અર્થતંત્ર તો ક્યારનું ય નાજુક સ્થિતિમાં હતું અને કોરોનાને કારણે રાહત મળી. હવે સહુ કોઈ કોરોનાનો વાંક કાઢી શકે અને લટકામાં રાહત પણ મેળવી શકે. અત્યારે દુનિયાભરમાં જે ચાલી રહ્યું છે તેમ જ જે રીતે સરકારે અને રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાએ કેટલાંક પગલાં લેવાની ઘોષણા કરી છે, તેના પરથી સ્પષ્ટ લાગે છે કે હવે ભૂતકાળને ભૂલીને નવેસરથી શરૂઆત કરવી પડશે. આ તકલીફ લાંબી ચાલવાની છે. ચીન તો વુહાનને લૉક ડાઉન કરીને વિવિધ પગલાં દ્વારા આ વાઈરસને જેર કરી શક્યું. પરંતુ આપણા માટે તે મુશ્કેલ છે. પરીક્ષણની સુવિધાઓ વધે તો આપણે કદાચ વહેલા જાણી શકીએ.
નાણામંત્રીએ પૅકેજ જાહેર કરીને ગર્વ લીધો કે પ્રધાનમંત્રીની જાહેરાતના ૩૬ કલાકમાં જ તેમણે પૅકેજ તૈયાર કરી નાખ્યું. તેના વિશે એટલું બધું આવ્યું છે કે હું તેની વિગતમાં નથી જતો. એક જ બાબત નોંધવી છે કે રાબેતા મુજબ આ રૂ. ૧.૭૦ કરોડના પૅકેજનો કુલ સરવાળો અને તેનું બ્રેક અપ બંને જુદાં આવે છે. સાથે આ પૅકેજમાં તે માછીમારોને સદંતર ભૂલી ગયા જેમને અત્યારે દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે. તે બૅન્કના કર્મચારીઓ અને સ્થળાંતરિત મજદૂરોને પણ ભૂલી ગયા.
કોરોના કટોકટીની બીજી બાજુ
કૉર્પોરેટોએ તો ક્યારની વળતર અને ટેકાની માંગણી મૂકી દીધી. ફિક્કી, એસોચેમ સહિત તમામ મોટાં વેપારઉદ્યોગોનાં એસોસિયેશનોનાં સૂચનો લેવાયાં છે, પણ નાના કારખાનેદારો અને ઉત્પાદકોનાં નહીં. જો કે સરકાર જ્યારે મોટાં માથાંને વળતર આપશે ત્યારે તેમને પણ કંઈક તો ટૂકડો મળશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ખરેખર તો ટેકાની જરૂર છે. કારણ કે તે એવા ઉદ્યોગો છે જે રોજગારી પેદા કરી શકે છે, પરંતુ નોટબંધી પછી ખૂબ ખરાબ હાલતમાં આવી પડેલા છે.
તમામ લોકો એવી માગણી કરી રહ્યા છે કે જાહેર આરોગ્યના ક્ષેત્રમાં રોકાણ વધારવા સરકારે કંઈક કરવું રહ્યું. રૂ. પંદર હજાર કરોડ તો કંઈ જ ના કહેવાય. ખાનગી સંચાલકો માળખામાં કંઈ ખાસ વધારો નહીં કરે કારણ કે પાછળથી તે તેમને કંઈ કામ નહીં આવે. જો કે આ છ મહિનામાં તેઓ અઢળક નફો કમાવાના છે કારણ કે ખુદ સરકાર એવું કહે છે કે દેશમાં કુલ પથારીઓમાંથી ૬૪ ટકા ખાનગી હોસ્પિટલોમાં છે. બૅન્કો પણ તેમને હોંશે હોંશે લોન આપશે. વેપારીઓને અમુક સમય સુધી મુશ્કેલી વેઠવી પડશે. તેથી તેમને પણ સહાય મળવાની અપેક્ષા છે. ખેડૂતોને પણ સહાય મળશે, પછી ભલે તેમની જમીન ગીરવે મૂકાઈ ગઈ હોય. તેમને વધારાની ક્રૅડિટ પણ અપાશે. સેલ્ફ હેલ્પ ગ્રુપનાં બહેનોને પણ વધારે ક્રૅડિટ અપાશે, પછી ભલે તેમની પાસે રોકાણ કરીને વળતર મેળવવાનો કોઈ અવકાશ ન હોય. બેંકો પણ ખુશ થશે કે એન.પી.એ.ના નિયમો થોડા હળવા થશે અને ઉપરાંત અર્થતંત્રને બેઠું કરવા વધારે લોન આપવાની રહેશે. જાહેર સાહસોનું ખાનગીકરણ રોકાશે તો નહીં, પરંતુ ધીમું ચોક્કસ પડી જશે.
ખોટમાં રહેશે સ્થળાંતરિત મજદૂરો, માછીમારો, જેઓ પણ એક રીતે સ્થળાંતરિત જ ગણી શકાય અને ખેત મજદૂરો. તેઓ સહુથી વધુ અસરગ્રસ્ત છે. આશા કરીએ કે માધ્યમો તેમના સવાલ ઉઠાવે અને તેના કારણે તેમને કંઈક રાહત મળે.
બૅન્કના કર્મચારીઓ પર સહુથી વધુ દબાણ રહેવાનું છે કારણ કે તેમના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અઘરું છે. તેમને તો સરકારની યોજનાઓનો અમલ કરવાનો છે અને વધુ લોન આપવાની છે. યુવાન કર્મચારીઓ પર દબાણ સહુથી વધારે રહેવાનું. તેમાંનાં ઘણાં બધાં તો મા-બાપનાં એકનાં એક સંતાન હશે અને આવી પરિસ્થિતિઓથી ટેવાયેલાં નહીં હોય. તેમને કાઉન્સેલિંગ, ઈન્સેન્ટિવ, કામ અને અંગત જીવન વચ્ચે સમતુલા અને પ્રોત્સાહનની જરૂર પડશે.
અર્થતંત્રને બેઠું કરવાની મુખ્ય જવાબદારી બૅન્કો અને નાણાંકીય ક્ષેત્રો પર આવી પડવાની. તેમાં ય જાહેર ક્ષેત્રોની બૅન્કોએ અગ્રસર રહેવું પડશે. અત્યારે હવે સમય પાકી ગયો છે એ ચર્ચી લેવાનો કે આ બાબતનું કેવી રીતે સમાધાન કરી શકાશે. કાળજી રાખીએ કે તેમને કોરોનાની અસર ના થાય. પરંતુ સરકાર અત્યારે જ પગલાં લઈ શકે, બેંકિંગ ક્ષેત્રમાં સુધારા પર પુનઃવિચાર કરે અને અર્થતંત્રને બેઠું કરે.
[લેખક ઓલ ઇન્ડિયા બૅન્ક ઓફિસર્સ કોન્ફેડરેશનના ભૂતપૂર્વ મહામંત્રી છે.]
અનુવાદઃ ભાવિક રાજા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020