે દાન મેળવવું, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા, સ્વચ્છતા, ગોસેવા, વૃક્ષારોપણ અને જતન ઉપરાંત પ્રજાજીવનમાં રાષ્ટ્રીય પ્રવૃતિ માટે નવચેતન આણવું તથા રાજતંત્રને સજાગ કરવું – વગેરે હતા.
૧૯૨૫ના વરસમાં કચ્છમાં દેશી રજવાડાની રાજવટ હતી. મહારાઓશ્રી ખેંગારજી ત્રીજા કચ્છનરેશ હતા. તેમના તંત્ર અંગે પ્રજાએ ગાંધીજીને ઘણી ફરિયાદો કરી હતી. એટલે ગાંધીજીએ તેમના પ્રવાસમાં ફેરફાર કરીને મહારાવ રાજમાં હોય ત્યારે કચ્છ જવાનું ગોઠવ્યું હતું. કચ્છના શ્રેષ્ઠીઓ અને આગેવાનોએ મળીને પ્રવાસ ગોઠવ્યો હતો પણ ઔપચારિક રીતે ગાંધીજી કચ્છના રાજાના મહેમાન હતા અને રાજ્યે પણ તેમની સગવડો સારી પેઠે સાચવી હતી. રાજાએ ખુદની મોટર ગાંધીજીને પ્રવાસ માટે આપી હતી. બધા રસ્તા મોટર ચાલી શકે એવા નહોતા એટલે બળદગાડા, ચાડીકા, પાલખી, રેંકડો, મિયાનો, મછવો વગેરેનો ઉપયોગ કરવો પડ્યો હતો. રજવાડાએ રાજધાની ભુજમાં ગાંધીજીનો ઉતારો સંસ્કૃત પાઠશાળામાં રાખ્યો હતો. ગાંધીજીના સહયાત્રીઓમાં સરદાર પટેલ, મહાદેવભાઈ દેસાઈ, મુંબઈના સ્થાનિક યજમાનો અને બીજા થોડા લોકો હતા.
મહાદેવભાઈની ડાયરી, ગાંધીજીનો અક્ષરદેહ અને કચ્છ યાત્રા વિશેના બીજા લખાણોનું સંપાદન “કચ્છમાં ગાંધીજી”(સંપાદક – રમેશ સંઘવી)માં ગાંધીજીની કચ્છયાત્રાના વર્ણનો અને મૂલ્યાંકન વાંચવા મળે છે. યાત્રા પૂર્વે ગાંધીજીએ કચ્છવાસીઓ પાસે “અંત્યજ પ્રત્યેનો તિરસ્કાર સર્વથા નીકળી જવાની આશા” રાખી હતી. (નવજીવન, તા.૨૩.૦૮.૧૯૨૫) આ સંદર્ભમાં તેમની યાત્રાનું શતાબ્દી સ્મરણ કરવા જેવું છે.
ગાંધીજી અને સહયાત્રીઓ મુંબઈથી આગબોટમાં માંડવી આવ્યા હતા. એ સમયનું માંડવી મહાદેવભાઈના શબ્દોમાં ‘ભૂંડાભૂખ’ જેવું તો કચ્છ ઝાડ કે કશી છાયા વિનાનું, પરદેશથી કમાઈને વર્ષમાં એકાદ મહિનો આવતા ધનિકોના દૂરથી દેખાતાં ઊંચા મકાનોનું અને સૂકા ધૂળવાળા રસ્તાનું હતું.
ગાંધીજીની પહેલી જાહેર સભા ભુજની નાગરોની વાડીમાં હતી. સભાસ્થળે અંત્યજોને આવવા તો દીધા હતા પણ “ગાંધીજીની બેઠકની પાછળ એક ખૂણામાં દોરડાથી બાંધી લીધેલા એક ખંડમાં’ તેમને બેસાડ્યા હતા. આ જોઈને ગાંધીજી વ્યથિત થયા. તેમના ભાષણમાં તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું, “મને બોલાવી અંત્યજોનો અનાદર કરવો, એ તો મારો સખત અનાદર છે. હું અસ્પૃશ્યતાને ભારેમાં ભારે કલંક માનું છું. અંત્યજને પ્રાણસમા માનું છું. જ્યાં અંત્યજોનો તિરસ્કાર થતો હોય ત્યાં હું ઊભો ન રહી શકું.” આખરે સભામાં હાજર લોકોનો આભડછેટમાં માનતા અને ના માનતા એવા બે બાબતે હાથ ઊંચા કરાવીને ગાંધીજીએ મત લીધા અને પરિણામ? ગાંધીજીના શબ્દોમાં “સભાનો વધારે ભાગ ઇચ્છે છે કે અંત્યજોએ એમની આગળ કરેલી વાડ ન ટપવી જોઈએ” એટલે ગાંધીજીએ પોતાનું સ્થાન અંત્યજોને જ્યાં જુદા બેસાડ્યા હતા તેમની વચ્ચે લીધું અને બાકીનું ભાષણ પૂરું કર્યું.
ગાંધીજીની કચ્છની બાકીની સભાઓમાં આભડછેટમાં નહીં માનનારા બિનદલિતો સાથે દલિતો અને આભડછેટમાં માનનારા એવી જુદી બેઠક વ્યવસ્થા થતી હતી. કોટડા(રોહા)માં અંત્યજ શાળાની પાયા વિધિ ગાંધીજીના હાથે થઈ હતી. પરંતુ કોટડાની અંત્યજ શાળા એ રીતે નોખી-અનોખી થવાની હતી કે કોઈપણ અંત્યજેતર, શિક્ષક સુધ્ધાં, અંત્યજ બાળકને અડવાના નહોતા. અંત્યજ શાળાના ખાતમુર્હતમાં અંત્યજને આવવા દીધા નહોતા! સરદાર પટેલની સમજાવટથી આભડછેટમુક્ત શાળા થશેનું વચન લઈને ગાંધીજીએ શાળાનો પાયો નાંખ્યો પરંતુ દલિત બાળકો માટેની તે શાળા કદી બની નહીં. ૧૯૬૯ના ગાંધી જન્મશતાબ્દી વરસે ગાંધીજીની કચ્છયાત્રાના સ્થળોની રિવિઝીટ કરીને નારણદાસ ઠક્કરે લખ્યું હતું કે, “ગાંધીજીના હાથે થયેલું શીલારોપણ ફોક ગયું છે. કચ્છની પ્રજા માટે આ બાબત પ્રાયશ્ચિતના નિમિત્ત રૂપ છે.”
માંડવીમાં તો ગાંધીજી માટે ઉતારો અને સભાસ્થળ માંડમાંડ મળી શક્યું. જે એંસી વરસના શ્રીમંત સાધુએ સભા માટે પોતાની જગ્યા આપી હતી તેમને આયોજકોએ સભામાં દાખલ થવાના બે દરવાજા કે બે રસ્તા – એક અંત્યંજો માટે અને બીજો અંત્યજેતર માટે હશે – એવી શરતે મનાવ્યા હતા. દલિતો માટે સભાસ્થળે પ્રવેશવાનો દરવાજો શહેરની દીવાલ અને બ્રહ્મપુરી(સભાસ્થળ)ની દીવાલ વચ્ચેની શાશ્વત શૌચસ્થાન તરીકે વપરાતી ગલી હતી. ગાંધીજીને આ વાતની ખબર પડતાં ગાંધીજી અને તેમની સાથેના મહેમાનો દલિતો માટેના શૌચગલીના અતિ ગંદા રસ્તે જ સભામાં દાખલ થયા. આ વાતે સભાસ્થળના માલિક સાધુ નારાજ થઈને સભાસ્થળ તો છોડી ગયા. તેમની બ્રહ્મપુરી અભડાઈ ગઈ એટલે તેમના માણસોએ દલિતો પર લાઠીઓ વરસાવી. આખરે ગાંધીજીને સભા બરખાસ્ત કરવી પડી. બીજે દિવસે બહાર મેદાનમાં સભા કરવાનું જાહેર કર્યુ. આ સભામાં એક તરફ દલિતો અને બીજી તરફ બાકીના અને બંને વાડાથી અલગ ગાંધીજીનો માંચડો એવી વ્યવસ્થા થઈ હતી. ગાંધીજીને જે માનપત્ર અપાયું તેમાં ‘અસ્પૃશ્યતાનો અઘરો કોયડો અમે સમજ્યા નથી’ એમ લખ્યું હતું. સન્માન પત્ર પ્રમુખે ધ્રૂજતે હાથે ગાંધીજીના હાથમાં ઉપરથી નાંખ્યું હતું.
માંડવીથી મુન્દ્રાના રસ્તે ભુજપુરમાં સવારે સભા હતી. યુવાનો તે માટે ઉત્સાહી હતા પરંતુ ‘વડીલોને સભામાં અસ્પૃશ્યો આવે તે માન્ય નહોતું’ અને ‘અસ્પૃશ્યોના સગા ભાઈ કહેવાતા ગાંધીજીને સન્માનપત્ર પણ આપવું નહોતું’. એટલે ગાંધીજી સભાસ્થળે આવીને બેસી ગયા પણ કોઈ આવ્યું નહીં. આખરે દલિત વસ્તીમાં સભા થઈ હતી. મુન્દ્રાની સભામાં પણ દલિતોનો જુદો વાડો હતો અને તેમાં સભાના યોજકો સહિત ગામના એકેય બિનદલિત તો નહોતા જ દલિતો માટેની શાળાના શિક્ષક અને મુસલમાનો પણ નહોતા. આ સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે, ‘આજે મારી છાતીને ચીરો તો તમે જોશો કે એમાં રુદન ભરેલું છે કે ઓ જીવ, આ તે કેવો હિંદુ ધર્મ કે જ્યાં અંત્યજોની કોઈને કશી પડી નથી, આખા ગામમાંથી, અંત્યજોની વહારે ધાનાર એકપણ નથી!’. કચ્છની છેલ્લી સભા અંજારમાં થઈ તેમાં ગાંધીજીના આગ્રહે સ્વાગત સમિતિના સભ્યો દલિતો ભેળા બેઠા તો ખરા પણ ઘરે જઈને નહાઈ લીધું હતું.
કચ્છયાત્રામાં ગાંધીજીના સહયાત્રીઓ આભડછેટમાં માનતા નથી, એટલે તેમને દલિતોની જેમ પતરાળામાં જમવાનું આપવામાં આવતું હતું. યાત્રામાં સ્વયંસેવક તરીકે છેકથી સાથે રહેલા પાંચ નાગર યુવાનોને નાતબહાર કરવાનો ઠરાવ યાત્રા દરમિયાન જ થઈ ગયો હતો. બ્રાહ્મણો અને જૈનોની નાતે પણ તેમના નાતભાઈઓ યાત્રામાં જોડાઈને અભડાયા તે બદલ નારાજગી કે રોષ વ્યક્ત કર્યા હતા. માંડવીની સભાનું સ્થળ બ્રહ્મપુરી અભડાઈ જતાં તેનું શુધ્ધિકરણ થયું હતું. ગાંધીજીના એકાદ ઉતારે દલિતોને પ્રવેશબંધી હતી તો એક બે પછીથી ગંગાજળ અને ગો મુત્રથી શુદ્ધ કર્યા હતા.
ગાંધીજી યાત્રાના આરંભે ભુજ આવ્યા ત્યારે તેમના ઊતારે લોકોની ભીડ રહેતી હતી. પરંતુ અસ્પૃશ્યો વિશેના તેમના વિચારો અને વલણ પછી પાછા જતાં ભુજ આવ્યા ત્યારે ઊતારે કોઈ નહોતું. ગાંધીજીને મુંબઈના કર્ણાક બંદરેથી કચ્છ આવવા શેઠ કાનજી જાદવજીએ આગબોટ ભાડે રાખી હતી. પરંતુ પ્રવાસ પૂરો કરી તે જામનગર જવા નિકળ્યા ત્યારે તુણા બંદરે સ્ટીમરવાળાએ દોઢસો રૂપિયા ભાડુ માંગ્યું, ત્યારે તે આપનાર કોઈ નહોતું. અંતે ફાળાના જમા કરાવવાના બાકી નાણામાંથી તે ચુકવ્યા હતા.
ગાંધીજીની સો વરસ પહેલાંની બહુઉદ્દેશીય કચ્છયાત્રાને એકલા આભડછેટના મુદ્દે મૂલવતાં કહેવું પડે કે તેને સફળતા-નિષ્ફળતાની દૃષ્ટિએ તોલી ન શકાય. સદી પૂર્વેની ભારતીય સમાજની માનસિકતા આભડછેટના બદલાયેલા સ્વરૂપો જોતાં ચાલુ વર્તમાન કાળ લાગે છે. ગાંધીજીની કચ્છ્યાત્રાના પંચોતેર વરસો પછી કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપ પછીનું પુનર્વસન નાતજાતના ધોરણે જ થયું જ છે ને? કચ્છ આજે આભડછેટ મુક્ત કે દલિત અત્યાચારો મુક્ત છે તેવું કહી શકાય એમ નથી. જમીન સુધારાના વિવિધ કાયદાઓ હેઠળ જમીન વિહોણા દલિતોને મળેલી જમીનો પર માથાભારે તત્ત્વોના દબાણમાં કચ્છ જિલ્લો અવ્વલ છે. ૨૦૨૪ના વરસમાં અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદા હેઠળ દલિત અત્યાચારના નોંધાયેલા બનાવોમાં કચ્છ જિલ્લો એકથી દસમાં છે. અને દલિત હત્યામાં એકથી પાંચમાં છે. આભડછેટ અને ભેદભાવના મુદ્દે ગાંધી-આંબેડકરનું કામ કેટલું બાકી છે તે આ વિગતો પરથી સમજાય છે.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર ‘હે મુજ દુર્ભાગી દેશ’ને જે કહે છે તે જ આપણું અંતિમ શરણ છે ” તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઊભો છે, તેણે તારા જ્ઞાતિ અહંકાર ઉપર અભિશાપ ચોડી દીધો છે. જો તું બધાને નહિ બોલાવે, હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, અને તારી ચારેકોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ, તો તારે મૃત્યુ સમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે”.
e.mail: maheriyachandu@gmail.com