
રાજ ગોસ્વામી
ઇઝરાયેલી ઇતિહાકાર યુવલ નોઆ હરારીના વૈશ્વિક બેસ્ટ સેલર પુસ્તક ‘હોમો સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’નો, આ લખનારે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તે નિમિત્તે થોડો અધિક અભ્યાસ કરતી વખતે, હરારીના ઇન્ટરવ્યૂમાં એક દિલચસ્પ વચન વાંચવામાં આવ્યું હતું: “મનુષ્યો તેમના પગ વડે મત જાહેર કરે છે. દુનિયાભરમાં મારા પ્રવાસ દરમિયાન અસંખ્ય દેશોમાં હું એવા અનેક લોકોને મળ્યો છું જેમને અમેરિકા જવું હોય, જર્મની જવું હોય, કેનેડા જવું હોય અથવા ઓસ્ટ્રેલિયા જવું હોય. થોડા એવા લોકોને પણ મળ્યો હતો જેમને ચીન કે જાપાન જવું હોય, પણ હું હજુ એકપણ એવા માણસને મળ્યો નથી જેને રશિયામાં સ્થળાંતર કરવાનું સ્વપ્ન હોય.”
સોવિયત રશિયામાં જન્મીને અમેરિકા સ્થળાંતર કરનાર કાનૂનવિદ્ય ઈલ્યા સોમિને કહ્યું હતું કે એક હુકૂમતમાંથી બીજા હુકૂમતમાં સ્થળાંતર કરવું (પગ વડે મત આપવો) એ રાજકીય સ્વતંત્રતાનું પ્રતિક છે. રશિયન સામ્યવાદી નેતા વ્લાદિમીર લેનિને, રશિયન ઝારની સેના છોડીને ભાગી રહેલા સૈનિકો અંગે કહ્યું હતું કે, “તેમણે તેમના પગ વડે મત વ્યક્ત કર્યો હતો.” અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને પણ આ વિચારનું સમર્થન કરતાં કહ્યું હતું કે પ્રતિકૂળ સ્થાનિક પરિસ્થિતિઓના ઉપાય તરીકે લોકોએ એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરવું જોઈએ.
કંઇક આવી જ રીતે, ભારતીય લોકો પગ વડે મત વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરમાં સમૃદ્ધિ અને ઇન્વેસ્ટમેન્ટના પ્રવાહો પર નજર રાખવાનું કામ કરતી સંસ્થા હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેનશનનું તાજું અનુમાન કહે છે વર્ષ 2023માં 6,500 કરોડપતિ ભારતીયો વિદેશમાં કાયમી સ્થળાંતર કરી જશે. ગયા વર્ષ કરતાં આ આંકડો થોડો ઓછો છે. 2022માં, કુલ 7,500 અમીર ભારતીયો વિદેશોમાં જઈને વસી ગયા હતા. દસ લાખ ડોલર જેટલી ઇન્વેસ્ટમેન્ટ ક્ષમતાવાળા લોકો ‘કરોડપતિ’ અથવા હાઈ-નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ (એચ.એન.આઈ.) ગણાય છે.
આટલી મોટી સંખ્યામાં સ્થળાંતર કરી જનારા દેશોમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. આ વર્ષે ચીન 13,500 અમીર લોકોને ગુમાવશે. ત્રીજા નંબરે યુ.કે. (3,200) અને ચોથા-પાંચમા સ્થાને (3,000ની સામે યુક્રેન યુદ્ધ પછી 8,500 સ્થળાંતર સાથે) રશિયા છે.
હેનલી એન્ડ પાર્ટનર્સમાં પ્રાઇવેટ ગ્રાહકોના ગ્રુપ હેડ ડોમિનિક વોલેકે કહ્યું છે કે, “તાજેતરની નિયમિત ઉથલપાથલોથી વિસ્થાપન આવ્યું છે – સલામતી, શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણમાં પરિવર્તન અને ક્રિપ્ટો કરન્સીની ઉપલબ્ધિ સુધ્ધાં જેવાં કારણોથી વધુને વધુ ઈન્વેસ્ટરો તેમના પરિવારોનું સ્થાનાંતર કરવાનું વિચારે છે.”
ભારતમાં ટેક્સ કાનૂન અને તેની જટિલતાઓના કારણે પણ કરોડપતિ ભારતીયો દેશમાંથી પલાયન થઇ રહ્યા છે. આ રિપોર્ટ આવ્યો તે પછી તરત જ ઇન્ફોસિસ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય ટી.વી. મોહનદાસ પાઈએ ટ્વીટ કરીને અમીરોના પલાયન માટે સરકારની નીતિઓને દોષી ઠેરવી હતી. તેમણે લખ્યું હતું કે નાણાં મંત્રાલયે હાઈ-નેટવર્થ વાળા લોકોનું જીવવાનું દુષ્કર કરી નાખ્યું છે.
એ ઉપરાંત, આઉટબાઉન્ડ રેમિટેન્સનો પણ એક મુદ્દો છે જેનાથી ભારતીયો તેમના ઇન્વેસ્ટમેન્ટને બીજા દેશોમાં લઇ જવા મજબૂર બન્યા છે. ભારતીય અમીર પરિવારોનાં પસંદગીનાં સ્થળ દુબઈ અને સિંગાપોર છે. તેના ગોલ્ડન વિઝા પ્રોગ્રામ, અનુકૂળ ટેક્સ તંત્ર, મજબૂત વ્યાપારી માહોલ, સુરક્ષા અને શાંતિ જેવાં પરિબળો તેમાં આકર્ષણનાં કારણો બન્યાં છે.
એસ.કે.વી. લો ઓફિસના સિનિયર એસોસિયેટ સુહેલ બુતાને ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ સમાચાર પત્રને કહ્યું હતું કે, “ભારતના સ્ટાર્ટઅપ સાહસિકો દુબઈ કે સિંગાપોર ઉડી રહ્યા છે તેનું એક મુખ્ય કારણ એ છે કે ત્યાં, ખાસ કરીને દુબઈમાં, ભારતની સરખામણીમાં સ્ટાર્ટઅપનો ટેક્સ ઘણો ઓછો આવે છે. દુબઈને ઘર બનાવાનું બીજું કારણ એ છે કે ત્યાં ઘરેલું/વાણીજ્ય પ્રોપર્ટીના લીઝ પર 5-10 ટકાનો જ ટેક્સ આવે છે.”
વિદેશ જવાનું આ વલણ નવું નથી. નવું એટલું જ છે કે તેમાં ઉત્તરોતર વૃદ્ધિ થઇ રહી છે. તેની પાછળ આર્થિક કારણો તો છે જ, સાથે સામાજિક કારણો પણ છે. અમીરોના પરદેશ સ્થળાંતરને ભારતીયોમાં પશ્ચિમ માટેની ઘેલછાના સંદર્ભમાં જોવું જોઈએ. 2021માં, ભારતીય મૂળના અમેરિકન પરાગ અગ્રવાલની ટ્વિટરના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (સી.ઈ.ઓ.) તરીકે નિમણૂક થઈ, ત્યારે ટ્વિટર પર જ એક મીમ વાઈરલ થયું હતું; તેમાં એક મધ્યમ વર્ગના ઘરની સ્ત્રી એક હાથમાં ચપ્પલ લઈને બીજા હાથે તેના બેરોજગાર દીકરાના વાળ પકડીને ગરજી રહી હતી, “ઉધર અગ્રવાલજી કા બેટા ટ્વિટર સી.ઈ.ઓ. બન ગયા, ઔર તુ બસ ડેઈલી ટ્વિટર પે બોયકોટ ધીસ ધેટ વાલા ટ્રેન્ડ ચલાતા હૈ.”
ભારતમાં હજારો-લાખો બેરોજગાર લોકો સોશ્યલ મીડિયા પર નફરતની રાજનીતિમાં વ્યસ્ત છે ત્યારે, અમુક ભારતીયો ચૂપચાપ વિદેશ જતા રહીને તેમનું ભવિષ્ય બનાવી રહ્યા છે તેની કડવી વાસ્તવિકતા આ જોકમાં હતી. જે દિવસે અગ્રવાલની નિમણૂક થઇ, તે જ દિવસે લોકસભામાં કેન્દ્ર સરકારે માહિતી આપી કે છેલ્લા પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ તેમનું નાગરિકત્વ ત્યજી દીધું છે. વિદેશી બાબતોના મંત્રાલયે એક લેખિત જવાબમાં કહ્યું કે સપ્ટેમ્બર 2021માં એક લાખથી વધુ ભારતીયોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું હતું. મંત્રાલયે કહ્યું કે 1,33,83,718 ભારતીયો વિદેશોમાં વસે છે. 2022માં, આ સંખ્યા 2,25,620 થઇ હતી.
આપણે એક તરફ વૈશ્વિક ટેક કંપનીઓમાં કેવી રીતે ભારતીયો સી.ઈ.ઓ. બની રહ્યા છે તેની ખુશી મનાવી રહ્યા છીએ, ત્યારે બીજી તરફ ભારતીયો તરીકે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણા શ્રેષ્ઠ લોકો શા માટે દેશ છોડી જાય છે. જે દેશની ઉત્તમ પ્રતિભા બહાર જતી હોય, તે દેશ કેવી રીતે મોટી સફળતા મેળવશે?
ભારતની આઝાદી પહેલાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લંડન જવાનું ચલણ હતું અને આઝાદી પછી ઘણા પ્રતિભાશાળી ભારતીય ડોકટરો અને એન્જિનિયરો ઉત્તમ જીવન-કારકિર્દીની તલાશમાં લંડન, યુરોપ અને પાછળથી અમેરિકા ઉપડી જતા હતા. તેના માટે બ્રેઈન ડ્રેઈન શબ્દ હતો. એ જાણે એક બીમારી હતી. આજે પણ એક ઉચ્ચ મધ્યમ વર્ગનાં ગુજરાતી છોકરા-છોકરીઓ લંડન, ન્યુયોર્ક, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જતા રહેવાનાં સપનાં સેવતાં હોય છે.
આઝાદી પછી ઘણા સમય સુધી વિદેશ જવું સામાજિક ગૌરવની નિશાની હતું. મોટાભાગનાં સંતાનો અને પેરન્ટસનું એ સ્વપ્ન રહેતું હતું, કારણ કે ભારત એ જીવન અને કારકિર્દી આપી શકતું ન હતું, જે બીજા દેશો આપી શકતા હતા, પરંતુ ૧૯૯૧ના ઉદારીકરણ પછી આપણે દુનિયાનું જે પણ શ્રેષ્ઠ છે તેને ભારતમાં આવકાર આપ્યો છે છતાં, બ્રેઈન ડ્રેઇનમાં રુકાવટ નથી આવી, તે એક વિચારવા જેવો મુદ્દો છે.
જાહેરમાં કોઈ એકરાર કરે કે ન કરે, ઘરની ચાર દીવાલોમાં બધાં એકબીજાને કહેતાં હોય છે કે, “આના કરતાં તો ફોરેન જતા રહેવું જોઈએ.” આપણા સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણની આ કરુણ વાસ્તવિકતા છે કે ભારતના એક સામાન્ય નાગરિકથી લઈને એક અમીર બિઝનેસમેનને વિદેશની ભૂમિ પર જે સુખ-સુવિધા અને શાંતિ દેખાય છે, તે ભારતમાં નજર નથી આવતી.
“સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા” એવું વર્ષમાં એકાદ બે પ્રસંગોએ બોલી લેવાથી દેશભક્તિનું સાર્વજનિક કેથાર્સિસ થઇ જાય એટલું જ, બાકી મોટાભાગના લોકો પહેલી ફ્લાઈટ પકડીને ન્યુયોર્ક જતા રહેવાની ફિરાકમાં હોય છે. તેમને ખબર છે કે ત્યાં તેમની મહેનત અને આવડતની કદર વધુ થાય છે. આવી ફિરાક સાધારણ લોકોને જ છે એવું નથી. ભણેલા-ગણેલા અને સાધન-સંપન્ન ભારતીયો પણ બહેતર ભવિષ્ય માટે પરદેશી બનવા તત્પર છે.
યુવલ નોઆ હરારીએ તેમના પુસ્તક ‘હોમો સેપિયન્સ’માં જ લખ્યું હતું, “પૈસો પૈસાને ખેંચે છે. ગરીબી ગરીબીને ખેંચે છે. શિક્ષણ શિક્ષણને ખેંચે છે અને અજ્ઞાન અજ્ઞાનને ખેંચે છે. જે લોકોને ભૂતકાળે પીડ્યા હતા તે ફરીથી પીડાનો ભોગ બનવાના છે, અને જેમને ઇતિહાસે સૌભાગ્ય બક્ષ્યું હતું તેમને ફરીથી સૌભાગ્ય પ્રાપ્ત થશે.”
આ એક વિષચક્ર છે જે સદીઓ સુધી ચાલતું રહે છે. ઇતિહાસની ફૂટપટ્ટી પર આવા ચક્રની ગતિ એટલી બહુ ધીરી હોય છે કે આપણને સ્થિરતાનો ભ્રમ થઇ જાય. સમાજો અને રાષ્ટ્રોને પાયમાલ થતાં કે સમૃદ્ધ થતાં સદીઓ નીકળી જાય છે, અને તેની શરૂઆત આપણા વર્તમાનમાં, આપણી આંખ સામે થતી હોય છે. એટલાં માટે જ, જેની પાસે દૂરંદેશી હોય તે જીતે છે, જે ‘સબ ચંગા હૈ’માં રાચે છે તે હારે છે.
લાસ્ટ લાઈન :
“બ્રેઈન ડ્રેઈન(નાળા)માં પડ્યું હોય તેના કરતાં બ્રેઈન ડ્રેઈન થઇ ગયું તે સારું.”
— રાજીવ ગાંધી
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 18 જૂન 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર