
રમેશ સવાણી
અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સામે ઇજારાશાહી / સત્તા / રાજદ્રોહ / ગુપ્તતા / સેન્સરશિપ / અશ્લીલતા / ધારાસભા-સંસદના વિશેષાધિકારો / કોર્ટનો તિરસ્કાર / વૈચારિક સરમુખત્યારશાહી / રુઢિચુસ્તતા / બદનક્ષી વગેરે અવરોધો છે.
સત્તાપક્ષના નેતાઓ / કોર્પોરેટ ઉદ્યોગ ગૃહોને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ગમતું નથી, કેમ કે તેમનો ભ્રષ્ટાચાર / ગેરરીતિઓ ખૂલ્લી ન પડે તે માટે તે ચિંતિત હોય છે. ઉદ્યોગ ગૃહો પાસે નાણા હોવાથી વકીલો રોકી શકે છે અને કોર્ટ સમક્ષ પત્રકારો / મીડિયા સામે બદનક્ષીનો દાવો કરીને, સ્ટે મેળવીને તેમને મૂંગા કરી શકે છે.
6 સપ્ટેમ્બર 2025ના રોજ દિલ્હી રોહિણી કોર્ટના સ્પેશિયલ સિવિલ જજ અનુજકુમાર સિંહે પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા / રવિ નાયર / અબીર દાસગુપ્તા / અયસકાંત દાસ / આયુષ જોશી અને વેબસાઇટ્સ paranjoy.In / adaniwatch.org / adanifiles.com.auને અદાણી એન્ટરપ્રાઇઝ વિશે બદનક્ષીકારક સામગ્રી પ્રકાશિત નહીં કરવા હુકમ કર્યો છે. પ્રકાશિત થયેલ સામગ્રી પાંચ દિવસની અંદર સોશિયલ મીડિયા પોસ્ટમાંથી દૂર કરવા આદેશ કરેલ છે.
અદાણી એન્ટરપ્રાઇઝ એ અદાણી ગ્રુપની મુખ્ય કંપની છે. અદાણી એન્ટરપ્રાઇઝે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે “પત્રકારો, કાર્યકરો અને સંગઠનોએ કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે અને તેના હિસ્સેદારોને અબજો ડોલરનું નુકસાન પહોંચાડ્યું છે. પત્રકારો અને કાર્યકરો ભારત વિરોધી હિતો સાથે જોડાણ કરી રહ્યા છે અને છૂપા હેતુઓ સાથે કંપનીની માળખાગત સુવિધાઓ અને ઊર્જા પ્રોજેક્ટ્સને સતત નિશાન બનાવી રહ્યા છે. તેમની દખલગીરીને કારણે વિકાસ પાછળ ધકેલાઈ ગયો છે. માનહાનિકારક કાર્યવાહીના કારણે પણ અદાણી ગૃપની બેલેન્સ શીટ્સ પર દબાણ આવ્યું હતું. ઉત્સર્જન અને ગ્રેટ બેરિયર રીફને નુકસાન અંગે સતત વિરોધને કારણે ધિરાણકર્તાઓ, વીમા કંપનીઓ અને એન્જિનિયરિંગ કંપનીઓ ડરી ગઈ હતી. અદાણી એન્ટરપ્રાઇઝની વૈશ્વિક પ્રતિષ્ઠાને કલંકિત કરવાના પ્રયાસોને કારણે ભંડોળ એકત્ર કરવાની તેની ક્ષમતામાં વારંવાર અવરોધ આવ્યો હતો.”
કોર્ટે કહ્યું હતું કે “જો અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા માંગવામાં આવેલી રાહતોને નકારવામાં આવે તો, કંપનીને વધુ પ્રતિષ્ઠાનું નુકસાન થશે.”
અફસોસ ! કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેર હિત દેખાતું નથી ! નાણાં હોય તો તમે સરકારી અધિકારીઓ / સત્તાપક્ષના અને વિપક્ષના નેતાઓ/ કોર્ટ / એક્ટિવિસ્ટો / ધર્મગુરુઓ / ફિલ્મ-ડાયરા કલાકારોને ખરીદી શકો છો ! પત્રકારોને પણ ખરીદી શકો છો. કેટલાંક ખરીદી શકાય નહીં તેવા પત્રકારોને બદનક્ષીના હથિયાર વડે કોર્ટના સૌજન્યથી ચૂપ કરાવી શકો છો ! જો કોર્પોરેટ કંપની સાચા રસ્તે ધંધો કરતી હોય તો પત્રકારો, કાર્યકરો અને સંગઠનો કઈ રીતે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન કરી શકે?
[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
09 સપ્ટેમ્બર 2025.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર