રાહુલ ગાંધીએ એના પિતાના કાતીલોને માફ કરી દીધા છે. "સદંતર માફ કરી દીધા છે," એવું રાહુલે ભાર દઈને કહ્યું, જેથી એનું વિધાન સંદિગ્ધ ના રહે. સિંગાપોરમાં ગયા સપ્તાહે IIMના સ્નાતકો સાથેની ગુફતેગુમાં રાહુલને અચાનક એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું તેમણે અને તેમની બહેન પ્રિયંકાએ તેમના પિતાના કાતીલોને જતા કર્યા છે? રાહુલ કહ્યું, "અમે અપસેટ અને ખિન્ન હતા, અને બહુ વર્ષો સુધી ગુસ્સામાં રહ્યાં હતા. પણ ખબર નહીં કેમ, અમે એમને માફ … ઇન ફેક્ટ, સદંતર માફ કરી દીધા છે."

રાહુલ ગાંધીની રાજનીતિ ગમે તે હોય, પણ આ વાત એનાથી પર, અને ગહેરી છે. તમને જેણે અન્યાય કર્યો હોય, હાનિ પહોંચાડી હોય, પીડા આપી હોય તેને માફી બક્ષવાનું ના તો સરળ છે, ના તો આપણા સ્વભાવ કે સંસ્કૃિતમાં. એનાથી વિપરીત, એ અન્યાયનો બદલો લેવાનું એકદમ જાયજ લેખાય છે. તમે બદલો ના લો તો જ એ અપ્રાકૃતિક કહેવાય. આપણી પૂરી વ્યવસ્થા વેરવૃત્તિની તરફદારી કરે છે. આપણો ઇતિહાસ વેરઝેરથી ભરેલો છે. આપણા ધાર્મિક પુરાણોમાં ન્યાય-અન્યાયની વાર્તાઓ છે.
જંગલમાં રહેતા માણસની નીજી લાગણીથી લઇને એણે બનાવેલી ધાર્મિક પરંપરા કે આધુનિક કાનૂની રસમમાં સજાની વ્યવસ્થા બુનિયાદી રીતે ઇન્તિકામની આક્રમક વૃત્તિમાંથી આવે છે. સદીઓ પહેલાં શેક્સપિયરે લખ્યું હતું, ‘તું મને ડંખ મારે તો મને લોહી ના નીકળે? તું મને ગુદગુદી કરે તો મને હસવું ના આવે? તું મને ઝેર આપે તો હું મરી ન જાઉં? અને તું મને અન્યાય કરે તો હું બદલો ન લઉં?’ માણસ તરીકે આપણે ભાગ્યે જ પ્રતિશોધની ભાવના સામે સવાલ ઉઠાવીએ છીએ. આપણને પીડા પહોંચાડે તેને તકલીફ આપવી એ આપણા માટે શ્વાસ લેવા જેટલું સ્વાભાવિક છે.
રાહુલ ગાંધીએ આ લાગણી, આ વૃત્તિને પડકારી છે, એટલે એની વાત કરવી જરૂરી છે. પોતાના પિતાના કાતીલોને જતા કરવાનો ભાવ આવે કેવી રીતે? એ જ જવાબને વિસ્તારીને એણે કહ્યું હતું, "આવી ઘટનાઓ બને ત્યારે તેમાં બહુ બધી વાતો-વિચારો અને પરિબળોનો ગૂંચવાડો થાય. મને યાદ છે મેં જ્યારે ટીવી પર (લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમના પૂર્વ વડા) પ્રભાકરનને ફર્શ ઉપર મરેલો જોયો ત્યારે મને બે અહેસાસ થયા હતા-એક તો મને એમ થયું કે, આ માણસને આ રીતે (ટીવી પર) અપમાનિત કરવાની જરૂર શું હતી. બીજું મને એની અને એનાં બાળકોની દયા આવી. મને થયું કે, આ બધા પાછળ અંતે તો એક ઇન્સાન છે, પરિવાર છે, રડતાં બાળકો જ છે ને."
માનવ સંસ્કૃિતમાં ક્રોધને સદાચારનો દરજ્જો અપાયેલો છે. આપણા તમામ ધાર્મિક અને ન્યાયિક કાનૂન દંડ આધારિત છે. આપણા, ઉચિત કે અનુચિત, તમામ યુદ્ધો પ્રતિશોધમાંથી આવે છે. આપણો સમાજ સૌથી કજિયાખોર અને મુકદમાબાજ છે. સાચા કે માની લીધેલા કોઈ પણ જખમ આપણે બર્દાશ્ત કરતા નથી. આપણે એના માટે 'પુણ્યપ્રકોપ' નામ પણ આપ્યું છે. આપણા ઈશ્વર, આપણા ગુરુ અને આપણા નેતાને આપણે કોપાયમાન જોઈએ છીએ, કારણ કે એ આપણા ગુસ્સાનું પ્રતીક છે.
આવા માહોલમાં કોઈને માફ કરવાનો ભાવ સમાજમાં પ્રચલિત ના હોય તો તેમાં આશ્ચર્ય નથી. એક્ચુઅલી, દયા, માફી, કરુણા એ આપણા સમાજમાં કમજોરી અને નપુંસકતાના ગુણ ગણાય છે. કોઈને મારવો એ વીરતા છે, એવું ઘરમાંથી જ શીખવાડવામાં આવે છે. આપણને ઈજા પહોંચાડનારને પ્રતિ-પીડા આપવાની લાગણી એટલી સશક્ત હોય છે કે, એમાં કરુણા ઢંકાઈ જાય છે. પણ સવાલ એ છે કે માફ કરવાની કરુણા એટલે શું? માફ કરવાને અન્યાયને ભૂલી જવા કે અન્યાયકર્તા સાથે મનમેળાપ તરીકે જોવામાં આવે છે. ઘણા લોકો માફી બક્ષવાના પક્ષમાં નથી હોતા કારણ કે એમને એમ લાગે છે કે, માફી આપવાથી આપણે અન્યાયને ઉચિત ઠેરવીએ છીએ, અને અન્યાયકર્તાને બીજા સાથે એવું કરવા પ્રોત્સાહન આપીએ છીએ.
માફીની આ સમજ ગલત છે, અને એને ગહેરાઈથી સમજવા જેવું છે.
હકીકતમાં આપણે જ્યારે આપણને હાનિ પહોંચાડનાર, પીડા આપનારને માફી કરીએ છીએ ત્યારે, નારાજ થવાનો, ગુસ્સે થવાનો, ફરિયાદ કરવાનો આપણો અધિકાર જતો કરીએ છીએ. આપણે આપણી જાતને અન્યાયના, ક્રોધના નકારાત્મક ઈમોશનમાંથી ઉગારવા ઇચ્છીએ છીએ એટલે કહીએ છીએ, "જા, તારા જેવું કોણ થાય?" આપણે એના જેવા થવા નથી માંગતા એ માફીનો મૂળ હેતુ છે.
માફી એટલે જવા દેવું, અંગ્રેજીમાં લેટ-ગો. એ બીજા માટે નથી, આપણા માટે છે. પ્રતિશોધની ભાવનામાંથી આપણે આપણી જાતને મુક્ત કરીએ તે માફીની સાચી વ્યાખ્યા છે. કોઈને માફ કરવાનો મતલબ એને અન્યાયની જવાબદારીમાંથી મુક્ત કરવો એવો થતો નથી; એનો મતલબ આપણે આપણને કડવાહટની કેદમાંથી મુક્ત કરીએ છીએ તે.
આપણી સાથે ભૂતકાળમાં જે થયું હતું તેના આક્રોશમાં જીવતા રહેવાનો ગેરફાયદો એ છે કે, એ આપણી અંદર પરિવર્તનમાં બાધા બને છે. વળતામાં, બદલાઈ નહીં શકવાની આ લાચારી આપણને જીવન પ્રત્યે નિરાશાવાદી બનાવે છે. જે થયું છે તે ના-થયું કરવાનું અશક્ય છે, પણ આપણી ઉપર એ ભૂતકાળનો જે સકંજો છે તેમાંથી મુક્ત થવાનું આપણા હાથમાં છે.
નફરત એ ભૂતકાળનો ભાવ છે. તમે કોઈની ઉપર ખફા છો કારણ કે એણે પાંચ વર્ષ પહેલાં કે પચ્ચીસ વર્ષ પહેલાં તમને અન્યાય કર્યો હતો. ક્રોધ તમને અતીતમાં રાખે છે. એમાંથી બહાર આવવા માટે તાકાતની નહીં, સભાન પ્રયત્નની જરૂર હોય છે. એ અર્થમાં માફી સેવા નહીં, સ્વાર્થ છે; એ તમે તમારા માટે કરો છો.
આફ્રિકન નેતા નેલ્સન મંડેલાએ ૨૭ વર્ષના કારાવાસ પછી એમને જેલમાં બંધ કરનાર લોકોને માફ કરી દીધા હતા. ૧૯૮૧માં તુર્કીશ હુમલાખોર મેહમેત અલી એગ્કાએ પોપ જ્હોન દ્વિતીયને ૪ ગોળીઓ ધરબી દીધી. પોપ ઈમરજન્સી ઓપરેશનમાં માંડ બચ્યા. બે વર્ષ પછી એ એગ્કાને જેલમાં મળ્યા, અને જે હાથે ગન પકડી હતી તેને પકડીને કહ્યું કે, મેં તને માફ કરી દીધો છે. મહાત્મા ગાંધીનું આખું જીવન માફીની બુનિયાદ પર ટક્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીએ ૧૯મી સદીના પછાત ભારતમાં સમાજ સુધારાનું કામ શરુ કર્યું ત્યારે બહુ લોકો એમના દુશ્મન બની ગયા હતા. એમાંથી એમના જ એક સહાયકે એમના આહારમાં ઝેર મિલાવ્યું હતું. સ્વામીને આ ખબર પડી તો એમણે એ સહાયકને નેપાળ ભગાડી મુક્યો, જેથી એનો જીવ બચી જાય.
આ બધાં મહાન પુરુષોનાં નહીં, મહાન પુરુષાર્થનાં ઉદાહરણ છે. કોઈને જતો કરવો એ ઈચ્છા, આયાસ અને સભાન વિકલ્પ છે. માફી સરળ નથી એટલે જ એના માટે જહેમત કરવી પડે છે. પ્રતિશોધ માણસની બુનિયાદી વૃતિ છે. જખ્મી માણસને એના જખ્મના સોર્સને ખતમ કર્યા પછી જ 'સારું' લાગે છે. પ્રતિહિંસા એ મગજનો ઓટોમેટિક રિસ્પોન્સ છે. હિંસા પાશવિક ગુણ છે, માફી માનવીય ભાવ છે. માફી ઓટોમેટિક નથી. એના માટે પ્રયાસ કરવો પડે છે. ઇતિહાસના આ લોકોએ એ પરિશ્રમ કર્યો હતો. એમણે જ્યારે એમને અન્યાય કરનારને માફ કર્યા હતા ત્યારે એમણે પોતાની અંદર પડેલા પ્રતિશોધના પશુને કહ્યું હતું, "જા, તારા જેવું કોણ થાય."
માફી હકીકતમાં આપણે આપણને જ આપેલી ગીફ્ટ છે.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 01 અૅપ્રિલ 2018
 

